Magazines

સેવી શકે તો સંતની કોટિને પામશે, જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં

By GS Team
23 Nov 20193 mins read
This article was originally published on 23 Nov 2019
સેવી શકે તો સંતની કોટિને પામશે, જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં

લોગઈન 

તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં,

તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં.

સાંઈ! તમે જ કંઈક કહો તાંતણા વિશે,

લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં.

જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે,

ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં.

તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના,

એનોય હાથ હોય છે તારા વિકાસમાં.

ઝોલે ચડી છે રાજકુમારીની વારતા,

ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં.

સેવી શકે તો સંતની કોટિને પામશે,

જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં.

- અમિત વ્યાસ

અમિત વ્યાસ ગુજરાતી કવિતામાં જૂનું થઈ ગયેલું નવું નામ છે. તેમની કવિતામાં તાજગી અને નાવિન્ય ભારોભાર હોય છે. આ ગઝલ તેનો પુરાવો છે. કલાપી બાલાશંકરથી લઈને અત્યાર સુધીમાં અનેક ગઝલકારોએ ગઝલને નિખારી છે. ગઝલની નદીમાં અનેક કવિઓએ પોતાની નૈયા સફળતાપૂર્વક હંકારી છે. અમિત વ્યાસ તેમાંના એક છે.

હમરદીફ હમકાફીયા સાથે ચાલતી આ ગઝલના છએ શેર તેની નિજી મુદ્રામાં અંકિત છે. પ્રથમ શેર સરળ-સહજ અને સ્યંસ્પષ્ટ છે. તારા વિશે એટલે કોના વિશે? કવિની પ્રેમિકા વિશે? ના, આ તો જગતપ્રેમીની વાત છે. ઈશ્વરની તરફ અંગુલિનિર્દેશ છે. ઈશ્વર વિશે જે કોઈ તપાસ માટે નીકળે છે તે આજીવન પ્રવાસમાં જ રહે છે. ઈશ્વર સાક્ષાત જોયો હોય અને સંપૂર્ણ પામી લીધો હોય તેવો કદાચ આ ધરતી પર કોઈ થયો નથી. કોઈએ તેની કૃપા અનુભવી હોય તે વાત અલગ છે. અને આમ પણ શોધની ખરી મજા પ્રવાસમાં જ હોય છે.

લોકો પરમતત્ત્વને પામવામાં મોટેભાગે દોરાધાગા અને અંધમાન્યતાઓમાં જ અટવાઈ જતા હોય છે. કવિએ અહીં કપાસને પ્રતિક તરીકે લીધું. લોકો કપાસમાં ગૂંચવાઈ ગયા, તાંતણા સુધી પહોંચવાનું છે. આપણે રોજ સામાન્ય વાતોમાં પણ ફાંફે ચડી જતાં હોઈએ છીએ. તાંતણાને પામવા માટે હૃદયના તાર ઝણઝણાવવા પડે. કપાસને છૂટો પાડો તો તાર જડે, આખો કપાસ એક કાલું હોય છે. તેની માટે તો અંદરનું અજવાળું જોઈએને? અંદરના તેજથી જે પ્રજ્વલિત થયેલો હોય તેને બહારની લાઈટ્સની શી તમા? અમાસ હોય કે પૂનમ શું ફેર પડે? સ્વયંમના તેજથી અંધાર ઓગળવા માંડે ત્યારે બીજા કશાની જરૂર રહેતી નથી.

ઘણા લોકો પોતાની નિંદાથી ખૂબ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. પણ આપણે તેને પોઝિટિવ લેવું જોઈએ. ગાંધીજીને કોકે એકવાર કહ્યું કે બાપુ આજકાલ ખાદીધારી લોકો પણ દારૂ પીવા લાગ્યા છે. બાપુએ જવાબ આપ્યો, એના કરતાં એમ કહોને દારૂ પીતાં લોકો પણ ખાદી પહેરવા લાગ્યા છે. નિંદાને નાશકારક ગણવાને બદલે ઔષધ ગણીએ તો મનનું આરોગ્ય સુધરે! એ રીતે આપણા નિંદાખોરોનો પણ આપણા વિકાસમાં હાથ હોય છે.

રાજકુમારીની વાર્તા થોડી ઝોલે ચડે? સાંભળનાર કે સંભળાવનાર કદાચ ચડે. અહીં જ તો કવિની કમાલ છે. તે વાર્તા ઝોલે ચડાવીને તે ચમત્કૃતિ ઊભી કરે છે. ગોખમાં દીવો બળે છે તેના ઉજાસમાં વાર્તા ઝોલે ચડે તે કલ્પના મનભાવન છે.

અંતિમ શેરમાં કવિએ કમાલ કર્યો છે. શબ્દ પાસે કયું કામ લેવું તે માણસના હાથમાં છે. તમારે ગાળ બોલવી કે શ્લોક તે તમારા હાથમાં છે. શબ્દ સેવવો જેવી તેવી વાત નથી. મિથ્યા બબડાટ કે નિંદાકૂથલીમાં વપરાતો શબ્દ યોગ્ય સરાણે ચડે તો રચનાત્મક પરિણામ લાવે. મિથ્યા વાણીવિલાસમાં વેડફાતા શબ્દને જો હૃદયથી સેવવામાં આવે તો માણસ સંતની કોટિને પણ પામી શકે. ચંદ્રેશ મકવાણાએ સુંદર શેર લખ્યો છે, ''માર્ગ મારો રોકવામાં જે સમય ખર્ચાય છે, એ સમયમાં તું હજારો માર્ગ કંડારી શકે.'' બીજાના માર્ગમાં રોડાં નાખવા કરતા પોતાના માર્ગ કંડારવામાં વ્યસ્ત રહેતો માણસ ક્યારેય નિષ્ફળ થતો નથી. અમિત વ્યાસની રચનાથી જ લોગઆઉટ થઈએ.

લોગઆઉટ

પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;

ને હજુ એક હાથ ત્યાં લંબાઈ છે!

ટુકડા રૂપે મળે છે, જે બધું,

એ બધું ક્યાં સોયથી સંધાય છે!

રક્ષવાનું હોય છે હોવાપણું,

અહીં બધુંયે એકનું બે થાય છે!

કાચની સામે રહી જો એકલો,

નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!

છે ભૂલા પડવાનો એક જ ફાયદો,

કેટલા રસ્તા પરિચિત થાય છે!