અસદગુરૂ મળ્યા, તો ભવમાંથી છૂટકારો અશક્ય
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
સદ્અનુષ્ઠાન વીતરાગ પુરુષોએ મનની શુદ્ધિ માટે જે ઉપાયો બતાવ્યા છે તેને સદ્અનુષ્ઠાન કહે છે. મનમાં જન્મોજન્મથી વાસના, વિકારનો ભાવમળ પડેલો છે. તે જાય તો જ પરમાત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ પડે. ચિત્તને શુદ્ધ કરવા માટે શાસ્ત્ર વિધિ અનુસાર અનુષ્ઠાન કરવાનાં છે. અનુષ્ઠાનના ચાર પ્રકારનાં છે. (૧) પ્રીતિ, (૨) ભક્તિ (૩) વચન અને (૪) અસંગ. અનુષ્ઠાન કરનારના આશય પ્રમાણે, અનુષ્ઠાન બીજી રીતે પાંચ પ્રકારનું વર્ણવ્યું છે. (૧) વિષય (૨) ગર (૩) અનનુષ્ઠાન (સંમૂર્છિમ) (૪) તદ્હેતુ (૫) અમૃત. આ પાંચમાં છેલ્લા બે પ્રકારના અનુષ્ઠાન હિતકારી છે.
સહજ ધર્મ એટલે સ્વભાવ ધર્મ. ચૈતન્યનો મૂળ સ્વભાવ છે. સત્ચિત્- આનંદ, આનંદ એટલે નિરપેક્ષ સુખ. ટૂંકમાં નિરપેક્ષ આનંદ સ્થિરપણે સતત વહેતો હોય, તેવી અવસ્થામાં રહેવું તેને સહજ ધર્મ કહે છે.
પ્રભુનાં દર્શન કરો, છતાં તમને આનંદ ન થાય, તમારામાંથી નિરાશા વિદાય ન લો તો નક્કી માનજો કે તમે મંદિરમાં નહીં, બીજે ક્યાંક ગયા હશો. તમારા મનના ઊંડાણમાં જઈને જોજો કે દર્શન કરતી વખતે તમે ક્યાં હતા ? વિજળીના તારનો એક જ તાંતણો તમારા શરીરને સહેજ અડી જાય તો તમે ધૂ્રજી ઊઠો છો, તો પરમાત્માની મૂર્તિમાં તમારામાં આનંદનો ધૂ્રજારો લાવવાની તાકાત નથી ? વીજળીનાં સાધનો ઉપર રબ્બર કે પ્લાસ્ટિકનું પડ ચઢાવેલું હોય છે, તેને કારણે કરંટ ન લાગે.
એ જ રીતે તમે જ્યારે મંદિરમાં કે ગુરુ પાસે જાવ છો, ત્યારે તમે તમારી આસપાસ અહમ્, વાસના અને વિકારોનું આવરણ ચઢાવીને જાવ છો. તેથી પરમાત્માની મૂર્તિમાંથી જે આંદોલનો સતત વહે છે તે તમને સ્પર્શી શક્તાં નથી અને તે કારણે તમારો અંદરનો વિષાદ જતો નથી. માત્ર પંદર મિનિટ ધ્યાન કરો અને તમે પ્રફુલ્લિત ન થાવ તો માનજો કે તમને ધ્યાન કરતાં આવડતું નથી.
એક માળા કરો અને પ્રસન્નતાની લહેર ન આવે તો માનજો કે માળા કરતી વખતે તમે બીજે ક્યાંક હતા. એક વાત જરૂર માનજો કે માત્ર એક જ વખત પણ અત્યંત ભાવથી પ્રભુને વંદન થાય, તો તમારી સમગ્ર ચેતનામાં આનંદની લહેર છવાઈ જાય, જીવન ધન્ય બની જાય.
તમને ઠીક લાગે તેમ, તમને ફાવે તે રીતે અનુષ્ઠાન, જપ, તપ કરો, તો ન ફળે. ન પરમગતિ મળે કે ન સુખ મળે. અહીં શાસ્ત્રો અને સંતની જરૂર છે. આ બંને પાત્રો જીવ ઉપર પ્રેમનું અનુશાસન કરીને તેને માયામાંથી મુક્ત કરે છે.
શાસ્ત્રોએ જે કહ્યું તે શાસ્ત્ર બન્યું. સંત શાસ્ત્રોને પામ્યા છે. જીવ શાસ્ત્ર અને સંત કહે તે પ્રમાણે કરશે તો તેનું કર્મ નિષ્કામ બનશે.
