રંગ બદલતા રાષ્ટ્રગીત
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
રાષ્ટ્રગીતની કહાની પણ રાષ્ટ્ર રાષ્ટ્રે જુદા જુદા વિચારો, ખ્યાલો અને રંગો ધરાવતી હોય છે તેમજ કેટલીક ઘટનાઓ પણ રાષ્ટ્રગીતના સર્જનનું કારણ બનતી હોય છે.
રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમા રાષ્ટ્રગીતની ક્યારેક તો ભારે બૂરી દશા થતી હોય છે ! સરમુખત્યારોને હંમેશા અગાઉના રાષ્ટ્રગીત સામે ભારે વાંધો હોય છે. સરમુખત્યારો રાષ્ટ્રગીતને રદ કરવાનું પહેલું કામ કરે છે. આફ્રિકાના કોંગો રાજ્યમાં નવ ભાષા પર પ્રભુત્વ ધરાવનાર ખ્રિસ્તી કેથોલિક ધર્મના ધર્મગુરુ ફાધર સિમોન પીરે બોકાએ એક રાષ્ટ્રગીત લખ્યું. એની જેમ જ ઇતિહાસ, વિવેચન અને તત્ત્વજ્ઞાાનનો અભ્યાસી તથા યુનિવર્સિટીનો અધ્યાપક જોસેફ લુટુમ્બાએ એનું સ્વરનિયોજન કર્યું.
૧૯૬૦માં બેલ્જિયમના પ્રભુત્વ હેઠળ રહેલું આફ્રિકાનું કોંગો મુક્ત થયું. આઝાદીના પગરણ સાથે કોંગોએ આ ગીતને પોતાના રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું. એ પછી કોંગોનું નામ 'ઝૈરે' રાખવામાં આવ્યું અને પેલા બંને મહાનુભાવોને નવું રાષ્ટ્રગીત લખવાનું સોંપવામાં આવ્યું. જો કે આ નવું રાષ્ટ્રગીત કોંગોના સરમુખત્યાર મોબુટુની પ્રતિભાને હાનિ પહોંચાડવા માટે એમાં દેશનું મૂળ નામ કોંગો રાખવામાં આવ્યું. દેશનું નવું નામ 'ઝૈરે' આ પશ્ચિમ મધ્ય આફ્રિકામાં આવેલા દેશે એના રાષ્ટ્રગીતમાં સ્વીકાર્યું નહીં, એ બાબત નોંધપાત્ર બની રહી.
કોંગોનો એક ભાગ ફ્રાંસની હકૂમત હેઠળ હતો. ૧૯૬૨માં એ પ્રદેશ આઝાદ થયો અને એણે એ સમયમાં પ્રચલિત 'લેટ્સ ગો ટૂ કોંગો' નામના રાષ્ટ્રગીતને મતદાન કરવા લોકસભા એકઠી થઈ અને રાષ્ટ્રગીત ૪૪ વિરુદ્ધ ૯ મતે પસાર કરવામાં આવ્યું. જો કે ૧૯૭૧માં કોંગોમાં સમાજવાદી વિચારધારા ધરાવતી સરકાર આવતાં ફરી પાછું એ રાષ્ટ્રગીત બદલાયું જ્યારે પુન: ૧૯૯૨માં બહુપક્ષીય ચૂંટણી થતાં પાછું જૂનું રાષ્ટ્રગીત ચલણમાં આવ્યું. આમ ક્યારેક સત્તાના પરિવર્તન સાથે રાષ્ટ્રગીતનું પણ પરિવર્તન થતું હોય છે !
કોઈ રાષ્ટ્ર બે રાષ્ટ્રગીત ધરાવે, ત્યારે ભારે ગોટાળો સર્જાવાની શક્યતા રહે છે એમાં પણ ૯૨૫૧ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો અને ૧૧,૦૨,૬૭૭ની વસ્તી ધરાવતા સાયપ્રસ દેશની હાલત રાષ્ટ્રગીતની બાબતે અત્યંત વિચિત્ર બની. ૧૯૬૦માં સાયપ્રસ આઝાદ થયું, ત્યારે એની પાસે કોઈ રાષ્ટ્રગીત નહોતું.
સાયપ્રસમાં ગ્રીકો અને તુર્કીઓ બંને વસે છે, પરંતુ ગ્રીકની બહુમતી હોવાથી એમણે સત્તાવાર પ્રસંગોએ ગ્રીસનું રાષ્ટ્રગીત ગાવાનું ઉચિત માન્યું. ૧૯૩૮માં સાયપ્રસની લઘુમતી કોમ તૂર્કીઓએ એક નવું તૂર્કી પ્રજાસત્તાક રાજ્ય સર્જયું અને એણે 'માર્ચ ઑફ ઇન્ડિપેન્ડન્સ' નામનું તુર્કસ્તાનનું રાષ્ટ્રગીત સ્વીકાર્યું.
