Get The App

ધ્વનિ અને સ્વરના સ્પંદનોથી કરવામાં આવતી સચોટ ઉપચાર પદ્ધતિ

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Oct 26th, 2019

GS TEAM


Google News
Google News
ધ્વનિ અને સ્વરના સ્પંદનોથી કરવામાં આવતી સચોટ ઉપચાર પદ્ધતિ 1 - image


સર્વ સામાન્ય રીતે એ સ્વીકૃત થઈ ચૂકેલું છે કે આપણે શબ્દો કે પ્રતીકો વિના વિચારી શકતા નથી અને આપણી વિચારશક્તિ પણ શબ્દો સુધી જ સીમિત છે. શબ્દો વિચાર-ભાવને પ્રકટ કરવાના સાધનો છે

સોવિયેત રશિયામાં જન્મેલા અને ફ્રાન્સમાં સ્થાયી થયેલા ફ્રેન્ચ વિજ્ઞાાની વ્લાદિમીર ગાવરોન્સ્કી જે વિશેષત: વ્લાદિમીર ગાવરાઉ  (Vladimir Gavreau)તરીકે પ્રસિદ્ધ છે તેમણે ઈન્ફ્રા સાઉન્ડ (અવશ્રાવ્ય ધ્વનિ) પર પ્રારંભિક સંશોધન કર્યા હતા. ૧૯૬૫ના ગાળામાં તેમણે આ ધ્વનિનો પ્રભાવ શોધી કાઢ્યો હતો. માનવીના કાન ૨૦ થી ૨૦,૦૦૦ હર્ટ્ઝ આવૃત્તિવાળા ધ્વનિ તરંગોને સાંભળી શકે છે.

એનાથી ઓછી અથવા વધારે આવૃત્તિવાળા ધ્વનિઓને 'પરાધ્વનિ' કહેવામાં આવે છે. પરાધ્વનિ બે પ્રકારના હોય છે. વીસ અથવા સોળ હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગોને 'ઈન્ફ્રાસોનિક' કહેવામાં આવે છે અને ૨૦૦૦૦ હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ તરંગોને 'અલ્ટ્રાસોનિક' કહેવામાં આવે છે. ઓછી, નિમ્ન આવૃત્તિવાળા હોવાને કારણે ઈન્ફ્રાસોનિક ધ્વનિ બધી દિશાઓમાં દૂર સુધી ગતિ કરી શકે છે.

એવું કહેવાય છે કે ૧૯૬૫માં વ્લાદિમીર ગાવરાઉએ ઈન્ફ્રાસાઉન્ડની શોધની અંતર્ગત એક એવું સાધન બનાવ્યું હતું જેનો આકાર પોલીસની જૂની વ્હીસલ જેવો હતો. એની લંબાઈ લગભગ ૧૮ ફૂટ જેટલી હતી અને એક ટ્રકમાં રાખવામાં આવતું હતું અને એની નીચે એરોપ્લેનના એન્જિનથી ફરનારો પંખો ગોઠવવામાં આવ્યો હતો. એમાં કોમ્પ્રેસ્ડ હવા ભરવામાં આવી હતી.

એનાથી દસ હજાર એકોસ્ટિક નોટ્સ પેદા થતી હતી જે માનવીને પાંચ માઈલ દૂરથી મારી નાંખવા સમર્થ હતી. ઈન્ફ્રાસાઉન્ડ શરીર પર કેવી અસર પેદા કરે છે તેનો પ્રથમ પ્રયોગ એક પશુ પર તેનાથી કરવામાં આવ્યો. ઈન્ફ્રા સાઉન્ડની અસરથી તત્કાળ તેનું મરણ થઈ ગયું હતું. તેના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેના શરીરના આંતરિક અવયવો એકદમ આકાર વગરના થઈને સાવ લોચા જેવા થઈ ગયા હતા!

વ્લાદિમીર ગાવરાઉએ બીજો એક પ્રયોગ ખૂબ સાવચેતી રાખીને કર્યો હતો. એટમ બૉંબની અસરથી બચવા માટે બનાવાયેલા મજબૂત બંકરમાં પ્રેક્ષકોને રાખીને એ સાધન ખુલ્લી જગ્યાએ ગોઠવી ધીમેથી કોમ્પ્રેસરની હવા છોડવામાં આવી. એ મશીનથી ઉત્પન્ન થયેલ ઈન્ફ્રા સાઉન્ડનો વ્હીસલ જેવો ધ્વનિ કાન માટે તો અશ્રાવ્ય હતો પણ તેણે એક કિલોમીટરના વિસ્તારમાં આવેલી તમામ કાચની બારીઓ તોડી નાંખી. એ 'ફ્રિક્વન્સી-સેવન મશીન' જર્મનીના લશ્કરને આપી દેવામાં આવ્યું હતું. અત્યારે પણ જરૂર પડે તો દુશ્મનનો દૂરથી ખાત્મો કરવા વાપરવા માટે સાચવી રખાયું છે એવું માનવામાં આવે છે. આવી છે ધ્વનિના તરંગોની તાકાત!

