ભીતરના આનંદનો ઉત્સવ .
આજકાલ - પ્રીતિ શાહ .
માત્ર ત્રણ વર્ષમાં એક લાખ કિલોમીટરનો એકલા પ્રવાસ ખેડનારી ડૉ. કાયનાત કાજી આવી સિધ્ધિ મેળવનારી ભારતની પ્રથમ મહિલા છે. કાયનાત પર્યટનને એક ઉત્તમ પ્રકારની ધ્યાનસાધના માને છે. તે કહે છે કે પ્રવાસ તમારી અંદર રહેલી નકારાત્મક શક્તિને નષ્ટ કરી તમને સકારાત્મક બનાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મુસ્લિમ પરિવારમાં જનમેલી કાયનાતે સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેના નાના ગામમાં આવેલા કન્યા વિદ્યાલયમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો. નાની ઉંમરથી વાર્તા લખતી કાયનાતે હિન્દી સાહિત્યમાં પીએચ.ડી. કર્યું. તેમજ નોઈડાની જાગરણ ઇન્સ્ટીટયૂટ ઑફ માસ કમ્યુનિકેશન સંસ્થામાંથી પત્રકારત્વનો ડિપ્લોમા કોર્સ પણ કર્યો. ત્યારબાદ તેના લગ્ન થયા. આ દરમિયાન તે કોર્પોરેટમાં નોકરી કરતી હતી, પરંતુ આ બધું હાસલ કર્યા છતાં પણ અંદરથી તે ખુશ નહોતી.
એના એક મિત્રે એને સલાહ આપી કે, 'તું આત્મમંથન કર અને પોતાની જાતને પૂછી જો કે તને ખરેખરી ખુશી શેમાંથી મળે છે ? અને એ ન વિચારીશ કે એ કેવી રીતે થશે ?' બે દિવસ સતત આત્મમંથન પછી તેને પોતાને જવાબ મળ્યો - ફોટોગ્રાફી અને પર્યટન. આ બે બાબતમાંથી જ આનંદ મળશે એવું કાયનાતને લાગ્યું. તે જાણીતા ફોટોગ્રાફર ઓ.પી.શર્મા પાસે ફોટોગ્રાફી શીખવા ગઈ અને પછી પ્રવાસ કરવા લાગી. એકલી મહિલા યાત્રી તરીકે ભારતના ઓગણીસ રાજ્યો ફરી ચૂકી છે અને તે ઉપરાંત નેધરલૅન્ડ, પેરિસ, સ્વીડન પણ. એમાંય એમ્સ્ટર્ડમ તેને ખૂબ ગમે છે.
કાયનાત કાજી કહે છે કે પ્રવાસ શરૂ કરવાની હતી, ત્યારે વિચારતી હતી કે તેને માટે કેટલા બધા પૈસા જોઇએ, પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. એનો જવાબ એને હિંદી સાહિત્યના રાહુલ સાંકૃત્યાયનના ગ્રંથોમાંથી મળી ગયો. રાહુલ સાંકૃત્યાયન પોતે શ્રીમંત નહોતા, છતાં ઘણાં દેશોનો પ્રવાસ કર્યો છે. નાનપણમાં ટ્રેન દ્વારા કરેલી લાંબી યાત્રાને યાદ કરીને કહે છે કે આજે પણ યાત્રા માટે એની પસંદગીનું માધ્યમ તો ટ્રેન જ છે, પરંતુ ક્યારેક સમયના અભાવે તે વિમાન દ્વારા મુસાફરી કરે છે.
એ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પણ પ્રવાસ ચાલુ રાખી શકી તેનું બધું શ્રેય પોતાના પતિને આપે છે. પતિએ એને સમજાવ્યું કે, 'તું કંઇ બીમાર નથી. આ તો સ્વાભાવિક પ્રક્રિયા છે. એને લઇને ચિંતા કરવાની જરૂર નથી. આ તો ખુશીનો અવસર છે. તું જેટલો પ્રવાસ કરીશ, બાળક એટલું સ્વસ્થ આવશે અને તું જંગલમાં તો જઈ રહી નથી. લોકોની વચ્ચે જ રહેવાની છે તેથી કોઈ મુશ્કેલી આવશે તો રસ્તે ચાલતો માણસ પણ તને મદદ કરશે.'