એ પછી યુનોએ બે ભાગમાં અને બે કોમમાં વહેચાયેલા આ દેશનું એકીકરણ કર્યું. ૨૦૦૩માં આ બે દેશો વચ્ચે એકીકરણ થતાં નવા રાષ્ટ્રધ્વજ અને નવા રાષ્ટ્રગાન માટે એક સ્પર્ધા યોજવામાં આવી, પરંતુ ૨૦૦૪માં રેફરેન્ડમ લેવાતા ૭૬ ટકા ગ્રીકોએ આનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે તૂર્કીમાં કોમને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આથી આજે એ પ્રશ્નાર્થ ખડો થયો છે કે સાયપ્રસનું રાષ્ટ્રગીત કયું ? અત્યારે તો એનું કોઈ રાષ્ટ્રગીત મળતું નથી.
સાયપ્રસમાં બે રાષ્ટ્રગીત એક ન થઈ શક્યા. પરંતુ ડેન્માર્કમાં એક સાથે સત્તાવાર રીતે બે રાષ્ટ્રગીત ચાલે છે. એનું બીજું રાષ્ટ્રગીત 'કોંગ ક્રિસ્ટિયન' એ મુખ્યત્વે ડેન્માર્કના શાહી કુટુંબને અનુલક્ષીને લખાયેલું છે અને આજે આ ગીત રાજદ્વારીઓની મુલાકાત સમયે, નૌકાદળની ઉજવણી સમયે, લશ્કરી સ્પોર્ટ્સ સમયે અથવા તો જ્યાં ડેન્માર્કની ગવર્નમેન્ટના પ્રતિનિધિ ઉપસ્થિત હોય ત્યાં બજાવવામાં આવે છે.
એક દેશ એવો પણ છે કે જ્યાં એક જ રાષ્ટ્રગીત ત્રણ ભાષામાં ગાવામાં આવે છે. એડન ઇલામી નામના જાણીતા કવિ અને ગીતલેખકે 'ક્વોરયેરેહ'ના ઉપનામથી જીબોટી દેશનું રાષ્ટ્રગીત લખ્યું. ગીતકાર અને સ્વરકાર બંને આફ્રિકામાં આવેલા ૭૪૦૫૨૮ લોકોની વસ્તી ધરાવતા જીબોટી દેશના વતની છે અને એ બંનેએ આફ્રિકાની સોમાલી ભાષામા આની રચના કરી છે. નવાઈની વાત એ છે કે ૨૩૨૦૦ ચોરસમીટરમાં આવેલા આ દેશની સત્તાવાર ભાષા અરેબિક અને ફ્રેંચ છે.
૧૯૭૭ની ૨૫મી જૂને આફ્રિકાના જીબોટીએ ફ્રાંસની હકૂમત હેઠળથી આઝાદી મેળવી અને આજે આ રાષ્ટ્રગીતનું સોમાલી, અફાર અને એરેબિક એમ ત્રણ ભાષામાં રૂપાંતર મળે છે.
કેટલીક ઘટનાઓ પણ રાષ્ટ્રગીતના સર્જનનું કારણ બનતી હોય છે. મધ્ય અમેરિકામાં આવેલ ૪૫ લાખની વસ્તી ધરાવતા કોસ્ટારિકાને ૧૮૫૨માં અમેરિકા અને બ્રિટને રાષ્ટ્ર તરીકે માન્યતા આપી. આ બંને રાષ્ટ્રના અગ્રણીઓનું અભિવાદન કરવા માટે કોસ્ટારિકાના પ્રમુખ જુઆન રાફીલ મોરાએ એક સ્વાગત સમારંભ યોજ્યો. બન્યું એવું કે એ સ્વાગત સમારંભના સમયે કોસ્ટા રિકા પાસે પોતીકું રાષ્ટ્રગીત નહોતું.
આથી પ્રમુખ મોરાએ મેન્યુઅલ ગુટીરેજ નામના લશ્કરી ઓરકેસ્ટ્રા સંભાળતા અધિકારીને આ સ્વાગત કાર્યક્રમનું ગાવા માટેનું સત્તાવાર ગીત તૈયાર કરવા કહ્યું અને ૧૮૫૨ની ૧૧મી જૂને પ્રમુખના મહેલમાં આ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું તેમજ અમેરિકા અને બ્રિટનના ડિપ્લોમેટને સત્કારવામાં આવ્યા.
