Get The App

વાર્તા વિશ્વ: કમીલિઅન

Updated: Oct 26th, 2019

GS TEAM

Google News
Google News
વાર્તા વિશ્વ: કમીલિઅન 1 - image


ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

સુપ્રિન્ટેડન્ટ સાહેબે એનાં પોલિસમેનને સંબોધીને રાડ પાડી. ''શોધી કાઢ કે આ કોનો કૂતરો છે અને રીપોર્ટ તૈયાર કર! અને આ કૂતરાંને તો મારી નાંખવો જોઈએ.

પૂર્વાર્ધ :

નવાનક્કોર ઓવરકોટમાં સજ્જ પોલિસ સુપ્રિન્ટેડન્ટ ઓચ્યુમાઈલોવ એક પાર્સલ બગલમાં દબાવીને માર્કેટ ચોકમાં રોન મારી રહ્યા હતા. એનાં હાથમાં જપ્ત કરેલી ગૂઝબેરીથી આખો ભરેલો જાળીવાળો થેલો  હતો. એની પાછળ એક લાલ વાળ ધરાવતો પોલિસમેન કદમ ભરી રહ્યો હતો. ચારેકોર ચુપકીદી હતી. નીરવ શાંતિ. ચોકમાં એક પણ જણ નહોતો.  દુકાન અને દારૂનાં પીઠા ખુલ્લા દ્વાર એમનાં ભૂખ્યા મોઢાં વકાસીને  ઉદાસીથી ઈશ્વરે રચેલી આ દુનિયાને જોઈ રહ્યા હતાત પણ કોઈ ગ્રાહક દેખાતો નહોતો. કોઈ નહોતું, એક ભિખારી ય નહોતો.

 ''તો તે મને બટકું ભરી લીધું, યૂ ડેમ બ્રુટ?'' ઓચ્યુમાઈલોવે અચાનક આવા શબ્દો સાંભળ્યા. 'ઓ ભાઈ, એને જવા ન દેશો ! કરડવા ઉપર આજકાલ પ્રતિબંધ છે! એને પકડો! આહ.... આહ!' 

પછી કૂતરાંનો બાવરો અને બેબાકળા બનીને ભસવાનો અવાજ આવ્યો.  ઓચ્યુમાઈલોવે  એ અવાજની દિશામાં જોયું અને એણે કૂતરાંને જોયો, જે એનાં ત્રણ પગે દોડતો પીચુગીનની લાકડાની વખારમાંથી નીકળ્યો. એની પાછળ એક માણસ દોડતો હતો. એણે સફેદ સ્ટાર્ચ કરેલું શર્ટ અને કોટ પહેર્યો હતો. કોટનાં બટન ખુલ્લા હતા.

એણે દોડતા દોડતા આગળ છલાંગ મારી અને કૂતરાંને એના પાછળનાં પગે પકડી લીધો. ફરીથી કૂતરાંનો બાવરો અને બેબાકળા બનીને ભસવાનો અવાજ અને એવાં બૂમબરાડા કે ''એને છોડતા નહીં!'' સંભળાયા. ઊંઘરાટાયેલાં ચહેરાઓએ એમની દુકાનોમાંથી ડોકિયા કર્યા અને જોતજોતામાં તો ટોળું બની ગયું. એવું ટોળું કે જે જાણે પૃથ્વીમાંથી કૂદકો મારીને બહાર આવ્યું હોય અને લાકડાની વખાર પાસે ભેગું થઇ ગયું હોય. 

''કોઈ ધાંધલ ધમાલ થઇ હોય એમ લાગે છે, મેહરબાન સાહેબ ...''  પોલિસમેને કહ્યું. ઓચ્યુમાઈલોવે ડાબી બાજુ અડધો ટર્ન લીધો અને ટોળા તરફ કદમ ભર્યા. 

આ અગાઉ વર્ણન કર્યું એ માણસને એણે જોયો, જેના કોટનાં બટન ખુલ્લા હતા. એ લાકડાની વખારનાં દરવાજા નજીક ઊભો હતો. એનો જમણો હાથ હવામાં અધ્ધર રાખીને એ લોકોને હાથની આંગળી દેખાડી રહ્યો હતો. એ આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું. એનાં અર્ધ- નશાગ્રસ્ત ચહેરા ઉપર સાફ લખ્યું હતું કે ''તારે આનો હિસાબ ચૂકવવો પડશે, યૂ રોગ!'' ... અને એ આંગળીનો દેખાવ ખરેખર વિજય ધ્વજ જેવો હતો! ઓચ્યુમાઈલોવે એ માણસને ઓળખી કાઢયો. એનું નામ હૃય્કીન હતું અને એ સોનીકામ કરતો હતો.

