દિવાળીની આંખમાં આંસુ
આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
દિવાળી સૌથી મહત્ત્વનો દિવસ... સૌના કેન્દ્રમાં એ રહે તો દિવસ પરિવાર એક તાંતણે પરોવાયેલો રહે. હરખી ઊઠે... સાથે બેસીને જમે... વેરઝેર ભુલે નવેસરથી એકડો માંડે... પૂર્વગ્રહ વિસારે પાડે...
પથારીમાં કણસતા દર્દીની જેમ દિવાળી ડૂસકે ચઢી છે. એના અંગેઅંગમાં હરખને સ્થાને શિથિલતા નજરે ચઢે છે, એના હાથપગ નંખાઈ ગયા છે એનો ચહેરો શ્યામ પડી ગયો છે. આંખોમાં આંસુ સાથે દિવાળીએ કહેવા માંડયું.
'હવે તો કેવા દહાડા આવ્યા ? કેવા તેલ ઘીના દીવે મારી કાયા ઝળહળતી હતી... કોડિયામાં ભાવ ભરી લોકો મારે અજવાળે એમની જીવનજાતરા ગોઠવતાં... આજે તો જુઓ... વીજળીના દીવે મારા આ આવા હાલહવાલ કરી નાખ્યા. શું કરું ? કોઈ સમજતું જ નથી... ગામનો પ્રજાપતિ પણ રડે છે... એનોય હવે ક્યાં કોઈ ભાવ પૂછે છે - હું તો મારા આયખાને અંઘારે અટવાતું જોઈ રહી છું. મારા હોવા ના હોવાનો કોઇનેય ક્યાં ફરક પડે છે.. મારો મહિમા મુરઝાવા માંડયો છે પછી હું શું કરું ?'
કૃત્રિમ અજવાળાં મારે સા ખપનાં ? હું તો મારા કોડિયામાં તેલ પુરી પ્રગટવા માગું છું - આ અજવાળાં તો પરાયાં... સાવ પરાયાં... એ પારકાં - ઉછીનાં અજવાળાં મારે શા ખપનાં ? મારે તો મારા પંડનાં અજવાળાં જોઇએ. એ ક્યાં છે ? એના વિના હું વલખું છું. હું વ્હાલ ઝાંખું છું ક્યાં છે એ વ્હાલ ? એ વ્હાલ વિના મારા આવા થયા છે હાલહવાલ ! સાચું કહું તો હું બેહાલ થઇ ગઇ છું. દૂર દૂર દેશાવર રહેતા ગ્રામજનો પરિવારમાં ભળી જતા... ચાર દહાડા તો ચાર દહાડા એ ભાઈચારો મને બહુ મીઠો લાગતો.. મારી સંગતમાં એ પરિવાર કિલ્લો કરતો હું હરખાતી... પોરસાતી મારું અંગેઅંગ ઝળહળી ઊઠતું મને શેરશેર લોહી ચઢતું... મારા કારણે - મારી રૂબરૂમાં એ સદસ્યો એક માળામાં પરોવાયેલા રહેતા.. માળાનોય મહિમા થતો મણકાય રાજી... અને હું તો દોરા જેવી સૌને પરોવાયેલા રાખતી અને જોતી.. મારા કારણે એ માળો ભર્યો ભર્યો રહેતો... માળાનો કલશોર એ મારી મૂડી હતી ભાઈ... માળાનાં પંખીડાં પછી ભલે ઊડી જતાં પણ મારું નામ પડે એટલે ભેગાં થઇ જતાં... એમનો હરખ... એમનો પ્રેમ... એમની આત્મીયતા... એમનો મારાપો એજ તો મારું અજવાળું હતું...
આજે તો ઉછીનાં - પારકાં તેજે મારે પ્રકાશવાનું ? એ પ્રકાશ નથી કાળઝાળ અગ્નિ છે. હું તો દાઝી મરું છું. મારો મુંઝારો કોણ સાંભળે ? ઉમળકા વગરના આ ટાણામાં મારો માંહ્યલો નિસાસા નાખે છે ભાઈ ! આસો મહિનાનાં તોરણ હવે તૂટી રહ્યાં છે અને શરદનો સ્વાદ ક્યાંય દેખાતો નથી... આ અંગ્રેજી મહિનાઓએ આપણા દેશી મહિનાઓનો કોળિયો કરી નાખ્યો અને વિક્રમ સંવતની છાતી ઉપર અંગ્રેજી માપપટ્ટી ચઢી બેઠી. ચોઘડિયાનું તો ગળું ઘૂંટી દેવામાં આવ્યું... જ્યાંથી જ્ઞાાનની વિધિનો પ્રારંભ થતો અજ્ઞાાનનો અસ્ત થતો એ વાત જ વિસારે પાડી દેવાઈ.
