અયોધ્યાના લાંબા કષ્ટદાયક અધ્યાયનો હવે સુખદ અંત આવશે
હોટલાઈન - ભાલચંદ્ર જાની
અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ સ્થાનિક પ્રજા માટે સુખ-શાંતિ-સમૃધ્ધિ લાવશે અને ભારત વર્ષ માટે નવા યુગનું નિર્માણ કરશે!
અયોધ્યામાં રામમંદિર મુદ્દે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી પૂરી થઈ છે. કોર્ટની બંધારણીય બેંચે હાલ આ મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. પરંતુ આગામી ૧૫ નવેમ્બર પહેલાં આખરી ચુકાદો આવી જાય તેવી પૂરી સંભાવના છે... જાણકારોનો અભિપ્રાય એવો છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ હિન્દુઓની તરફેણમાં આવે તેવી પૂરી વકી છે.
કારણ કે મુસ્લિમ પક્ષના વકીલો તેમનો મુદ્દો સાબિત કરવામાં સફળ રહ્યા નથી. કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરતી વેળાએ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતુ કે એમા કોઇ શંકા જ નથી કે ભગવાન રામનું સન્માન થવું જ જોઇએ. જોકે ભારત જેવા દેશમાં અલ્લાહનું પણ સન્માન થાય જ છે. અમે સાથે એ માની લઇએ છીએ કે રામનો જન્મ ત્યાં જ (વિવાદીત મનાતા સ્થળે) થયો હતો.
બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન મુસ્લિમોએ પણ કહ્યું હતું કે મક્કા જે રીતે મુસ્લિમોનું ધાર્મિક સ્થળ મનાય છે તેવી જ રીતે અયોધ્યા હિંદુઓનું ધાર્મિક સ્થાન મનાય છે. આવી સ્થિતિમાં અયોધ્યામાં રામ પ્રત્યે હિંદુઓની જે આસ્થા છે તેના પર સવાલ ઉઠાવવા મુશ્કેલ છે.
સુન્ની વકફ બોર્ડ વતી દલિલો કરી રહેલા જાણીતા વકીલ ધવને જણાવ્યું હતું કે માત્ર આસ્થા કે વિશ્વાસના આધારે કોઇ સ્થળ પર દાવો ન કરી શકાય. જોકે સાથે તેમણે કહ્યું હતું કે હું બહુ જ આદર પૂર્વક માનુ છુ કે ભગવાન રામ પ્રત્યે લોકોની જે આસ્થા છે તેને નકારી ન શકાય.
રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો, પણ જ્યાં મસ્જિદ આવેલી છે ત્યાં નહીં. જોકે બેંચે કહ્યું હતું કે અગાઉ તમે કહ્યું હતું કે શ્રદ્ધાનો ઉપયોગ પુરાવા તરીકે પણ થઇ શકે છે અને હવે કહો છો કે શ્રદ્ધાથી કોઇ સ્થળ પરનો દાવો ન કરી શકાય. આમ મુસ્લિમ પક્ષના વકીલની વિરોધાભાસી વાતો તથા રામ જન્મભૂમિને લગતા નકશા ફાડી નાંખવાને મામલે બંધારણીય બેંચના ન્યાયાધીશો અચરજ પામ્યા હતા.
જોવાની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની સૂનાવણી, વિવિધ પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસ..... આ બધાની વચ્ચે રામ મંદિરના નિર્માણ માટે તડામાર તૈયારી ચાલુ જ છે.
મંદિર માટેના પથ્થરોનું સમારકામ કરી લેવામાં આવ્યું છે સાથે જે નક્શી કામ કરવાનું છે તે અને લાકડાના માળખાં વગેરેની તૈયારી પણ ૫૦ ટકા પુરી કરી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની જ હવે માત્ર રાહ જોવાઇ રહી છે એક વાર લીલી ઝંડી મળે એટલે તાબડતોબ મંદિર નિર્માણ થશે તેવું વાતાવરણ અયોધ્યામાં ઉભુ કરવામાં આવ્યું છે.