જે પકડાયો હતો એ આરોપી, આમ તો રશિયન બોર્ઝોઈ શિકારી કૂતરાંનું બચ્ચું હતું, જેનો જડબાંનો ભાગ ધારદાર હતો અને શરીર ઉપર પીળાં રંગનાં ધબ્બા હતા. એ અત્યારે જમીન પર એનાં આગલાં પગ ખેંચીને ટોળાની વચ્ચોવચ્ચ આખા શરીરે ધ્રુજતો પડયો હતો. એની સજલ આંખોમાં કંગાલિયત અને આતંકની અભિવ્યક્તિ સ્પષ્ટ દેખાઈ રહી હતી. 

''આ શેની ધમાલ છે?''  ઓચ્યુમાઈલોવે ટોળાનાં માણસોને હડસેલી જગ્યા કરી આગળ વધતા પૂછપરછ કરી. 

''તું શા માટે અહીં છે? તારી આંગળી શા માટે ઊંચી કરીને ફરકાવે છે....? કોણ છે જેણે બૂમ પાડી?'' 

 ''હું તો  અહીં બસ ચાલતો હતો મહેરબાન સાહેબ, કોઈનાં ય કામમાં મારી કોઈ દખલગીરી નહોતી, સાહેબ, ' ' હ્રુય્કીને પોતાની મુઠ્ઠી વાળી મોઢાં ઉપર આડી રાખી, ખાંસી ખાતા કહ્યું. ''હું તો મિત્રી મિત્રિચ પાસે બળતણ માટે લાકડું લેવા આવ્યો હતો અને આ નીચ જાનવરે કોઈ પણ તર્ક કે કારણ વગર મારી આંગળીએ બટકું ભરી લીધું.... એક્સક્યુઝ મી, પણ હું કારીગર માણસ છું. હું બારીક કામ કરું છું. હું આ આંગળીથી એકાદ અઠવાડિયા સુધી હવે કામ નહીં કરી શકું, કદાચ.....એવો તો કોઈ કાયદો નથી યોર ઓનર કે કોઈ કૂતરાંને લાગુ પડે...પણ જો દરેક માણસને કૂતરાં કરડી જાય તો આ જિંદગી જીવવા જેવી જ ન રહે...''

''હમ્મમ. વેરી ગૂડ,' ' ઓચ્યુમાઈલોવે ખોંખારો ખાતા અને એમ કરતા પોતાની ભ્રમરો ઊંચે ચઢાવતા કડકાઈપૂર્વક કહ્યું. ''વેરી ગૂડ. આ કોનો કૂતરો છે? હું કોઈને છોડીશ નહીં! જ્યાં ત્યાં દરેક જગ્યાએ કૂતરાઓને છૂટા મુકે છે એ લોકોને હું પાઠ ભણાવીશ. એ લોકો જો નિયમોનું પાલન ન કરે તો એમ જ કરવું પડે.

આખરે મધ્યમ વર્ગનાં લોકોની પણ કાળજી લેવાનો આ સમય છે! જ્યારે એને દંડ થશે, એ નાલાયકને.... હું એને પાઠ ભણાવીશ કે આમ કૂતરાં કે રખડતાં ઢોર પાળવાની શું રીત હોય છે!...યેલ્દરીન,' '  સુપ્રિન્ટેડન્ટ સાહેબે એનાં પોલિસમેનને સંબોધીને રાડ પાડી. ''શોધી કાઢ કે આ કોનો કૂતરો છે અને રીપોર્ટ તૈયાર કર! અને આ કૂતરાંને તો મારી નાંખવો જોઈએ. કાંઈ પણ મોડું કર્યા વિના! મને ખાત્રી છે કે આ કૂતરો હડકાયો....આ કોનો કૂતરો છે, હું પૂછું છું, આ કોનો કૂતરો છે?' ' 

''મને લાગે છે કે આ તો જનરલ ઝીગ્લોવનો કૂતરો છે,'' ટોળામાંથી કોઈ બોલ્યું.

(વાર્તાનો ઉત્તરાર્ધ આવતા અંકે) 

રંગ બદલવું એ માનવ સહજ પ્રક્રિયા

(વાર્તાનું શીર્ષક 'કમીલિઅન' શબ્દનો અર્થ થાય કાચંડો, સરડો, કાકીડો. એ અન્ય અર્થ પણ થાય છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર કમીલિઅન એટલે વારે વારે મત બદલતો માણસ. તમે એને પાટલીબદલુ પણ કહી શકો. કવિ શ્રી ડો. મનોજ જોશી 'મન'ની એક ગઝલનો શેર છે. 'કાચિંડાના રંગો ચોરી, રોજ રમે છે હોળી મનજી'. રંગ બદલવું એ માનવ સહજ પ્રક્રિયા છે. હોળી હોય કે દિવાળી ! હેં ને?  કોઈ પામર, ગરીબડો કે તુચ્છ માણસ ક્યારેક કોઈ અધિકારી કે રાજકારણીને વહાલાં થવા કે એમની ધાકમાંથી બચવા માટે રંગ બદલે, એ સ્વીકાર્ય છે. જીભ અમથી ય હાડકાં વિનાની છે.

