Get The App

દિલની ગરીબી આ જગતને રણ બનાવી દેશે

કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Updated: Sep 28th, 2019

GS TEAM

Google News
Google News
દિલની ગરીબી આ જગતને રણ બનાવી દેશે 1 - image

'અમીરો પાસે ધનની સમૃદ્ધિ છે, જ્યારે ગરીબો પાસે સંવેદનાની સમૃદ્ધિ-આ સમૃદ્ધિ જ જગતને લીલુંછમ રાખી શકે. શ્યામલ અંકલ, તમારી કરુણા અને માનવતાને સલામ...

કૃતિકા ફોઈ કર્મેન્દ્રને કહે છે: ''અરે બેટા ! તું હજી સુધી તૈયાર નથી થયો ? આજનો દિવસ તો તારે માટે આશીર્વાદ સમાન છે. તારી મમ્મીના અવસાન પછી આ ઘર સૂનું થઈ ગયું છે ! ફરી આ ઘરમાં કોયલનો ટહુકાર અને ઝાંઝરનો ઝણકાર સાંભળવા મળશે. ફરી તારા પપ્પાના જીવનમાં ઉલ્લાસનાં અજવાળાં પથરાશે. ફરી તને હૂંફાળી ગોદમાં વાત્સલ્યથી ભીંજાવાનો મોકો મળશે. દીકરાનાં લગ્ન તો સર્વત્ર જોવા મળે, પણ બાપનાં લગ્ન માણવાનો મોકો તો કોઈક ભાગ્યશાળીને જ મળે. અને આ બધી ગોઠવણ માત્ર તારા અને તારા ખાતર થઈ રહી છે, એ વાત તારે ગળે કેમ ઊતરતી નથી ?''

કર્મેન્દ્ર મૌન છે.

કર્મેન્દ્ર નિરાશ છે.

કર્મેન્દ્ર હતાશ છે.

શિવેન્દ્ર કર્મેન્દ્રનો અભિન્ન મિત્ર છે. બન્ને મળે ત્યારે સુખ-દુઃખની વાતો કરી એકબીજાના દુઃખમાં ભાગીદાર બનવાની કોશિશ કરે.

કાલે રાત્રે જ કર્મેન્દ્ર અને શિવેન્દ્ર એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. કર્મેન્દ્રને ગમગીન રહેતો જોઈને શિવેન્દ્ર એને ''ફ્રેશ'' કરવા રેસ્ટોરન્ટમાં લઈ ગયો હતો.

વેઇટર શિવેન્દ્રને પૂછે છે: તમે કૉફીનો ઓર્ડર તો આપ્યો, પણ કેવી કોફી પીવાની તમને ગમશે એ તો કહ્યું નહીં ?

'મને કડક કોફી પીવાની આદત છે. નો શક્કર'- શિવેન્દ્રએ કહ્યું.

'અને સર, આપને ?' વેઇટરે ઉદાસ વદને બેઠેલા કર્મેન્દ્રને પૂછ્યું.

''મને કડક કોફી નહીં, પણ 'માઈલ્ડ' કોફી પસંદ છે, સહેજ ગળચટી. કડક અને કડવા ઘૂંટડા પી-પી ને તો હું કંટાળી ગયો છું... અહીં પણ મારે કડવાશ નથી માણવી. કડક કોફી મને કડવી લાગે છે. કર્મેન્દ્રે જરૂર કરતાં વધુ ચોખવટ કરી વેઇટરને વિમાસણમાં મૂકી દીધો....

''રેસ્ટારન્ટ કે હૉટલ, તાજા થવાનું, નિસાસા નાખવાનું, ચોકઠાં ગોઠવવાનું કે પેંતરાબાજી કરવાનું સ્થળ છે ? વેઇટર વિચાર કરે છે.'' હોટેલ કે રેસ્ટારન્ટ એટલે ચીતરેલા ચહેરાનું મ્યૂઝિયમ. મૌન પણ દંભી અને હાસ્ય પણ દંભી. અપાતાં વચનો પણ દંભી અને આંખમાંથી કૃત્રિમ રીતે વહેવડાવામાં આવતાં આંસુ પણ બનાવટી. અને વેઇટર તરીકે પોતે પણ અણગમતા ચહેરા તરફ મજબૂરીથી રેલાવવું પડતું સ્મિત ! હજી એવો કોઈ 'માઈનો લાલ' નથી નીકળ્યો કે પંચાવન વર્ષે લોકોની એંઠી ડિશો ઉપાડવાનું કામ લાચારીથી કરવું પડે. વેઇટર શ્યામલ મનોમન વિચાર કરે છે.

