વાર્તા વિશ્વ: ધ હેપ્પી પ્રિન્સ
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
'આપણે કમનસીબે એવા જગતમાં જીવીએ છીએ જ્યાં બિનજરૂરી ચીજો આપણી એકમાત્ર જરૂરિયાત બની ગઇ છે!'
- ઓસ્કાર વાઇલ્ડ
બિચારો નાનકડો ગરીબડો ચકલો, એનું શરીર ઠંડુ, ઝડપથી ઠંડુ પડી રહ્યું હતું, પણ એ પ્રિન્સને છોડીને જઈ શકે તેમ નહોતો કારણ કે હવે એ એને ખૂબ ચાહતો હતો.
'હું ખૂબ ખુશ છું કે આખરે તું ઈજીપ્ત જઈ રહ્યો છે, યાયાવરી ચકલાં,' પ્રિન્સે કહ્યું, 'તું અહીં બહુ લાંબુ રહ્યો, તારે મને હોંઠ ઉપર ચુંબન કરવું જોઈએ કારણ કે હું તને પ્રેમ કરું છું.'
(વહી ગયેલી વાર્તા : આમ તો આ પરીકથા પણ છે મજેદાર. એક નગરમાં ઉચ્ચ સ્થાને એક ઊંચા સ્તંભ ઉપર એક હેપ્પી પ્રિન્સનું પૂતળું કે જેની આંખો નીલમ અને તલવારની મૂઠ માણેકથી જડેલી હતી. પ્રિન્સ હેપ્પી છે અથવા હતો કારણ કે આખી જિંદગી એનાં મહેલમાંથી એ બહાર નીકળ્યો જ નહોતો. એણે કદી કોઈ દુ:ખ જોયું જ નહોતું. અને હવે મર્યા પછી લોકોએ એને એવાં ઊંચા સ્થાન પર સ્થાપિત કર્યો કે શહેરભરનાં દુ:ખ હવે એણે જોવા પડે છે. વાર્તાનું બીજું પાત્ર છે એક માંસભક્ષી ચકલો, જે યાયાવર છે.
ઠંડી હોય ત્યારે એ ઇંગ્લેન્ડથી ઉડાન ભરીને ઈજીપ્ત જાય છે, જ્યાં વાતાવરણ ગરમ હોય છે. એનાં સાથીદાર ચકલાંઓ તો જઈ ચૂક્યા હોય છે પણ એ નદી કાંઠે એક ઘાસની સળીનાં પ્રેમમાં હોય છે એટલે એને સાથે લઈને ઈજીપ્ત જવા ઉત્સુક છે. ઘાસની સળી કાંઈ બોલતી નથી અને જમીન સાથે જોડાયેલી હોય છે. અને એટલે આખરે ચકલો એકલો ઈજીપ્ત જવા ચાલી નીકળે છે. રાતે એ આ નગરમાં પહોંચે છે, જ્યાં હેપ્પી પ્રિન્સનું પૂતળું છે. એ જુએ છે કે પ્રિન્સ રડી રહ્યો છે.
કારણ કે ગરીબ લોકોનાં દુ:ખ એનાથી જોવાતા નથી. પ્રિન્સ ચકલાંને વિનંતી કરે છે એ એક રાત માટે એની પાસે રોકાઈ જાય અને દૂર એક ગરીબ દરજી કામ કરતી મા અને એનાં તાવગ્રસ્ત દીકરાની મદદ કરે. પ્રિન્સ પોતે જાતે કોઈ મદદ એટલે નથી કરી શકતો કારણ કે એનાં પગ તો પથ્થરનાં પેડસ્ટલ ઉપર જડાઈ ગયા છે. ચકલો પ્રિન્સની લાગણીને માન આપીને, એનાં કહ્યા મુજબ ગરીબોની મદદ કરે છે.
