Get The App

મેથ્યૂ ગ્લેટ્ઝર: કેન્સર સામે બાથ ભીડી રહેલા ઓસ્ટ્રેલિયન સાઈક્લિસ્ટનું હવે ઓલિમ્પિક ડ્રીમ

Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

Updated: Nov 24th, 2019

GS TEAM

Google News
Google News
મેથ્યૂ ગ્લેટ્ઝર: કેન્સર સામે બાથ ભીડી રહેલા ઓસ્ટ્રેલિયન સાઈક્લિસ્ટનું હવે ઓલિમ્પિક ડ્રીમ 1 - image


જિંદગીમાં જ્યારે પોતાની સ્થિતિમાંથી આગળ વધવાનો જુસ્સો જાગે છે, ત્યારે પડકારનો સામનો કરવાની હિંમત આવે છે. મોટાભાગના તો નવું કશુ અજમાવવાને બદલે પોતાની વર્તમાન સ્થિતિથી જ સંતોષ માનીને આગળ વધતાં હોય છે. જેમને પોતાની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવું હોય તેઓ નવા પડકારને ઝીલવા માટે સતત તૈયાર રહે છે અને તેમનો આ જ સ્વભાવ સફળતાનું કારણ બને છે. 

નવા પડકારનો સામનો કરતાં રહેવાથી જ ક્યારેય સફળતાની એવી ચાવી હાથ લાગે છે કે, જે ઘણી વખત અન્ય મુશ્કેલીઓ માટે માસ્ટર કી સાબિત થતી હોય છે. ઓસ્ટ્રેલિયાના સાઈક્લિસ્ટ મેથ્યૂ ગ્લેટઝરની કારકિર્દી આકાશને આંબવા થનગની રહી છે, ત્યારે જ તેની જિંદગી પર ઘેરાયેલા વિપત્તિના વાદળો ચિંતા જન્માવે તેવા છે, પણ જિંદાદિલીના પર્યાય સમા ગ્લેટ્ઝરને તેનો જરાય રંજ નથી.

જિંદગીની મોટામાં મોટી મુશ્કેલીને સાવ નાનકડી-તુચ્છ માનીને તેનો સામનો કરવાનો પાઠ શીખેલો ગ્લેટ્ઝર અત્યાર સુધીમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ત્રેવડા સુવર્ણ ચંદ્રકો તેની કારકિર્દીને ઔર નિખાર આપી રહ્યા છે. નાના-મોટા અનેક સન્માન મેળવવાની સાથે સાથે ગ્લેટ્ઝર દુનિયાનો એવો સૌપ્રથમ સાઈક્લિસ્ટ છે કે જેણે ૧ કિલોમીટરની ટાઈમ ટ્રાયલમાં એક મિનિટથી ઓછો સમય લીધો હોય.

આંતરરાષ્ટ્રીય સાઈક્લિંગમાં સફળતાના સિલસિલા છતાં હજુ ગ્લેટ્ઝરની કારકિર્દી ઓલિમ્પિકમાં ટોપ થ્રીના શિખર સુધી પહોંચી શકી નથી. બબ્બે વખત હાથ વેંતમાં લાગતો ઓલિમ્પિક ચંદ્રક તેના ગળા સુધી પહોંચી શક્યો નથી અને આ રંજને દૂર કરવા માટે તે કમર કસી રહ્યો છે, ત્યારે જ અચાનક કેન્સરનું નિદાન થતાં તેની જાણે કે આખી જિંદગી જ હચમચી ગઈ છે.

ટોકિયો ઓલિમ્પિક માટે કમર કસી રહેલા ગ્લેટ્ઝરને એક દિવસ જિમનેશિયમના સેશન બાદ ગળાના ભાગે જકડન મહેસૂસ થવા લાગી. જાણે કે સ્નાયુ ખેંચાઈ ગયા હોય તેવો અહેસાસ થયો. શરુઆતમાં તો તેણે આ તરફ ખાસ ધ્યાન ન આપ્યું, પણ બે-ત્રણ દિવસની ફિઝિયોથેરાપી પછી પણ પરિસ્થિતિ ન સુધરી તેના કારણે આખરે તેણે ડોક્ટરની પાસે જવાનું નક્કી કર્યું. તબીબી પરિક્ષણના અંતે આખરે તેને થાઈરોઈડ કેન્સરનું નિદાન થયું. વજ્રાઘાત સમાન રોગનો ભય જ ભલભલાને માનસિક રીતે ખતમ કરી દે તેવો હોય છે, ત્યારે ગ્લેટ્ઝરે આખી પરિસ્થિતિનો સામનો સાવ નવી જ રીતે કર્યો છે.