ઝટ દઈને વાળો ત્યાં વળી જાય. પણ આ કાચંડાપણું ગરીબ પૂરતું સીમિત નથી. જેની પાસે સત્તા છે, એ લોકો પણ સમય જોઇને, સામે કોણ છે?- એ જોઇને રંગ બદલે છે. એમને માટે રંગ બદલવાનાં લાભાલાભનું મંથન મનોમન થઇ જાય છે. પછી જે રંગ ફાયદો કરે તે રંગ તેઓ ધારણ કરી લે છે. કાચંડોની બે અન્ય ખાસિયત પણ છે. એની આંખો સળંગ ગોળ ફરે છે. આગળ પણ જોઈ શકે અને પાછળ પણ. બે અલગ દિશાની વસ્તુઓ કાચંડો એકી સાથે જોઈ શકે છે. અને એની જીભ તો જોવા જેવી છે. એનાં ખુદનાં શરીરથી એની જીભ  દોઢથી બે ગણી લાંબી હોય છે. 

ચેખોવની આ હ્યુમરસ વાર્તામાં જે તે સમયની રશિયન સમાજમાં પ્રવર્તતી ઊંચ નીચ અને એ મુજબ કાયદાની ફ્લેક્સિબિલિટીનું નિરૂપણ છે. આમ વાર્તા પહેલી વાર આજથી છેક ૧૩૫ વર્ષ પહેલાં લખાઈ અને 'અ લિટલ સીન' શીર્ષકથી રશિયન મેગેઝિન ઓસ્કોલકીમાં છપાઈ હતી. પણ આજે પણ જ્યારે કાયદાનો નિષ્પક્ષ અમલ કરવાની  જેમની જવાબદારી છે એવાં સત્તાધીશોને, ઉપરથી ફોન આવ્યા મુજબ, પોતાની અમલવારીમાં ફેરફાર કરતાં જોઈએ ત્યારે લાગે કે કાયદો કાયદાનું કામ કરતો નથી.

કાયદો લવચિક છે. એને જરૂરિયાત મુજબ, સમય, સ્થિતિ અને સંજોગ અનુસાર ઇચ્છિત બીબાંમાં ઢાળી શકાય છે. આ વાર્તા પરથી અનેક ફિલ્મ્સ, નાટક  બન્યા છે. એનું કારણ પણ એ જ છે કે આ વિષય આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આ વાર્તા પર આધારિત ૨૦૧૭માં બનેલી હિંદી શોર્ટ ફિલ્મ 'ગિરગિટ' એનું સરસ ઉદાહરણ છે. આ વાર્તા અગાઉ કહ્યું એમ હ્યુમરસ છે. વિષય ડાર્ક હોય તો પણ હ્યુમર વાર્તાને રસપ્રદ બનાવે છે. વાર્તાનું મુખ્ય પાત્ર પોલિસ સુપ્રિન્ટેડન્ટ ઓચ્યુમાઈલોવનાં નામનો રશિયન ભાષામાં એક અર્થ થાય છે ગાંડા જેવો માણસ. તો માણીએ ચેખોવ ક્લાસિક... )

સર્જકનો પરિચય

એન્તોન પાવ્લોવિચ ચેખોવ રશિયન ફિજિશ્યન, નાટયવિદ અને ટૂંકી વાર્તાનાં મહાન લેખકો પૈકીનાં એક ગણાય છે. તેઓની સાહિત્ય સર્જન યાત્રા દરમ્યાન તેઓએ તેમની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તેઓ કહેતા કે 'તબીબી વિજ્ઞાાન મારી કાયદેસરની પત્ની છે. સાહિત્ય મારી પ્રિયતમા છે.'  ચેખોવનું સાહિત્ય સર્જન એક વૈજ્ઞાાનિક તબીબની લાગણી રહિત તટસ્થતા અને એક કલાકારની મનોવૈજ્ઞાાનિક સમજણ અને સંવેદનશીલતાનું સાયુજ્ય છે.  ચેખોવનાં સાહિત્ય સર્જનમાં રશિયાનાં નાના શહેરનાં લોકોનાં જીવનમાં રોજબરોજ ઘટતી ઘટનાનું ચિત્રણ જોવા મળે છે, જ્યાં ઘણી વાર તેઓ મૂક પ્રેક્ષક બનીને રહી જાય છે. 