અયોધ્યામાં કાર સેવકો દ્વારા આ બધી સામગ્રીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અહીં એક કાર્યશાળા ખોલવામાં આવી છે જેમાં રામ મંદિર કેવા પ્રકારનું બનાવવામાં આવશે તેનું એક લાકડાનું મોડલ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે. આ બધી તૈયારી વિશ્વ હિંદુ પરીષદ જેવા સંગઠનો કરી રહ્યા છે.
મંદિરની લંબાઇ ૨૬૮ ફુટ રાખવાનું નક્કી કરાયું છે જ્યારે ૧૪૦ ફુટની પહોળાઇ છે. અને ૧૨૮ ફુટ ઉંચુ રાખવામાં આવ્યું છે જ્યારે મંદિરમાં ૨૧૨ સ્તંભનો ઉપયોગ કરવામાં આવસે. દરેક માળમાં ૧૦૬ પિલ્લર રાખવામાં આવશે. દરેક પિલ્લરમાં ૧૬ પ્રતિમા હશે. આ દરેક પિલ્લરની કોતરણી કરી લેવામાં આવી છે અને હવે તે લગાવવા માટે પણ તૈયાર છે.
વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રવક્તા જણાવે છે કે હાલ ઉ.પ્રદેશમાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જેટલા લોકો દર્શન કરવા આવે છે તેટલા લોકો શ્રી રામજન્મભૂમિ કાર્યશાળામાં પણ જાય છે. કાર્યશાળામાં હાલ પથ્થરો ઘડીને મંદિર બનાવવા માટેનો કાચો મજલો તૈયાર થઈ રહ્યો છે. જેથી મંદિર નિર્માણનો માર્ગ મોકળો થતાં જ નિર્માણનું કાર્ય ઝડપથી આગળ વધી શકે. હાલ મંદિરમાં વપરાશ માટેના પથ્થરોની કોતરણીનું ૫૦ ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે. એટલે કે અર્ધા મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
મંદિર નિર્માણ માટે પથ્થરો ઘડવાનું આ કામ છેલ્લા ૨૮ વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં તેનું નિજગૃહ અથવા ગર્ભગૃહ જેમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપીત કરાય છે તે ઉપરાંત તેના બહારના શોભા મંડપના ૧૦૬ જેટલા સ્તંભોનું કોતરકામ પણ પૂર્ણ થઈ ગયું છે. વળી કોમી સંવાદીતાની એક સુખદ બાબત એ છે કે શિયા વકફ બોર્ડના વડા વસીમ રીજવી પણ કાર્યશાળાની અવાર-નવાર મુલાકાત લે છે.
તેમણે મંદિરમાં દસ હજાર રૂા. ફાળો પણ આપ્યો છે. તેમણે તો મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની પણ હિમાયત કરતા કહ્યું હતું કે આખુ વિશ્વ જાણે છે કે અયોધ્યા શ્રીરામની જન્મભૂમિ હતી ત્યાં રામનું મંદિર નિર્માણ ન થાય તો ક્યાં થાય ? તેમણે ઉમેર્યું કે જે કટ્ટરપંથી વિચારધારા વાળા મુસ્લિમો હતા તેમણે મંદિર તોડયું હતું. આટલું પૂરતું નથી. આવા જ કટ્ટરપંથીઓએ સાઉદી અરેબિયામાં મોહમ્મદ સાહેબના દિકરીના મકરબા જન્નત ઉલ બકીને તોડયો છે.
રામ મંદિરના મુદ્દે ચર્ચા બહુ થઈ. કોર્ટનો ચુકાદો પણ આવશે, પરંતુ એ પ્રશ્ન તો ઊભો જ છે કે ભારત દેશના કરોડો હિન્દુઓ જે સ્થળને રામજન્મભૂમિ તરીકે બિરદાવે છે તે મુદ્દે આટલો વિવાદ કેમ? શું કરોડો-કરોડો હિન્દુઓની આસ્થાનું કોઈ મૂલ્ય નથી?
