જીવનની સૌથી મોટી કળા, સૌથી મોટી સાધના કઈ?
સ્પાર્ક - વત્સલ વસાણી
અહીં કશું જ સ્થિર નથી. પ્રતિપળ બધું બદલાયા કરે છે. આમાંથી કશાયને પકડયા વિના જીવવું એ સૌથી મોટી કળા, સૌથી મોટી સાધના છે
પાનખર પછી વસંત.
દુ:ખ પછી સુખ.
ઉદાસીની ક્ષણોની પાછળ પાછળ ઉત્સવથી ભર્યો માહોલ.
જીવનની આ જ એક મઝા છે. અહીં કશું જ સ્થિર નથી. પ્રતિપળ બધું બદલાયા કરે છે. આમાંથી કશાયને પકડયા વિના જીવવું એ સૌથી મોટી કળા, સૌથી મોટી સાધના છે.
પાનખર છે તો આવે છે. અસ્તિત્વનો એ ક્રમ છે. એનો ઈન્કાર કરનાર ખત્તા ખાય છે તો એને પકડીને રડનારા પણ કશુંક ગુમાવે છે. એમના શરીર પર ઉત્સવની એક આછેરી રેખા પણ જોવા નથી મળતી. પણ વસંત આવે ત્યારે એ પાનખરને પકડીને રડતાં નથી. અસ્તિત્વની લીલામાં એ નિર્વિરોધ ભળી જાય છે. અને એટલે જ સાવ સૂકા વૃક્ષ પર લીલા, તાજા, મુલાયમ પર્ણોની ઓઢણી જોવા મળે છે. દિવસો પહેલાં જે કરંજનું વૃક્ષ સૂકું, નિસ્તેજ, રડમસ લાગતું હતું તે વસંતનું છડીદાર બનીને કુમળાં, પારદર્શી, સ્વર્ણિમ છતાં લીલાં પર્ણોથી ભરાઈ જાય છે. સવારનો કુમળો
પ્રકાશ કરંજના વૃક્ષ પર પડે ત્યારે આખું અસ્તિત્વ એ કુમળી તાજગી પર ન્યોછાવર થઈને નાચે છે. પીપળાને અધ્યાત્મવાળા 'બોધિવૃક્ષ' કહે છે. બુધ્ધ જેવા મહામનિષીને એ વૃક્ષની નીચે પરમ જ્ઞાાન મળેલું. વસંતમાં આ વૃક્ષ પર ગુલાબી ઝાંયવાળા કુમળાં પર્ણ આવે ત્યારે એ સાચે જ બોધિવૃક્ષ લાગે. આવા સુંદર વૃક્ષની નીચે બુદ્ધને પણ બેસવું પડે. કુદરતે એનામાં એટલો વૈભવ અને એટલી કશીશ મૂકી છે કે બુદ્ધ ખેંચાઈને એ વૃક્ષની નજીક જાય.
વસંતમાં આસોપાલવના વૃક્ષને જોયું છે? ફૂલ હોય તો જ વૃક્ષ સુંદર દેખાય એવું જરૂરી નથી. માત્ર કુમળાં પર્ણોના કારણે પણ આસોપાલવ માનવામાં ન આવે એટલું મનોરસ લાગે છે. શિરીષના તંતુમય, કોમળ, સુંદર અને સુવાસિત ફૂલ વસંતને વૈભવી ઋતુનું બિરુદ આપે છે.
સૂકાં, નિષ્પર્ણ વૃક્ષો પર તાજી, સુકોમળ કુંપળો ફૂટી શકતી હોય તો માણસ પર શા માટે નહીં? કોઈ કારણે, ક્યારેક ભલે પાનખર આવી પણ કાયમ એમાં જ જીવવાની જરૂર નથી. આખું અસ્તિત્વ ફૂલોની ચાદર ઓઢીને વસંતના સ્વાગત માટે તૈયાર હોય તો માણસે પાછળ શા માટે રહેવું? એક એક ફૂલછોડ ઉત્સવની કંકોત્રી લઈને દૂતની જેમ ઊભાં હોય તો માણસ એ મહોત્સવનો સૂત્રધાર કેમ ન બની શકે?
કાશ્મીરના બગીચાઓમાં અને ઠેર ઠેર વસંતની મહેર ઉતરે ત્યારે કોઈક કવિના દિલમાં કવિતા કોળે એ તો સ્વાભાવિક છે પણ ઠૂંઠા જેવા હૃદયમાં ય પ્રેમની કૂંપળો ફૂટતી જોઈ છે. કાશ્મીરનું સૌંદર્ય જોઈને ક્યારેક કોઈ કવિ ક્ષણ બે ક્ષણ માટે ઋષિ બની જાય તો નવાઈ નહીં. હિમાલય અને કેદારનાથની જાત્રા કરતાં કરતાં જાહનવી અને અલકનંદાના ખળખળ વહેતા જળ અને ઝરણાઓના કલકલ નાદને સાંભળી કોઈની અંતર્વીણા પર સ્વયંની શોધનું સંગીત વાગી ઊઠે તો એમાં કશી અતિશયોક્તિ નથી.
ક્રાન્તિ બીજ
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
- ઝવેરચંદ મેઘાણી