પતિના ભરોસા સાથે ગોવા અને કાશ્મીરનો પ્રવાસ કર્યો. કાશ્મીરમાં બરફવર્ષામાં ફસાઈ ગઈ હતી, તો લોકોએ ખૂબ મદદ કરી. તેની સાથે લદ્દાખમાં ઓક્સીજન ઓછો થઇ જવાથી બે દિવસ હોસ્પિટલમાં રહી, ત્યાં એક જવાને ખૂબ ધ્યાન રાખ્યું. મણિપુરમાં ઇમા માર્કેટની તસવીર લીધા પછી ભૂલી પડી ગયેલી કાયનાતને એક નાની છોકરીએ ભારે સામાન સાથે ચાલીને રસ્તો બતાવ્યો. પ્રવાસના અનેક સુખદ સ્મરણો કાયનાત પાસે છે. તે કહે છે કે આજ સુધી એની સાથે કોઈ અપ્રિય ઘટના બની નથી. 'કૃષ્ણા સોબતી કા સાહિત્ય ઔર સમાજ' અને 'બોગનવેલિયા' નામનો વાર્તાસંગ્રહ એમ એણે લખેલાં બે પુસ્તકો પ્રકાશિત થયા છે.
કાયના તને વુમન અચીવર્સ એવોર્ડ, યુવા પત્રકાર પુરસ્કાર, મીડિયા એકસલન્સ એવોર્ડ તેમજ ફોટોગ્રાફી માટે પણ એવોર્ડ મળ્યા છે. એબીપી ન્યુઝે કાયનાત કાજીને સર્વશ્રેષ્ઠ હિંદી બ્લોગર એવોર્ડથી સન્માનિત કરી છે. સોલો ટ્રાવેલર, પત્રકાર, લેખક, ફોટોગ્રાફર, બ્લોગર અને પ્રેરણાદાયી વક્તવ્યો આપનાર ડૉ. કાયનાત કાજી કહે છે કે સ્ત્રીઓને માત્ર ભણાવવાની જરૂર છે, સ્વાવલંબી તો તે જાતે જ બની જશે.
આ દેશ જેટલો પુરુષોનો છે, એટલો જ મહિલાઓને પણ છે, પરંતુ વાસ્તવમાં છોકરીઓને એવી રીતે ઉછેરીએ છીએ કે તે પોતાની અંદર રહેલી શક્તિને ભૂલી જાય છે અને ભયની વાત કરું તો તે વાસ્તવિક જીવનમાં છે તેના કરતાં મનમાં વધારે રહેલો છે. એકવાર સ્ત્રી એકલી પ્રવાસે જશે તો તેનામાં સાહસ આવશે અને જીવનભર ઉન્નત મસ્તકે જીવી શકશે.
સ્વપ્નાં ઊંચા જુઓ !
બેંગાલુરુની નજીક અનેકાલ તાલુકાના ગોપાસંદ્ર ગામમાં ગરીબ પૂજારીને ત્યાં રેણુકા આરાધ્યનો જન્મ થયો હતો. પિતા મુત્યાલમ્મા દેવીના મંદિરમાં પૂજારી હતા, પરંતુ આરતીમાં જે બે-ચાર રૂપિયા મળે, તેના સિવાય તેમની કોઈ નિયમિત આવક નહોતી. તેથી બાકીના સમયમાં તેઓ આસપાસના ગામોમાં ભિક્ષા માગવા જતા.
કુટુંબની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઇ કે એમણે લાચાર થઇને રેણુકાને એક વૃદ્ધની સંભાળ અને ઘરના કામ માટે મૂકવો પડયો. બાર વર્ષના રેણુકાએ વૃદ્ધની બધી સંભાળ લેવાની અને એની બે ગાયોને પણ સાચવવાની હતી. આ બધું કામ કરીને સ્કૂલે જવાનું અને સ્કૂલેથી પાછા આવીને પાછું ઘરકામ કરવાનું.
આ દરમિયાન પિતાનું અવસાન થવાથી માતા અને બહેનની જવાબદારી એના પર આવી પડી. મોટાભાઈએ કોઈ જવાબદારી નિભાવવાનો ઇન્કાર કર્યો.
રેણુકા આરાધ્ય પાસે હવે અભ્યાસ છોડીને કમાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સૌ પ્રથમ એણે લેથ મશીન પર કામ કર્યું. ત્યારબાદ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાની કંપનીમાં, એ પછી આઈસ ફેકટરીમાં કામ કર્યું. સિક્યોરિટી ગાર્ડ તરીકે, કેમેરાની એડલેબ કંપનીમાં સ્વીપર તરીકે પણ નોકરી કરી. રેણુકા દરેક જગ્યાએથી કંઇક ને કંઇક શીખતો રહ્યો. ત્યારબાદ સૂટકેસ, વેનિટી બેગ અને ઍરબેગ બનાવતી શ્યામ સુંદર કંપનીમાં મદદનીશની નોકરી મળી.
