ભાવનગરના પ્રજાવત્સલ રાજપુત રાજવીની અનોખી દાતારી
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
ભાવેણાના ભૂપને ભાઇ કરીને દુ:ખણા લઇને બાઇ પોતાના ધણીને લઇ પાછી વળી ત્યારે એની આંખ હરખના આંસુએ ઊભરાયેલી હતી
ભાવેણાના ભૂપને માથેથી જાણે સો મણનો ભાર ઉતરી ગયો છે. ખુમાણો સાથેના કજીઆનો પાર આવી ગયો છે. બહારવટીઆની બંદૂકની બોલતી બધડાટી બંધ થઇ ગઇ છે. ખુમાણોના ખોંખરા પોરા ખાઇ ગયા છે. તેથી આજ અઢારસે પાદરનો ધણી મહારાજા વજેસંગજી મોકળું મન મુકીને શિકારે ચઢ્યો છે. ઊંડતા પંખી પાડે એવા નિશાનબાજો ભેળા લીધા છે. પંડયે હાથમા ભમ્મર ભાલો રમાડતા ઘોડાને પોતાના રાજની હદમાં ડાબા દેવરાવી રહ્યા છે. કાળીઆરને ભાલે પરોવવાના મહારાજના મનમાં મનસૂબો છે.
ઉગમણાં આભમાં ઊગેલો ભાણ ઝડાસ જયોત્યે માથે આવી રહ્યો છે. વૈશાખનો ધોમ ધખી ધખીને વરાળુના કુંડાળા રચી રહ્યો છે. ડુંગરાને નદીનાળા, ઝાળાને ઝાખરા ગણકર્યા વગર ઝમઝમ કરતો મહારાજ વજેસંગનો ઘોડો ઊડયે જાય છે. શકરાની જેમ શિકારી ટોળીની આંખ ધરાને માપતી જાય છે. ત્યાં તો પીલુડીના ઢુંવાની ઓથે આડા પડેલા કાળીઆરને શિકારીની જાણે કે ગંધ આવી હોય એમ ઉભા થઇને કાન ઊંચાકરીને માંડયા તડકાના તેજે ચળકતી કાળી રૂવાટી ઝગમગી મા'રાજે વજેસંગે ઘોડાનો વેગ વધાર્યો, કાળીઆરે જીવને ઊગારવા છલાંગ મારી આડબીડ ઊડવા માંડયો.
ઊંડા કૂવાના જળ તાણી તાણીને લીલી લહેરખીએ ચઢાવેલી વાડી પડાની મોલતાનું શરણું લીધું. ઉભો મોલ વીધીને ભાગતા કાળીઆરના કલેવરમાં ભાલું તોળીને પાછળ પડેલા ભાવેણાના ભૂપે અશ્વને ડાબા પગની એડી મારી, એીનો ઇશારો થતાં જ સોટી જેવા ગુડા સંકેલી ઇંડા જેવા અશ્વે વાડીના મોલમાં ડાબા દીધા. ઉભા મોલને ઘોડાના પગે ખુંદાતો જોઇને પડામાંથી ખેડૂત બાઇએ હાકોટો પાડયો. 'એ અસવાર, તમારા બાપની વાડી ભાળી ગયો છે. તે ઘોડાને ઊભા મોલમાં હાકયે છે.'
હડી કાઢીને સામે આવતી બાઇને જોઇને મહારાજ વજેસંગજીએ ઘોડાને વાડીના ઊભા મોલમાંથી પાછો વાળીને શેઢે ઊભો રાખી આવતી ખેડૂત બાઇ માથે મીટ માંડી. એના ચણીએ ટાકેલા આભલા સૂરજના તેજ ઝીલતા આવે છે. પગના કાંબીને કડલાં રણકતા આવે છે. કાનના અકોટા કંઠનું કોટીયું ઝુલતા આવે છે. શ્વાસની જાણે ધમણ હાલે છે. આંખમાં અગન ઝડયું દઇ રહી છે. પાસે આવેલી બાઇ બેફાટ બોલના ચાબખાના ફડાકા બોલાવી રહી છે.
કાંડા તોડી તોડીને ઉછેરેલા મોલ કાંઇ તમારા ઘોડા ફેરવવા નથી. ઉગાડયા . તું કાંઇ રેઢા રાજ સમજી બેઠો શે તો ભીંત ભૂલે છે. અમારી માથે તારો બાપ મોતીયું વાળો મહારાજ બેઠો છે. ખબર પડશે તો તને ઘોડા સોંતો ઘાણીએ ઘાલીને તેલ કાઢશે બારો નીકળ નપાવટ!