આ રાષ્ટ્રગીતમાં રાષ્ટ્ર- રાષ્ટ્ર વચ્ચેના શાંતિમય કરારની વાત કરવામાં આવી હતી અને સાથોસાથ ૫૧૧૦૦ ચોરસ કિલોમીટરમાં આવેલા આ દેશની આગવી પ્રતિભા પ્રગટ કરવામાં આવી હતી. જો કે, લાંબા સમય સુધી લશ્કરી ઓરકેસ્ટ્રા દ્વારા જ આ ગીત ગૂંજતું રહ્યું. એને માટેનું કોઈ ગીત નહોતું. આથી ૧૯૦૩માં ગીત માટેની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ અને એમાં બ્રિનેસ નામના કવિની રચના પસંદ થઈ અને પહેલીવાર એ વર્ષે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું.
મજાની વાત એ છે કે આ રાષ્ટ્રગીતમાં સ્પેનની હકૂમતથી મુક્તિ અપાવનાર નેતાઓની વાત નથી, રાષ્ટ્રના પ્રદેશો કે કોમની વાત નથી, પરંતુ આ રાષ્ટ્રગીત એ ગામડામાં વસતા ખેતી કરતા અને ઘોડા અને ઘેટા-બકરાં ઉછેરતા ખેડૂતોની ભાવના પ્રદર્શિત કરે છે. એનું કારણ એ છે કે વીસમી સદીના પ્રારંભે આ ખેડૂતોએ કોસ્ટા રિકાની લોકશાહી અને એના વિકાસનો પાયો નાંખ્યો હતો અને આથી જ આ રાષ્ટ્રગીતમાં ખેતરોની અને વાદળછાયા આકાશની વાત કરી છે.
એનું એક કારણ એ પણ છે કે આ દેશના લોકો માત્ર સોનેરી ભવિષ્યની વાત કરવા ચાહતા નહોતા. એમને પેઢીઓની પેઢીઓથી ચાલી આવેલી એમની પરંપરા અને વિરાસતને જાળવવી હતી અને એની સાથોસાથ વર્તમાન સમયની સફળતા અને પ્રયત્નને બિરદાવવા હતા. આજે કોસ્ટા રિકાના રાષ્ટ્રગીત તરીકે આ ખેડૂતોનું મહિમાગાન કરતું ગીત પ્રચલિત છે.
આવી જ રીતે સ્પેનના સામ્રાજ્યવાદી પ્રભુત્વ સામે વિપ્લવવાદી દળો સાથે કામ કરનારા કાયદાશાસ્ત્રી અને સંગીતકાર પેડ્રો ફીગુરેડોએ એક ગીત લખ્યું હતું અને આઝાદીના આ આશકે ક્યૂબામાં આવેલા પોતાના શહેર બાયમોની મુક્તિ માટે આ ગીતની રચના કરી. એ પછી ૧૮૫૯ની પહેલી જાન્યુઆરીએ ક્યૂબાના રિવોલ્યૂશનનો વિજય થયો, જે આજે એના રાષ્ટ્રીય દિન તરીકે ઉજવવામાં આવે છે અને ત્યારે પેડ્રો ફિગુરેડોને એક નવું ગીત રચવાનું કહેવામાં આવ્યું. ૧૮૬૮ની ૨૦મી ઑક્ટોબરની રાત્રે સામ્રાજ્યવાદીઓની શરણાગતિ સ્વીકારી. આજે આ દિવસને ક્યૂબાના સાંસ્કૃતિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશાળ જનમેદનીએ ફિગુરેડોના ગીત અને સંગીતને વધાવી લીધું અને બન્યું એવું કે થોડા દિવસ બાદ સ્પેનિશ હકૂમત પુન: સ્થાપિત થઈ અને એણે ક્યૂબાનું બાયમો શહેર જીતી લીધું, આથી આ રાષ્ટ્રગીત એ સૈન્યની કૂચ માટેનું ગીત બન્યું. ૧૯૦૨માં ક્યૂબાને પૂર્ણ આઝાદી મળતાં સૈનિકોની લડાઈની વાત પ્રસ્તુત રહી નહીં. ધીરે ધીરે એ ભૂલાતું ગયું. અને પછી ક્યૂબાના સ્થાપક પિતા જોશ મારતિએ આ ગીતનો નવો અવતાર કરીને એને રાષ્ટ્રગીત તરીકે સત્તાવાર માન્યતા આપી. આમ રાષ્ટ્રગીતની કહાની પણ રાષ્ટ્ર રાષ્ટ્રે જુદા જુદા વિચારો, ખ્યાલો અને રંગો ધરાવતી હોય છે.