વેઇટરને શિવેન્દ્ર કહે છે: કોફી નિરાંતે લાવજે, ઉતાવળ નથી. કોફીનો સ્વાદ માણવા કરતાં મૈત્રીના આનંદનું મારે મન વધારે મૂલ્ય છે. - શ્યામલ હસતો-હસતો વિદાય થાય છે.

શિવેન્દ્ર કર્મેન્દ્રના ખભે હાથ મૂકીને પૂછે છે: ''કાલે તારા પપ્પા પુનર્લગ્ન કરવાના છે, એની મને ખબર છે. પણ દરેક પ્રશ્નને શ્રદ્ધાને બદલે શંકાની નજરે જોવાથી શો ફાયદો ? તું અઢાર વર્ષનો થયો, તારી જિંદગીનો નિર્ણય કરવાની તને સ્વતંત્રતા છે. પછી તારા પપ્પાના નિર્ણયથી આટલો બધો શું કામ દુભાય છે ? અને બધી જ સાવકી માતાઓ કાંઈ ખરાબ થોડી જ હોય છે !

કર્મેન્દ્ર થોડીવાર ચૂપ રહ્યો એટલે શિવેન્દ્રએ ટકોર કરી: 'હવે મૌનનાં મૃદંગ ક્યાં સુધી વગાડતો રહીશ ? હૈયાની વાત હોઠે લાવીશ તો હળવો થઈ શકીશ. મને લાગે છે તું 'કન્ફયુઝ'' છે. પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત તું ગુમાવી બેઠો છે.'

શિવેન્દ્રના આક્ષેપથી કર્મેન્દ્રનું સ્વમાન ઘવાયું. શિવેન્દ્ર પોતે કેવી જિંદગી જીવે છે, એની રજેરજની માહિતી કર્મેન્દ્ર પાસે હતી. શિવેન્દ્રના ઘરમાં પણ સાવકી માતાનું સામ્રાજ્ય હતું. સાવકી માતાનો સાવકા પુત્ર શિવેન્દ્ર પર ભારે ત્રાસ હતો. પરંતુ નવી પત્નીના રૂપના બંધાણી તેના પપ્પા પુત્રનો પક્ષ લેતાં ગભરાતા હતા. નવી મમ્મી કોઇપણ રીતે શિવેન્દ્રનો કાંટો ઘરમાંથી કાઢવા મેદાને પડી હતી.

શિવેન્દ્રને ખુશ રાખવા તેના પપ્પા ચોરી-છૂપીથી તેને પૈસા આપી દિવસ દરમિયાન ઘરની બહાર રહેવાની સલાહ આપતા. પરિણામે શિવેન્દ્ર વ્યસની બની ગયો હતો. મદ્યપાન કરતો, નિમ્નકક્ષાની ફિલ્મોનો આનંદ માણતો પણ બહારથી સુખી હોવાનો ઢોંગ કરતો.

કર્મેન્દ્રએ ઉશ્કેરાઈને કહ્યું: ''દોસ્ત, તારી બેવડી નીતિવાળી જિંદગી મને પસંદ નથી. કાં તો પરિસ્થિતિ સાથે સમાધાન કરી શરણાગતિ સ્વીકારો અથવા વિદ્રોહ કરો. તારામાં વિદ્રોહની શક્તિ નથી એટલે તું સમાધાનકારી વલણ અપનાવી સ્વચ્છંદતાના માર્ગને સુખ માની રહ્યો છે. જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ જુદો છે.

મારી સ્વર્ગસ્થ મમ્મી તૃષિતા વાત્સલ્યની મૂર્તિ હતી. એનો પ્રેમ મારા જીવનની શક્તિ અને મૂડી હતી. એની યાદને અંતઃકરણમાં હેમખેમ રાખી હું જીવવા માગું છું. મને ઉછીની લાગણી કે પ્રેમ ખપતાં નથી. હું માતા તરીકેનું સ્થાન બીજા કોઈને આપવા માગતો નથી. એ સંજોગોમાં નિરાશા સિવાય બીજો મારી પાસે વિકલ્પ પણ શો છે ?''

