Get The App

વિનયકાન્તના ઘરમાં લાભપાંચમ કેવી રીતે દિવાળી બની ગઈ ?

કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Updated: Oct 26th, 2019

GS TEAM

Google News
Google News
વિનયકાન્તના ઘરમાં લાભપાંચમ કેવી રીતે દિવાળી બની ગઈ ? 1 - image



'પપ્પા, હું ઇચ્છું છું કે તમે મારા મન-હૃદયમાં ડોકિયું કરો, મને વાત્સલ્યથી ભીંજવો; મારાથી કોઈ અપરાધ થયો હોય તો મને સમજાવીને ગુનો માફ કરો.  

'તારું સ્વચ્છંદીપણું હું એક પળ પણ ચલાવી લેવા તૈયાર નથી'

''બાપને નામે ચરી ખાય છે બાકી તો બજારમાં તારીફૂટી કોડીયે ન ઉપજે''

''ઘર એ ધર્મશાળા નથી. ઘરના કાયદાકાનૂન હોય છે - આવવા - જવાના. ભટકેલ માટે આ ઘર ભાડુઆતી નથી, સમજ્યો ?''

વિનયકાન્તે અત્યંત ક્રોધે ભરાઈને અર્ણવેશનો ઉધડો લેતાં કહ્યું ...

'બસ, બસ હવે આટલા બધા આકરા ના થાઓ. છોરું-કછોરું થાય, છતાં મા-બાપે તો વાત્સલ્યની વાદળી બનવું પડે છે. રીઢા ગુનેગારની નજરે દીકરાને ન મૂલવાય' - શ્રીમતી અર્ચિતાએ પુત્રનો બચાવ કરતાં કહ્યું...

'વહાલને ઢાલ બનાવવાની તારી મૂર્ખામીએ અર્ણવેશને ભટકેલ બનવામાં મદદ કરી છે. બદમાશીને થાબડાય નહીં, દંડ જ દેવો પડે, સમજી ?' વિનયકાન્તે કહ્યું. પુત્રના રખડેલપણા અંગે તાગ મેળવવા માટે વિનયકાન્ત તેની સ્કૂલે પહોંચી ગયા. સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા અને પોતાના પુત્ર વિશે સાચી માહિતી મેળવવાની ઉસ્તુકતા દેખાડી.

પ્રિન્સિપાલે વર્ગ શિક્ષક શિરીષ પટેલને બોલાવ્યા અને અર્ણવેશ વિશે સાચો અભિપ્રાય આપવા કહ્યું.

'એક મિનટ, હું એક નોટબુક લઇને પાછો આવું છું - કહી વર્ગશિક્ષક વર્ગખંડમાં ગયા. પોતે આજે જપ્ત કરેલી અર્ણવેશની નોટબુક લઇને વર્ગશિક્ષક શિરીષ પટેલ પ્રિન્સિપાલ સમક્ષ હાજર થયા અને કહ્યું :' હું કેટલાય દિવસથી અર્ણવેશને ઉદાસ જોતો હતો. તે સ્વભાવે નમ્ર અને આજ્ઞાાંકિત છે. કોઈ સાથે નથી એ ઝઘડતો કે નથી એ નિકટની દોસ્તી કેળવતો.

લેસન પણ નિયમિત રીતે કરી લાવે છે. એટલે મને જિજ્ઞાાસા થઇ કે તેનું આવું અકળ વર્તન કેમ ? અને, મેં એક પાપ કર્યું. બધા વિદ્યાર્થીઓ રિસેસમાં વર્ગની બહાર ગયા, એટલે મેં વર્ગમાં રોકાઈને અર્ણવેશનું દફતર ફંફોસ્યું. જો કે તેના અંગત દફતરને ફંફોસવું એ મારે માટે અયોગ્ય જ કહેવાય, પણ એની પાછળનો મારો ઇરાદો શુદ્ધ હતો, તેને દંડવા માટેનો નહીં, પણ સમજવા માટેનો. આ રહી તે તેની ખાનગી નોટ' - વર્ગશિક્ષકે આચાર્યના હાથમાં અર્ણવેશની નોટ મૂકી.