જે જીવ સંત પાસે ઘડાયો નથી તે કર્મ કરતી વખતે અને કાર્ય પછી પોતાની જાતને આગળ કરે છે. જે ઘડાયેલ છે, તે સત્ત્વપ્રધાન પુરુષ પોતાની જાતને પાછળ રાખી, પોતે માત્ર નિમિત્ત બની સંત અને પરમાત્માને આગળ કરે છે. જે થાય છે, જે કંઈ બને છે તે પરમાત્મા, ગુરુ અને ધર્મની કૃપાથી થાય છે તેવો તે સ્વીકાર કરે છે. સામાન્ય જીવોનો એક વર્ગ જે પરમાત્માની સાવ વિમુખ છે તેને સંત અને શાસ્ત્રોની જરૂર લાગતી નથી, પણ જે સાધક છે, જેણે થોડું પણ પોતાનું મુખ પરમાત્મા તરફ કર્યું છે તેવાને સંત અને શાસ્ત્રવિના ચાલી શક્શે નહીં.
જે શાસ્ત્રને કે તેની વિધિને જાણતો નથી તે મોટે ભાગે કર્મ કરે છે તેની પાછળ કોઈ વિચાર હોતો નથી. જે અર્ધો જ્ઞાાની છે, જેણે શાસ્ત્રો વાંચીને કંઈક જાણ્યું છે તેનું જ્ઞાાન અનુભવ વિનાનું અધકચરું હોવાથી તેનામાં પૂર્વગ્રહ પેદા થયો હોય છે. તે પોતાની કલ્પેલી માન્યતાઓને છોડી શક્તો નથી. તેને કારણે તે શાસ્ત્રની ખોટી મૂલવણી કરે છે તેથી તદ્દન ઊલટંુ જ્ઞાાની એટલે કે સત્ત્વપ્રધાન પુરુષમાં સહજ પણ પૂર્વગ્રહ રહ્યો નથી.
તેથી તે શાસ્ત્રની સાચી મૂલવણી કરે છે, પરિણામે તેનું આચરણ સીધું, સરળ અને સરસ થાય છે. અર્ધજ્ઞાાની જીવ રામકૃષ્ણ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, કૃષ્ણમૂર્તિ અને બીજાઓને વાંચે, પછી ગૂંચવડામાં પડે. રામકૃષ્ણ કહે 'ભક્તિ કરો'. રમણ મહર્ષિ કહે,'તું કોણ છો તે જો!'શ્રી અરવિંદ 'ધ્યાનમાં જવાનું કહે', તો જે. કૃષ્ણમૂર્તિ કહે 'ધર્મસહિત બધું છોડ'. આવું વાંચીને તે મૂંઝવણમાં પડે છે, કેમ કે તેણે સૌથી પહેલાં તો પોતાની જાતને, પોતાની પ્રકૃતિને જાણવી જોઈએ, તે જાણી નથી. છતાં પોતે જાણે છે તેવો દેખાવ કરે છે.
પોતાનામાં મોહ નથી તેવું અર્ધજ્ઞાાન કહે ખરો, પણ એકાદ નાનકડું નુકસાન તેને હલાવી દે છે. અષ્ટાવક્રજી અને જનક વિદેહી જ્ઞાાન-ચર્યા કરતા હતા. મિથિલાવાસીઓ પણ સાંભળતા હતા. કોઈએ સમાચાર આપ્યા કે મિથિલાનગરીમાં આગ લાગી છે. સહુ દોડયા, ન દોડયા માત્ર અષ્ટાવક્રજી અને જનકજી. રાજા જનક કહે, 'મિથિલા બળે છે તેમાં મારું કંઈ બળતું નથી. મારું જે છે તે કદીય બળી શક્તું નથી.'
બાળકની જેમ અજ્ઞાાની વાળ્યો વળે છે. બાળક મોટો થતો જાય તેમ તેમ રીઢો થતો જાય, તેમ અર્ધ-જ્ઞાાની પ્રભુથી દૂર થતો જાય. કોરા માટીના ઘડામાં ઉકળતું પાણી નાખ્યું તો ઘડો ફૂટી ગયો, ત્યારે એક અનુભવીએ કહ્યું કે કોરા ઘડામાં પહેલાં થોડું ગરમ, પછી તેનાથી ગરમ અને છેલ્લે ઊકળતું પાણી નાખશો, તો નહીં ફૂટે, કેમ કે ત્યારે ઘડો રીઢો થયો હશે. એજ રીતે અર્ધજ્ઞાાની જગતથી રીઢો થયેલો છે, તેને ગુરુબોધ રૂપી અગ્નિ, જે જીવની વાસનાને બાળીને ભસ્મ કરી શકે છે તેની અસર થતી નથી.
