સિંહની બદલાતી ચાલ-ચલગત
સમયાંતર - લલિત ખંભાયતા
ચોટીલા પાસે સિંહ જોવા મળ્યાં એ સરપ્રાઇઝિંગ ન્યુઝ છે. છેલ્લા થોડા સમયમાં વનરાજોના વર્તનમાં અમુક એવા પરિવર્તનો આવ્યા છે, જેનો અભ્યાસ કરવો રહ્યો...
જૂનાગઢમાં આવનારા પ્રવાસીઓને ઘણા સ્થળોએ બોર્ડ વાંચવા મળશે, 'સાસણ ગીર, એશિયાઈ સિંહોનું રહેણાંક સ્થળ - ૫૫ કિલોમીટર'. સાથે દિશા દર્શાવતો એરો પણ દોરેલો હશે. જૂનાગઢથી ૫૫ કિલોમીટરના અંતરે સાસણ આવેલું છે. સાસણ આમ તો નાનકડું ગામ છે, પરંતુ 'સિંહ સદન' નામની વનખાતાની ઑફિસ તથા સિંહ પ્રવાસનું કેન્દ્ર એ હોવાથી હવે સાસણ સિંહનું પર્યાય બની ચૂક્યું છે.
ગુજરાતમાં ફરવા આવતા પ્રવાસીઓ સિંહ જોવા ઈચ્છતા હોય તો જૂનાગઢની દક્ષિણ દિશાએ બહાર નીકળતા રોડ પર આગળ વધે અને દોઢેક કલાક સફર કરે ત્યારે સાસણ આવે, ત્યાં નામ નોંધાવે, એ પછી પોતાનો નંબર લાગે, જિપ્સીમાં સવાર થઈને વનમાં પહોંચે અને પછી સિંહના દર્શન થાય. આ રૂટિન પ્રક્રિયા છે. પરંતુ જૂનાગઢની બહાર નીકળતા જ સિંહ જોવા મળી જાય તો?
પાંચેક લાખ કાળા માથાના મનુષ્ય ધરાવતા જૂનાગઢ શહેરમાં સિંહ થોડા હોય! જૂનાગઢવાસીઓને આવો સવાલ નથી થતો અને નવાઈ પણ નથી લાગતી. કેમ કે ત્યાં ખરેખર સિંહ રહે છે. જૂનાગઢની દક્ષિણ દિશાએ મેંદરડા-સાસણ તરફ જતો રસ્તો દિવસે વાહનોના ધમધમાટથી વ્યસ્ત રહે છે અને રાતે અહીં ઘણી વખત સિંહ જોવા મળે છે.
જૂનાગઢ શહેર પુરું થાય એના બે-પાંચ કિલોમીટરમાં જ સિંહોની અવર-જવર નિયમિત થઈ ગઈ છે. તો બીજી દિશામાં એટલે કે જૂનાગઢના પૂર્વે ગિરનાર પર્વત અને તેનું જંગલ છે. એ જંગલમાં બે ડઝન જેટલા વનરાજોનો વાસ છે અને તેઓ નિયમિત રીતે જૂનાગઢના એ તરફ આવેલા ભવનાથ વિસ્તારમાં આંટા-ફેરા કરતાં રહે છે.
ચોટીલા પાસે સિંહો આંટા-ફેરા કરી રહ્યાં એ વાત નવાઈની છે. પરંતુ બીજી તરફ એ પણ હકીકત છે કે સિંહો ક્યારના નવા ચીલા કંડારી ચૂક્યા છે. હજુ ગયા જુલાઈમાં જ દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કનું ૧૪ સિંહનુ ટોળું ફરતું ફરતું ફાલબોરા શહેરના છેવાડા સુધી આવી પહોંચ્યુ હતું. કેન્યાનું નૈરોબી શહેર સતત વિકસી-વિસ્તરી રહ્યું છે.