'એ બદમાશની નોટબૂકમાં બહાનાં સિવાય બીજું હોઈ પણ શું શકે ? વર્ગશિક્ષક તરીકે તમારી ફરજ હતી કે એના આવા વિચિત્ર વર્તનથી મને વાકેફ કરવો જોઇતો હતો' વર્ગશિક્ષક પર વાક્બાણ છોડતાં મિ. વિનયકાન્તે કહ્યું.

'મુરબ્બી, આપ શાન્ત થાઓ. અર્ણવેશને સમજ્યા સિવાય વર્ગશિક્ષક સચ્ચાઇથી કેવી રીતે વાકેફ કરી શકે ? રિસેસમાં તેના દફતરને ફંફોસીને કશું જાણવા યોગ્ય મળે તો તેઓ તેને ન્યાય આપી શકે, એવો વર્ગ શિક્ષકનો પ્રયત્ન તેમની નિષ્ઠાની શાખ પૂરે છે. વર્ગશિક્ષક એ કડક સિક્યોરિટી નથી, પણ વિદ્યાર્થીની ચેતનાનો માળી છે.

તેની ફરજ ફી માત્ર ઉઘરાવવાની કે હાજરી પૂરવાની નથી, પણ વિદ્યાર્થીને ખરા અંત:કરણથી મૂલવીને તેના શૈક્ષણિક વાલી બનવાની છે' - કહી આચાર્ય ગુંજન શાહે વર્ગશિક્ષકે આપેલી અર્ણવેશની નોટબુકનાં પાનાં પર નજર કરી. વિનયકાન્તે એમના ચહેરાના ભાવ સમજવાની કોશિશ એમના ચહેરા પર રોષને બદલે આશ્ચર્યનો ભાવ વ્યક્ત થતો હતો.

વિનયકાન્તે કહ્યું : 'પ્રિન્સિપાલ સાહેબ, મારા પુત્રના પરાક્રમોની નોંધ તેની નોટબુકમાં નોંધેલી હોય તો મને વાંચવા આપશો ?'

પ્રિન્સિપાલ ગુંજન શાહ ઠાવકા હતા. યુવાન વય છતાં ઠરેલ હતા. એમણે કહ્યું : 'કોઇનો ખાનગી કાગળ વાંચવો એ પાપ છે એવી વર્ગશિક્ષકની વાત સાચી છે છતાં કેવળ આપના આત્મદર્શન માટે અર્ણવેશે નોટબુકમાં કરેલી કેટલીક નોંધ વાંચી સંભળાવું છું : તટસ્થ ભાવે આપ સાંભળો એવી મારી વિનંતી છે.'

'હા, જલ્દી વાંચી સંભળાવો' કહી વિનયકાન્ત ટટ્ટાર થઇ ગયા.

અર્ણવેશે લખ્યું હતું:

'પપ્પા, તમે સરકારી અધિકારી છો, પણ ઘરમાં અધિકારી તરીકે વર્તો એ મને અને મમ્મીને ન ગમે. હું ઇચ્છું કે મારા મન-હૃદયમાં તમે ડોકિયું કરો, મને વાત્સલ્યથી ભીંજવો, મારાથી કોઈ અપરાધ થયો હોય તો મને સમજાવી ગુનો માફ કરો. પણ... પણ આપની થીયરી જુદી છે. હું સોળ વર્ષનો થયો, એટલે મારી સાથે મિત્ર જેવો આત્મીય સંબંધ રાખવો જોઇતો હતો. પણ શંકાના કીડાએ આપના મનનો કબ્જો એવી ખરાબ રીતે લઇ લીધો છે કે આપ મને એક 'આવારા'- રખડેલ- ભટકેલ યુવક જ માનો છો. મારા મન પર નિરાશા છવાઈ રહી છે.'