એક દુકાનદારનાં પુત્ર ચેખોવનું બાળપણ નિરાશાજનક રહ્યું. એમનાં પિતાનો ગુસ્સો, ધર્માંધતા અને દુકાનમાં કામકાજનાં લાંબા કલાકો. નાના હતા ત્યારે એમની માતા સરસ વાર્તાઓ કહેતા, જાતજાતની ભાતભાતની. પોતાનાં કાપડનાં વેપારી પિતા સાથેનાં પ્રવાસ દરમ્યાન જોયેલી જાણેલી રસપ્રદ વાર્તાઓ. સાહિત્ય સંસ્કારનું સીંચન એમની માતા દ્વારા આ રીતે થયું. ચેખોવ એવું કહેતા કે આપણી બુદ્ધિ પ્રતિભા આપણે પિતા પાસે મેળવીએ છીએ, પણ આપણો આત્મા તો માતાની દેન છે. 

પિતાની આથક નાદારીનાં કારણે કુંટુંબે વતન છોડી મોસ્કો ભાગી જવું પડયું. પણ ચેખોવ વતનમાં રોકાયા. પોતાનાં ભણતરનો ખર્ચ કાઢવા અનેક નાના કામ કર્યા. નાની હાસ્ય વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, જેથી કુંટુંબને આથક મદદ કરી શકાય. શરૂઆતની એમની વાર્તાઓમાં સામાજિક જીવનની હાસ્યાસ્પદ સ્થિતિ, લગ્ન જીવન અને પતિ પત્ની અને પ્રેમિકાનાં સંબંધો વગેરે વિષયો હતા. પછી ઓગણીસ વર્ષની વયે મોસ્કો આવીને મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. પણ ડોક્ટર બનીને દર્દીઓની સેવા જ કરી.

ડોકટરી એમનાં આથક ઉપાર્જનનું સાધન નહોતી. પણ એમ કરવાનાં કારણે તેઓ ઘણાં લોકોને મળ્યા. એ અનુભવો એમને ગંભીર વાર્તાઓ અને નાટકોનાં સર્જન તરફ દોરી ગયા. ચેખોવ નાટક સાથે વધારે જોડાયેલા રહ્યા. એનો 'ચેખોવ્સ ગન' સિદ્ધાંત કે -જો વાર્તામાં દીવાલ પર બંદૂક હોય તો એ બીજા કે ત્રીજા અંકમાં એ ફૂટવી જોઇએ, નહીંતર શું અર્થ છે એનો ?- દરેક વાત, દરેક વસ્તુનો કોઇ પ્રસ્થાપિત હેતુ હોવાનો આ નાટયશાનો સાર્વત્રિક સિદ્ધાંત આજે પણ એટલો જ પ્રસ્તુત છે. 

યુવાનીમાં પ્રેમનાં અનુભવો ઘણાં હતા પણ લગ્ન કરવાનું એમણે ટાળ્યું. પછી છેક એકત્રીસ વર્ષની ઉંમરે એમનાં જ નાટક 'ધ સીગલ'ની નાયિકા અને મોસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઓલ્ગા નિપર સાથે લગ્ન કર્યા. કુંવારા હતા ત્યારે ચેખોવ કહેતા કે પત્ની ચંદ્રમા જેવી હોવી જોઇએ. રોજરોજ ન જોઇએ. બન્યું પણ એવું. પોતે દૂર નાના શહેર યાલ્ટામાં રહ્યા. પત્ની મોસ્કો થિયેટર સાથે જોડાયેલા રહ્યા. આ લોન્ગ-ડિસ્ટન્સ મેરેજ દરમ્યાન થયેલો પત્રવ્યવહાર આજે થિયેટરનાં ઇતિહાસનો અમૂલ્ય વારસો બની ગયા છે.

દરમ્યાન એમને ટીબીની બિમારીએ જકડી લીધા હતા. અંતે ચુમ્માલીસ વર્ષની વયે જ્યારે જર્મનીમાં એમનું અવસાન થયું ત્યારે એમનાં પત્ની ઓલ્ગા એમની સાથે જ હતા. આખરી પળોમાં એ પથારીમાં બેઠાં થઇ ગયા. કહ્યું કે એ મરી રહ્યા છે. ડોક્ટરે એને મન શાંત થાય તેવું ઇન્જેક્શન આપ્યું. શેમ્પિયન પીવા માટે કહ્યું. ચેખોવ શેમ્પિયનનો ગ્લાસ હાથમાં લઇને જોતા રહ્યા. ઓલ્ગાને કહ્યું કે ઘણો સમય થયો શેમ્પિયન પીધાને. પછી એમણે શેમ્પિયન ઢોળી દીધું. ડાબે પડખે પથારીમાં સૂઇ ગયા. એક બાળક શાંતિથી સૂતું હોય એમ. અને બસ પછી શ્વાસ બંધ થઇ ગયા.

Tags :