ખેડૂતબાઈની ગાળ્યું ગંગાજળીયો ગોહિલ ગરવું હસતો હસતો ટાઢે કલેજે સાંભળી રહ્યો છે. ગાલમાં ગલ પડી રહ્યાં છે. રજપૂત રાજવીના ગરેડી જેવા કાંધ પર પડેલા ઝૂલ્ફા હવામાં ઝૂલી રહ્યા છે.
પેટ બળતરાં ઠાલવતી બાઇ દાંત કાઢતા અસવાર સાથે તાડૂકીને બોલી: મારા મોલનું નખોદવાળી દીધો પાછો દાંત કાઢસ ?
અસવારે જરાય મોં માથે ક્રોધની રેખા તણાવા દીધા વગર બે સામા સવાલ કર્યા :
'બેનાબાઇ આ મોતિયુંવાળો કોણ છે ?'
'ભાવેણાનો ઠાકોર વજો મા'રાજ'
'તું એને ભાળ્યે ઓળખ છે ?'
'ના'
'તો, જા કહેજે તારા વજા મા'રાજને ભલે મને ઘાણીએ ઘાલીને તેલ કાઢે.'
'એટલું બોલીને મહારાજ વજેસંગે ઘોડાને પાછો મરડયો, ત્યાં પાછળ આવતા પોતાના ભેરૂના ઘોડા આંબી ગયા.
'કાં બાપુ ?'
હાલો ભાવેણા ભેળા, પણ કાળીઆરને આ મોલમાં સંતાતો જોયો છે.
'ભલે જોયો એની અવધિ હજી બાકી હશે.' મહારાજ પાછા કેમ વળી ગયા. એનું કારણ કોઇ કળી શક્યું નહીં.
બીજા દિવસે વજેસંગજી મહારાજે વાડીવાળા પટેલને ઘરવાળી સાથે ભાવનગર હાજર થવાનો હુકમ છોડયો.
રાજનું તેડું આવતાં ધણીધણીયાણી ધુ્રજી ઊઠયાં. આઠેય કાયાએ જાણે કંપ ઊઠી ગયો. રાજના સિપાઇઓએ બેયને રાજ દરબારની દોઢીએ હાજર કર્યા.
મહારાજ વજેસિંહ તખત માથે આરૂઢ થઇને રૈયતની રાવ-ફરિયાદ સાંભળી રહ્યો છે. મેતા મસુદીઓ અને અમીર ઉમરાવ વીંટળાઇને બેઠા છે.
બાઇની નજર પડતાં જ એના હૈયામાં ફડક બેસી ગઇ. ભૂડી કરી, જેને મેં વાડીના પડામાંથી તગડી મૂક્યો હતો એતો પંડયે વજોબાપુ !
'કટકા કરશે. ઘાણીએ ઘાલશે ! કે તોપને મોઢે બાધશે?'
બાઇનું કલેજું મોતની કલ્પનાએ કંપવા માંડયું.
બાપુ ! એટલું બોલતાં તો બાઇની જીભ તાળવે ચોંટી ગઇ.
બેન તુને મોતીઆવાળા મહારાજ ઉપર કેવડો મોટો ભરોસો, મેતા આ બાઇ મારી બેન ઠરી. એને બાર મહિને કાપડું મોકલવું અને બીજો દસ્તાવેજ લખો. એના ધણીને ગામની પટલાઇનો પટ્ટો લખી આપો.
રાજ્યના હુકમનો હાલ ઘડીએ અમલ થયો. ભાવેણાના ભૂપને ભાઇ કરીને દુ:ખણા લઇને બાઇ પોતાના ધણીને લઇ પાછી વળી ત્યારે એની આંખ હરખના આંસુએ ઊભરાયેલી હતી.
વધુ વિગત : વજેસિંહજીના આશ્રયમાં શિધ્ર કવિ પંડિત જગન્નાથે 'ભાગ્ય મહોદય' ગ્રંથ લખ્યો હતો.
આ કવિએ પેશ્વાની સભા જીતી હતી. આ બનાવને કવિ દલપતરામે 'દલપત કાવ્ય'માં 'વિજ્ય ક્ષમા'ને નામે લખી છે.
આ પ્રતાપી મહારાજાનો દેહાત ઇ.સ. ૧૮૫૨માં ૭૨ વર્ષની વયે થયો હતો. આ બનાવ ઇ.સ.૧૮૨૮માં બન્યો હતો. સાહિત્ય પ્રોત્સાહક રાજવી દર બુધવારે કવિ અને સાહિત્યકારોની સભા બોલાવતા હતા. તે માટે એક બંગલો બંધાવ્યો હતો. તે બંગલો આજે પણ ભાવનગરમાં બુધવારિયા બંગલા તરીકે ઓળખાય છે.