ધીમા ધીમા પગલે કાયા પ્રવેશ કરતી આગંતુકા
આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
પવનની પાંખોમાં બેસીને એ ફૂલોમાં છૂપાઇ- સંકોચાઇ- ટૂંટિયુવાળીને સુગંધ લઇને શું કરતી હશે ? પતંગિયાની પાંખોમાં બેસી વાતાવરણમાં શા કારણે વલયો રચતી હશે?
સ્વાદિષ્ટ વસાણાં ખાઇને તેજસ્વી થતી આંખો પેલી શીતકન્યાને ધ્યાનપૂર્વક નિહાળે છે. તીખા મૂળા જેવા તડકાના શોખીનો એ શીતકન્યાને પરિચય કરવા ટોળે વળે છે....
વનસ્પતિના ચહેરા ઉપર પ્રસન્નતાનો માહોલ છે. પ્રત્યેક સજીવની અને નિર્જીવની ત્વચાને દ્વાર આવીને એ પ્રવેશોત્સુકા થઇને ઊભી છે. એની ગતિ અમાપ છે. એના આગમનની ખબર પ્રત્યેક પગલે ઢોળાય છે સુગંધની જેમ. એ આવે છે ક્ષિતિજને પહેલે પારથી અને આવીને કેડી, વૃક્ષ, તેલ, તૃણ, પ્રાંગણ, ઘર, મોભ બધે જ આત્મીય સ્પર્શ દ્વારા વીંટળાઇ વળે છે. એના આગમનની સુવાસ વાતાવરણને તરબતર કરે છે.
મૂક વાજિંત્ર વાગી રહ્યું છે જાણે ! એની આંખોમાં અચમ્બો છે ને કાકીની ભીતર લજ્જા છે, એની હથેળીમાં ભેજયુક્ત ઉષ્મા છે. એ ભેજના દ્રાવણમાં દ્રવતીદ્રવતી પવનની લ્હેરખી સાથે વીંટળાતી આવી રહી છે. એ નર્તકી નથી પણ છે. એ મુગ્ધા નથી પણ છે. એનો સ્પર્શ શીળો લાગે છે એને આલિંગન આપતાં જ આવડે છે. એનું સ્વાગત ન કરીએ ત્હોય એ તો પોતીકા - સ્વજનની જેમ આવે જ.... એ આત્મીયતા જ એની ઓળખ. આપણે એના સ્વાગતનો મહિમા ભલે ન કરીએ, આપણે ભલે સત્કાર સમારંભ ન યોજીએ પણ એ આગંતુકા આપણી બની જ જાય છે. બોલો કોણ હશે એ સુંદરી ?
એ સુંદરીનો કેવળ આપણે સાક્ષાત્કાર જ કરી શકીએ. વ્હેલી સવારે ધરતી સાથે આલિંગાઇને પડી હોય છે. એ - વિવસ્ત્રા. પુષ્પો-પર્ણો એને પોંખે છે - પશુ, પ્રાણી, પંખી એના આગમનથી ચલિત થતાં નથી એનું ગૌરવ કરે છે. વ્હેલી સવારે ખેતરોમાં એનું આધિપત્ય સમ્રાટ જેવું. એ પવનકુમારથી વિખૂટી નથી પડતી એટલે હું એને પવનક્રિયા કહું છું. ક્યાંક કોઇ બંધિયાર જગ્યામાં એ પ્રૌઢા લાગે.
ખુલ્લી જગ્યામાં યૌવના અને કોઇ વ્હેલી સવારે મુગ્ધા-તરુણી !! આપણે એક ધ્યાનથી નિહાળીએ તો પ્રાકૃતિક પરિવેશ એનાં વધામણાં કરતો જણાય. વનસ્પતિ તોરણ થઇ જાય અને સૂર્ય પણ નરમ બની જાય. આકાશ ભાત પડે. તકડાની હાજરીથી એ લજામણીની જેમ શરમ અનુભવે છે. નિશા એને પ્રિય છે. એ સમયે એના અસ્તિત્વનો પૂર્ણ પરિચય પામી શકાય છે. એને અંધારુ પ્રિય છે. એની આંખોમાં, એના ચહેરા ઉપર એની કાયા ઉપર અંધારું લીંપાઇ જાય ત્યારે એ વધારે સ્વરૂપવાન લાગે છે.