ગ્લેટ્ઝર મક્કમ ઈરાદાનો માણસ છે. આમ પણ ખેલના મેદાનમાં જિંદગીના પાઠ શીખનારને હાર સ્વીકારતાં અને જીત પચાવતા વધુ સારી રીતે આવડતું હોય છે. ગ્લેટ્ઝર કેન્સરની બીમારીનો સામનો મક્કમતાથી કરી રહ્યો છે. તેની સર્જરી થઈ ચૂકી છે અને હવે તે ઓલિમ્પિક ટ્રાયલ્સના કેલેન્ડર પર નજર માંડી રહ્યો છે.

ગ્લેટ્ઝર કહે છે કે, હું કેન્સરની બીમારીને જાણે કે કોઈ સામાન્ય ઈજા થઈ હોય તે પ્રકારે લઈ રહ્યો છું. મારું એકમાત્ર લક્ષ્ય ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાનું છે, આ એક જ રમત મહોત્સવ એવો છે કે, જેમાં હું મારી પ્રતિભાને અત્યાર સુધી ચંદ્રકને લાયક બનાવી શક્યો નથી. જોકે, હું મારી પ્રતિભાને પૂરવાર કરીને જ રહીશ. 

દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં આવેલા એડીલેડમાં જન્મેલા વિશ્વખ્યાત સાઈક્લિસ્ટ ગ્લેટ્ઝરનું બાળપણ રમતમય વાતાવરણમાં વિત્યું હતુ. તે બાસ્કેટબોલ, ફૂટબોલ તેમજ એથ્લેટિક્સમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લેતો. આ બધામાં તેને પોલ-વોલ્ટની રમતનું વિશેષ આકર્ષણ. ખેલાડીના બાવડાના બળની સાથે સાથે શરીરના લચીલાપણાની અને સમયસૂચકતાની કસોટી કરનારી પોલ વોલ્ટની રમતની પદ્ધતિસરની તાલીમ શરુ કર્યા બાદ ગ્લેટ્ઝરને સ્નાયુ ખેંચાઈ જવાના કારણે ઈજા થઈ. 

પોલ વોલ્ટની પ્રેક્ટિસ દરમિયાન ઊંચાઈથી પટકાયેલા ગ્લેટ્ઝરને બે વર્ષ સુધી કોઈ પણ રમત ન રમવાની કડક સૂચના મળી. આખો દિવસ રમતના મેદાનો પર ગાળનારા ગ્લેટ્ઝર માટે આ બે વર્ષ કાઢવા અત્યંત કઠણ રહ્યા. ખાસ કરીને પોતાના દોસ્તારોને મેદાનની અંદર ઉછળકૂદ કરતાં જોઈને ગ્લેટ્ઝરનું મન પણ તેમની સાથે જોડાવા ઉતાવળું બનતું, પણ શરીર તેને પરવાનગી આપતું નહતુ.

આખરે બે વર્ષનો મુશ્કેલ સમય જેમ તેમ કરીને પસાર થઈ ગયો. ગ્લેટ્ઝર ફરી વખત દોડવા લાગ્યો. જોકે પોલ વોલ્ટના દરવાજા તો તેના માટે બંધ થઈ ચૂક્યા હતા. હવે તે એવી રમતની તલાશમાં હતો કે, જેમાં તેને મુશ્કેલી ન પડે અને ફિટનેસ પણ જળવાઈ રહે. આખરે તેની શાળાના એક શિક્ષકે તેને સલાહ આપીને તું ટ્રાયથ્લોનમાં ભાગ લે. 