જે નગરની સડકો પરથી એકવાર ભગવાન શ્રી રામચંદ્ર પસાર થયા હશે માતા જાનકી (સીતા) અને લક્ષ્મણ તેમની સાથે વનવાસે ગયાં હશે એ અયોધ્યા નગરીની આજની સડકો પર એક પ્રકારની ઉદાસીનતા વર્તાય છે. ઉત્તર પ્રદેશનાં બીજાં શહેરોમાં જોવા મળે છે તેવી જ ગંદકી, ઠેર ઠેર ઊભરાતી ગટરો અને ચારેબાજુ મિઠાઈની અને પકોડાની દુકાનો જોવા મળે છે.
સરયૂ નદીના કિનારે પંડાઓની જમાત નાની થાળીઓમાં ચંદન- કંકૂ અને ફુલ રાખીને ધાર્મિક યાત્રાળુઓને બૂમો મારીને બોલાવતા દેખાય છે. નદીમાં નહાવા આવતા- જતાં લોકોનાં ટોળામાંથી રામધુનનો અવાજ વાતાવરણમાં ફેલાયા કરે છે. આમ છતાં તીર્થોમાં અયોધ્યાને શ્રેષ્ઠ અને સરયૂ નદીને પાપનાશક અને જીવનંદાયિની નદી માનવામાં આવે છે.
કહેવાય છે કે માનવસૃષ્ટિ સર્વપ્રથમ અયોધ્યાથી જ શરૂ થઈ હતી. આદિપિતા મનુ ભગવાન વૈકુંઠનાથથી તેને માંગીને પૃથ્વી પર લાવ્યા હતા. ત્યારબાદ સૃષ્ટિની રચના થઈ. લાંબા અરસા સુધી તેની દેખરેખ કર્યા પછી તેમણે અયોધ્યાની સોંપણી ઈશ્વાકુના પિતાને કરી. આજ વંશમાં ત્યારબાદ રામનો જન્મ થયો. પુરાણોમાં આવતી વાતો પ્રમાણે અયોધ્યા શબ્દમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો નિવાસ મનાય છે. નદીઓમાં શ્રેષ્ઠ મનાતી સરયુ નદીના પૂર્વ કિનારે અયોધ્યા નગર વસેલું છે.
ભગવાન વિષ્ણુના અંગ- પ્રત્યંગનું વર્ણન કરતાં ઋષિ- મુનિઓએ અયોધ્યાને તેમનું મસ્તક ગણાવ્યું છે. અયોધ્યાના આઠ નામો ગ્રંથોમાં વાંચવા મળ છે- હિરણ્યા, ચિન્મય, જયા, સત્યા, નંદિની, રાજીતા, અપરાજિતા અને અયોધ્યા. અયોધ્યા શબ્દનો અર્થ થાય છે. શત્રુ જેને જીતી ન શકે. બૌધ્ધ ગ્રંથ 'દિવ્યાવદાન'માં જેનો ઉલ્લેખ 'સાકેત' કરવામાં આવ્યો છે તે આ જભૂમિ છે, તેવો વિદ્વાનોનો મત છે. દેવતાઓની નગરી મનાતી અયોધ્યાની ચારે તરફ પર્વતો રચીને તેને સુરક્ષિત બનાવવામાં આવી હતી.
લાખ્ખો વર્ષ પહેલાં ઈશ્વાકુના પિતાએ અયોધ્યાને પોતાની રાજધાની જાહેર કરી હતી. તે વખતે આ નગરી ૧૨૦ કોસ લાંબી અને ૪૮ કોસ પહોળી હતી. ઈશ્વાકુની ૬૨મી પેઢી પછી આ જ વંશમાં ભગવાન રામનો જન્મ થયો. જેના વિશે મહર્ષિ વાલ્મિકીએ રામાયણ લખ્યું છે. રામ-રાજ્યના સમયમાં અયોધ્યા નગરીનો ઘેરાવો ૮૪ કોસનો હતો. ચાર દિશામાં ચાર પર્વત- પૂર્વમાં શૃંગારાદ્રિ, પશ્ચિમમાં લીલાદ્રી, ઉત્તરમાં મુક્તાદ્રી અને દક્ષિણમાં મણિકૂટ હતા, પ્રત્યેક પર્વતની પાસે ત્રણ ત્રણ વન હતાં. આ રીતે અયોધ્યામાં કુલ ૧૨ વન હતાં.