એના એ અપ્રતિમ સૌંદર્યને નિરખવા લોકો તાપણાં નહિ કરતાં હોય ? તાપણાં દ્વારા, તાપણાંની ઊંચી થઇને નિરખતી જ્વાળાઓ દ્વારા એના સ્વરૂપને નિહાળવા કેવા પ્રયત્નો થાય છે તે આપણે ક્યાં નથી જાણતા ? તાપણાના અજવાળે એનું તેજ તો ઓછું ન જ થાય પણ એ રૂપલલનાને સંકોચ અવશ્ય થતો હશે એટલે જ તો એવાં તાપણાંની આસપાસ એ ઓછી ફરકે છે. એ સૂરજના સામ્રાજ્યથી ગભરાટ અનુભવે છે અથવા સૂરજને એટલો બધો ચાહે છે કે એની હાજરીમાં જ એ શરમની પૂતળી બની જાય છે.
દૂર-દૂરથી આવતી હિમાલયી વાયુની લહેરોને આપણે દોષ દઇએ છીએ. ભલા એ લહેરોમાં લપેટાયેલી પેલી શીતકન્યાનો ક્યાં દોષ કાઢીએ છીએ ? પવન અને શીતકન્યા પ્રણયની એક કવિતા થઇને એને તો ફરવાનું જ ગમે છે. એના આ અભિસારને શું કહીશું ? કઇ લિપિમાં એણે પોતાનો સંદેશો નદીને, ઝરણાંને, દરિયાને મોજાંને મોકલાવ્યો ? નદીની રેતમાં એણે કેવી પથારી પાથરી છે કે એની સાથે આળોટવાનું સૌને ગમે.... જે સવારે આકરો, ધખધખતો લાગતો હતો એ પર્વત પણ કેવો યુવાન થઇને કન્યાના અંગાંગને પંપાળે છે હેતપૂર્વક !! ધાબળા, સ્વેટર, મફલર, શાલ શા માટે ? મૂળ તો પેલી કન્યાને લપેટવા... એ સૌંદર્ય સરકી ન જાય, ચસકી ન જાય એના જ પ્રયત્નો... એ રણ, જંગલ, ગામ અને નગર સર્વતંત્ર વિહાર કરે.. તમે એને ગમે ત્યાં મળી શકો.
એ કન્યાને યૌવન ડિસેમ્બરમાં બેસે છે ખેતરમાં - વનમાં જંગલમાં એનો માંડવો રોપાય છે... સૂરજ એના અંતરના આશિષ પાઠવે છે. ધરતી એનાં અરમાન પુરાં થવાની શુભેચ્છા પાઠવે છે. પ્રકૃતિ એની કામના કરે છે... સમગ્ર સૃષ્ટિ સાથે એ રંગેચંગે પવનની વેલ્યમાં બેસી જાય છે. પવનના હાથમાં એની કિસ્તી છે. પવન અને એ બંને એકરૂપ બની જાય છે. એ બંને પ્રેમી પંખીડાંની ભાષા આજ સુધી ક્યાં કોઇ ઉકેલી શક્યું છે ?
સ્વાદિષ્ટ વસાણાં ખાઇને તેજસ્વી થતી આંખો પેલી શીતકન્યાને ધ્યાનપૂર્વક નિહાળે છે. તીખા મૂળા જેવા તડકાના શોખીનો એ શીતકન્યાને પરિચય કરવા ટોળે વળે છે.... ચાની ચુસકી સાથે મૂળાના સ્વાદ ભેળો શીતકન્યાનો સ્વાદ ભેળવે છે. સવારના કૂણા તડકાની કુમાશ એ શીતકન્યાએ ચોરી લીધી છે કે શું ? બપોરનો તડકો પણ એને કઠતો નથી. એ કન્યાના કામણ આગળ બધું જ ઠરી ગયું છે જાણે !! મધુમાલતી પણ પરિસ્થિતિ પામી ગઇ છે, મોગરો પણ ઉઘડયો છે. શીતકન્યાના આવકાર માટે અણુએ અણુ સજ્જ થઇ ગયો છે.
