સ્નેહની કડી વિશ્વમાં સહુથી બડી
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
પેથાભાઈએ મંજરી સાથે ઔપચારિક વાતો કરી અને સંમતિ આપી : 'ભલે, અમે તને જન્મ દિવસની વધાઈ આપવા આવીશું. શકરાભાઈને ય એ નિમિત્તે મળવાનું થશે.
દિવાળીના આગમન ટાણે જ શકરાભાઈના બાથરૂમમાં નળરાજાએ બબાલ ઊભી કરી. એમની જલધારા આગળના રૂમમાં પ્રસરવા માંડી. શાણીબહેનનો જીવ ખાટી છાશ જેવો થઈ ગયો કે દિવાળીમાં જ અણધારી આફત!
શકરાભાઈનો ચહેરો પણ કદી ન થયો હોય તેવો રુક્ષ થઈ ગયો હતો. કોઈને શું કરવું? નળરાજાને કેમ મનાવવા તેની જ ચિંતા હતી.
એવે સમયે શકરાભાઈની પુત્રવધૂ મંજરીએ રંગ રાખ્યો. એણે પેથાભાઈના દીકરા વિશાલને ઓફિસ તરફ જતો જોયો, બોલાવ્યો.
મંજરી અગમચેતીવાળી હતી.
શકરાભાઈના અને પેથાભાઈના પરિવાર વચ્ચે ભલે સામાન્યથી જરા વધુ એવા સંબંધો હતા. કશો ખટરાગ નહિ, પણ બંને પરિવારનાં સભ્યોની મુલાકાત બહુ થોડી પ્રસંગોપાત થતી. અલબત્ત મંજરી અને પેથાભાઈની પુત્રવધૂ ફેન્ટા વાટમાં, બજારમાં ક્યાંક મળી જતાં ત્યારે વાતચીત થતી. એમાંથી પરિચયની માત્રા થોડી વધી હતી. સાસુઓના સ્વભાવની ટિપ્પણીના રસે બંનેને વધુ પરિચયમાં મૂકી દીધાં હતા.
વિશાલની ઓફિસના સ્ટાફમાંથી પ્લમ્બરે શકરાભાઈના ઘરના બાથરૂમમાં લીકેજ થતો નળ દુરસ્ત કરી આપ્યો.
એ નિમિત્તે વિશાલ અનાયાસે બંને પરિવાર વચ્ચે સ્નેહની કડી બની ગયો. એમાંય દાદાની લાડકી પરી 'સ્નેહ'નાં બિંદુ. કંઈ કુદરતનો જ સંકેત હશે કે અનાયાસે જ વિશાલ અને પરી બંને વચ્ચે આત્મીયતા જેવી ભાવના જાગી.
વિશાલ પરી માટે 'વિશાલ અન્કલ' નહિ 'વિશાલ' ભાઈ બની ગયો. અને વિશાલને તો પરી એ પરી જ રહી. શકરાભાઈના પરિવારમાં વિશાલ વસી ગયો. પરીએ બંને વચ્ચે સ્નેહના તંતુ ગૂંથ્યાં. વિશાલને એમના પરિવારમાં આવવાનું ઈજન મળી ગયું. પણ વિશાલ એવો હરખઘેલો નહોતો. એ વડોદરામાં એનાથી બે વર્ષ મોટી, એના મામાના દીકરાની દીકરી શિખાના સત્સંગમાં દુનિયાદારીના પાઠ ભણી ચૂક્યો હતો.
મંજરીના આમંત્રણના જવાબમાં પૂરી સલુકાઈથી 'ક્યારેક' કહીને મુદત પાડી દીધી.
વિશાલ એની ઓફિસે જવા શકરાભાઈના ઘર પાસેથી પસાર થયો. એની નજર એકાદવાર એમના ઘર તરફ ફરી આવતી. પણ એમના બારણાં બંધ. મોટે ભાગે બધાં પરિવારો બંધ બારણે પોતપોતાના ઘરમાં જ કામકાજમાં પરોવાયાં હોય એમ જ કેટલાક દિવસ વીતી ગયા. વિશાલ પણ મંજરીભાભીના ઈજનનો પ્રસંગ લગભગ ભૂલી ગયો હતો.
પણ એકવાર સાંજે વિશાલ ઓફિસમાં કારીગરો સાથેની કામકાજની વાતો પતાવીને ઘર તરફ વળતો હતો. એ જ સમયે મંજરી પરીની સાથે ક્યાંય બહારથી ઘર તરફ વળી રહી હતી.
વિશાલનું ધ્યાન તો નહિ, પણ પરીએ એકદમ ઉત્સાહથી બોલી પડી : 'મમ્મી! વિશાલભાઈ!'
પરીનો ટહૂકો સાંભળી વિશાલ થંભી ગયો. પરીને જોઈ ખુશ થઈ ગયો. પરીને કહે : 'આજે ચાલ મારી સાથે મારે ઘેર.'
મંજરીએ મોભમમાં કહ્યું : 'એ આજે નહિ આવે. પણ રવિવારે તમારે અમારે ત્યાં ચોક્કસ આવવાનું છે.'
પરી બોલી પડી : 'મારી મમ્મીની બર્થ ડેટ છે.'
'એમ?' વિશાલ મલકી ગયો.
'આ પ્રસંગે તમારી હા, ના. નહિ ચાલે. તમારે એકલાયે ન હિ. શકરાભાઈ અંકલથી માંડીને ઘરનાં બધાંએ આવવાનું છે.'
'એમનું તો હું શું કહી શકું?'
મંજરી કહે : 'હું ખાસ આમંત્રણ આપવા તમારે ત્યાં આવીશ.'
