Get The App

પોતાની સાથે ગઠબંધનથી જોડાનાર નવી વ્યક્તિના એજન્ડા બાબતે મુખ્ય નેતાએ કઇ બાબતો જાણવી જરૂરી છે ?

એક જ દે ચિનગારી - શશિન્

Updated: Dec 21st, 2019

GS TEAM

Google News
Google News
પોતાની સાથે ગઠબંધનથી જોડાનાર નવી વ્યક્તિના એજન્ડા બાબતે મુખ્ય નેતાએ કઇ બાબતો જાણવી જરૂરી છે ? 1 - image


આજનું નેતૃત્વ ઉતાવળે આંબા જ નહીં પણ કેળ, બોરડી કે જામફળી પણ પકવી લેવા બેચેન છે ત્યારે જનતાએ 'મતદાતા' નહીં પણ 'મત વિવેકી' બનવાની જરૂર છે

નેતા હોય કે ધર્મોપદેશક, એનામાં જનમાનસ પરખવાની આવડત હોવી જોઇએ. જે નેતા એમ માને કે મારી નેતૃત્વ શક્તિથી હું લોકોને આંજી શકું છું, વશ કરી શકું છું, તો તે તેનો ભ્રમ છે. લોકોનો નેતૃત્વ સાથે અપેક્ષાઓનો સંબંધ છે. તેઓ નેતાને પોતાની અપેક્ષાઓ સંતોષવાના સાધન તરીકે જુએ છે. એટલે પોતાનો વ્યક્તિગત પ્રભાવ, વાક્ કૌશલ્ય કે ઉદાત્ત ચારિત્ર્ય લોકોને જીતવાનું અમોધ શસ્ત્ર છે, એમ માની ચાલનાર નેતા સફળ થતો નથી. મહાત્મા ગાંધીજી જન મનોવિજ્ઞાાનના જબર્જસ્ત પારખી હતા.

દરેક વાતમાં પોતાની જાતને નહીં, પણ લોકોની અપેક્ષાઓને મહત્વ આપી જન ભાવનાને સમર્પિત રહેવાનું પૂરું ધ્યાન આપતા. લોકો ગણતરીબાજ હોય છે. તેઓ કોઇ પણ નેતા સમક્ષ પોતાનું દિમાગ સ્વાર્થ વગર ગીરો મૂકવા માટે તૈયાર હોતા નથી. જો તમે લોકોને મનોવાંછિત વસ્તુ નહીં આપી શકો તો તેઓ આપનાથી દૂર ખસવાની કોશિશ કરશે. લોક શિસ્ત ખાતર કોઇ ધર્મોપદેશકની વાતો 'પાપ લાગવાના' ડરે સાંભળી લેશે, પણ તેમના મન-હૃદય પર તેની કશી અસર થશે નહીં. એટલે તો અનેક ધર્મોપદશેક થયા છતાં જનજીવનમાં, લોકોના દૈનિક વ્યવહારમાં કશો સુધારો થયો નથી.

લોકો પર અધિકાર મેળવવા માટે તેમને પ્રશંસા દ્વારા ઉપર ચઢાવી પછી ધીરે-ધીરે નીચે લાવવાની કોશિશ કરવાની હોય છે. લોકમાનસમાં મોટેભાગે પ્રેમ, નફરત, ઇર્ષ્યા અને સ્વાર્થનાં પરિબળો કામ કરતાં હોય છે. એટલે નેતાએ લોકોની વાત સાંભળવા તત્પર રહેવું જરૂરી છે. એ માટે એમનો પ્રેમ જીતવો અનિવાર્ય છે. એ પ્રેમ જીતવામાં જે નેતા નિષ્ફળ નીવડે છે એ લોકોની નફરત કે ઇર્ષ્યાનો ભોગ બને છે.

ગૃહ સંચાલનમાં વડીલનું આગવું મહત્વ હોય છે. પહેલાંના જમાનામાં ઘરમાં દાદા-દાદીનું સન્માનપૂર્વકનું સ્થાન હતું... તેઓ પૌત્ર-પૌત્રીઓની વાત પ્રેમથી સાંભળતા એટલે પૌત્ર-પૌત્રીઓ પણ દિલખોલીની તેમની વાતો સાંભળતા. તેઓ અધીનસ્થાને રોકવા કે ટોકવાનો અધિકાર ભોગવવાને બદલે તેમને પોતાની મુંઝવણ વ્યક્ત કરવાનો પૂરો અવકાશ આપતા. આજે 'મા-બાપ' ઉર્ફે 'મમ્મી-પપ્પાઓ' નાનેરાંઓને પોતાની જીભનો 'લાભ' આપે છે, પણ 'કાન'નો લાભ આપતાં નથી.