બીજી તરફ શહેરની બાજુમાં જ માંડ પાંચ-દસ કિલોમીટર દૂર નૈરોબી નેશનલ પાર્ક આવેલો છે. અહીં રહેતા સિંહો ઘણી વખત ફેન્સિંગ વાડની ઐસી-તૈસી કરીને નૈરોબીના નગરજનનોને દર્શનનો લાભ આપે છે. માર્ચ ૨૦૧૬માં શહેરમાં ઘૂસી આવેલો સિંહ કાબુમાં ન આવતા છેવટે તેને ગોળીએ દેવો પડયો હતો!
સૌરાષ્ટ્રના ત્રીજા ભાગમાં વનરાજનું રાજ!
ગીરના સિંહો બહાર નીકળે તેના બે કારણ છે. એક તો વિસ્તાર ટૂંકો પડે છે. ગીર જંગલ 'નેશનલ પાર્ક', 'વાઈલ્ડલાઈફ સેન્ચુરી (અભયારણ્ય)' અને એ સિવાયનું બાહ્ય જંગલ એમ ત્રણ ભાગમાં ફેલાયેલું છે. એમાંથી પહેલા બે ભાગ છે એ સત્તાવાર વન છે. ત્રીજા ભાગને જંગલ ગણીએ કે ન ગણીએ કેમ કે જ્યાં અભયારણ્ય ખતમ થાય ત્યાં સીધો મેદાની-શહેરી-ગ્રામ્ય પ્રદેશ શરૂ નથી થઈ જતો. થોડુ-ઘણુ વન હોય છે. આ વન જંગલ ન ગણાય છતાં, જંગલી પ્રાણીઓ તો ત્યાં વસતા જ હોય છે.
ગીર નેશનલ પાર્ક વિસ્તાર ૨૫૮ ચોરસ કિલોમીટરનો છે, તેને સમાવી લેતો સેન્ચુરી વિસ્તાર ૧૪૧૨ ચોરસ કિલોમીટરનો છે. આ સરકારે નક્કી કરેલું માપ છે. બીજી તરફ હકીકત એ છે કે ગીરના સિંહોએ પોતે નક્કી કરેલો વિસ્તાર ૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર છે. ૨૦૧૫ની વસતી ગણતરી વખતે સરકારે જાહેર કર્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ૬૬,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી ૨૨,૦૦૦ ચોરસ કિલોમીટરમાં સિંહોનું આવન-જાવન રહે છે. અર્થ એટલો જ કે સિંહો તેના માટે નક્કી થયેલા વિસ્તાર કરતા ૧૫ ગણા વધારે વિસ્તારમાં વ્યાપી ગયા છે. હવેની વસતી ગણતરી થાય ત્યારે ૨૨ હજારનો આંકડો વધી ગયો હશે એ નક્કી વાત છે.
સિંહોના 'બહાર'વટાની શરૂઆત!
સરહદો મનુષ્યો માટે છે, વન્યજીવો માટે નહીં. એટલે જંગલમાં જન્મી, ઉછરી, મોટાં થયેલા સજીવો જંગલમાં જ રહે એવુ જરૂરી નથી. સિંહ ક્યારના ગીરના બહાર નીકળી ચૂક્યા છે. વૈજ્ઞાાનિક અભ્યાસપત્ર (જર્નલ) 'કરન્ટ સાયન્સ'માં સિંહોના 'બહાર'વટા અંગે એક અહેવાલ ૨૦૧૭માં પ્રગટ થયો હતો. સિંહોએ ગીરની બહાર નીકળવાની શરૂઆત ક્યારે કરી તેનો જવાબ એ સંશોધનમાં હતો. એ પ્રમાણે અડધી સદી પહેલા બે-પાંચ સિંહો મિતિયાળા અને ગિરનારના જંગલમાં રહેતા જોવા મળ્યા હતા. પરંતુ મોટે પાયે માઈગ્રેશન ૧૯૮૭-૮૮ના દુષ્કાળ વખતે શરૂ થયુ.