વેદ- પુરાણોમાં જે અયોધ્યાનું વર્ણન આદિકાળથી થતું આવ્યું છે, તેનો ઐતિહાસિક પૂરાવો આપણને વિક્રમાદિત્યના સમયથી જ મળે છે. તેની પહેલાં ઈતિહાસ ક્યારેય લિપીબધ્ધ કરવામાં આવતો ન હોવાથી તે પૂરવાર કરવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી. અયોધ્યાના પંડિત- પૂજારીઓ કહે છે કે રામ જ્યારે તેમની પ્રજા સહિત દિવ્યધામ ચાલ્યા ગયા ત્યારે અયોધ્યા ઉજ્જડ થઈ ગઈ. નગરની બધી જ સંપત્તિ, મઠ, મંદિરને સરયૂ નદીએ પોતાની ગોદમાં સમાવી લીધી.
ધીરે ધીરે ચારે બાજુ જંગલ ફેલાવવા માંડયું. દ્વાપર યુગમાં મહારાજ કુશ અને મધ્યકાળમાં મહારાજા ઋષભે એને ફરીથી વસાવી. હજારો વર્ષો સુધી તેમના વંશજોએ અયોધ્યાને જ પોતાની રાજધાની રાખી. ત્યારબાદ શાક્યવંશના રાજ્યકાળમાં ત્રણ પેઢી સુધી અમંગળ બનાવો બનતા હોવાથી મહારાજ શુધ્ધોધને અયોધ્યા છોડીદીધી અને સરયૂ નદીને પાર શ્રાવસ્તીમાં પોતાની રાજધાની બનાવી. લોકો પણ રાજા વગર સૂની પડેલી અયોધ્યાને છોડીને શ્રાવસ્તીમાં જઈને વસ્યા. આમ ફરીવાર અયોધ્યા વેરાન થઈ ગઈ. શુધ્ધોધન રાજાને ત્યાં થોડા સમય બાદ ભગવાન બુધ્ધ અવતાર લઈને આવ્યા.
ઈ.સ. પૂર્વે સોની સાલમાં વિક્રમાદિત્ય રાજાના મનમાં અયોધ્યાને ફરીથી વસાવવાની ઈચ્છા થઈ. એકવાર તેઓ માનસ સરોવર તરફ ગયા અને સરયૂને કિનારે કિનારે ચાલતા અયોધ્યા સુધી ગયા. ત્યાં થોડા દિવસ વિશ્રામ કરવાનું વિચારીને તેઓ ત્યાં રોકાયા. એકવાર વહેલી સવારે ફરવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે એક કાળા ઘોડા પર કાળો દેખાતો અસ્વાર દક્ષિણ દિશામાંથી આવીને સરયૂ નદીના વહેતા પાણીમાં પ્રવેશી રહ્યો છે. જ્યારે તે નહાઈને બહાર આવ્યો ત્યારે ઘોડાનો અને તેનો રંગ શ્વેત થઈ ગયો હતો. આ જોઈને વિક્રમાદિત્ય સમજી ગયા કે જરૂર આ કોઈ અલૌકિક પુરુષ હશે. તેમણે આગળ વધીને ઘોડાની લગામ પકડી પેલા પુરુષનો પરિચય માગ્યો.
અશ્વ સવારી કરનાર પુરુષે હસીને પોતાનો પરિચય આપતાં કહ્યું : 'હું તીર્થરાજ પ્રયાગ છું. લોકોનાં પાપ ધોતાં ધોતાં હું ખુદ કાળો થઈ ગયો છું. પ્રતિવર્ષ ચૈત્ર રામનવમીના દિવસે અહીં આવીને હું સરયૂની દિવ્ય ધારામાં મારાં પાપ ધોઈ નાખું છું અને આમ મારી કાલિમા દૂર થઈ જાય છે. તારી સામે પ્રગટ થવાનું કારણ એ છે કે હું તને એ જણાવવા માગું છું કે તું ભગવાન રામની અયોધ્યા નગરીનો ઉધ્ધાર કર.'