'બસ-બસ મને ખાત્રી હતી કે અર્ણવેશ મારા પર દોષારોપણ કરશે. એને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવવો છે, એટલે હું ખાનગી રીતે ઓફિસ સમય બાદ પાર્ટટાઈમ નોકરી કરું છું. ભણવામાં એનું ચિત્ત ચોંટતું નથી એટલે મોટું ડોનેશન આપી મેનેજમેન્ટ સીટમાં તેને પ્રવેશ અપાવવાનો છે, એટલો તેનો અભ્યાસ સુધરે એ માટે કડકાઈ દાખવું છું... આજનાં બાળકો મા-બાપના માત્ર ઉધાર પાસાને જુએ છે, જમા પાસાને નહીં. આ યુગ જ નમકહરામનો છે... મારે હવે અર્ણવેશ વિશે વધુ સાંભળવું નથી. સારાંશ એ જ કે તેની નજરમાં બાપનું મૂલ્ય નથી' - કહીને વિનયકાન્ત આચાર્યની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયાં.

એમના ગયા પછી પ્રિન્સિપાલ ગુંજન શાહે અર્ણવેશને રૂબરૂ મળવા બોલાવ્યો. અર્ણવેશ તેમનો ચરણસ્પર્શ કરીને અદબપૂર્વક ઉભો રહ્યો. પ્રિન્સિપાલે તેના પપ્પા મળવા આવ્યાની તેને વાત કરી. એણે કહ્યું : 'તેઓ તેમની ફરજ બજાવે તે યોગ્ય છે મારી કશી ફરિયાદ નથી.'

'પણ એમનો તારી સામે ખાસ્સો બળાપો છે. તું શાળાએથી છૂટયા બાદ મોડે સુધી બહાર રહે છે. કશી ચોખવટ કરતો નથી વગેરે-વગેરે. અર્ણવેશ, મને તારા પરત્વે શંકા નથી, શ્રદ્ધા છે. એટલે તને વાંધો ન હોય તો કશું છુપાવ્યા વગર દિલ ખોલીને વાત કર'- આચાર્યે અર્ણવેશના ખભે હાથ મૂકીને પૂછ્યું...

'સર, હું પણ આપનાથી કશું છૂપાવવા માગતો નથી ! હું ઘેર આવ્યો કે નહીં તે પૂછવા તેઓ મોબાઈલ ફોન વારંવાર મમ્મીને કરે છે. મમ્મી બચાવ કરે તો ફોન પર તેનો ઉધડો લે છે. એટલે મને ઘેર જવાનું મન થતું નથી ! મિતરોને મળું છું તો તેઓ મોજશોખ અને સસ્તા મનોરંજનના માર્ગે ચઢાવવાની કોશિશ કરે છે. મને 'મૂડી' અને 'પાગલ' કહી વગોવે છે. એટલે મેં મિત્ર સર્કલથી દૂર રહેવાનું પસંદ કર્યું છે' - અર્ણવેશે કહ્યું...

'તો પછી તું ઘેર જવાને બદલે શું કરે છે ? કોઈ ધર્માચાર્ય પાસે જાય છે ? કથા-વાર્તા સાંભળે છે ? કાંઈક તો કરતો હોઇશને ?' આચાર્યે વિસ્મય સાથે પૂછ્યું...

'મને ખપે છે શાન્તિ અને પ્રેમ. મારા ઘરમાં તે અશક્ય અને દુર્લભ છે. પપ્પાના તીખા સ્વભાવને લીધે મમ્મી પણ મને હૂંફ આપી શક્તી નથી. એકવાર એક અનાથ બાળકોના આશ્રમના ઓટલે બેઠો હતો, જ્યાં ગૃહપતિએ મને જોયો. તેમની આંખોમાં આત્મીયતા હતી. એમણે એક આઈસફ્રૂટવાળાને રોકીને મને આઈસફ્રૂટ ખવડાવ્યું.

એમની ઉદારતા મારા મનમાં વસી ગઈ. તેઓ મને તેમના આશ્રમમાં લઇ ગયા. એમને જોઈ આશ્રમનાં બાળકો તેમને વળગી પડયાં. એ દ્રશ્ય જોઈ હું ગદગદ થઇ ગયો. મેં ગૃહપતિને કહ્યું : 'તમે બાળકોના પિતા છો. મારે તેમના ભાઈ બનવું છે. મને અહીં દરરોજ આવવાની છૂટ આપશો ?''