દુષ્કાળના સમયે સિંહો ખોરાક માટે બહાર નીકળતા થયા હતા. ત્યારે સૌરાષ્ટ્રમાં દુકાળ કાયમી મહેમાન તરીકે આવતો-જતો રહેતો હતો. તેના કારણે અમુક સિંહો બહાર નીકળ્યા અને બહાર ખોરાક-હવામાન માફક આવી જતાં તેમણે બહાર નવું ઘર બનાવ્યું. સમય જતાં દીવના દરિયા કાંઠે, શેત્રુંજીના ખારા પાણીમાં, ધોરાજી-જૂનાગઢ વચ્ચેના અર્ધશહેરી-ગ્રામ્ય વિસ્તારમાં.. એમ અપેક્ષિત ન હોય એવા અનેક સ્થળોએ સિંહે દર્શન દીધા. એ સિલસિલો હવે ચોટીલા સુધી પહોંચ્યો છે.
અમે નક્કી કરીશું, અમારે ક્યાં જવુ એ!
રસપ્રદ વાત એ છે કે સિંહોને કૃત્રિમ રીતે ખસેડવામાં આવે તો એમને માફક આવતું નથી, પણ કુદરતી રીતે એ પોતાની રીતે પોતાની નવી ભૂમિ શોધી કાઢે છે. જેમ કે ૧૯૧૬માં ગીરમાંથી કેટલાક સિંહોને વૈકલ્પિક આવાસ ઉભો કરવાના હેતુથી મધ્યપ્રદેશના 'શિવપુરી નેશનલ પાર્ક'માં લઈ જવાયા. એ સિંહો શિવપુરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા નહીં. બીજી વખત ૧૯૫૭માં ઉત્તર પ્રદેશના 'ચંદ્રપ્રભા અભયારણ્ય'માં ગીરમાંથી બે જોડકાં સિંહોના સ્થળાંતરિત કારાયા.
એ વખતે ગીર કેસરીને ચંદ્રપ્રભાનું વાતાવરણ માફક આવ્યું અને તેમની વસ્તીમાં પણ થોડી વૃદ્ધિ થઈ. ૧૯૬૫ સુધીમાં તો ચાર સિંહોની સંખ્યા વધીને ૧૧ સુધી પહોંચી. એ પછી સિંહોની સંખ્યા ઘટતી ગઈ અને થોડા દિવસમાં જ અચાનક દેખાતા બંધ થયા. ક્યાં ગયા એ ક્યારેય ખબર પડી નહીં. આખી વાતનો સાર એટલો છે કે સિંહોના સંરક્ષણ માટે તેને પાંજરામાં ચડાવી આમ-તેમ ફેરવવાની જરૂર નથી. સિંહો પોતાની રીતે જંગલ ફાડીને પોતાનો રસ્તો કરતા આવ્યા છે, કરે છે, કરતાં રહેશે. સિંહો પોતે જ નક્કી કરવા માગે છે કે તેમને ક્યાં જવું છે.
સંજોગો સામે ટકી રહેવાની ત્રેવડ
ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સજીવ તેની આસપાસના વાતાવરણ-સંજોગોને અનુકૂળ થાય તો જ ટકી શકે. સિંહો એ સિદ્ધાંત મુજબ જ આગળ વધી રહ્યાં છે. ગીરના સિંહો જ અમરેલી-લિલિયા, બરડો, સાસણ, ગિરનાર.. એમ વિવિધ વિસ્તારમાં વહેંચાઈ ગયા છે અને જે-તે વિસ્તાર મુજબ પોતાના ઘાટ ઘડી રહ્યાં છે. સિંહોને ટકી રહેવા માટે પાણી, પાંખુ જંગલ, બચ્ચાંઓ માટે સલામતી અને સ્થાનિક લોકોનો સહકાર એટલી ચીજોની જરૂર પડે છે. ગીર બહાર નીકળેલા બધા સિંહોને આ બધુ જ મળી રહ્યું છે.
ગીરના સિંહોમાં ગમે તે સંજોગોમાં ટકી રહેવાની ત્રેવડ છે, તેનો પુરાવો ઐતિહાસિક તથ્યોમાં પણ મળે છે. બસ્સો-સવા બસ્સો વર્ષ પહેલા ૧૮૦૦ની સાલમાં આખા જગતનાં વિવિધ દેશોમાં (આફ્રિકન, એશિયાઈ અને બીજા દેશોના) થઈને બારેક લાખ સિંહ હતા. શિકાર શોખીન અંગ્રેજોએ આફ્રિકાના ઘણા દેશોમાં રાજ કર્યું એ દરમિયાન સિંહોનો મોટેપાયે શિકાર પણ કર્યો. સ્થાનિક આફ્રિકી પ્રજાએ પણ તીર-કામઠાં ચલાવ્યાં અને હજુય શિકાર થતો રહે છે.