પ્રયાગરાજના આદેશાનુસાર વિક્રમાદિત્યે અયોધ્યાનાં ૩૬૦ દિવ્ય સ્થળો પર મંદિરોનું નિર્માણ કર્યું. 'અયોધ્યા મહાત્મય' પર એક ગ્રંથ લખાવ્યો, જૂનાં મંદિરોનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને ત્યારથી જ વિક્રમ સંવત્સરી શરૂ થઈ, જે આજે પણ ચાલે છે. તેની પહેલાં યુધિષ્ઠિર સંવત ચાલતી હતી. છ વર્ષના ગાળામાં વિક્રમાદિત્યે અયોધ્યા નગરને નવજીવન આપ્યું ત્યારબાદ વર્ષો સુધી જુદા જુદા ધર્મના લોકોએ અયોધ્યાના મંદિર પર હુમલા કર્યા છે. પરંતુ મોગલકાળમાં થયેલા હુમલાએ સૌથી વધુ નુકસાન પહોંચાડયું છે.
તે વખતે અયોધ્યામાં મુખ્ય ત્રણ મંદિરો હતા- રામ જન્મભૂમિ, સ્વર્ગદ્વાર અને ત્રૈતાનાથ મંદિર. રામ જન્મભૂમિ મંદિર પર ઈ.સ. ૧૫૨૮માં બાબરી મસ્જિદ બાંધવામાં આવી. સ્વર્ગદ્વાર મંદિર પર ઔરંગઝેબે એક મસ્જિદ બંધાવી અને ત્રૈતાનાથ મંદિર પર સિકંદર લોદીએ મસ્જિદ બંધાવી. આ મસ્જિદોના અવશેષો આજે પણ દેખાય છે. છેલ્લાં પાંચસો વર્ષમાં અયોધ્યાના મંદિર પર થયેલા હુમલામાં અસંખ્ય હિંદુઓએ જાન ગુમાવ્યા છે. કેટલાંયની વીરગાથા અહીંના વિવિધ ટીલા (સ્મારકો)માં જોવા મળે છે. કેટલાંય મોટા ટીલાની નીચે પુરાણાં મંદિરો મળી આવ્યાં છે. કેટલાંય દર્શનાર્થી આ ટીલાનું મહત્ત્વ સમજીને ત્યાં પણ ફુલ-હાર ચઢાવે છે. મુખ્ય ટીલામાં સુગ્રીવ ટીલા, નલ-નીલા ટીલા, અંગજ-ટીલા, કુબેર ટીલા, લક્ષ્મણ ટીલાને ગણાવી શકાય.
મહારાજા દશરથની યજ્ઞાભૂમી મખવૌડા પણ અયોધ્યાની નજીક છે. આ સ્થળે જ દશરથે પુત્રેષ્ઠિ યજ્ઞા કર્યો હતો. અયોધ્યાથી દસ માઈલ દૂર આ સ્થળ છે. દરેક વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. આજે પણ કેટલીય સ્ત્રીઓ પુત્ર પ્રાપ્તિ માટે માનતા માનીને મનવર નદીમાં સ્નાન કરી આ તીર્થભૂમિના દર્શને આવે છે. અહીંની માટી ઉખાડીને ખાવાથી સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે તેવું મનાય છે અને આ સ્થળેથી જ અયોધ્યાની ૮૪ કોસની પરિક્રમા શરૂ થાય છે.
૮,૭૨,૬૪૨ વર્ષ પહેલાં શ્રી રામનો જન્મ થયો હતો અને આજથી ૨૦૬૦ વર્ષ પહેલાં વિક્રમાદિત્ય રાજાએ રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કર્યું હતું તેમ કહેવાય છે. જે બાબરી મસ્જિદ ૧૯૯૨માં તોડી પાડવામાં આવી ત્યાં મૂળ રામ જન્મભૂમિ મંદિર હતું. એકવાર તેના જીર્ણોધ્ધારનું કામ કનૌજના રાજા જયચંદ્રએ કરેલું.