એમણે કહ્યું : 'સમાજ સેવા કોઇના કોન્ટ્રાક્ટની વસ્તુ નથી. આશ્રમના દરવાજા સહુ માટે ખુલ્લા છે. તારા આવવાથી બાળકો ખુશ થશે. આજથી કર શ્રીગણેશ. તને અનુકૂળ લાગે ત્યાં સુધી રોકાજે. અહીં જમવાની પણ તને છૂટ' પ્રેમાળ ગૃહપતિએ કહ્યું : 'અને આશ્રમમાં બે કલાક રોકાયો. પણ મેં ત્યાં ભોજન ન કર્યું. મફતનું ખાવાની ટેવ નાનપણથી જ કુસંસ્કાર બને છે.'

'શાબાશ ! અર્ણવેશ તું સાચી દિશામાં છે. સમાજસેવા માટે કોઈ મંડળમાં જોડાવાની જરૂર નથી. મંડળનું લોકો રાજકારણમાં પ્રવેશવાનું પગથિયું ગણે છે અને મૂળ સેવાભાવના બાજુએ રહી જાય છે. અને હા, ઘેર ગયા પછી તું જમ્યો કે નહીં ?'

'હા, જમ્યો પણ પપ્પાના બે તમાચા રૂપે. મને કશું જ પૂછ્યા સિવાય એમણે મારા પર આક્રમણ કહ્યું. મને ન જમાડવાનો મમ્મીને હૂક્મ કર્યો' અર્ણવેશે રડતાં-રડતાં કહ્યું...

આચાર્યે તેને આશ્વસ્ત કર્યો અને તેના પપ્પાજી સાથેપોતે વાત કરી પરિસ્થિતિ સુધરે તે માટે કોશિશ કરવાનું વચન આપી અર્ણવેશનેે ક્લાસમાં મોકલ્યો.

આચાર્યે અર્ણવેશના પપ્પાને બે-ત્રણ વખત ફોન કરી મળવા આવવાની વિનંતી કરી જોઇ, પણ એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : 'મને સૂફિયાણી વાતોમાં રસ નથી. તમે મને 'મા-બાપની ફરજો', 'ઉદારતા', બાળ ઘડતરમાં તેનું મહત્ત્વ વગેરે વિશે વાત કરશો, પણ એનાથી મારી સમસ્યાનું નિરાકરણ આવવાનું નથી. અમારા અંગત પ્રશ્નોથી આપ દૂર રહો એમાં જ આપનું ગૌરવ છે !'

એ પછી એક મહિને મિ. વિનયકાન્તનો આચાર્ય પર ફોન આવ્યો : 'તમારો લાડકો પુત્ર ઘર છોડીને ભાગી ગયો છે. ક્યાં ગયો છે એ પણ જણાવ્યું નથી. એ મને નમાવવા માગે છે, પણ હું એમ નમું તેવો નથી. મારા આસિસ્ટંટને મોકલું છું. તેનું નામ સ્કૂલ રજિસ્ટરમાંથી કમી કરજો.'

આચાર્યે આઘાત અનુભવ્યો. એમને ખાત્રી હતી કે અર્ણવેશ ક્યારેય કોઈ ખોટું પગલું ભરે નહીં. એટલે એમણે નામ કમી કરવાની અરજી પોતાની પાસે રાખી મૂકી અને મિ.વિનયકાન્તના આસિસ્ટંટને વિદાય કર્યો.

લગભગ છ મહિના પછી આચાર્ય પર અર્ણવેશને સરનામા વગરનો પત્ર આવ્યો. એણે પોતાની ફીની રકમનો ચેક સાથે જોડયો હતો અને પોતાનું સ્કૂલ લિવિંગ પોષ્ટ માસ્તરના સરનામે મોકલી આપવાની વિનંતી કરી હતી. આચાર્યને એ વાતનો આનંદ હતો કે અર્ણવેશ સાચી રાહ પર ચાલી રહ્યો છે.