કપડાં સીવીને ગુજરાન ચલાવતી ગરીબ માનાં તાવગ્રસ્ત દીકરાને, એક ભૂખ્યા અને ટાઢમાં થથરતાં આશાસ્પદ નાટયલેખકને, દિવાસળી વેચતી નાની છોકરી કે જેની બધી દિવાસળી ગટરમાં પડી જતા ખરાબ થઇ ચૂકી હતી એને- ચકલો પ્રિન્સની તલવારનાં માણેક અને આંખોનાં બે નીલમ રત્ન લઇ, ગરીબોમાં ખેરાત કરી આવે છે. હવે ઠંડી વધી રહી છે અને ચકલો યાયાવર છે. એણે તો ઠંડી દરમ્યાન ઊડીને ગરમ પ્રદેશમાં સ્થળાંતર કરવું જ રહ્યું. હવે આગળ....)
(ભાગ-૩)
'ના, મારા વહાલાં ચકલાં,' બિચારા પ્રિન્સે કહ્યું, 'તારે દૂર ઈજીપ્ત જવું જ રહ્યું.'
'હું તારી સાથે જ રહીશ હંમેશા,' ચકલાંએ કહ્યું, અને એ પ્રિન્સનાં પગ પાસે સૂઇ ગયો.
બીજો દિવસ આખો એ પ્રિન્સનાં ખભે બેઠો રહ્યો અને એને દૂર દૂરનાં ચિત્રવિચિત્ર પ્રદેશની કહાણીઓ સુણાવતો રહ્યો. લાંબી ચાંચવાળા બગલાઓની વાતો, જે નાઇલ નદીનાં કિનારે લાંબી કતારમાં ઊભા રહે છે અને એમની ચાંચમાં તેઓ સોનેરી માછલીઓ પકડે છેત અને સ્ફિન્ક્સની વાતો જે આ દુનિયા જેટલાં જ પુરાણાં છે, જે રણપ્રદેશમાં સ્થપાયેલા હોય છેત અને ત્યાંનાં વેપારીઓની વાતો કે જેઓ એમનાં ઊંટોની બાજુમાં ધીમેથી ચાલતા ચાલતા રસ્તો કાપતા હોય છે અને એમનાં હાથમાં પીળાં મોતીની માળા હોય છેત એ ચંદ્ર પર્વતનાં રાજાની વાતો કે જે અબૂનસ જેવો કાળો છે અને એક મોટા સ્ફટિકની પૂજા કરે છેત અને એ બહુ મોટા લીલા સાંપની વાતો જે રોજ નાળિયેરનાં ઝાડ ઉપર રાતવાસો કરે છે,અને એનાં વીસ પૂજારીઓ છે, જે એને મધથી લસલસતી કેક ખવડાવે છેત અને વામન લોકોની વાતો જે મોટા સરોવરનાં મોટા સપાટ પાદડાંઓ ઉપર સરકીને ચાલ્યા જાય છે, અને તેઓ પતંગિયાઓ સાથે હંમેશા બથ્થંબથ્થા લડતા હોય છે.
'વહાલાં નાનકડાં ચકલાં,' પ્રિન્સે કહ્યું,'તું મને અસાધારણ વાતો કહે છે, પણ સૌથી વધારે અસાધારણ તો છે આ સાધારણ પુરુષો અને સ્ત્રીઓની રોજબરોજની પીડાની વાતો. તેઓની કંગાલિયતથી વધારે રહસ્યમય બાબત બીજી કોઇ નથી. માટે જા, શહેર ઉપર ઊડ, હે નાનકડાં ચકલાં અને જે તારી નજરે પડે, એ પરત આવીને મને કહે.'
અને એટલે ચકલો એ મહાન નગર ઉપર થઈને ઊડતો રહ્યો, અને એણે જોયું કે પૈસાદાર લોકો એમનાં સોહામણાં ઘરમાં જલસા કરી રહ્યા છે, જ્યારે ભિખારીઓ દરવાજા પાસે બેસીને ભીખ માંગી રહ્યા છે. એ અંધારી ગલીકૂચીઓ ઉપર થઈને પણ ઊડયો અને એણે ભૂખ્યાં બાળકોનાં ધોળાં ચહેરાઓ જોયાં, એ ચહેરાઓ જે કાળી શેરીઓને નિરુત્સાહભરી નજરે તાકી રહ્યા હતા.