સમય જતાં આફ્રિકન અને એશિયન સિવાયના સિંહોની પ્રજાતિ નાશ પામી. આફ્રિકામાં જ સિંહોની વિવિધ પેટા જાતી હતી, એ ખતમ થઈ. બીજી તરફ ગીરના સિંહોની વસતી તળિયે ગઈ હતી ત્યાંથી ઊંચકાઈ છે. ૧૯૪૦માં આફ્રિકાના સિંહોની વસતી ૪.૫ લાખ હતી, આ તરફ ૧૯૩૬માં એશિયાઈ સિંહોની વસતી ૨૮૭ હતી.
આફ્રિકાના સિંહો વિવિધ ૩૩ દેશમાં ફેલાયેલા હતા, જે હવે આઠ-નવ દેશોમાં સિમિત થઈ ગયા છે. આજની સ્થિતિ એવી છે કે આફ્રિકી સિંહોની વસતી ઘટીને ૨૦ હજારથી નીચે આવી ગઈ છે, પણ ગીરના સિંહોની સંખ્યા ૬૦૦ ઉપર પહોંચી છે. મતલબ સાફ છે, ગીરના સિંહો સંજોગો સામે ટક્કર લઈ શક્યા છે.
સિંહોનું વિકેન્દ્રિકરણ
ઈતિહાસમાં જરા પાછા જઈને જોઈએ તો ખબર પડે કે સિંહો ગીરમાં જ રહેતા હતા એવુ નથી. સિંહોનો વસવાટ ગીર અને ગુજરાત બહાર અનેક સ્થળોએ હતો જ. હવે સિંહ જ્યાં પહોંચ્યા છે એ પૈકીના ઘણાખરા વિસ્તારો સિંહોના નવા રહેણાંકો નથી. વર્ષો પહેલા સિંહો આ બધા વિસ્તારમાં વિચરતા હતાં. પણ ઘટતા જંગલોને કારણે સિંહોનું ગીરમાં કેન્દ્રિયકરણ થયુ હતું. હવે ફરી સિંહો પોતાનું સામ્રાજ્ય વિસ્તારવામાં વ્યસ્ત થયા છે.
વિજ્ઞાાન જગતમાં ઊંચુ સ્થાન ધરાવતા જગવિખ્યાત સામયિક 'સાયન્ટિફિક અમેરિકને' ગીરના સિંહોના રહેણાંક અંગે ૨૦૧૮માં વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કર્યો હતો. એ અહેવાલમાં સ્પષ્ટ કહેવાયું હતું કે ગીર અરણ્યમાં ૩૦૦થી વધારે વનરાજો રહી શકે એમ નથી. તેનાથી વધારે રહે ત્યારે કાં તો એ સિંહોએ બહાર નીકળવું પડે, કાં તો અંદરોઅંદર બાખડવું પડે. સિંહો સદ્ભાગ્યે સમજદાર છે માટે ક્યારના ગીરની બહાર નીકળી ગયા છે.
સિંહો વિસ્તરે એ સિંહોના હિતમાં છે!
'ઝૂઓલોજિકલ સોસાયટી ઑફ લંડને' આફ્રિકાના સિંહો પર સંશોધન કર્યું. એ પ્રમાણે ત્યાંના સિંહોની શિકાર કરવાની ક્ષમતા છેલ્લી એક સદીમાં ઘટી ગઈ છે. શિકાર ક્ષમતા ઘટવાનું કે ઓછી થવાનું કારણ જિનેટિક ફેરફાર છે. કોઈ પણ સજીવ જે માહોલમાં રહે એ પ્રમાણે તેનું શરીર ઘડાતું જાય. એ રિપોર્ટનો મુખ્ય સૂર એ હતો કે સિંહોમાં જિનેટિક ડાયવર્સિટી (વૈવિધ્ય) ઘટી રહ્યું છે. એનો અર્થ એવો થાય કે ભવિષ્યમાં નવા રોગચાળા, પાણીની અછત, બદલતું પર્યાવરણ વગેરે સંજોગો ઉભા થાય કે પછી સંજોગો ઝડપથી બદલાય ત્યારે ટકી રહેવાની સિંહની શારીરિક ક્ષમતા ઓછી થઈ જાય.