આચાર્યે તેની સૂચના મુજબ સ્કૂલ લિવિંગ મોકલી આપ્યું.. અને એક પ્રકારનો હાશકારો અનુભવ્યો.

અર્ણવેશના ગયા પછી વિનયકાન્ત છ મહિના તો અક્કડ રહ્યા, પછી ધીરે ધીરે તેમના જીવનમાં ખાલીપો વર્તાવાનું શરૂ થયું. તેમનાં પત્ની પણ અર્ણવેશના ગયા પછી સૂનમૂન થઇ ગયાં હતાં. પતિ-પત્ની વચ્ચે અબોલા શરૂ થઇ ગયા હતા.

મિ. વિનયકાન્ત અર્ણવેશની યાદથી બચવા વારંવાર પોતાની બદલી કરાવી જુદા જુદા શહેરોમાં રહેવા ગયા, પણ તેમના મનને ચૅન નહોતું... એક તરફ નમવામાં એમનો અહંકાર નડી રહ્યો હતો અને બીજી તરફ પુત્રે ઘર છોડવું પડયું તેનો અપરાધ ભાવ એમનો પીછો છોડતો નહોતો.

અર્ણવેશે ઘર છોડયા પછી એક મંદિરમાં આશરો લીધો હતો. મંદિરના મેનેજમેન્ટ સાથે વાત કરી પોતે પાર્ટટાઈમ નોકરી કરશે અને દિવસ દરમ્યાન શાળામાં પોતાનો અભ્યાસ પૂરો કરશે એવી મંજૂરી મેળવી લીધી હતી.

અર્ણવેશે પોતાના નિયમિત અભ્યાસ સાથે ધર્મશાસ્ત્રોનું અધ્યયન પણ શરૂ કર્યું હતું... તે મંદિરમાં યુવાસભાઓ યોજતો અને વ્યક્તિત્વ ઘડતર તેમ જ કારકિર્દી આયોજન વિશે પ્રવચન આપતો. મેનેજમેન્ટ તેનાથી ખુશ હતું. એમણે અર્ણવેશને કોલેજ-અભ્યાસ માટે છૂટ આપી જરૂરી ખર્ચની વ્યવસ્થા પણ કરી આપી હતી.

અર્ણવેશે હાયર સેકંડરી બોર્ડની પરીક્ષા એંશી ટકા સાથે પાસ કરી સરકારી ઇજનેરી કોલેજમાં પ્રવેશ લીધો. તેને મેરિટ સ્કોલરશીપ મળી એટલે મંદિરમાં ભોજન અને નિવાસ ખર્ચ આપવાનું પણ શરૂ કર્યું.

સમયનું ચક્ર ઘૂમતું જ રહ્યું... અર્ણવેશના પપ્પા વિનયકાન્ત હવે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઇ ગયા હતા. એમણે એક નાનકડો ફ્લેટ ખરીદી લીધો હતો. માનસિક તનાવે તેમને હૃદયરોગના દર્દી બનાવી દીધા હતાં. આંખે પણ બરાબર દેખાતું નહોતું. અર્ણવેશની મમ્મી પણ પુત્રની ગેરહાજરીમાં માનસિક સ્વસ્થતા ગુમાવી બેઠા હતા. વિનયકાન્તનો સ્વભાવ હજી ક્રોધી હતો. જે કોઈ મળવા આવે તેનું તેઓ અપમાન કરી બેસતા હતા. તેમને તીર્થયાત્રામાં રસ નહોતો. એટલે ક્યાંય બહાર જવાનું તેઓ ટાળતા હતા.

એમણે સગે વહાલે ફોન કરી અર્ણવેશની ભાળ મેળવવાનો પ્રયત્ન કરી જોયો. પણ કોઈ પાસે કશી માહિતી ઉપલબ્ધ થતી નહોતી. એમણે અર્ણવેશના ફોટા સાથે જાહેરાત આપી પણ ફોટો નાનપણનો હતો એટલે કોઈ તેને ઓળખી શક્યું નહીં. અર્ણવેશે પોતે એ જાહેરાત જોઈ હતી. પપ્પામાં આવેલા પરિવર્તનનો તેને અહેસાસ થયો હતો પણ એને લાગ્યું કે હજી પોતાને ઘેર પાછા ફરવાનો યોગ્ય સમય થયો નથી.