પૂલની કમાન નીચે બે નાના બાળકો એકબીજાને વળગીને સૂતા હતા અને એ રીતે એકબીજાને હૂંફ આપવાની કોશિશ કરી રહ્યા હતા. 'બહુ ભૂખ લાગી છે,' તેઓ કહી રહ્યા હતા. 'અહીં પડયા રહેવાનું નથી, નીકળો અહીંથી,' વોચમેને બરાડો પાડયો અને તેઓ વરસતા વરસાદમાં નીકળી ગયા.
ચકલો પાછો ફર્યો અને એણે પ્રિન્સને એ કહ્યું, જે એણે જોયું.
'હું બારીક સોનાથી મઢેલો છું,' પ્રિન્સે કહ્યું, 'તારે એ લઇ જવું જોઈએ. એક પછી એક. દરેક પાંદડું, એ દરેક સોનાપર્ણ...અને મારા ગરીબ લોકોમાં એ સોનાપર્ણો વહેંચી દેવા જોઈએત આ જીવતા લોકો હંમેશા એવું માને છે કે સોનું એમને સુખી કરી દેશે.'
ચકલાંએ એક પછી એક સોનાનાં સઘળાં બારીક પાંદડાઓ ઉખેડી લીધા. હવે પ્રિન્સ એકદમ નિસ્તેજ અને ભૂખરો દેખાઈ રહ્યો હતો. વારાફરતી એક એક સોનાનાં બારીક પાંદડા લઈને એ ઊડયો અને સોનાપર્ણો ગરીબો લોકોમાં વહેંચતો ગયો, અને... બાળકોનાં ચહેરાઓ ગુલાબની માફક ખીલી ઊઠયા, અને તેઓ હસવા લાગ્યા, શેરીઓમાં રમવા માંડયા. 'હવે અમને રોટી મળી ગઈ છે!' તેઓ ખુશખુશાલ થઈને બોલી ઊઠયા.
અને પછી ભારે બરફવર્ષા થઇ. બરફ પછી હિમ પડયું. શહેરની શેરીઓ હવે એવી લાગવા માંડી જાણે કે ચાંદીથી મઢી દીધી હોય, એ અત્યંત ચળકતી અને દમકતી હતીત ઘરનાં છાપરાંઓ પર બરફની લાંબી લટકતી અણીદાર પાટ કટારી જેવી દેખાઈ રહી હતી, દરેક લોકો રુંવાટીદાર કપડાં પહેરીને ફરી રહ્યા હતા અને નાના છોકરાઓ લાલ ટોપીઓ પહેરી લીધી હતી અને તેઓ બરફ ઉપર સ્કેટિંગ કરી રહ્યા હતા.
બિચારો નાનકડો ગરીબડો ચકલો, એનું શરીર ઠંડુ, ઝડપથી ઠંડુ પડી રહ્યું હતું, પણ એ પ્રિન્સને છોડીને જઈ શકે તેમ નહોતો કારણ કે હવે એ એને ખૂબ ચાહતો હતો. બેકરીનાં દરવાજા પાસે બેકરની નજર ચૂકવીને એણે બ્રેડનાં થોડાં ટૂકડા સરકાવીને ચાંચમાં નાંખ્યા અને પછી એની પાંખો ફફડાવીને એણે એનાં શરીરને ગરમ રાખવાની કોશિશ કરી.
પણ એને અણસાર આવી ગયો હતો કે એ હવે મરી જશે. હવે એની પાસે માત્ર એટલી જ શક્તિ બચી હતી કે એ છેલ્લી એક વાર ઊડે અને પ્રિન્સનાં ખભે જઈને બેસી શકે.
'ગૂડ-બાય, વહાલાં પ્રિન્સ!' એણે દબાયેલાં અવાજે કહ્યું, 'શું તું મને તારો હાથ ચૂમવા દેશે?'
