આલાલીલા વાંસડિયા રે વઢાવો
એની રે ઉતરાવો મારા પરભુજીની વાંસળી રે લોલ
વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,
વાંસલડી વગાડે ઓલ્યો નંદજીનો લાડલો રે લોલ
આલાલીલા...
વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર
આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ
આલાલીલા...
વાંસળીએ કાંઈ ચંદ્ર સૂરજનાં તેજ,
વાંસલડી માથે મોહી રે ગોકુળ કેરી ગોપિયું રે લોલ
આલાલીલા...
આવ્યા આવ્યા ઓતરા દશના મેહ,
ખેતરડાં-પાદરડાં રે કાંઈ હરિ કેરાં છલી વળ્યાં રે લોલ
આલાલીલા...
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ
આલાલીલા...
ગુજરાતી લોકગીતોનું પોત
વૈ વિધ્યસભર અને કાળમીંઢ છે એટલે જ એ દીર્ઘાયુ છે. માનવજીવન માટે ઈષ્ટ હોય એવાં તમામ તત્વો તેમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે, જેમકે પ્રકૃતિ-પર્યાવરણ. આજે વિશ્વ આખું ચિંતિત છે, પર્યાવરણ બચાવવાની ઝુંબેશો ચાલે છે. વરસાદ, વૃક્ષો, વનસ્પતિ, પશુ-પક્ષીસૃષ્ટિ- આ બધાં આજે પ્રાઈમરીથી પોસ્ટગ્રેજયુએશન સુધી અભ્યાસના વિષયો છે, મુદ્દાઓ છે ત્યારે લોકગીતોમાં તો આ બધું સહજ વણાયેલું, ઘોળાયેલું હોય છે, કહો કે અનેક લોકગીતોનો કન્ટેન્ટ જ પ્રકૃત્તિ-પર્યાવરણ છે. વળી,માનવીઓ જે મહાનાયકને ખૂબ ચાહતા હોય એને કેન્દ્રસ્થ રાખી લોકગીત રચાય એટલે એ લોકપ્રિયતાના એવરેસ્ટ પર બિરાજવા લાગે!
'આલાલીલા વાંસડિયા રે વઢાવો...' જગદગુરૂ શ્રીકૃષ્ણની મેલોડીયસ બંસરીની વાતથી આરંભાયેલું પણ પ્રકૃત્તિ-પર્યાવરણનાં ગુણગાન ગાતું જનપ્રિય લોકગીત છે. પ્રભુજીની વાંસળી 'ઉતરાવવા' માટે 'આલાલીલા' એટલે કે સાવ સૂકા કે સાવ લીલા નહીં એવા વાંસ વઢાવવાની સૂચના અપાઈ છે. વાંસળીને સુદર્શનીય બનાવવા તેના પર હંસ, પોપટ, મોર જેવાં પક્ષીઓની પ્રતિકૃતિ કે રમકડાં અને રંગીન રેશમી ફૂમતાં લટકાવાયાં છે.
વાંસળી પર સૂર્ય-ચંદ્રએ પોતાનાં તેજ નિખાર્યાં છે એટલે એ દેખાવે ઝળાહળા લાગે છે. વાંસને પુષ્કળ પાણી જોઈએ એટલે વરસાદ વિના કેમ ચાલે? બસ, ઉત્તર દિશાથી ધોધમાર મેઘાગમન થયું, હરિનાં ખેતર અને ગામના પાદરની નજીક જ આવેલી વાડી એટલે કે પાદરડું પાણીથી લથબથ થઈ ગયાં. ભારે વરસાદ પડે એટલે મોલાત તો જામે જ, ડૂંડાંમાં એવા દાણા આવ્યા. જાણે ઈશ્વરે મોલાતમાં મોતીડાં ગૂંથ્યાં!
વિદ્યાર્થીઓ લિખિત પ્રકૃતિ-પર્યાવરણના એસ્સે વાંચીએ કે આ વિષય પર સમજ આપતા વક્તાઓની લાંબીલચક વાતો સંભાળીએ અથવા લોકકવિની આ દેશી રચના સાંભળી લઈએ-બેમાંથી કયું વધુ ઉપકારક લાગે, તમે જ કહો?