ઇજનેરી અભ્યાસક્રમ પૂરો થતાં તેને બી.ઈ.સિવિલની પદવી પ્રાપ્ત થઈ. કન્સ્ટ્રકશનનું કામ કરતી એક પ્રતિષ્ઠિત કંપનીમાં એને નોકરી મળી. એની તેજસ્વિતા જોઇ છ મહિનામાં જ એને ડેપ્યુટી ઇજનેરનું પ્રમોશન આપ્યું. એના હાથ નીચે પચ્ચીસનો સ્ટાફ કામ મકરતો હતો. પહેલે જ દિવસે અર્ણવેશે સ્ટાફની મીટીંગ બોલાવી. સ્ટાફને લાગ્યું કે નવા સાહેબ અત્યંત કડક છે. શિસ્તના નિયમોનો બોધપાઠ આપવા સહુને બોલાવ્યા છે.

પણ અર્ણવેશે કહ્યું: હું પણ તમારી જેમ આ કંપનીનો નોકર છું. તમારે તમારી જવાબદારી સંભાળવાની છે અને મારે મારી. આપણે સહુએ ટીમ વર્કથી કામ કરવાનું છે. હું શિસ્તના નિયમો લાદવામાં માનતો નથી. આપણે મશીનની જેમ નહીં પણ માણસની જેમ કામ કરી કંપનીની પ્રતિષ્ઠા વધારવાની છે. મને ખાત્રી છે કે જવાબદારી અદા કરવામાં આપ સહુ મારો જમણો હાથ બનશો.

અર્ણવેશ 'સર'ની વાત સાંભળી સ્ટાફમાં ઉત્સાહ અને જોશનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

અર્ણવેશના ગયા પછી વિનયકાન્તે દીવાળી ઉજવવાનું બંધ કરી દીધું હતું. બારણે બોર્ડ ચિતરાવીને મૂક્યું હતું : મારે ઘેર દીવાળી ઉજવવાનું સદંતર બંધ છે. અમને શુભેચ્છા પાઠવવા કોઇએ આવવું નહીં. કંપનીએ અર્ણવેશને બંગલો અને કારની સુવિધા આપી હતી. હવે તેણે મંદિરમાં રહેવાનું બંધ કર્યું હતું.

એક દિવસ મંદિરના ચીફ મેનેજર અર્ણવેશને મળવા આવ્યા હતા. તેમની દીકરી આત્મિકા અર્ણવેશની કંપનીમાં જ કામ કરતી હતી. આત્મિકા સ્વભાવે શિસ્તપ્રિય અને નમ્ર હતી. પોતાના કામથી અર્ણવેશ બોસને ખુશ રાખવામાં માનતી હતી. ક્યારેય કામ સિવાય અર્ણવેશને મળવાનું ટાળતી હતી. અર્ણવેશ પણ તેનાથી પ્રભાવિત હતો.

ચીફ મેનેજરે અર્ણવેશને કહ્યું. 'અમે તમને દેવપુત્ર માની અમારાથી બનતો સહયોગ આપ્યો છે. હવે એક દેવપુત્રી તમને આપવા માગીએ છીએ.'

'હું કાંઈ સમજ્યો નહીં.' અર્ણવેશે કહ્યું : 'મારી પુત્રી આત્મિકા લંડનમાં રહેતા મારા ભત્રીજાને ઘેર રહીને ભણી છે. મારો ભત્રીજો લંડનમાં રાધાકૃષ્ણના મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે. મારી પુત્રી આત્મિકા પણ દેવપૂજામાં તેને મદદ કરતી. તમે જે કંપનીમાં ડેપ્યુટી એંજિનિયર તરીકે કામ કરો છો તે કંપનીના માલિક વિરાટ શેઠ લંડન ગયા ત્યારે રાધાકૃષ્ણના મંદિરે દેવદર્શન ગયા હતા.