'હું ખૂબ ખુશ છું કે આખરે તું ઈજીપ્ત જઈ રહ્યો છે, યાયાવરી ચકલાં,' પ્રિન્સે કહ્યું, 'તું અહીં બહુ લાંબુ રહ્યો, તારે મને હોંઠ ઉપર ચુંબન કરવું જોઈએ કારણ કે હું તને પ્રેમ કરું છું.'
'હું જઈ તો રહ્યો છું પણ ઈજીપ્ત નહીં,' ચકલાંએ કહ્યું, 'હું મૃત્યુનાં ઘરે જઈ રહ્યો છું. મૃત્યુ એ તો ઊંઘનો ભાઇ છે. બરાબર ને?'
અને પછી એણે હેપ્પી પ્રિન્સનાં હોંઠ ઉપર ચુંબન કર્યું અને પછી એ મૃતપ્રાય અવસ્થામાં નીચે પડયો અને પ્રિન્સનાં પગ પાસે એનાં પ્રાણપંખેરુ ઊડી ગયા.
બીજા દિવસે વહેલી સવારે મેયર એનાં કાઉન્સિલર્સ સાથે ચોકમાં ફરવા નીકળ્યા. તેઓ સ્તંભ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મેયરે પૂતળા ઉપર નજર કરી : 'ઓહ! આ હેપ્પી પ્રિન્સ હવે સાવ જીર્ણશીર્ણ, સાવ બેહાલ દેખાઈ રહ્યો છે!' એણે કહ્યું.
એની તલવારમાંથી નીલમ પડી ગયું હોય તેમ લાગે છે, એની આંખો તો હવે છે જ નહીં, અને હવે એ સોનેરી પણ દેખાતો નથી,' મેયરે અભ્યાસ કરતા કહ્યું, 'એ હવે ભિખારી કરતા થોડોક સારો દેખાઈ રહ્યો છે!'
'હા, ભિખારી કરતા થોડો સારો,' નગરનાં કાઉન્સિલર્સ બોલ્યા.
'અને એનાં પગ ઉપર એક પક્ષી ખરેખરું મરીને પડયું છે!' મેયરે બોલવાનું જારી રાખતા કહ્યું. 'આપણે જાહેરનામું બહાર પાડવું જોઈએ કે કોઈ પણ પક્ષીને અહીં મરવાની મનાઈ છે.' અને નગર કારકૂને મેયરનું આ સૂચન નોંધી લીધું.
તો તેઓએ 'ધ હેપ્પી પ્રિન્સ'નું પૂતળું તોડી પાડયું. 'એ હવે સુંદર દેખાતું નથી એટલે એ નકામું છે, ' યુનિવસટીનાં આર્ટનાં પ્રોફેસરે અભિપ્રાય આપતા કહ્યું.
પછી તેઓ પૂતળાંને ભઠ્ઠીમાં નાંખીને ઓગાળ્યું, અને મેયરે કોર્પોરેશનની મીટિંગ બોલાવી, એ નક્કી કરવા કે પૂતળું ઓગાળીને જે ધાતુ મળી એનું હવે કરવું શું?
'અલબત્ત, આપણે આ જગ્યાએ બીજું એક પૂતળું મુકવું જોઈએ,' એણે કહ્યું, 'અને એ પૂતળું અલબત્ત મારું જ હોઈ શકે'
'ના, મારું' 'ના, મારું', નગરનાં દરેક કાઉન્સિલર્સોએ કહ્યું અને તેઓ અંદરોઅંદર લડી પડયા. મેં છેલ્લે સાંભળ્યું હતું તે અનુસાર તેઓ હજી પણ આપસમાં લડી રહ્યા છે.
'કેવી વિચિત્ર બાબત છે!' ફાઉન્ડ્રીમાં કામ કરતા કારીગરોનાં ઓવરસીયરે કહ્યું, 'આ સીસુંનું બનેલું પૂતળાંનું તૂટેલું દિલ ભઠ્ઠીની આગમાં પીગળતું જ નથી. આપણે એને બહાર ફેંકી દેવું જોઈએ.' અને એટલે તેઓએ પ્રિન્સનાં દિલને ધૂળનાં ઢગલાંની ઉપર ફેંકી દીધું, એ જગ્યાએ જ્યાં મરેલો ચકલો પણ પડયો હતો.
