Get The App

માનવપ્રજ્ઞાાનું મહાનિર્માણ: મહાભારત

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Oct 26th, 2019

GS TEAM

Google News
Google News
માનવપ્રજ્ઞાાનું મહાનિર્માણ: મહાભારત 1 - image


'મહાભારત' માત્ર વીર, પરાક્રમી અને રાજકુમારોની જ કથા નથી. પરંતુ 'મહાભારત'માં સામાન્ય પાત્રો પણ અસામાન્ય મહત્ત્વ ધરાવે છે

વારંવાર મન કેમ 'મહાભારત' તરફ દોડી જતું હશે ? એવું તે એનું કયું પ્રબળ આકર્ષણ હશે કે એનાં પાત્રો અને કથાનકો જુદે જુદે રૂપે ચિત્તમાં રમ્યા કરતાં હોય છે. કારણ એટલું જ કે 'મહાભારત' એ માત્ર ઇતિહાસ નથી, ફક્ત પુરાણ કે કેવળ કાવ્ય નથી. આ ત્રણેયનું વિસ્તૃત કલાપૂર્ણ મનોહર ગૂંથન 'મહાભારત'માં થયું છે.

એ ગૂંથન એવું છે કે ચિત્તમાં કોઈ વિચાર જાગે, સમસ્યા ઉદ્ભવે કે પછી કોઈ પ્રાચીન ગ્રંથ વિશે કે અર્વાચીન ઘટના વિશે ચિંતન કરવાનું હોય, ત્યારે 'મહાભારત'ના સંદર્ભો પ્રગટ થયા વિના રહેતા નથી. આ 'મહાભારત'માં આખ્યાન છે, ઉપાખ્યાન છે અને ઇતિહાસ છે. પચાસ જેટલા આખ્યાનો અને ઉપાખ્યાનો છે, તો નેવુથી વધારે ઇતિહાસ છે.

આજના સંદર્ભમાં જેને ઇતિહાસ કહેવામાં આવે છે, એ અર્થમાં અહીં ઇતિહાસ નથી. આમે ય ભારતમાં એ સમયે ઇતિહાસ શબ્દનો અર્થ કોઈ કાલબદ્ધ વૃત્તાંત નહીં, પરંતુ જે ઘટનાઓ બની છે, એને જુદાં જુદાં પાત્રો અને પુરાકલ્પનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હતી. એ ઇતિહાસ 'મિથ'ના રૂપે હોય છે.

જો કે એ જ કારણે 'મહાભારત'માં આલેખાયેલો ઇતિહાસ માત્ર કાલબદ્ધ રહેતો નથી, માત્ર સાલવારીમાં જીવતો નથી કે દસ્તાવેજો પર આધારિત નથી. એને તારીખ કે તવારીખનું કોઈ વળગણ નહીં હોવાથી મહાભારતમાં આલેખાયેલા ઇતિહાસ સાથે પ્રત્યેક યુગની જુદી જુદી ઘટનાઓ અનુસંધાન પામી છે. વર્તમાન સમયની ઘટનાઓના મર્મને ઉજાગર કરવા માટે મહાભારતની ઇતિહાસ કથાઓનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવ્યો છે. કદાચ એ જ મહાભારતની પ્રસ્તુતતા અને પ્રાસંગિકતાનો પુરાવો છે.

સત્તાલાલસાની વાત આવે અને ધૃતરાષ્ટ્રનું સ્મરણ થાય, અહંકારનું સાક્ષાત સ્વરૂપ જોવું હોય તો દુર્યોધન યાદ આવે, જાતિને કારણે પીડા પામેલા યુવકની વાત કરીએ, ત્યારે બધે રાધા અને અધિરથ પુત્ર તરીકે ઓળખાતા બાણાવળી કર્ણ નજરે પડે. બે ભાઈઓ વચ્ચે વેર હોય તો કૌરવોના દ્વેષની વાત થાય, વ્યસનની વિનાશકતા દર્શાવવા માટે હસ્તિનાપુરની રાજસભામાં ખેલાયેલા દ્યૂતનો દ્રષ્ટાંત રજૂ થાય. નારીના શીલ પર આઘાતની ઘટના બને એટલે તરત દ્રૌપદીના વસ્ત્રાહરણની ઘટનાનો સંદર્ભ અપાય.