આખો ધરમ ભુલાયો મરમ ભુલાયો... હું કોની આગળ જઇને આ વાત કહું ? સમગ્ર વર્ષભરના અજ્ઞાાન ઉપર, અંધારા ઉપર અજવાળું છાંટી-પંડનો પ્રકાશ છાંટી જ્ઞાાનની ઉપાસના કરવાનું મારું પર્વ સાવ ભુલાવા માંડયું ? મારું અજવાળું એમનેમ ન્હોતું જીવનની કેડી બતાવતું હતું. નવો રાહ દેખાડતું તું- એટલે તો મહિના અગાઉથી મારો મહિમા ગવાતો. પ્રત્યેક ઘર અને ગામવાળી ઝુડી લીંપી-ગુંપી સુશોભિત થતાં. બધાંને એ ટાણાની પ્રતીક્ષા... બધાંને એ પ્રસંગ સાચવતો... બધાં રાજી રહેતાં. આજે તો એની કોઇને કંઇ પડી જ નથી...
દીવો અંતરને અજવાળતો... સૌના નવા જીવનનો પ્રકાશ બની જતો... નવા સંબંધો થતા - બંધાતા. મનમંદિરનો કચરો બળાતો - દૂર થતો. નવી પ્રસન્નતાની સ્થાપના થતી. વેરઝેર ભુલાતાં - મૈત્રી અને ભાઈચારાનું ગૌરવ થતું... ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને બેસતું વળી છોગામાં ભાઈબીજ આ પાંચેય દાડા પરમેશ્વર જેવા... જૈનો પણ આ દિવસોમાં જ્ઞાાનની આરાધના કરે.. આ દિવસોમાં કરેલી આરાધના જ જીવનનું કલ્યાણ બને... કરે... દિવાળીના એ દિવસોમાં માની મુદ્રા લીંપણમાં હસતી દેખાતી અને ભાભીની મુદ્રા પાણિયારે પ્રસન્ન વરતાતી.
બેનીની મુદ્રા તોરણ હિંચકા ખાતી અને ભાઈઓની મુદ્રા નવી નવી વાનગીમાં કેવો સ્વાદ બની જતી !! આજે તો ઉચાળા ભરી ભરીને સૌને હોટલોમાં રફુચક્કર થઇ જવાનો રોગ લાગુ પડયો છે - પછી હું એકલી એકલી કરુંય શું ? ઘરે ઘરે, ટોડલે ટોડલે... દીવા ઝગે... એ દીવા એટલે એક એક મનખાવતારી પ્રસન્નતાનું પર્વ એકવાર ઉજવાય- જીવન આખુંય પ્રસન્ન પ્રસન્ન થઇ જાય. મારું કહ્યું માનો - પાછો વળે જો માનવી... તો મારી પાસેથી એના જીવનનો પ્રાણવાયું પ્રાપ્ત થાય. મારે તો સૌનું કલ્યાણ કરવું છે અને જોવું છે. તમે મને શીદને દુ:ખી કરો છો ?
ધણ પૂજા... ભેંસ-ગાય... ભલે ના રહ્યાં પણ પૈસા પુંજી તો છે ને ? એની પૂજા કરી એ પણ પવિતર કરો... પવિતર રાખો ત્હોય ઘણાં દુ:ખ ઓછાં થવાનાં.. કાળી ચૌદશે શક્તિપૂજા મંત્રતંત્ર થતાં જેનાથી જીવનમાં તાકાત-શક્તિ સંરક્ષણ પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત થતી... કેમ ભુલી ગયા બધું ?
આ દિવસોમાં દિવાળી સૌથી મહત્ત્વનો દિવસ... સૌના કેન્દ્રમાં એ રહે તો દિવસ પરિવાર એક તાંતણે પરોવાયેલો રહે. હરખી ઊઠે... સાથે બેસીને જમે... વેરઝેર ભુલે નવેસરથી એકડો માંડે... પૂર્વગ્રહ વિસારે પાડે... નવા વર્ષે એ સંકલ્પનો પ્રારંભ કરે... સૌ પરિવારની સાક્ષીે આમ પગલીઓ માંડે... ભાઈ-બેનના સંબંધો મા-સંતાનોના સંબંધો-ભાઈભાઈના સંબંધો સુદ્રઢ બનતા જાય.. પણ ભાઈ ક્યાં કોઈ કંઇ સમજે જ છે ? હું તો કેવળ નામની રહી ગઈ છું હવે તમે જ કહો રડું નહિ તો બીજુ કરું પણ શું ?