મારી પુત્રીના ઉષ્માભર્યા આતિથ્યથી પ્રસન્ન થઇ એમણે ભારતમાં તેને પોતાની કંપનીમાં ઓફિસ-સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે જોડાવાનો નિમણૂક પત્ર મોકલ્યો હતો અને આત્મિકા આજે તમારી સાથે કામ કરી રહી છે. તમારા ઉચ્ચ સંસ્કાર અને તેનું પણ ધર્મપ્રિય વ્યક્તિત્વ જોઇ મારા મનમાં વિચાર આવ્યો કે 'દેવપુત્ર' અને 'દેવપુત્રી'ની જોડ બરાબર જામશે. ઇન્કાર ન કરતા.'

અર્ણવેશને પણ આત્મિકા માટે માન હતું... એણે કહ્યું : 'આપે અત્યાર સુધી મારા હિતચિંતક તરીકે ફરજ બજાવી છે. આપની ઇચ્છાને માન આપતાં હું ગૌરવ અનુભવું છું. મારી શરત એક જ છે :'

'કઇ શરત ? તમારી જે કોઈ શરત હશે તે શુદ્ધ જ હશે. દિલ ખોલીને કહો.'

'હું ભણતો હતો, ત્યારથી મને એક બાલાશ્રમનાં બાળકો પ્રત્યે અપાર હેત છે. મારુ લગ્ન એ બાલાશ્રમમાં ગોઠવજો.' - અર્ણવેશે કહ્યું...

'હું નહોતો કહેતો કે તમારી જે કાંઈ શરત હશે તે ઇમાનદાર જ હશે. તમારી શરત હજાર ટકા કબૂલી.' લાભપાંચમે લગ્નોત્સવ ગોઠવીશું - કહી ચીફ મેનેજર પ્રસન્નચિત્તે વિદાય થયા. બરાબર લાભ પાંચમે બાલાશ્રમમાં અર્ણવેશ અને આત્મિકાનો લગ્નોત્સવ આશ્રમનાં બાળકો વચ્ચે ગોઠવાયો. બાળકો નાચ્યાં-કૂદ્યાં અને ભાવતાં ભોજનથી ખુશખુશાલ થઇ ગયા.

આત્મિકાના પપ્પાએ કહ્યું : 'લો, આ કાશ્મિરની બે ટિકિટ' અઠવાડિયા પછી તમારે બન્નેએ ફરવા જવાનું છે. ત્યાં સુધી તમે મારા મહેમાન

'ના, કન્યાને વળાવીને સાસરે મોકલવાની હોય, પીયર નહીં. હું અને આત્મિકા અહીંથી મારાં મમ્મી-પપ્પાને મળવા જઈશું, એમના આશીર્વાદ લેવા માટે' અર્ણવેશે કહ્યું... અને આત્મિકાના પપ્પા એ બન્નેને આશીર્વાદ સાથે વિદાય આપી.

અર્ણવેશ આત્મિકા સાથે એક નાનકડા ફ્લેટે પહોંચ્યો. એક તરફ બોર્ડ લટકતું હતું : 'અર્ણવેશ વિનયકાન્ત ભટ્ટ' અને બીજી તરફના બોર્ડમાં લખ્યું હતું : 'અમે તહેવારો ઉજવતા નથી. તહેવાર નિમિત્તે કોઇએ મળવું નહીં. અર્ણવેશ મમ્મી-પપ્પાના મનની પીડા સમજી શક્યો. એણે કોલબેલનું બટન દબાવ્યું. પપ્પાએ બારણું ખોલ્યું... અર્ણવેશને જોઈ ભેટીને ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયા. તેમણે એક જ ઝાટકે 'અમે તહેવારમાં કોઇને મળતા નથી'નું બોર્ડ તોડી નાખ્યું અને લાભ પાંચમ બની ગઈ દિવાળી !'

Tags :