કૃષ્ણ મળે પછી ગીતાનું કામ નહિ, રામ મળે પછી રામાયણ બાજુમાં મૂકો, મહાવીર મળે તો આગમોને અડશો નહિ, બુદ્ધ મળે તો ત્રિપીટકો સાથે માથાં ફોડશો નહીં. એ જ રીતે સંત મળે તો તમામ શાસ્ત્રોને બાજુએ મૂક્જો. આ અવતારો જગત ઉપર આવ્યા ત્યારે આપણે કોઈ ને કોઈ સ્વરૂપમાં હોઈશું. પણ આપણી સગડી તે વખતે સળગી નહીં અને જનમનો ફેરો ટળ્યો નહીં.
જીવ ઇચ્છતો હોય છે કે ગુરુ તેને તેની ઇચ્છાનુસાર પ્રમાણપત્ર આપે. ગુરુ કદી અસત્ય તો કહેશે જ નહીં. તેમ માત્ર ગળ્યું લાગે તેવું સત્ય પણ નહીં. કહે.
મોટે ભાગે ગુરુ કડવું વચન નથી કહેતા, પણ શિષ્યે તેનું સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. સાચા સંત તમને પ્રમાણપત્ર આપે તે જ કામનું છે. તમારી જાતને સમજવા શાસ્ત્ર તે અરિસો તે અરિસામાં તમારું સાચું પ્રતિબિંબ દેખાડનાર શાસ્ત્રના મર્મને જાણે છે. ઉપરાંત જેમ વેપારમાં સરવૈયું કાઢીને નફોતોટો કાઢો છો તેમ સાધનાનું પણ સરવૈયું કાઢા જુઓ કે તમે આગળ વધ્યા છો કે ત્યાંના ત્યાં જ છો કે પીછેહઠ કરી છે ? આ સરવૈયું જ તમને બતાવશે કે તમે સાચા રસ્તે છો કે ખોટા અને તમને ગુરુએ જે માર્ગ બતાવ્યો છે તેનું પાલન તમે બરાબર કર્યું છે કે ભૂલવાળું ?
ગુરુ લોભી અને શિષ્ય લાલચુ મળે પછી બાકી શું રહે ? ઊંટને ઘેર લગ્ન. સાત ખોટનો દીકરો પરણે. ગાયક ગધેડા આવ્યાં, તેઓ કહે શું રૂપાળો કુંવર છે ! ઊંટ કહે શું સુંદર તમારો કંઠ છે ! પરસ્પર પ્રશંસા. જ્યાં આવું બનતું હોય ત્યાં કોણ ભૂલ બતાવી શકે ? માટે તમે અસદ્ગુરુથી ચેતજો. અસદ્ગુરુ શિષ્યનો ગેરલાભ લે છે, પરિણામે જીવ ભવમાંથી છૂટકારો પામતો નથી. મુમુક્ષુ એટલે જેવામાં શિષ્યત્વ પ્રગટયું છે તેવો જીવ આ વાતને સારી પેઠે જાણે છે.
જર્મનીના વિદ્વાન શોપનહોવર સહુ પ્રથમ ભગવદ્ગીતા વાંચી, તેનાથી તે એટલો તો પ્રભાવિત થયો કે ગીતાનું પુસ્તક માથે મૂકીને તે નાંચ્યો. શાસ્ત્રોનું આવું મૂલ્ય છે. જ્યારે દુ:ખ આવે છે ત્યારે મનમાં ઉદ્વેગ થાય છે. તે વખતે તમને જ્યોતિષી કહે છે કે અમુક ગ્રહ નડે છે. દાક્તરો મનની દવા કરે છે. ઉંઘ માટે ટ્રાન્કવીલાઈઝર દવા આપે છે. કોઈ સંબંધી તમને લોટરીની ટિકિટ ખરીદી લાખો મેળવવાની વાત કરે છે ત્યારે ગીતા કહે છે, ભાઈસ દુ:ખને તું પી જા !