રામ જન્મભૂમિના વર્તમાન પૂજારી મંદિરનો ઈતિહાસ જણાવતાં કહે છે કે સન ૧૫૨૬માં બાબરે તે વખતના શર્કી રાજાને હરાવીને પોતે અત્યંત ખુશ થયો છે તેમ જણાવી અયોધ્યાના સિધ્ધ ફકીર ફઝલ અબ્બાસ કલંદરી પાસે ગયો. બાબરનો મુખ્ય રણમંત્રી મીર બાંકી પણ તેની સાથે હતો. બાબર ફકીરનો ઉપદેશ સાંભળી ખુશ થયો અને બદલામાં હીરા-મોતી આપ્યાં ત્યારે તેનો અસ્વિકાર કરતાં પેલા ફકીરે માંગણી કરી કે રામ જન્મભૂમિ મંદિર તોડીને તેને સ્થાને પોતાને નમાજ પઢવા માટે મસ્જિદ બનાવી આપો.
જો આમ નહીં કરવામાં આવે તો પોતાની બદદુઆ તેની સલ્તનતનો નાશ કરશે તેવાં વેણ ઉચ્ચાર્યાં હોવાથી બાબરે ફકીરની વાત માનવી પડી. મંદિર તોડવાની વાત અયોધ્યામાં ઝડપથી ફેલાઈ ગઈ. હિંદુઓનો વિશાળ જનસમુદાય મંદિર પાસે એકઠો થયો અને જાનના જોખમે પણ મંદિરને બચાવી લેવા લોકો તૈયાર થયા. સેનાપતિ મીર બાંકીએ સશસ્ત્ર લશ્કર તેડાવ્યું. ત્યારબાદ સત્તર દિવસ સુધી હિંદુઓ અને બાબરના સૈન્ય વચ્ચે ધમસાણ યુધ્ધ ચાલ્યું. મૂર્તિ તોડીને પોતે 'ગાજી' (મૂર્તિ ભંજક) બનશે તેવી ઈચ્છા રાખનારા મીર બાંકીની મૂરાદ પૂરી ન થાય માટે કેટલાંક હિંદુઓએ મંદિરના ગર્ભમાં રહેલી ભગવાન રામની મૂર્તિ ત્યાંથી હઠાવી લીધી. પાછળથી મંદિરનો અમુક ભાગ તોડી નાખી ત્યાં મસ્જિદ બનાવવામાં આવી.
ઘણા સમય બાદ આ મંદિરમાંની ભગવાનની મૂર્તિ એક બ્રાહ્મણને સરયૂ નદીના કિનારે આવેલા એક મંદિર પાસેથી મળી. આ મૂર્તિને નાગેશ્વરનાથ મંદિરની પાછળઆવેલા કાલેરામ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી. વિક્રમાદિત્યે બાંધેલા મૂળ મંદિરના ૮૪ સ્તંભોમાંથી કેટલાંય કલાત્મક સ્તંભો તોડી નાખવામાં આવ્યા.
જ્યારે બાર સ્તંભ બાબરી મસ્જિદની અંદરના ખંડમાં લગાડવામાં આવ્યા છે અને બે બહાર સિંહ- ફઝલ અબ્બાસ કલંદરીની કબરની નીચે બિછાવવામાં આવ્યા છે તેવું કહેવાય છે. કેટલાંક સ્તંભો અંગ્રેજો બ્રિટન લઈ ગયા હતા તે લંડનના મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે તેવું કહેવાય છે.
અમૃતસર ખાતેના શીખોના સુવર્ણમંદિરમાં હિંસક પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં લશ્કરે પ્રવેશ કર્યો ત્યારે દેશભરના નેતાઓએ તેના માટે ભારે વિખવાદ શરૂ કર્યો પરંતુ હિંદુઓના ભગવાન રામના મંદિર પાસે છેલ્લાં પાંચ દાયકાથી પોલીસો પહેરો ભરે છે અને રામજી ચોકી પહેરા હેઠળ કેદી જેવી હાલતમાં છે તે સામે એકેય નેતા હરફ નથી ઉચ્ચારતો તે કમનસીબી છે.
ભાવુક હિંદુઓ ગમે તે ગામમાંથી કે શહેરમાંથી અહીં મંદિરનાં દર્શનાર્થે આવ્યા હોય છતાં તે લોકોને મંદિરની અંદર પ્રવેશી મૂર્તિનાં દર્શન કરવા મળતાં નથી. માત્ર બહારની મૂર્તિ પર અર્ધ્ય- પૂષ્પ ચઢાવી બે હાથ જોડી લોકોએ ચાલ્યા જવું પડે છે. મૂળ મંદિરના ગર્ભ ભાગ સુધી જવું હોય તો મસ્જિદના સ્તંભો પસાર કરીને જવું પડે અને આમ કરવાની સખત મનાઈ છે! મંદિરનો ફોટો લેવાની મનાઈ છે તેમજ અયોધ્યામાં ભગવાન રામ કેદ છે તેવું જાહેર કરવું પણ ગુનો છે!