વિશાલ વિચારી રહ્યો. ત્યાં તો પરીએે એમનો રાઈટ હેન્ડ - જમણો હાથ પકડી લઈને કહ્યું : 'પ્રોમીસ?'
વિશાલભાઈ 'હવે તો આવવું જ પડશે. પપ્પા-મમ્મી અને બધાં!'
વિશાલ હસી પડયો. સારું હું આવીશ, પણ મારા દાદા, મોટાં બાની વાત, એ જાણે. પરીના પ્રોમિસ પર હું આવીશ.'
પરી ખુશ ખુશ. એના પ્રોમિસનો મહિમા થયો એટલે એનોય અહમ્ થાય ને? શનિવારે મંજરીએ ફેન્ટાને ફોન કરી દીધો હતો. એટલે ઘરનાં બધાં જાણતાં થઈ ગયા હતાં.
શનિવારે સાંજે મંજરી શકરાભાઈ અન્કલને ઘેર પહોંચી. ફેન્ટા અને મંજરી પરસ્પર ભેટયાં. ફેન્ટાએ મજાક કરી : 'તારું પેપર ફૂટી ગયું છે.'
મંજરીને જોઈ બધાં રાજી થયાં. પટલાણીએ રાજીપો દર્શાવ્યો. પેથાભાઈને પગે લાગીને મંજરીએ વાત કરી : 'અન્કલ! રવિવારે મારા જન્મ દિવસે તમારે બધાંએ જરૂર જરૂર આવવાનું છે.'
એ નિમિત્તે આપણે બધાં મળીશું. મારા પપ્પા બહુ રાજી થયા છે. તમને મળીને વધારે રાજી થશે.
પટલાણીએ થોડી રકઝક કરી. ભલે મનમાં ભાવ હતો, માત્ર મુંડી હાલતી નહોતી.
પેથાભાઈએ મંજરી સાથે ઔપચારિક વાતો કરી અને સંમતિ આપી : 'ભલે, અમે તને જન્મ દિવસની વધાઈ આપવા આવીશું. શકરાભાઈને ય એ નિમિત્તે મળવાનું થશે. આમ તો વારતહેવારે મળીએ જ છીએ, પણ તારી વર્ષગાંઠે વધારે ભાવથી મળીશું.'
મંજરી ક્યારની વિશાલ માટે ઊંચીનીચી થતી હતી. એણે પટલાણીને પૂછ્યું : 'વિશાલભાઈ ક્યાં છે? એ કેમ જણાતા નથી.'
વિશાલ બધું સાંભળતો હતો.
એણે કહ્યું : 'મને તો તમે ક્યારનું આમંત્રણ આપી દીધું છે. હવે અમે બધાં આવીશું. તમારી વર્ષગાંઠને વધાવીશું.'
ફેન્ટાના હાથનું શરબત પીને મંજરી વિશાલ સામે જરા મલકીને ચાલી ગઈ. વિશાલે પણ હાથ ઊંચો કરી સ્નેહ દર્શાવ્યો.
રવિવારે પેથાભાઈનો પરિવાર સાંજ પડતાંમાં તૈયાર થઈ ગયો. ફેન્ટાએ બાબલાને પૂછ્યું : 'કેમ? તારે નથી આવવાનું?'
'મારું ત્યાં શું કામ છે? તમે મંજરીને વધાવી આવો.' એના કટાક્ષ ફેન્ટા સમજી ગઈ. તારે કેમ નથી આવવું.
મારે એનો ટાઈમ બગાડવો નથી. મારે એક ફ્રેન્ડને ત્યાં પાર્ટીમાં જવાનું છે.
વિશાલે ય આગ્રહ કર્યો : 'પપ્પા! ચાલોને, બધાં જઈશું તો અન્કલને સારું લાગશે.'
'તું તારું સંભાળ.' કહેતો એ તોછડાઈથી જતો રહ્યો.
પટલાણી બાબલાના વર્તાવથી ખિન્ન થઈ ગયા. પેથાભાઈ પણ એની સામે ગુસ્સાથી તાકી રહ્યા.
રવિવારે પેથાભાઈ અને પટલાણી એમના પરિવાર સાથે પડોશમાં જ એમના મિત્ર શકરાભાઈને ત્યાં એમની પુત્રવધૂ મંજરીની વર્ષગાંઠે 'હેપ્પી બર્થડે' કરવા પહોંચી ગયા.
બારણે પરી જ સ્વાગત માટે ઊભી હતી. વિશાલને જોતાં જ એ હસી પડી : 'વેલ કમ.'
વિશાલે એના હાથમાં પરી નો નાજુક હાથ ગ્રહી લીધો. બંને સાથોસાથ આવતા ઘરમાં મુખ્ય ખંડમાં પ્રવેશ્યા.
શકરાભાઈ ભાવવિભોર થઈ ગયા. પેથાભાઈને ભેટી પડયાં: 'અમારું ઘર તમે આજે પાવન કર્યું.'
'તમારા ઘરમાં પ્રસંગ હોય અને અમે ના આવીએ એવું બને? અમે બધા ખુશ છીએ.'
બધાં મુખ્ય ખંડમાં ગોઠવાયાં.
મંજરી શરબતના ગ્લાસ લાવી. પરીએ શરબતનો ગ્લાસ પોતે લીધો. વિશાલભાઈને મલકતે મોઢે આપ્યો.
વિશાલે એના હાથ પકડીને પોતાની લગોલગ બેસાડી દીધી : 'તારે કશું કામ કરવાનું નથી. તું મારી પાસે જ બેસ.'
પરી પ્રેમથી એમની અડોઅડ ગોઠવાઈ ગઈ. એટલામાં ડોરબેલ વાગતાં મંજરીએ ઝડપથી બારણું ખોલ્યું. સામે જ પ્રોફેસર પ્યારેલાલ.