કર્મેન્દ્રની વાત સાંભળી શિવેન્દ્રને માઠું લાગ્યું: ''તારી મૈત્રી મારા દોષો પર કેન્દ્રિત હોય તો એ મને નથી ખપતી હું તારી માનસિક પીડામાં ભાગીદાર બનવા પ્રયત્ન કરતો હતો, ત્યારે તું મારા જીવનનાં પીડાકારક પ્રકરણો ઉકેલવા તૈયાર થયો ? મને લાગે છે તને કોઈ જ આશ્વાસનની જરૂર નથી. હું તો આ ચાલ્યો-'' કહી શિવેન્દ્રે ધૂઆં-પૂંઆં થઈ ચાલતી પકડી.

દૂર ઊભે-ઊભે વેઇટર શ્યામલ શિવેન્દ્રનું વરવું રૂપ જોઈ રહ્યો હતો. એના મનમાં પ્રશ્ન થતો હતોઃ આજકાલ મૈત્રી પણ કેવી બોદી થઈ ગઈ છે ! નથી એમાં સહિષ્ણુતા કે નથી મૈત્રીની શાન જાળવવાની ઉદારતા. નથી કૃષ્ણ પોતાના ધનિક મિત્ર કૃષ્ણને વફાદાર કે નથી ગરીબ સુદામા. સુદામા જેવા ગરીબ મિત્રને વફાદાર. દુનિયા અતિવિશાળ થતી જાય છે અને માણસનાં દિલ અત્યંત સાંકડાં થતાં જાય છે. એવા સાંકડા દિલમાં બીજાને સમાવવાની શક્તિ પણ ક્યાંથી હોય ? દિલની ગરીબી એ આ જગતને રણ બનાવી દેશે.

અને શ્યામલ કર્મેન્દ્રની ફરમાઈશ મુજબની કોફી લઈને આવે છે. પણ કર્મેન્દ્ર કહે છે: ''શિવેન્દ્ર મને રસ્તામાંથી જ પકડીને અહીં રેસ્ટોરન્ટમાં ખેંચી લાવ્યો હતો. મારી પાસે નથી પાકિટ કે નથી પૈસા. એટલે કોફી પી શકીશ નહીં.''

વેઇટર શ્યામલે કહ્યું: ''શેઠ, આપ રેસ્ટોરન્ટના મહેમાન છો, માત્ર શિવેન્દ્રભાઈના નહીં. મારે મન અહીં આવતો પ્રત્યેક મુલાકાતી મારો મહેમાન છે. આપનું બિલ હું ચૂકવી દઈશ. મેં તમારી અને મિ. શિવેન્દ્રની વાતચીત સાંભળી હતી. સાવકી માતા અંગેનો તમારો ડર....''આગળ બોલતાં શ્યામલ ગળગળો થઈ ગયો. એણે કહ્યું: ''રેસ્ટારન્ટ બંધ થવાનો સમય થઈ ગયો છે. તમે થોડીવાર બેસો, હું પણ તમારી સાથે થોડેક સુધી ચાલીશ, તમે ઇચ્છો તો તમારી સાથે વાતો કરી હૈયું હળવું કરીશ.''

કર્મેન્દ્ર જેને એક તુચ્છ વેઇટરની દ્રષ્ટિએ જોતો હતો, તેની મહાનતા જોઈ મનોમન તેનો આભાર માનવા માન્યો.

રેસ્ટોરન્ટ બંધ થયા બાદ શ્યામલ કર્મેન્દ્ર સાથે બહાર નીકળ્યો. બન્ને મૂંગા-મૂંગા ચાલતા હતા. રસ્તામાં મંદિર પાસે એક ઘટાદાર વડનું ઝાડ આવતાં શ્યામલે કહ્યું: ''અહીં થોડીવાર બેસીશું ? તમને ઘેર જવાની ઉતાવળ ન હોય તો !''

કર્મેન્દ્રને હવે ઘર 'પોતાનું' લાગતું નહોતું. એને ઘેર જવાની ઉતાવળ નહોતી. એનું મૌન જોઈ શ્યામલે કહ્યું: ''સાહેબ, તમારી પાસે બેઠેલો આ પંચાવન વર્ષનો શ્રમજીવી એક સમયે હાયર સેકંડરી સ્કૂલનો તેજસ્વી વિદ્યાર્થી હતો, એની તમે કલ્પના કરી શકો ? સાવકી માતાની નફરતનો ભોગ રામને બનવું પડયું હોય કે ધુ્રવને, અથવા કળિયુગના તમારી સામે બેઠેલા શ્યામલને, કહાણી જુદી જુદી પણ વીતક એક સરખા.''

''એટલે તમે પણ સાવકી માતાના ત્રાસનો ભોગ બનેલા છો, એમ ને ?''

