કસરત માટેના સવાલ જવાબ
ફિટનેસ - મુકુંદ મહેતા
તમારી રોજની દિનચર્યામાં તમે ઘરમાં કે બહાર ચાલો, દાદર ચઢો કે ઉતરો, પથારીમાં સૂતા હો અને બેઠા થાઓ. ખુરશીમાં બેસો કે ઊભા થાઓ આ બધી જ ક્રિયા એક પ્રકારની કસરત કહેવાય
૧. કસરત એટલે શું ?
શરીરના અગત્યના અંગો હૃદય, ફેફસા, સ્નાયુ અને સાંધાની એકસાથે થતી ક્રિયા એટલે કસરત. તમે શરીરના સાંધા અને સ્નાયુને હલાવો તે વખતે તમારા સાંધા અને સ્નાયુને પ્રાણવાયુ (ઑક્સીજન) વાળી હવા આપવા ફેફસાને ફૂલવું પડે અને સંકોચવાની ક્રિયા કરવી પડે અને આ બધી જ ક્રિયા કરતી વખતે આ અંગોને શક્તિરૂપે લોહી આપવા હૃદયને વધારે ધબકવું પડે. આ બધી જ ક્રિયા એટલે કસરત. આમ જુઓ તો તમારી રોજની દિનચર્યામાં તમે ઘરમાં કે બહાર ચાલો, દાદર ચઢો કે ઉતરો, પથારીમાં સૂતા હો અને બેઠા થાઓ. ખુરશીમાં બેસો કે ઊભા થાઓ આ બધી જ ક્રિયા એક પ્રકારની કસરત કહેવાય.
૨. કસરત શા માટે કરવી જોઇએ ?
જો તમારે આખી જિંદગી શારીરિક રોગો અને માનસિક ઉપાધિઓનો પ્રતિકાર કરવાની ઇચ્છા હોય તો કસરત કરવી જોઇએ. માનવી જન્મ લે કે તરત રડે છે એટલેકે પહેલો શ્વાસ લે છે. પછી આખી જિંદગી તેને શ્વાસ લેવો પડે છે કારણ માનવીનું શરીર જેમ કારમાં પેટ્રોલ ના હોય તો ના ચાલે તે પ્રમાણે વાતાવરણની હવામાં રહેલા પ્રાણવાયુ (ઓક્સિજન) સિવાય જીવી શકતું નથી. શરીરના દરેક અંગોના અગણિત કોષોને જિંદગીભર કાર્યરત રાખવા માટે પ્રાણ ભરે છે માટે પ્રાણવાયુ કહે છે.
કસરતના પ્રકારો
૧. ચાલવું (વોકિંગ) ૨. ધીમેથી દોડવું (જોગિંગ) ૩. દોડવું (રનિંગ) ૪. તરવું (સ્વિમિંગ) ૫. ઘરની બહાર સાઇકલ ચલાવવી (આઉટડોર સાયકલિંગ) ૬. નૃત્ય કરવું (ડાન્સીંગ) ૭. યોગની બધા જ પ્રકારની ક્રિયાઓ જેમાં ૨૦ મિનિટ પ્રાણાયામ કરવાનો હોય અને આસનો કરવાના હોય. ૮. સૂર્ય નમસ્કારની કસરત. ૯. લાફિંગ ક્લબમાં કરાવવામાં આવતી કસરત. ૧૦. હેલ્થ ક્લબની કસરતો જેમાં ટ્રેડ મિલ પર ચાલવાનું, દોડવાનું, સ્ટેશનરી સાયકલ ચલાવવાની અને જુદા જુદા સાધનોથી (મશીન)થી કરવાની બધી જ કસરતો. ૧૧. સ્ટ્રેચિંગ જેમાં સ્નાયુને ખેંચવાની અને સંકોચવાની અને સાંધાને વાળવાની અને સીધા કરવાની ક્રિયા કરવી પડે છે. આ બધા જ કસરતના પ્રકારો છે.
કઇ કસરત સારી ?
૧. જે કસરત કરવામાં તમને કંટાળો ના આવે. ૨. જેમાં તમારો ૩૦ થી ૪૦ મિનિટથી વધારે સમય ના બગડે. સવારે, બપોરે કે સાંજે કે રાત્રે તમારી અનુકૂળતાએ કરી શકો. ૪. હોશે હોશે કરી શકો. ૪. એકલા કરી શકો. ૫. કુટુંબીજનો સાથે કે મિત્રો સાથે ગુ્રપમાં કરી શકો. ૬. જેમાં કોઇ ખર્ચ કરવો ના પડે. ૭. જેમાં કોઇ નુકસાન ના થાય. ૮. જેમાં તમને શારીરિક અને માનસિક બન્ને પ્રકારનો ફાયદો થાય. ૯. જે કરવાથી તમારું આયુષ્ય વધે. ૧૦. જેમાં કોઇ સાધન ના જોઇએ. ૧૧. જે તમે એકલા ઘરમાં કે બહાર પણ કરી શકો. ૧૨. જે તમે મોટી ઉમ્મર સુધી કરી શકો એ કસરત સારી. આ બધા જ વિકલ્પો પછી તમને જણાવું કે ''લાફિંગ થેરેપિ'' એટલે લાફિંગ ક્લબની કસરત સૌથી શ્રેષ્ઠ ગણાય.
તમે કસરત ના કરો તો શું થાય ?
૧. વારસાગત કોઇ રોગ ના હોય છતાં તમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બ્રેઇન એટેક (સ્ટ્રોક) આવે.
