ઉત્તુંગ તુંગનાથ શિખર
રસવલ્લરી - સુધા ભટ્ટ
હિમાલયે શોભંત ચમકંત મુકુટ ધવલ શીતકાલે શિખરે દીસે વાદળ સુજલ
હિંમના આલયમાં બિરાજતા દેવોના ખોળે ઉનાળા દરમ્યાન દેશ-વિદેશથી ભાવકો અને કલારસિકો આવી પહોંચે છે. સાક્ષાત્ ઇશની પ્રાપ્તિ જેવો આનંદ અને તેથીય વધુ સંતોષ મેળવીને સ્વગૃહે પરત ફરે છે. એ ઋતુ દરમ્યાન ખળખળ વહેતાં ઝરણાંનાં કલનાદ અને ઉછળતી કૂદતી પર્વતીય નદીઓમાં સ્નાનનો આસ્વાદ મેળવી સહૃદયો કુદરત માટે કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. ધસમસતા, ગર્જતા ધોધવારિની શિકરોમાં ભીંજાવાનો લ્હાવો પણ મળે છે.
પરંતુ શિયાળો ખાવા પર્વતોમાં જવું હોય, બરફવર્ષાનો નઝારો જોઈ સદેહે એનો આનંદ મેળવવો હોય, શુભ્ર ગણવેશ ધારણ કરેલાં હિમશિખરો જોવાં હોય, સામે ચાલીને કડકડતી ઠંડીનો અનુભવ કરવો હોય તો પર્વતોને શરણે શિયાળો જ ભલો. કદીક થીજેલા ધોધ અને થંભી ગયેલી નદી પણ 'ન ભૂતો ન ભવિષ્યતિ' લાગે. અરે ! પર્વતશિખર ઉપર જામેલો બરફ આખા પર્વતદેહ ઉપર લોપડચોપડ થઇ જાય ત્યારે ચારે કોર માત્ર અને માત્ર બરફનું સામ્રાજ્ય અનુભવાય.
લીલોતરી ગુમ થઇ કવચિત પર્વત પર કાળી કે ભૂખરી રેખા દેખાય અને લપસણા એ પહાડો ઉપર સ્કિઇંગની રમતો યોજાય ત્યારે પર્વતની એ કાયાપલટ અત્યંત રમણીય લાગે. દોડતાં ઝરણાં વળી પાછું વળીને જુએ કે 'અરે ! આ શું થઇ ગયું ? આ મારા પગ કેમ અટકી પડયા ?' ત્યારે જાણવું કે માનવીની જોડે ભગવાન પણ કપાટ બંધ કરી ધરતીને અંક પહોંચી ગયા હશે.
વિશ્વનું ઊંચામાં ઊંચું શિવાલય શ્રી તુંગેશ્વરો વિજયતે
પ્રાચીન તુંગનાથ મંદિર ૩.૫ કિ.મી. એટલે કે ૩૫૦૦ ફિટની ઊંચાઈ પર આવેલું છે. રૂદ્ર પ્રયાગ જિલ્લામાં તુંગનાથ પર્વતશ્રેણીમાં સ્થિત આ મંદિરે પહોંચવા માટે થોડી સીડીઓ, તો થોડા ઢાળ ચડી જવા પડે. પ્રમાણમાં સરળ ચઢાણ હોવા છતાં ત્રણથી ચાર કલાકે મંદિરની ધજાનાં દૂરથી દર્શન થાય. પાંડવોની દંતકથા સાથે એ જોડાયેલું છે.
વ્યાસ મુનિની સલાહ અનુસાર અર્જુને આ કેદાર બનાવ્યાનું કહેવાય છે. મુખ્ય કેદારથી નીકળતી મંદાકિની અને બદરીનાથથી નીકળતી અલકનંદા નદીઓની અહીં ખીણ છે. ત્રણ ઝરણાં ભેગાં થઇ અક્ષ કામિની નદી આ જ શિખરથી વહે છે. તુંગનાથથી ઊંચું બે કિ.મી. છેટે ચન્દ્રશીલા શિખર છે જ્યાંથી પર્વતીય પ્રદેશ અને ખીણનો અલભ્ય નઝારો જોવા મળે. તુંગનાથ મૂળ મંદિરના પ્રવેશદ્વારે જ સિંહશીર્ષ જોવા મળે. અહીં રાવણે તપ કરી પોતાનો શિરચ્છેદ કરેલો અને તાંડવનૃત્ય કરેલું. આ સ્થળ રામને પણ પસંદ હતું.
ચન્દ્રસીલા પર કેટલોક વખત એકાંતવાસ સેવી તેમણે ધ્યાન ધર્યાની લોકવાયકા છે. આ રાજશિખર સુધી ચોપતાથી બારેમાસ ટ્રેકિંગ કરી શકાય છે. ટ્રેકિંગ કરતી વખતે ઋતુ અનુસાર કુદરતી સૌંદર્ય મનહર એ મનભર સ્વરૂપે મા'ણી શકાય છે. પર્વત પર દરેક વળાંકે વાદળ તમારી ખબર પૂછવા આવી તમને ભેટી પડે. અહીંથી નંદાદેવી, પંચકુલી, બંદરપૂંછ, કેદારનાથ, ચૌખંબા અને નીલકંઠ પર્વત શિખર દેખાય તો બીજી બાજુ ગઢવાલની ખીણ આંખને ઠારે. ચારે કોર આલ્પાઇન વૃક્ષો અને રહોડેડેન્ડ્રોનનાં વૃક્ષો અને લીલાંછમ ખેતરો તમને બોલાવે.