''હા, સાવકી માતાનો ત્રાસ વધતો ગયો, પિતાને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશની ધમકીઓને વશ થઈ મેં ચૂપ રહેવાનું સ્વીકાર્યું....પણ મારી હાજરી નવી માતાને ખૂંચતી હતી. એક દિવસ મારા પિતાજી નોકરીની ફરજના ભાગ રૂપે ટુર પર હતા, તેનો લાભ લઈ સાવકી માતાએ પોતાની સોનાની ચેન મારા પેન્ટના ખિસ્સામાં મૂકી દીધી અને મારી પર ચોરીનો આરોપ મૂકી મને ઢોરમાર માર્યો. જાુઓ, આ બરડાનાં ચકામાં, સાવકી માતાએ મને દીધેલા ડામની એ નિશાની છે - ''કહેતાં શ્યામલ ધુ્રસકે-ધુ્રસકે રડી પડયો.

કર્મેન્દ્રએ તેને આશ્વાસન આપ્યું એટલે શાન્ત થઈ એણે ફરી પાછો દોર આગળ ચલાવ્યો.

''સાહેબ, મેં મારા નાનાજીને ફોન કરી મને મોસાળ તેડી જવાની વિનંતી કરી. નાનાજી મને તેડી તો ગયા, પણ મારી પર ચોરીનો આરોપ હોવાને કારણે મામી મને શંકાની નજરે જોવા માંડયાં. મારી ગેરહાજરીમાં ખિસ્સા-પાકીટ તપાસે. એમના પોતાના પર્સના પૈસા દરરોજ ગણે. જમતી વખતે મને ઘી વગરની કોરી રોટલી આપે.

ફરી રોટલી માગું તો મોં કટાણું કરી રોટલી ફેંકે. મામીનું એક જ લક્ષ્ય હતું, માથે પડેલા મને ઘરમાંથી વહેલી તકે વિદાય કરવાનું. અંતે મેં ગૃહત્યાગ કર્યો. ક્યાં જઇશ, શું કરીશ, એનો કશો જ વિચાર કર્યા સિવાય પહેર્યે કપડે મેં ઘર છોડી દીધું....અને આ જ વડ નીચે ચબૂતરામાં મેં રાત ગુજારી.''

સવારે આંખ ખૂલી, ત્યારે મારી પાસે એક વૃદ્ધ વ્યક્તિને મેં બેઠેલી જોઇ, એમણે કહ્યું: ''દીકરા, ઘર છોડીને ભાગ્યો હોઉં તેમ લાગે છે. કહે તો તને ઘેર પહોંચાડું અથવા''- તેઓ આગળ બોલતા અટકી ગયા.

મેં કહ્યું: ''અથવા'' દ્વારા શું કહેવાનું તમે માંડી વાળ્યું ?

એમણે કહ્યું: 'હું યુવા સહાય કેન્દ્ર ચલાવું છું. ઘરથી ત્રાસેલા યુવાનોને આશરો આપું છું અને તેમની ઘેર પાછા ફરવાની ઇચ્છા થાય ત્યારે કુટુંબ સાથે મેળાપ કરાવી આપું છું. તારી જો ઇચ્છા હોય તો....'

'હા, મારી એ જ ઇચ્છા છે. હું યુવા સહાય કેન્દ્રમાં રહીશ, મફત નહીં, કચરા-પૂજા, સફાઈ વગેરે કામો કરીશ.'

'અત્યારે તો આરામ કર, પછીની વાત પછી,' કહી તેઓ સામેના ઢાબા પરથી મારે માટે ચા લઈ આવ્યા. ચા પીધા બાદ તેઓ મને 'યુવા સહાય કેન્દ્ર'માં લઈ ગયા. મને અલાયદો રૂમ આપ્યો. ભણવું હોય તો કોલેજમાં દાખલ કરવાની તૈયારી દર્શાવી. પણ મને ભણવા પ્રત્યે ખાસ્સો અણગમો થયો હતો. મને મારી એકલતા પસંદ હતી.''

'પછી તમે ત્યાં જ રોકાઈ ગયા ? વર્ષો સુધી ?' કર્મેન્દ્રે જિજ્ઞાાસા વ્યક્ત કરી.

''હું દિવસે-દિવસે આળસુ બનતો ગયો. નવી નોકરી શોધવાને બદલે 'યુવા સહાય કેન્દ્ર'માં જ રહેવા જમવાની સગવડ સાથે મામૂલી પગારની નોકરી સ્વીકારી લીધી.''