'જાવ, અને આ શહેરમાં જે બે સૌથી કીમતી વસ્તુઓ હોય એ લઇ આવો,' ભગવાને એમનાં દેવદૂતો પૈકી એકને આદેશ કર્યોત અને દેવદૂત લઇ આવ્યો એક તો સીસુંનું બનેલું દિલ અને બીજું એક મરેલું પક્ષી.
'તેં સાચી પસંદગી કરી છે,' ભગવાને દેવદૂતને કહ્યું, 'કારણ કે સ્વર્ગનાં બગીચામાં આ પક્ષી સરસ ગાઈ શકશે, અને મારી સોનાની નગરીમાં હેપ્પી પ્રિન્સ મારી નિશ્રામાં રહીને સુખી રહી શકશે.'
(સમાપ્ત)
ઓસ્કાર વાઈલ્ડ
જન્મ:૧૬ ઓક્ટોબર, ડબ્લીન, ૧૮૫૪
મૃત્યુ: ૩૦ નવેમ્બર, પેરિસ, ૧૯૦૦
ઓસ્કાર ફિન્ગલ ઓ' ફ્લાહેર્ટી વિલ્સ વાઈલ્ડ એક આઈરિશ કવિ અને ટૂંકી વાર્તા તેમજ નાટયલેખક હતા. સને ૧૮૮૦નાં દાયકામાં વિવિધ પ્રકારનાં સાહિત્યનું સર્જન કર્યા બાદ તેઓ સને ૧૮૯૦નાં શરૂઆતી દાયકામાં લંડનનાં સૌથી લોકપ્રિય નાટયકાર બન્યા. એની ચતુરોક્તિ કવિતાઓ અને એનાં નાટકો તેમજ નવલકથા માટે જાણીતા છે. એમને જેલમાં પૂરવાનાં કારણો અને સંજોગો તેમજ એમનું અકાળ મૃત્યુ પણ ચર્ચાસ્પદ રહ્યું. ઓસ્કાર વાઈલ્ડનાં જીવનનાં કેટલીક મહત્વની બાબતો, અગાઉનાં અનુસંધાનમાં...
તેઓએ નાટકો લખ્યા તે પૈકી 'અ વૂમન ઓફ નો ઈમ્પોર્ટન્સ', 'એન આઇડીયલ હસબન્ડ' અને એનું સૌથી લોકપ્રિય નાટક 'ધ ઈમ્પોર્ટન્સ ઓફ બીઈંગ અર્નેસ્ટ' નોંધપાત્ર છે.
તેઓને હોમોસેકસ્યુઅલ સંબંધો હતા. તે સમયે એ ગુનો ગણાતો. એમનાં પુરુષ પ્રેમીનાં વગદાર પિતાને કરેલા કેસમાં કસૂરવાર સાબિત થતા, તેઓને બે વર્ષ સખ્ત કેદની સજા થઇ. તેઓ આથક તેમજ શારીરિક દ્રષ્ટિએ ખુવાર થઇ ગયા.
જેલમાંથી છૂટયા પછી તેઓ ફ્રાંસ જતા રહ્યા. ત્યાં તેઓએ એકમાત્ર નોંધપાત્ર કવિતા બેલાડ ઓફ રીડીંગ ગાઓલ'નું સર્જન કર્યું
તેઓ માત્ર છેંતાલીસ વર્ષની વયે મુફલિસી હાલતમાં મેનેન્જાઈટીસની બીમારીથી મૃત્યુ પામ્યા.
તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પેરિસની એક સસ્તી હોટલમાં રહેતા હતા. એમનાં આખરી શબ્દો હતા : 'હું અને આ વોલપેપર વચ્ચે યુદ્ધ થઇ રહ્યું છે. જોઈએ કોણ પહેલું મરે છે?'