એ પછી વ્લાદિમીર ગાવરાઉએ એવા સાધનો બનાવ્યા જેનાથી હાનિ નહીં પણ લાભ થાય. તેમણે સાત હર્ટ્ઝ આવૃત્તિવાળા ઈન્ફ્રાસોનિક ધ્વનિના સંપર્કમાં કેટલીક વ્યક્તિને થોડા દિવસ સુધી રાખી તો એમની માનસિક ક્ષમતામાં અસાધારણ પરિવર્તન આવ્યું. એમના મસ્તિષ્કમાંથી આલ્ફા અને બીટા તરંગો વિશેષ પ્રમાણમાં પ્રગટ થયા જે ધ્યાનથી ઉચ્ચ અવસ્થામાં સંભવ બને છે.

ધ્વનિના સ્પંદનો પ્રાણીઓના જીવન પર અસાધારણ અસર ઉત્પન્ન કરે છે એ બાબતથી પ્રાચીન કાળના ભારત, ગ્રીસ, ઈજીપ્ત અને પર્શિયા જેવા દેશોના ધાર્મિક લોકો માહિતગાર હતા એવા આપણને ઐતિહાસિક સ્પષ્ટ નિર્દેશો મળે છે. પવિત્ર શબ્દો કે મંત્રો તરીકે ઓળખાતા આવા ધ્વનિ સમુચ્ચયો રોગ દૂર કરવાના ઉપચારક સાધન તરીકે ઉપયોગમાં લેવાતા.

અર્વાચીન સમયમાં અનેક વૈજ્ઞાાનિક પ્રયોગો કર્યા પછી વિજ્ઞાાનીઓએ પણ તેનો ઉપયોગ શરૂ કર્યો છે અને તેમાં વિસ્મયકારક સફળતા મળી છે. આવી જ એક પદ્ધતિ છે ટોનિંગ  (Toning).  શબ્દ કે સંગીતની ધ્વનિ મૂર્ચ્છતા દ્વારા સજીવોની આંતર-બાહ્ય સંરચનાને બદલી શકાય છે.

અમેરિકાના ડેનવર, કોલોરાડોમાં નિવાસ કરતી લોરેલ એલિઝાબેથ કીઝ  (Laurel Elizabeth Keyes) એક અગ્રગણ્ય ધ્વનિ ચિકિત્સક રહી ચૂકી છે. લોરેલ કીઝ (૧૯૦૭-૧૯૮૩)એ ટોનિંગ પર ઘણા સંશોધનો કર્યા છે. ટોનિંગ - ધ ક્રિયેટિવ પાવર ઑફ ધ વોઇસ, ટોનિંગ-ધ ક્રિયેટિવ એન્ડ હિલિંગ પાવર ઑફ ધ વોઇસ, ટોનિંગ - ધ લોસ્ટ વર્ડ ? એ ન્યૂ કોન્સેપ્ટ ઈન હિલિંગ જેવા તેના પ્રસિદ્ધ પુસ્તકોમાં આ સંશોધનો રજૂ થયા છે.

આ ચિકિત્સા પદ્ધતિનો ખ્યાલ આપતાં લોરેલ કીઝ કહે છે કે આપણે ધ્વનિના સ્પંદનોથી જ બનેલા છીએ. આપણી બધી ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શબ્દોથી જ ઉદ્ભવે છે. સર્વ સામાન્ય રીતે એ સ્વીકૃત થઈ ચૂકેલું છે કે આપણે શબ્દો કે પ્રતીકો વિના વિચારી શકતા નથી અને આપણી વિચારશક્તિ પણ શબ્દો સુધી જ સીમિત છે. શબ્દો વિચાર-ભાવને પ્રકટ કરવાના સાધનો છે. આ શબ્દો સાથે સંકળાયેલા છે સ્વર (Tone) ના સ્પંદનો જેમના પર તે સવારી કરે છે. સ્વર કે અવાજ આપણા જીવનમાં કાર્યાન્વિત થતી એની છૂપી શક્તિ છે. ધ્વનિ સૂક્ષ્મ અને સ્થૂળ તથા અપ્રગટ અને પ્રગટને જોડતી કડી છે.