વિદ્યાનું શીલ, શિક્ષણનું શીલ, ધર્મનું શીલ, કે કોઈ પણ પ્રકારના શીલનો ભંગ કરવાનો પ્રયત્ન થતો હોય તો તરત જ 'વસ્ત્રાહરણ' શબ્દ વપરાય છે અને વાચકના મનમાં હસ્તિનાપુરની રાજસભામાં બનેલો આખો ય પ્રસંગ વર્તમાનની ઘટના સાથે જીવંત બની જાય છે. યોગેશ્વર કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા એ તો છેક આજના મેનેજમેન્ટ યુગ સુધી પહોંચી ગયા અને ગીતામાંથી મેનેજમેન્ટના સિદ્ધાંતો પામવાનો પ્રયાસ કરવા લાગ્યા.

'મહાભારત'માં ઇતિહાસ ક્યારેક કોઈ ઉદાહરણરૂપે તો કવચિત કોઈ ગાથારૂપે કે સંવાદરૂપે આલેખવામાં આવ્યો છે. આ ઇતિહાસ દેશ અને કાળની સીમાઓથી પર છે. આ મહાભારતમાં કોઈને રૂપકોની શોધ કરવાનું મન થાય સત્યનિષ્ઠા માટે યુધિષ્ઠિર, પ્રપંચને માટે શકુનિ, શક્તિવાનને માટે ભીમ, દુષ્ટતાને માટે દુ:શાસન જેવા પાત્રોનું સ્મરણ થાય છે.

'મહાભારત'માં ભલે પ્રાચીન વાત હોય, પરંતુ એ કથામાં એવા સનાતન સત્યો છૂપાયેલા છે અને એવાં જીવનમૂલ્યોનું પ્રગટીકરણ થયું છે કે એ વર્તમાન સમયના આદર્શો, મૂલ્યો, ધ્યેયો અને છેક અનિષ્ટ સુધી સામ્ય ધરાવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં તો આખું ય યુદ્ધશાસ્ત્ર જોવા મળે છે. દરેક મહારથીઓ કેવા વ્યૂહ અપનાવે છે ? એમના સૈન્યોની ગતિવિધિ કેવી છે ? વ્યૂહરચના અને વ્યૂહભેદન કઈ રીતે થતાં હોય છે, અને યુદ્ધમાં વીરત્વની સાથોસાથ પ્રપંચના કેવા દાવ ખેલાતા હોય છે, એની રજેરજ માહિતી કુરુક્ષેત્રના રણસંગ્રામમાંથી મેળવી શકાય.

યુદ્ધ પૂર્વે આચારસંહિતા ઘડવામાં આવે પણ એનું સાંગોપાંગ પાલન ન થાય એવી ઘટનાઓ મહાભારત પછી કેટલીય સર્જાઈ છે અને એ જ રીતે યુદ્ધની આચારસંહિતાને બંને પક્ષો કઈ રીતે ઠેબે ચડાવતા હોય છે એનું ઉદાહરણ મહાભારતમાંથી માંડીને આજના સમય સુધીમાં મળી રહે. યુદ્ધમાં થતા સંહારનું મહાભારતનું વર્ણન જગતસાહિત્યમાં અજોડ ગણાય છે. એ જ રીતે યુદ્ધ પછી પરિચિતોના આક્રંદ, વેદનાનું આલેખન કોઈ પણ યુદ્ધપ્રેમીના હૃદયને યુદ્ધવિરોધી બનાવવા માટે પૂરતું છે.