કહે છે કે આ સ્થળે સ્વયં ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. ૨૨ ડિસેમ્બર ૧૯૪૯ના દિવસે એક ચમત્કારીક બનાવ બન્યો હતો. પોતાના સિંહાસન સહિત ભગવાન રામનું બાળ સ્વરૂપ પ્રકટ થયું. રાત્રે બે વાગે ચોકી કરનાર પોલીસ હવાલદાર આ દ્રશ્ય જોઈ ચમકી ગયો. ચારે બાજુ અલૌકિક રોશની પથરાયેલી હતી અને પાંચક વર્ષનું બાળક દિવ્ય હાસ્ય રેલાવી રહ્યું હતું. જ્યારે આ પોલીસને હોંશ આવ્યા ત્યારે મંદિરને બહારથી મારેલું તાળું નીચે પડયું હતું. સવાર થતાંની સાથે આ વાત આ આખા નગરમાં ફેલાઈ ગઈ.
અસંખ્ય ભાવુકો મંદિરમાં ઘૂસી ગયા હતા અને ઉન્મત ભાવથી આરતી ઉતારતા ગાતાં હતા... 'ભયે પ્રભુ કૃપાલા...' મંદિરના ગર્ભભાગમાં આજે પણ આ બાલ પ્રતિમા મોજૂદ છે. ચાર પૂજારી અને એક ભંડારી મંદિરમાં પૂજા કરે છે. તેમનાં સિવાય અન્ય કોઈને અંદર જવાની છૂટ નથી. આમ ભાવુક લોકો માત્ર લોખંડની જાળીમાંથી આંખો તાણી તાણીને જુએ ત્યારે જ રામનું દર્શન થાય છે.
બધી વાતનો સૂર એ છે કે અયોધ્યાની એ વિવાદાસ્પદ જમીન પર હિન્દુઓનો દાવો સૌ કોઈએ સ્વીકારવો રહ્યો. સાતેક વર્ષ પૂર્વે અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.યુ.ખાને પણ પોતાના ૨૮૫ પાનાનાં ચુકાદામાં જણાવ્યું હતું કે અન્યો (હિન્દુઓ) સાથેના મુસ્લિમોના સંબંધમાં ઈસ્લામ શું ઉપદેશ આપે છે તે સમગ્ર વિશ્વ જાણવા માગે છે. તેની મુસ્લિમોને સમજ હોવી જોઈએ. ઈસ્લામનો ઉપદેશ વિશ્વમાં ફેલાવવાની ભારતીય મુસ્લિમોને આ શ્રેષ્ઠ તક મળી છે. માટે મુસ્લિમ સંસ્થાઓએ બહોળુ મન રાખી રામજન્મભૂમિ પરનો દાવો જતો કરી અહીં ભવ્ય રામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરવો જોઈએ.
અતિ મહત્ત્વની વાત તો એ છે કે અયોધ્યામાં જે ઘડીએ ભગવાન રામચંદ્રનું ભવ્ય મંદિર નિર્માણ થશે તે દિવસથી જ અહીં શ્રધ્ધાળુઓનો ઘસારો શરૂ થઈ જશે. જોત જોતામાં આખા વિશ્વમાંથી રામભક્ત લોકો અયોધ્યામાં ઉમટવા લાગશે. આ રીતે મહત્ત્વના તીર્થધામ તરીકે અયોધ્યાનું નામ ફરી એકવાર જગમશહૂર થઈ જતાં અહીંની સ્થાનિક પ્રજાને આજીવિકાના નવા સાધન-સામગ્રી પ્રાપ્ત થશે. ટૂંકમાં રામમંદિરના પ્રતાપે અયોેધ્યા અને ફૈઝાબાદની મુસલમાન તથા હિન્દુ પ્રજાને લાભ જ લાભ થશે.