વર્ષો વીતતા ગયાં. અઢી દાયકા ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. પણ એવામાં મારા આશ્રયદાતા મુરબ્બીનું અવસાન થયું.. યુવા સહાય કેન્દ્રનો વહીવટ તેમના પુત્રે સંભાળી લીધો અને મારી જગાએ પોતાના અંગત માણસને વહીવટ સોંપ્યો. એક મહિનામાં નવી નોકરી શોધી લેવાનો હુકમ કર્યો.

ઘોર નિરાશા મન ઘેરી વળી હતી. નોકરી ન મળી. વળી પાછો યુવા સહાય કેન્દ્ર ત્યજી હું બહાર નીકળી ગયો. અને આ જ 'વડદાદા' મારું આશ્રયસ્થાન બન્યા. એક દિવસ વેઇટર માટેની જાહેરાત જોઈ રહેવા-જમવાની સગવડ અને માનવોના દર્શનની ઇચ્છાથી પ્રેરાઈ હું વેઇટર બન્યો.

મને અત્યારે નથી મારું પૂર્વેનું કુટુંબ યાદ કે નથી યાદ ઘરનાં લોકો. રેસ્ટોરન્ટના લોકો જ મારું કુટુંબ છે અને એમની હસતા મોંઢે સેવા કરવી એમાં જ મારા જીવનની સાર્થકતા માનું છું.- ચાલો આવજો, મારા જેવા નાના માણસની જરૂર પડે તો યાદ કરજો.'' કહી શ્યામલ અંકલ વિદાય થયા.

મોડી રાત્રે કર્મેન્દ્ર ઘેર પહોંચ્યો. પપ્પાના લગ્નની તૈયારી કરી સહુ થાક્યાં-પાક્યાં નિદ્રાધીન થઈ ગયાં હતાં. પણ પપ્પા જાગતા હતા - તેમણે સીધો જ આક્રમક સવાલ કર્યો, ક્યાં ભટકવા ગયો હતો ? તને ખબર નથી કે કાલે મારું લગ્ન છે ? જરાક તો જવાબદારીનો ખ્યાલ રાખ.

હું કશું જ બોલ્યા વગર ચૂપચાપ મારા બેડરૂમમાં ચાલ્યો ગયો. પપ્પાના શબ્દો કાને પડયા: નફ્ફટ, નાલાયક, બાપનું સુખ એનાથી જોયું 'જતું નથી.'

કર્મેન્દ્રને લાગ્યું કે સાવકી માતા તો હજી આવી નથી, ત્યાં પપ્પાએ જ સાવકા પપ્પાનો રોલ શરૂ કરી દીધો !

અને ઘર એને જેલ જેવું લાગ્યું. વહેલી સવારે કર્મેન્દ્ર ઘર છોડી મિત્ર શિવેન્દ્રને ઘેર પહોંચ્યો. મારાથી દુભાએલા શિવેન્દ્રે મને મળવાનો ઇન્કાર કર્યો છે. હું નિરાશ થઈને પેલા દુભાયાના આશરા સમા વડદાદાની ગોદમાં આશરો લીધો.

સાંજે કકડીને ભૂખ લાગી હતી. પણ આંખ ખોલવાનું મન થતું નહોતું. એટલામાં વેઇટર અંકલ શ્યામલે મને જગાડતાં કહ્યું ઃ 'લો, કર્મેન્દ્ર નાસ્તો કરી લે. મને લાગે છે તમે ઘર છોડી દીધું છે. પણ ચિંતા ન કરશો. અમારા રેસ્ટોરન્ટના ગેસ્ટહાઉસમાં તમારા રહેવાની અને રેસ્ટરન્ટમાં આસિસ્ટંટ મેનેજરની નોકરીની વ્યવસ્થા હું કરાવી શકીશ. મારા શેઠ ખૂબ જ દયાળુ અને સજ્જન છે. મને સગા દીકરાની જેમ રાખે છે. તમે ચિંતા ન કરશો.'

શ્યામલ અંકલના શબ્દો સાંભળી હું ભાવભીનો થઈ ગયો. એમને ગળે વળગીને રડતાં- રડતાં કહેવા લાગ્યો: અમીરો પાસે ધનની સમૃદ્ધિ છે, જ્યારે ગરીબો પાસે સંવેદનાની સમૃદ્ધિ. સંવેદનાની સમૃદ્ધિ જ જગતને લીલુંછમ રાખી શકે. શ્યામલ અંકલ તમારી કરુણા અને માનવતાને સલામ...