ભારત વર્ષમાં પાંગરેલી બે તદ્દન ભિન્ન સંસ્કૃતિઓનું મહાભારતમાં આલેખન મળે છે. એક બાજુ અરણ્ય સંસ્કૃતિ છે, જ્યાં ઋષિ-મુનિઓનો વાસ હોય છે. પ્રકૃતિનો અસબાબ હોય છે, માત્ર હરણાં જ નિર્દોષ નહીં, પણ માણસો ય નિર્દોષ હોય છે તો બીજી બાજુ નગરસંસ્કૃતિ છે. હસ્તિનાપુરમાં રાજમહેલોમાં સતત પ્રપંચની ચોપાટ ખેલાતી હોય છે અને બદલાની ભાવનાથી માનવીઓ જીતાતા હોય છે. રાજકીય દાવપેચભર્યો મહેલનો માહોલ સામાન્ય જનમાનસને પણ પ્રભાવિત કરે છે. ગુરુ દ્રોણે યોજેલી શસ્ત્રપરીક્ષાનો હેતુ તો રાજકુમારીના કૌશલની કસોટી કરવાનો હતો, પરંતુ નગરજનોને તો કર્ણનો પક્ષ અને અર્જુનનો પક્ષ એમ બે પક્ષમાં રસ પડયો. આજની પરિસ્થિતિનો આમાંથી કેવો તાદ્રશ ચિતાર મળે છે !

બીજી એક બાબત એ છે કે 'મહાભારત'નાં પાત્રોને માનવીય ગુણો કે અવગુણોના રૂપક તરીકે જોવામાં આવ્યા છે. 'મહાભારત' માત્ર વીર, પરાક્રમી અને રાજકુમારોની જ કથા નથી. પરંતુ 'મહાભારત'માં સામાન્ય પાત્રો પણ અસામાન્ય મહત્ત્વ ધરાવે છે. જેમ કે હિડિમ્બાનું પાત્ર ઘણા સંકેતો આપે છે. એનો એક સંકેત એ પણ છે કે 'મહાભારત' અને 'રામાયણ' રાક્ષસોને ભિન્ન દ્રષ્ટિએ જુએ છે.

આ હિડિમ્બા શક્તિનું અને પ્રેમનું પ્રતીક બની રહે છે. ભીમ અને હિડિમ્બાના પ્રેમની અભિવ્યક્તિમાં એક પ્રકારની મોકળાશ જોવા મળે છે. એવી જ રીતે ધૃતરાષ્ટ્ર પુત્ર યુયુત્સુ કૌરવોને બદલે પાંડવોના પક્ષે યુદ્ધ કરે છે, જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પુત્ર વિકર્ણ એ હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના ચીરહરણના પ્રસંગે વિરોધ કરે છે અને રાજસભા છોડીને ચાલ્યો જાય છે.

'મહાભારત'માં એક ટિટોડીનું પણ મહત્ત્વ છે. જેને કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ રક્ષણ આપે છે. એક નોળિયાનો પણ મહિમા છે, જે નોળિયાનું બાકીનું અડધું અંગ સોનાનું કરવા માટે એ રાજસૂય યજ્ઞામાં આવે છે, પણ થતું નથી એ કહે છે કે ચાર રોટલા ધરાવતા અને ઘણા દિવસોના ભૂખ્યા બ્રાહ્મણે આપેલા અન્નથી એનું અર્ધુ અંગ સુવર્ણનું બન્યું હતું જ્યારે પાંડવોએ કરેલા અતિભવ્ય રાજસૂય યજ્ઞામાનાં એંઠવાડમાં આળોટવા છતાં એનું બાકીનું અંગ સુવર્ણનું બન્યું નહીં. આથી એ યજ્ઞાભૂમિ પરથી નિરાશ થઈને પાછો જાય છે. શ્રીકૃષ્ણ કડવી તુંબડી દ્વારા બાહ્ય ક્રિયાઓમાં સાચો ધર્મ નથી એવો સંદેશ મળે છે.