જે સિંહો વિવિધ વિસ્તારમાં ઉછર્યા હોય, આકરા સંજોગોમાં શિકાર કર્યા હોય અને પેઢી દર પેઢી ટકી રહ્યા હોય એ સિંહો જ ભવિષ્યમાં મજબૂત વારસદારો પેદા કરી શકે. આફ્રિકામાં સ્થિતિ ઉલટી થઈ રહી છે. ગીરમાં આવુ ન થાય એટલા સિંહો વિવિધ વિસ્તારોમાં રહે એ બહુ જરૂરી છે. કેમ કે એક જ અથવા મર્યાદિત વિસ્તારમાં સિંહ રહે તો એમની સામેના પડકારો પણ મર્યાદિત થઈ જાય અને લગભગ સરખા થઈ જાય.
એ આવનારી પેઢીઓની લડાયક ક્ષમતા ખતમ કરી નાખે. સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૧૮માં ગિરમાં રોગચાળો ફેલાયો અને ત્રણ ડઝન સિંહ ખતમ થયા. સાથે સાથે બીજા વિસ્તારમાં સલામત રહ્યાં. એ દર્શાવે છે કે સિંહો અલગ પડી ગયા એટલે બચી ગયા, પાસે પાસે હતા તેમને ચેપ લાગ્યો.
ગીરના સિંહોએ આવા ઘણા પરિવર્તનો સ્વીકારી લીધા છે. મૂળભૂત રીતે આપણે મનુષ્યો એવું માની બેઠા છીએ કે સિંહ કે અન્ય પ્રાણી અમુક હદથી આગળ નહીં વધે. પરંતુ હકીકતે આપણને તેમની હદ જ ખબર નથી, જે ખબર છે એ અધુરી છે. એટલે આવાં સરપ્રાઈઝ મળે એમાં નવાઈ નથી, ભવિષ્યમાં પણ મળતાં રહેશે!
સિંહ વિશેની બે ખોટી માન્યતા
'સિંહ કદી ખડ ન ખાય..' 'સિંહના ટોળાં ન હોય...' ગુજરાતી ભાષાના કહેવત કોષમાં સ્થાન પામેલી આ કહેવત ગુજરાતી ભાષાનું ઘરેણું છે. પણ વૈજ્ઞાાનિક રીતે સાચી નથી. સિંહ ખડ (ઘાસ) થાય જ છે અને વર્ષોથી ખાય છે. કેમ કે અતી ભારે ખોરાક પેટમાં ગયા પછી પાચન માટે રેષાદાર વાનગી આરોગવી પડે. રેષાદાર વાનગીના નામે જંગલમાં ક્યાં ઘાસની કમી હોય? કહેવત એ રીતે સાચી કહી શકાય કે સિંહ ભૂખ ભાંગવા ખડ ઘાસ નથી ખાતા.
ભૂખ ભાંગી લીધા પછી પેટની માવજત માટે મુખવાસ તરીકે આરોગે છે. સિંહો નિયમિત રીતે ટોળું બનાવીને શિકાર કરે જ છે. જેમ કે જાન્યુઆરી ૨૦૧૧માં ધારી પાસેના ગઢિયા આસપાસના જંગલમાં એક સાથે ૨૧ સિંહોએ ધામા નાખ્યા હતા અને પાંચ દિવસમાં પાંચ મારણ કર્યાં હતા. દસ-પંદર સિંહો સાથે આખેટ પર નીકળે એવા ડઝનબંધ કિસ્સા આપણા ગીરમાં જ નોંધાયા છે. અલબત્ત, તો પણ મોટા ભાગના સિંહો એકલેપંડે મારણ માટે નીકળતા હોય છે.