ધ્વનિ પદાર્થને ગતિમાન કરી શકે છે અને એના સ્પંદનો પારમાણ્વિક સંરચનામાં પણ પરિવર્તન લાવી શકે છે. અવાજ સ્પંદનો છે. આપણા અવાજનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરની પરમાણ્વિક રચનાને અસર કરનારું મહત્વપૂર્ણ ઘટક બને છે. રોતલ અને રડમસ અવાજ (Whining voices) નકારાત્મક પરિસ્થિતિ આકર્ષે છે. આવી ઢબથી બોલનારા મુશ્કેલીઓ અને માંદગીઓથી ઘેરાયેલા રહે છે. વિરોધ અને ધિક્કારભરી વાણી ઉચ્ચારનારા હિંસા, પ્રહાર, અકસ્માત અને હૃદયરોગને નિમંત્રણ આપનારા બને છે.

આનો અર્થ એ થયો કે વ્યક્તિ તેની બોલવાની રીતમાં ફેરફાર કરીને તેના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે! ટોનિંગ તનાવોને દૂર કરે છે. ટોનિંગ - સ્વરવિજ્ઞાાન કલીલ દ્રાવણ સંરચના (colloidal structure) પર અસર કરે છે. તે અણુ અને પરમાણુના ક્ષેત્રથી આગળ વધીને 'કોલોઈડ'ના ક્ષેત્રમાં લઈ જાય છે. જ્યાં એ ઊર્જાના સ્વરૂપો સાથે કામગીરી કરે છે. તે સ્વરોના સ્પંદનોથી ખૂબ જલદી અસર પામે છે. સ્વરવિજ્ઞાાન, મંત્રોચ્ચારણ, શાબ્દિક પ્રાર્થના અને શાંતિમય, પ્રેમાળ, આત્મવિશ્વાસભર્યા શબ્દોનો સભાન પ્રયોગ આપણી શ્લેષ્મ સપાટી (Colloidal surface)   માટે જરૂરી એવો 'પોઝિટિવ ચાર્જ' ઉત્પન્ન કરે છે.

લોરેલ એલિઝાબેથ કીઝે ટોનિંગથી અનેક રોગો મટાડયા હતા. એક સ્ત્રી 'મોનોન્યૂક્લિઓસિસ' નામના ગ્લેન્ડયુલર ફિવરથી પીડાઈ રહી હતી. દવાખાનામાં સારવાર લેવા છતાં તેની સ્થિતિમાં ખાસ કોઈ સુધારો આવ્યો નહોતો. લોરેલ કીઝે તેને ટોનિંગથી સારવાર આપી હતી અને ખાસ લઢણ, લહેકો, બોલવાની રીત જણાવી, ખાસ 'પીચ' જાળવી રાખી શબ્દો ઉચ્ચારવા સમજૂતી આપી હતી.

તેણે અવાજની જરૂરી સપાટી જાળવીને, 'હું પથારીમાંથી ઊભી થઈ જ જઈશ, મને હવે ખૂબ સારું છે, મારે જે કરવું છે તે કરીને જ રહીશ' એ શબ્દો પૂરા આત્મવિશ્વાસ સાથે ઉચ્ચારવા માંડયા હતા. પરિણામે તે બીજા જ દિવસે પથારીમાંથી ઊભી થઈ ગઈ હતી અને બે-ત્રણ દિવસ બાદ કામકાજમાં લાગી ગઈ હતી.

મેનહટ્ટનના ઓન્કોલોજિસ્ટ ડૉ. મિશેલ એલ. ગેનોર  (Mitchell L. Gaynor) પણ લોરેલ ક્રીઝની ટોનિંગ ઉપચાર પદ્ધતિથી પ્રભાવિત થયા હતા અને એની અસરકારકતાથી વિસ્મિત થયા હતા. ધ્વનિ, શબ્દોના સ્પંદનો રોગોપચાર કરે છે એ બાબતના સફળ પ્રયોગો બર્લિંગટોન, વરમોન્ટ ખાતે થયા હતા. સસ્વર રીતે કરાતો વેદમંત્રોનો પાઠ, બીજા અક્ષરો સાથે ખાસ લઢણથી ઉચ્ચારાતા મંત્રો, હકારાત્મક વિચારભાવ સાથે બોલતા પ્રાર્થનાના શબ્દો એ ઈન્ફ્રાસાઉન્ડ અને અલ્ટ્રાસાઉન્ડ જેવું જ અસરકારક પરિણામ લાવે છે.

Tags :