એક વર્ષમાં તે સેલ્સમેન બની ગયો, પરંતુ તે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા માગતો હતો. તેથી તેણે સૂટકેસ, વેનિટી બેગ અને અન્ય બેગો વેચવાનું અને તેના કવર બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. સવારે સાઈકલ લઇને નીકળતાં રેણુકાને આમાં સફળતા ન મળી અને પોતાની ત્રીસ હજાર રૂપિયાની મૂડી પણ ગુમાવી. ફરી પાછો છસો રૂપિયાની સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવા લાગ્યો. સાથે સાથે નાળિયેરીના ઝાડ પર ચડીને નાળિયેર તોડવાના એક ઝાડના પંદર રૂપિયા લેખે તે વીસ ઝાડ પર ચડતો. એવું કામ પણ કર્યું.
વીસ વર્ષની ઉંમરે રેણુકાનાં લગ્ન પુષ્પા સાથે થયા. પુષ્પાએ ગારમેન્ટ ફેકટરીમાં નોકરી લીધી, જેથી પતિને મદદરૂપ બની શકે. આ દરમિયાન રેણુકાએ વિચાર્યું કે ડ્રાઈવરની નોકરી મળે તો સારા પૈસા મળી શકે. તેથી લગ્નની વીંટી વેચીને ડ્રાઇવિંગ શીખ્યો. ડ્રાઈવરની નોકરી મળી તેના પ્રથમ દિવસે જ તેનાથી અકસ્માત થયો અને થોડા જ કલાકમાં નોકરી છોડીને ઘરે આવી ગયો. હવે તે અત્યંત નિરાશ થઇ ગયો હતો, પરંતુ સતીશ શેટ્ટી નામની વ્યક્તિએ એને હિંમત આપી અને પોતાની ટ્રાવેલ કંપનીમાં નોકરીએ રાખ્યો. ત્યારબાદ નેહરુ ટ્રાવેલ્સમાં કામ મળ્યું જે ડેડ-બોડી માટે કામ કરતી હતી.
દરેક કામ લગન અને નિષ્ઠાથી કરવું તેવું માનનાર રેણુકાએ બસો-ત્રણસો જેટલા મૃતદેહોને ભારતમાં જે તે જગ્યાએ પહોંચાડયા. એ પછી બીજી ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું. જેમાં વિદેશી પર્યટકોને પર્યટન માટે લઇ જવાના હતા. આ પર્યટકો એને ડૉલરમાં ટિપ આપતા હતા. તે પૈસા અને પત્નીના પી.એફ.ના પૈસામાંથી એણે એક ગાડી ખરીદી અને ૨૦૦૧માં સિટી સફારી નામની કંપની શરૂ કરી. તેની મહેનત અને આવડતથી થોડાં વર્ષોમાં તેની પાસે છ ગાડી થઇ અને બાર કલાકની શિફ્ટમાં બાર ડ્રાઈવરને નોકરી પર રાખ્યા. ૨૦૦૬માં 'ઇન્ડિયન સિટી ટેક્સી' કંપની ખરીદવા પોતાની બધી ગાડી વેચી દીધી અને થોડા પૈસા ઉધાર પણ લીધા. આ એક મોટું સાહસ હતું, પરંતુ અહીંથી જ તેની સફળતાની શરૂઆત થઈ.
તેણે કોર્પોરેટ માટે કામ શરૂ કર્યું. તેનો પ્રથમ ગ્રાહક બન્યું એમેઝોન ઇન્ડિયા, ત્યાર પછી વોલમાર્ટ, ગુગલ, જનરલ મોટર્સ જેવી કંપનીઓ તેની ગ્રાહક બની. આજે તેની પાસે આઠસોથી વધુ ગાડીઓ અને ચાલીસ સ્કૂલ બસ છે. એની કંપનીમાં એક હજાર લોકો કામ કરે છે અને ચાલીસ કરોડનું ટર્નઓવર છે. સાથે સાથે તેઓ ત્રણ સ્ટાર્ટ-અપના ડિરેકટર પણ છે. થોડા વર્ષોમાં જ તે પોતાની કંપનીનું ટર્નઓવર સો કરોડ કરવા ઇચ્છે છે. તે કહે છે દુનિ યામાં બધું જ મેળવી શકાય છે. તેને માટે સ્વપ્ના જુઓ, સખત પુરુષાર્થ કરો એ સતત શીખતા રહો.