ટ્રાયથ્લોન એ રમતોનો સમૂહ છે, જેમાં ખેલાડીને દોડવાનું, સાઈક્લિંગ કરવાનું તેમજ સ્વિમિંગ કરવાનું હોય છે. ગ્લેટ્ઝરને ઈજામાંથી બહાર આવવા માટે સ્વિમિંગ શીખવું પડયું હતુ અને તેનો ફાયદો તેને અહી મળ્યો. આ ટ્રાયથ્લોન દરમિયાન સાઈક્લિંગમાં તેણે કમાલ કર્યો. ઈવેન્ટ પુરી થયા બાદ તેને લાગ્યું કે, સાઈક્લિંગ એ રમત છે કે, જેમાં હું કમાલ કરી શકું છું. બસ, તે જ દિવસથી તેણે સાઈક્લિંગ કરવાનું શરુ કર્યું. 

શરુઆતમાં તો રોડ રેસમાં તેણે ભાગ લીધો, પણ તેમાં તેનો ગજ ના વાગ્યો. રોડ રેસની નિષ્ફળતાથી તે અટક્યો નથી અને આખરે શિયાળો શરુ થતાં તેણે વેલોડ્રોમ (સાઈક્લિંગ માટે ખાસ પ્રકારનું સ્ટેડિયમ)માં એન્ટ્રી લીધી અહીં તેને પોતાની ખરી ઓળખ મળી. રોડ રેસના એક સરેરાશ સાઈક્લિસ્ટે વેલોડ્રોમમાં કમાલનું પર્ફોમન્સ આપ્યું.

ગણતરીના વર્ષોમાં તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી લીધી. આ પછી ૨૦૧૨માં મેલબોર્નમાં સાઈક્લિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ તેમાં ૨૦ વર્ષના ગ્લેટ્ઝરના મેજિકલ દેખાવને સહારે ઓસ્ટ્રેલિયાએ ટીમ સ્પ્રિન્ટની ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી. આ સફળતાને પગલે તે લંડન ઓલિમ્પિકમાં પણ ક્વોલિફાય થયો, જ્યાં થોડા માટે ચંદ્રક ચૂકી ગયો.

સાઈક્લિંગ જગતમાં ગ્લેટ્ઝરની સફળતાનો સિલસિલો તો અહીંથી જ શરુ થયો. તેણે ૨૦૧૬ની વર્લ્ડ ચેમ્પિયનશિપની સ્પ્રિન્ટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવતા રિયો ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરી. જોકે ઓલિમ્પિક ચંદ્રક તેનાથી હાથવેંત દૂર રહ્યો. તે રિયો ઓલિમ્પિકમાં વ્યક્તિગત સ્પ્રિન્ટ અને ટીમ સ્પ્રિન્ટ ઈવેન્ટમાં થોડા માટે ચંદ્રક ચૂકી ગયો અને ચોથા ક્રમે રહ્યો. હારની હતાશાને દુરી કરીને આખરે તેણે ૨૦૧૮ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્પ્રિન્ટ ઈવેન્ટમાં સુવર્ણ જીતવાની સાથે ૧ કિમી ટાઈમ ટ્રાયલમાં ઐતિહાસિક રેકોર્ડની સાથે આખરે રજત સફળતા હાંસલ કરી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ સુવર્ણ ચંદ્રક પણ હાંસલ કર્યા છે.

આમ છતા હજું ઓલિમ્પિક ચંદ્રક તેના માટે સ્વપ્નવત્ બની રહ્યો છે. સાઉથ ઓસ્ટ્રેલિયાની યુનિવસટીમાં માનવીય પ્રચલન પર સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહેલા ગ્લેટ્ઝરને કેન્સર થતાં તેની કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રતિભાશાળી સાઈક્લિસ્ટની કેન્સર સામેની જાંબાઝીભરી લડતને સોશિયલ મીડિયામાં જબરજસ્ત સમર્થન મળ્યું છે. દુનિયાભરના લેજન્ડરી સાઈક્લિસ્ટ અને રમતવીરોની સાથે ઘણા બધાએ તેની જિંદાદિલીને બીરદાવી છે. 

કેન્સરની સારવાર ચાલી રહી છે, ત્યારે ગ્લેટ્ઝર આગામી સાઈક્લિંગના વર્લ્ડ કપના કેલેન્ડર પર મીટ માંડીને બેઠો છે. તેની નજર ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રમાનારી સાઈક્લિંગની ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટ પર છે. તે આ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે કે નહી તેની સામે હજુ પ્રશ્નાર્થ છે, પણ ગ્લેટ્ઝર મનથી તો સ્પર્ધામાં ઉતરવા માટે મક્કમ છે. 

Tags :