Get The App

''વિશ્વ હૃદય દિવસ'' એટલે હૃદય માટે ખીલેલું ઔષધોનું જંગલ...!

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

Updated: Sep 28th, 2019

GS TEAM

Google News
Google News
''વિશ્વ હૃદય દિવસ'' એટલે હૃદય માટે ખીલેલું ઔષધોનું જંગલ...! 1 - image


હૃદય વિશે સામાન્ય વ્યક્તિ વિશેષ જ્ઞાાન મેળવે એટલા માટે વિશ્વ હૃદય દિવસ ઊજવાય છે. જિંદગીભર ધબકતું હૃદય ઉંમરને કારણે ખોટકાય છે ત્યારે તેને દવાની જરૂર પડે છે. ક્યારેક સ્ટેન્ટ મૂકવાની તો ક્યારેક સર્જરીની જરૂર પડે છે.

હૃદયની સારવાર માટે અનેક નવાં ઔષધો બજારમાં આવ્યાં છે. ઘણીવાર દર્દી માટે યોગ્ય ઔષધ નક્કી કરવું ડૉક્ટર માટે મુશ્કેલ બની જાય છે. દવાઓની સીધી અસર અને આડઅસર વિશે પુષ્કળ સાહિત્ય વાંચવા મળે છે. એન્જાયના અને હાઈપરટેન્શન માટે વપરાતાં 'બીટા-બ્લોકર' ઔષધો અચાનક બંધ કરવામાં આવે તો હાર્ટએટેક આવી શકે અથવા હૃદયના મસલ્સ નબળા પડી શકે.

હૃદય નિષ્ણાતે તમારાં ઔષધો ધ્યાનથી પસંદ કરવાં જોઇએ. બજારમાં ડઝન બીટા-બ્લોકર, તેમજ બ્લેડ પ્રેસર માટે ૪૭ દવા અને લગભગ ૨૦ ડાયુરેટિક્સ મળે છે.

દર્દીએ ખૂબ અનુભવી કાર્ડિઓલોજીસ્ટ નક્કી કરી તેની પાસેથી સેવા લેતા રહેવું. ડોક્ટર બદલવાથી નવા ડોક્ટર અલગ સારવાર દેખાડવા માટે જૂના ડોક્ટરની દવા બદલે છે.

હૃદયની શસ્ત્રક્રિયા જોખમી છે પરંતુ નવી ટેકનિક સાથે તે કામ સરળ બન્યું છે. દવા લીધા પછી ફેર ના પડતા સર્જરી આવે છે. પરંતુ સર્જરી પછી પણ હૃદયની ગુણવત્તા જાળવી રાખવા માટે દવા તો લેવી જ પડે છે. દવાઓ હૃદય સાથે જોડાયેલી અનેક સીસ્ટમ સાથે કામ કરે છે. કેટલીક દવાઓ હૃદયનું કાર્ય નિયમિત રહે અને નિયમિત ધબકે તેને માટે હોય છે તો કેટલીક દવાઓ લોહીનો ગઠ્ઠો ના જામે તે માટે હોય છે.

દવાઓનું કામ કિડની સાથે પણ સંકળાયેલું હોય છે. કિડનીએ ઝેરી તત્ત્વો ફેંકવાનું કામ ચાલુ રાખવું જોઇએ.

કેટલીક દવાઓ નાઈટ્રેટસ, બીટા-બ્લોકર, કેલ્શ્યિમ ચેનલ એન્ટાગોનિસ્ટ જેવા સ્વરૂપે મળે છે જે હૃદય સાથે સંકળાયેલી હોય છે.

હૃદયને સ્વસ્થ રાખવા લોહી પણ તંદુરસ્ત હોવું જરૂરી છે. લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ જાળવવા માટે પણ 'સ્ટેટીન' દવાઓ આપવામાં આવે છે. જો કે આ દવાઓ બિઝનેસ માટે વિશેષ હોય છે એવાં સંશોધનપત્રો અમેરિકામાં રજૂ થયાં છે પરંતુ આપણે ડૉક્ટરની સલાહ મુજબ ચાલવું જરૂરી છે.

લિપિડ પ્રોફાઈલ, હેમોગ્રામ બ્લડ કમ્પ્લીટ, યુરિન કમ્પ્લીટ દર છ માસે કરાવતા રહેવું. નિયમિત ૪૦ મિનિટ ચાલવું. કસરત કરવી. પોષક તેમજ ઓછા મીઠાવાળો, ઓછા તેલવાળો આહાર લેવો. તનાવ દૂર કરવા યોગ અને આસનો કરવાં. આ બધી વસ્તુઓ દવા લેતા હો તો પણ જરૂરી છે. એટલે તેને દૈનિક ટાઈમ-ટેબલમાં ગોઠવી ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી છે.

દવાના જંગલમાં ક્યારેક ડૉક્ટર અને ક્યારેક આપણે મૂંઝાઈએ છીએ. દવાની સાઈડ ઇફેક્ટ દેખાય તો ડોક્ટરને જાણ કરવી. બીજી બદલેલી દવાથી રાહત મળી શકે. જો તમે જીવનશૈલી પર કાબૂ રાખશો તો દવાઓના જંગલમાં ભટકતાં બચી જશો. હેપી હાર્ટ ડે...!!

Tags :