૨. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ઓછી થવાને કારણે વારે વારે બિમાર પડી જાઓ. દરેક જાતના રોગ થાય.
૩. તમારૂ હૃદય નબળું પડી જાય એટલે લોહીનું પરિભ્રમણ (સર્ક્યુલેશન) ઓછું થાય એટલે શરીરના બધા જ અંગો મગજ, લિવર, કિડની, હોજરી, આંતરડા, આંખો, કાન, ચામડી, સ્નાયુ અને હાડકાં વગેરે મોટી ઉમ્મર થતાં પહેલા નબળા પડી જાય ને તેમના કામ બરોબર ના કરી શકે.
૪. મગજને ઑક્સીજનવાળું લોહી પૂરતા પ્રમાણમાં નહીં મળવાથી મગજની એકાગ્રતા જતી રહે, યાદશક્તિ ઓછી થઇ જાય, ચક્કર આવે અને કોઇવાર ઘરમાં કે બાથરૂમમાં પડી જાઓ. અને કંપવા પણ થાય.
૫. લિવર નબળું પડે એટલે અનેક જાતનો શારીરિક પ્રોબ્લેમ થાય.
૬. કિડની નબળી પડે એટલે કિડનીના ને પ્રોસ્ટેટના રોગો થાય.
૭. હોજરી ને અને આંતરડાને લોહી ના મળે એટલે પાચનશક્તિ ઓછી થાય અને ખોરાકના તત્વો પૂરેપૂરા એબ્સૉર્બ ના થાય. ગેસ, એસિડિટી, ઉલ્ટી,ઊબકા, આફરો, કબજિયાત વગેરે ફરિયાદ થાય.
૮. લોહી ના મળે એટલે કાનની સાંભળવાની શક્તિ ઓછી થઇ જાય.
૯. આંખને પૂરતું લોહી ના મળે એટલે આંખે ઓછું દેખાય, મોતિયો, ઝામર અને રેટાઇનાના રોગો થાય.
૧૦. ચામડીને પૂરતું લોહી નહીં મળવાથી તમારા શરીરની ચામડી સુકાઇ જાય, કરચલી પડે અને તેના કારણે તમે તમારી ઉમ્મર કરતાં વધારે મોટા દેખાઓ એટલું જ નહીં પણ ચામડીના અનેક હઠીલા રોગો થાય.
૧૧. તમે કસરત નથી કરતાં એટલે શરીરના બધા જ સ્નાયુ અને સાંધા નબળા પડી જાય એટલે તમારી રોજની દિનચર્યા, બ્રશ કરવાની, સ્નાન કરવાની, જમવાની, અને ઘરમાં ચાલવાની ક્રિયા, પથારીમાંથી ઊઠવાની ક્રિયા, ખુરશી કે સોફામાં બેસવાની ક્રિયામાં શરીરને થોડું પણ આગળ કે પાછળ વળવું પડે તે વખતે તે તમામ સ્નાયુ ખેંચાઇ જાય અને ડોકીના, કમરના અને શરીરના બધા જ સ્નાયુમાં દુખાવો થાય.
૧૨. હાડકાં પોલા થવાની ક્રિયા (ઓસ્ટીઓપોરોસિસ) થાય અને હાડકાંમાં દુખાવો થાય. થોડી પણ ઇજામાં હાડકાં હાડકાં તૂટી (ફ્રેકચર) થાય. કમર વળી જાય. કમરમાં દુખાવો થાય.
૧૩. તમે નોકરી કરતાં હો કે ધંધો, કસરત કરવાનો સમય ના મળે એટલે નિયમિત કસરત નહીં કરવાને કારણે તમારું વજન વધી જાય. તેથી તમે તમારું કામ કરતા હો ત્યારે આળસ આવે, ઊંઘ આવે અને તમારૂ કામ બરોબર ધ્યાનથી ના કરી શકો અને ભૂલો થાય.
૧૪. તમારી જાતિય શક્તિ મોટી ઉમ્મર થતાં પહેલા ઓછી થઇ જાય.
૧૫. તમને ઊંઘ બરોબર ના આવે. તેથી દિવસના કામ બરોબર થાય નહીં.
૧૬. કસરતના અભાવે મગજમાં ''એન્ડોર્ફીન'' નામના હોર્મોન ઓછા ઉત્પન્ન થાય અને ''કોર્ટીસોલ'' નામના સ્ટ્રેસ હોર્મોન વધારે ઉત્પન્ન થાય તેને લીધે માનસિક તનાવ વધી જાય અને તમારો મૂડ બગડી જાય.
૧૭. તમારા શરીરનું મેટાબોલીઝમ (ચયાપચયની ક્રિયા) ધીમું પડી જાય તેને કારણે તમારો બેઝલ મેટાબોલિક રેટ ઓછો થઇ જાય એટલે તમારા શરીરમાં તમે ખોરાકમાં લીધેલી કેલરી વપરાય નહીં એને કારણે તમારા શરીર ઉપર ચારે બાજુ ચરબી બાઝી જાય અને તમારું વજન વધી જાય, શરીર બેડોળ થઇ જાય અને તમે જાડા દેખાઓ.
૧૮. તમારા લોહીમાં એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ વધે જેને લીધે લોહીની નળીઓમાં ચરબીના ગઠ્ઠા (પ્લેક) થાય એને કારણે બ્લડ પ્રેશર વધે અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધે. બ્રેઇન એટેક (સ્ટ્રોક) આવે.
૧૯. ચિંતા વધતી જાય અને તેને કારણે ડિપ્રેશન આવે.