ઉત્તુંગ શિખરને કારણે સાર્થક છે નામ તુંગનાથ
ઉખીમઠથી શ્રી બદરીનાથ મોટર માર્ગ પર ચોપતાથી ત્રણ કિ.મી. દૂર સમુદ્ર તળથી ૧૨,૩૦૦ ફિટની ઊંચાઈ પર તૃતીય કેદારશ્રી તુંગનાથજી બિરાજમાન છે. હજારો વર્ષ પુરાણું આ મંદિર મહાભારત પહેલાંનું હોય તેવું અનુમાન છે. હરિદ્વારથી ચોપતા (બેઝ) ૧૮૮ કિ.મી. દૂર છે જે સમુદ્રતળથી ૮,૦૦૦ ફિટની ઊંચાઈ પર છે. પંચ કેદારમાં પ્રથમ છે મુખ્ય કેદારનાથ જ્યાં મહિષી (ભેંસ)ની પીઠ છે. દ્વિતીય મધ્યમહેશ્વર કેદારમાં તેના પેટ અને નાભિ છે. તૃતીય કેદાર તુંગનાથમાં બાહુ છે.
ચતુર્થ કેદાર રૂદ્રનાથ ગોપેશ્વરમાં છે જ્યાં તેમનાં રૂદ્ર એટલે કે ચક્ષુ છે. પંચમ્ કેદાર કલ્પેશ્વર છે જ્યાં કલ્પ અર્થાત્ જટાનું મહાત્મ્ય છે. આ સર્વે મંદિરોની રચનામાં ગજબનું સામ્ય છે. તે દરેક પ્રાચીન મંદિર છે જેનું સ્થાપત્ય મઠની બાંધણી જેવું છે. વળી, પાંચેયકેદાર મંદિરનાં કપાટ બંધ થયા પછી તેમની પાલખી જ્યાં શિયાળો ગાળવા જાય છે તે મંદિરોની રચના પર પણ ઉત્તરાખંડના ખાસ નોંધાયેલાં મંદિરોનાં સ્થાપત્યની આભા છે; જે એની ઓળખ બની રહે છે.
મંદિર સ્વયમ્ શિખર જેવો આકાર ધરાવે. તેના શિખરે ચારે કોર ચાર છ થાંભલા, ઉપર કમાન અને તેની ઉપર ઝાલર જોવા મળે. અસ્સલ ચોરસ ઝરૂખો જ લાગે. તેની ઉપર પાંચ કુંભ કળશ શોભે. મંદિર આછા રંગનું કે ભૂખરું ભલે હોય - ઝરૂખો આખોય સફેદ, ભૂરો, લાલ આદિ રંગછટાથી નોખો લાગે. ટૂંકમાં, કત્યુરિ શૈલીનાં આ મંદિરો આદિ શંકરાચાર્ય અહીં આવ્યા એ પહેલાંનાં છે એમ કહેવાય છે.
તૃતીય કેદાર તુંગનાથનું શીતકાલિન ગાદીસ્થળ મક્કુમઠ
તુંગનાથ મંદિરની રચના સરળ છે. પથ્થરના ભૂખરા ભવ્ય સ્થાપત્યની આગળ એક નાનું સાદું શિખર છે. બન્ને પર પથ્થરના લંબચોરસ ટૂકડાઓ અને ઉપર અલબત્ત, અહીંનો 'સિગ્નેચર' ઝરૂખો. ઝરૂખાને ધ્યાનથી જોઈએ તો અંદર પથ્થરનું વિશાળ કમળ પ્રગટતું લાગે. મહાદેવનું આ ઉત્તુંગ મંદિર સાદું, નાનું છતાં ભવ્ય ભાસે. નવી દીવાલ રંગેલી છે તો મંદિર ફરતે નાના-મોટા પથ્થર દેરીરૂપે ગોઠવાયેલા છે. મંદિરની પછીતે ભૂતનાથ અને ભૈરવનાથનાં મંદિરો બરફાચ્છાદિત શિખરો અને તડકાછાયાની રમતો નિહાળે છે.
વાદળની આંગળીએ હિમના ખંડને મળવાનું એટલું તો ગમે ! અરે ! આ મંદિરનાં કપાટ પણ શિયાળે બંધ-મંદિર સૂનું પણ મુલાકાતીઓ ઝાઝા. આ પ્રભુ મક્કુમઠ સિધાવ્યા હોય જ્યાં બસો દસ ઘરની વસ્તી છે. મક્કુમઠ ચોપતાથી વીસ કિ.મી. છેટે છે. ગામનું નામ મર્કટેશ્વર. આ મંદિરે તુંગનાથની પાલખી શીતકાળે આરામ ફરમાવે.
પ્રાચીન મઠ શૈલી-માથે ઝરૂખો - બધું જ અન્ય મંદિરો જેવું જ. પ્રાંગણે બે નંદી અને શિખરે ધોળી ધજા. બારસાખ થાંભલી પર ચટાપટા, આ વિસ્તારમાં 'સારીવિલેજ' પણ દર્શનીય ગામ છે. નજીક દુગલબિટ્ટામાં જંગલનો લાભ મળે. અરે હા, ઉત્તરાખંડનું રાજ્યપક્ષી 'મોનાલ' જરૂર જોવા મળે. જે મોર જેવું જ લાગે છે. આ ગામ લીલાંછમ પર્વતોથી દેવદારનાં વૃક્ષોથી સમૃધ્ધ - પશુપંખીના વૈભવથી ભરપૂર છે. જય તુંગનાથ !
લસરકો: 'જેણે ચોપતા નથી જોયું એનું જીવન વ્યર્થ છે' - ઉત્તરાખંડીય ઉક્તિ