'મહાભારત'ના કુંતીના પાત્ર પરથી આ લેખકે 'અનાહતા' નામથી છસોથી વધુ પૃષ્ઠની બૃહદ્ નવલકથામાં કુમારિકા, પત્ની, માતા અને પ્રૌઢા તરીકેના કુંતીના મનોભાવોને આકાર આપ્યો છે. આ યુદ્ધમાં કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રનો રણસંગ્રામ ખેલાય છે, ત્યારે બંને માતાઓ કુંતી અને ગાંધારી આ રણક્ષેત્રની નજીક એક સાથે છાવણીમાં રહે છે અને એક બીજાના દુ:ખ વહેંચે છે.

ઘટોત્કચ કે અભિમન્યુ યુદ્ધમાં હણાયા ત્યારે કુંતીને ગાંધારી આશ્વાસન આપે છે અને ૯૯ કૌરવો રણભૂમિમાં હણાય છે, ત્યારે કુંતી ગાંધારીને આશ્વાસન આપે છે. ભીષ્મ બાણશૈયા પર સૂતા છે, ત્યારે ગાંધારી અને કુંતી બંને સાથે મળીને એમનો ઉપદેશ મેળવવા જાય છે. પુરુષો વચ્ચે પરસ્પર સતત વેર-ઝેરની આગ પ્રજ્વલિત હોય અને નારી હૃદયો આવા કાલઝાળ સમયમાં પણ પરસ્પર પ્રત્યે, સ્નેહ, સંવાદ અને સમભાવ ધરાવતા હોય, તે વિરલ વાત મહાભારતે બતાવી છે.

'મહાભારત'ની વાત તો ક્યારેક ખૂટે નહીં એટલે તો આ 'મહાભારત'ને માનવ પ્રજ્ઞાાનું મહાનિર્માણ (મોન્યુમેન્ટ ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ) કહેવામાં આવે છે.

ક્ષણનો સાક્ષાત્કાર
યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુ:ખના બોજ સાથે 'કાચી વયે' થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આજ ભાવિ નિર્મિત હતું. આવું કહેનારી વ્યક્તિના ચહેરા પર દુ:ખ કે શોકનું નામનિશાન નહોતું.

એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનના આ બે પ્રકારના વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં છે માત્ર તર્ક. એકમાં આવેગ હોય છે, એ આવેગની પાછળ લાગણીનું ધસમસતું પૂર હોય છે. એને ભાવની તીવ્રતાથી પ્રગટ કરવામાં આવે છે. અતિશયોક્તિનો એમાં કવચિત રણકાર હોય છે. પછી ભલે એ વેદનાની વાત હોય કે આનંદની ઘટના હોય. એ વાણીમાં જોશથી ઉંચે ઉછળતા સમુદ્રનાં મોજાનો અહેસાસ થાય છે.

જ્યારે તર્કથી વાત કરનારની વાણીમાં શાંત સરોવરના જળ જેવી કશીય ચહલપહલ વિનાની સ્વસ્થતા હોય છે. એક પછી એક દલીલોથી એની વાતનું ચણતર થતું હોય છે. એના પાયામાં બૌદ્ધિકતા દટાયેલી હોય છે. હકીકતમાં માત્ર લાગણી એકલી જ હોય તો પણ નકામી છે, જે અતિશયતામાં વહેવાનું પસંદ કરે છે.

તો બીજી બાજુ માત્ર બુદ્ધિ હોય તો તે સાવ બુઠ્ઠી કે શુષ્ક છે. એમાં વાસ્તવિકતા પામવા જતા વિરૂપતા આવી જતી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિનું મન ક્યાં તો લાગણીમાં ડૂબેલું રહે છે, અથવા બુદ્ધિના આટાપાટા ખેલતું હોય છે. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે.

મનને પૂર્ણરૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે. એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની જીવંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે.

Tags :