આમ્રવૃક્ષ નીચે વસંતની પગલીઓ પડે તે પ્હેલાં આ શીતકન્યાઓ આમ્રવૃક્ષની કાયા ઉપર જે કામણ છે એનું વર્ણન શી રીતે થાય ? શીતળતાની ભાષાની અસ્પષ્ટ વાણી સંભળાવા લાગી છે. ખેતરમાં ઘઉંનો મોલ ધરતી બહાર નીકળી કોને આવકારવા હિલ્લોળાઇ રહ્યો છે ? મને લાગે છે કે શીતકન્યાને પ્રાપ્ત કરવા માટે લગન પડો લઇને તો એ ખેતરો બેઠાં નથી ને ? એ બંનેનો લગ્નોત્સવ કેવો હશે ? આપણને જાનૈયા તરીકેનો લ્હાવો મળશે ખરો ? રાઇ, રાજગરો લગ્ન મ્હાલવા આતુર થઇને રાતી પીળી પાઘડી પ્હેરીને નીકળી પડયા છે.
ભાઈ પવન, તું તો કંઇ કહે, તને તો બધાના સંવાદ - વિવાદ સાંભળવા - સમજવાની આદત છે. તું તો પેલી શીતકન્યા વિશે થોડી જાણકારી આપ, સંકોચશીલ, ભીરુકન્યા જેવી એ સુકોમળ શીતકન્યા તારી સાથે હોવા છતાં કોની પ્રતીક્ષામાં છે ? આસોમાં જેના ગણેશ મંડાય છે અને કારતકમાં જેનાં ગાણાં ગવાય છે તે લજ્જાળુ દુરિતા કાશ્મીરી શાલ ઓઢીને સર્વત્ર શું પોતાનું શ્વસુર શોધે છે કે શું ?
આવી રહી છે ધીમે પગલે. આપણી કાયાને આશ્લેષી રહી છે.
રણ, નદીની સપાટી, જંગલનાં વૃક્ષો, સાગર-સાગર, કિનારા, આકાશ, તારા, નિહારિકાઓ સૌ એ શીતળકન્યાના મૌનનો ભેદ ઉકેલવા મથી રહ્યાં છે. આકાશમાં ઊડતાં પંખીઓ, આંગણે બેઠેલાં પશુઓ નદી સરોવરનાં જળ ઠરીને એનું રૂપક પામવા મથે છે અને આખો દિવસ એની પ્રતીક્ષાથી હારી થાકી સવારે તાજામાજા થઇ કેટલાક યુવાનો દોડતા-ચાલતા એના સ્વરૂપની જ શોધ કરતા હોય છે. ચેતન-અચેતન સમગ્ર સૃષ્ટિ પેલી ચુપચાપ ઊભેલી શીતકન્યા તરફ આકર્ષાઇ છે ને એ કન્યા એકધારી જોઇ રહી છે...કોને ? મને ? તમને ? સમગ્ર સૃષ્ટિને ? એ પેલો એનો પ્રેમી પવન જ જાણે...
પવનની પાંખોમાં બેસીને એ ફૂલોમાં છૂપાઇ- સંકોચાઇ- ટૂંટિયુવાળીને સુગંધ લઇને શું કરતી હશે ? પતંગિયાની પાંખોમાં બેસી વાતાવરણમાં શા કારણે વલયો રચતી હશે ? ભ્રમરની ગુંજમાં ભરાઇને કઇ ઊર્મિઓ ઢોળતી હશે ? બાળકની આંખોમાં પ્રવેશી એ શું શોધતી હશે ? અફાટ સાગરની છાતીમાં ટેરવાં ફેરવી એને શું મેળવવું છે ? નદી સાથે જોડાઇ જઇ એને કોને મળવું છે ? વૃક્ષની ડાળેડાળે પર્ણે-પર્ણે પ્હોંચી જઇ એ કંઇ વ્હેંચે છે કે શું ? એ અણુએ અણુમાં કશુંક વેરે છે કે અણુએ અણુને એની બાહોમાં ઘેરે છે ? એ શીતકન્યાના માંહ્યાલાને કોઇ પામી શક્યું નથી - એ સૌને છડે ચોક આલિંગવા નીકળશે ત્યારે સૌ જનો ગભરાઇને કોશેટામાં ભરાઇ જશે. કેવી નિયતિ ?