ક્ષણનો સાક્ષાત્કાર
એક સર્વે કહે છે કે, એક દિવસમાં ત્રીસ હજાર વખત વ્યક્તિ પોતાની સાથે વાત કરતી હોય છે. એના મનમાં સતત કંઇને કંઈ ચાલતું હોય છે. એના પર જ એનું ધ્યાન કેન્દ્રિત થયું હોય છે અને તેને પરિણામે સતત એ એના મન સાથે સંવાદ સાધતો રહે છે. આવી રીતે મન ઘણી વાર ચિંતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિનો, પરિવારની સુખાકારીનો કે પછી પોતાના ભવિષ્યનો એમ સતત વિચાર કરતો ચિંતિત રહે છે. બીજા અર્થમાં કહીએ તો આવા વિચારોનો સતત શિકાર બનતો રહે છે. શિકાર એ માટે કે, આ નકારાત્મક વિચારોને કારણે એનો સ્વભાવ સતત ચીડિયો થઈ જાય છે. મનમાં સતત બીક રહ્યા કરે છે અને જીવવાનો ઉત્સાહ ઓસરી જાય છે.
સવાલ એ છે કે તમારું મન કોના પર કેન્દ્રિત છે. તમારા મન માટેની તમારી પસંદગી શું છે ? અથવા તો તમારા મનને તમે કેવો ખોરાક આપો છો ? જો તમારી પસંદગી ખોટી હશે, તો નકારાત્મક વિચારો સતત તમારા મનમાં ધસી આવશે. આવા નકારાત્મક વિચારો જ્યાં તમારા બારણે ટકોરા મારો ત્યારે એને જવાબ આપશો નહીં. એને ચોખ્ખી ના પાડજો.
કારણ એટલું જ કે આવો માનવી સતત 'પેનિક'માં જીવતો હોય છે. એ દુ:ખ અને ગ્લાનિથી ભરેલા વિચારો વહેતા હોય છે. જેની નકારાત્મકતા એના સ્પિરિટને તોડી નાખે છે. મનમાં જે વાવશો અને મનમાં જે રાખશો અને મનમાં જેની સાથે વાતો કરશો, એ જ તમારા મનમાં શાંતિ કે અશાંતિ લાવશે. એ જ તમને સ્વસ્થ કે અસ્વસ્થ બનાવશે અને એ જ તમારી સાથે આનંદ કે વિષાદની વાતો કરશે. મન એ આપણા જીવનનો ઘડવૈયો છે.
મનઝરૂખો
વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતા બોબ હોપ (૧૯૦૩- ૨૦૦૩) પોતાનાં માતાપિતા સાથે દેશાંતર કરીને અમેરિકા આવીને રહેવા લાગ્યા. એમના પિતા સંગીત- સમારોહમાં ગાયક તરીકે કામ કરતા હતા. એમણે થોડાં વર્ષો રંગભૂમિ પર નૃત્ય અને હાસ્યકાર તરીકે પણ કામ કર્યું હતું.
બોબ હોપ કશુંક કરવા ચાહતા હતા. એમણે દસ વર્ષની વયે 'ચાર્લી ચેપ્લિન અનુકરણ સ્પર્ધા'માં વિજય મેળવ્યો અને એ પછી સ્ટેજ પર ગીત સાથે અભિનય કરવા લાગ્યા.
આમાં એમણે ઘણાં વર્ષો વિતાવ્યાં, પરંતુ ચાર્લી ચેપ્લિનની શૈલીમાં અનુકરણને કારણે એમની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યા નહીં.
વિલ રોગર્સ સર્કસમાં કામ કરતા હતા, ત્યારે કંઈ જ બોલ્યા વગર દોરડાં ઘૂમાવવામાં માહેર હતા. એકવાર અચાનક બૉબ હોપને પોતાનામાં છૂપાયેલી આગવી રમૂજવૃત્તિનો ખ્યાલ આવ્યો.
એણે દોરડાં ઘુમાવતી વખતે પોતાની આ રમૂજી શૈલી દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા અને એને પરિણામે એની આગવી પ્રતિભા ઉભી થઈ. આ મૌલિકતાએ બોબ હોપ તરફ તેનું ધ્યાન ખેંચ્યું.
બોબ હોપે પોતાની 'ડાહ્યા- ગાંડા' જેવી જુદી જ ઇમેજ ઉભી કરી. એને કારણે જ લોકચાહના પામીને એ બોબ હોપ જેવો બની રહ્યો. રમૂજની એમની નિજી શૈલીએ દર્શકોના હૃદય જીતી લીધાં.
જો એમણે માત્ર ચાર્લી ચેપ્લિનના અભિનયનું અનુકરણ ચાલુ રાખ્યું હોત, તો રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મોમાં એ એમની આગવી શૈલીથી અપાર લોકપ્રિયતા હાંસલ કરી શક્યા, તે પામી શક્યા ન હોત.