જીભને હૈયાના ભાવો ઠાલવવા કરતાં હોઠના ભાવોની વાહિકા થવાની ઉતાવળ હોય છે માટે એ હૈયું પોતાની વાત કરે એની પ્રતીક્ષા કરતી નથી ! આજના જગતની એ વિચિત્રતા છે કે બોલકી જીભ જીતી જાય છે અને ભાવનાભીનું હૈયું હારી જાય છે. રાજકારણમાં પણ નેતા એવા લોકોથી અને પક્ષના સભ્યોથી ઘેરાએલો રહે છે, જેમને મન નેતૃત્વ એક સાધ્ય નથી, પણ સાધન છે. એટલે પક્ષભક્તિ કરતાં, તેવા અનુયાયીઓ 'સ્વાર્થ ભક્તિ'માં રચ્યા-પચ્યા રહે છે.

જો તેમને પોતાની ઇચ્છા મુજબનું માન, સ્થાન અને પદ ન મળે તો તેઓ મિત્ર રહેવાને બદલે શત્રુ બની જાય છે અને પક્ષપલટો કરી બેસે છે. એટલે નેતાનું જિદ્દી પણું જ તેના પતનનું કારણ બને છે. મોટા ભાગના મતદાતાઓ દિલથી નહીં પણ બુદ્ધિથી કે કોઇના દોરવાયાથી મતદાન કરતા હોય છે. એટલે જે નેતા જનતાના દિમાગ પર શાસન કરે, તેને જીત મળે છે. દુનિયાને બદલનારા નેતાઓ એટલા માટે જ સફળ થઈ શક્યા કે તેઓ જનતાની નાડ પારખી શક્યા છે.

નેતૃત્વની સફળતા માટે લોકોની ભાવનાત્મકતાને થાબડવી અને તેમની કમજોરીઓને પીછાણવી એ બે મહત્વનાં પરિબળોમાં નિપુણ થવાની કળા આવશ્યક છે. 'તક'ને તકદીર બનાવતાં શીખવું એ પણ કળા છે. સમયે આપેલી પીડા પણ ક્યારેક સહિષ્ણુ બની વેઠી લેવી એમાં પણ શાણપણ છે. 'જીવનચિંતન'માં એલિઝા બેથ બ્રાઇનિંગે 'છીપલી'ની રસપ્રદ કહાણી દ્વારા આત્મઘડતરમાં ઉચિત પ્રતીક્ષા અને સહિષ્ણુતાનું મહત્વ સુપેરે અંકિત કર્યું છે : 'કહાણી કહું છું તમને એક છીપલી જેવી માછલીની, જેને થયું કે એની અંદર રેતીનું એક કણ ભરાઈ ગયું છે. હતું તો ઝીંણુક કણ, પણ ભારે પીડા પહોંચાડતું હતું. છીપલાંને પણ સુખ-દુ:ખ હોય છે, ભલે ને એ બહારથી નિર્જીવ લાગે.

તો શું એ છીપલી નશીબને દોષ દેવા બેઠી, જેને વાંકે એને આવી પીડા વેઠવાનું આવ્યું ? કે પછી સરકારની કરી નિંદા અથવા ચૂંટણીની માગણી કે નારો પોકાર્યો કે સાગરને સંરક્ષણ મળવું જોઇએ ?

'નહીં, પોતાની જાતને કહી, એ એક ખડક પર સુતી : વિચાર્યું : 'રજકણ નહીં હટાવી શકું તો એને પલટાવીને જ જંપીશ.'

વર્ષોના વહાણાં વીતી ગયાં. કાળે કાળનું કામ કર્યું અને હવે એ અંતિમ ભાવિના આરે આવીને ઉભી. અગ્નિપરીક્ષા જ સમજી લો !

પેલું રેતીનું નાનકડું રજકણ, જેણે પીડાજ પહોંચાડી હતી, તે હવે સુંદર મોતી બનીને ઝળહળ ઝળહળ ચમકતું હતું.

કહાણીમાં કશોક સંદેશ છે : એક નાનકડી છીપલી રેતીના કણમાંથી શું નીપજાવે છે, તે ભવ્યાતિભવ્ય નથી ?

બસ, જો હું માત્ર આરંભ કરું, તો મારી ત્વચા હેઠળ ખૂંચતી તમામ ચીજોનું, ન કરી શકું હું મોતી સમું રૂપાંતર ?'

આજનું નેતૃત્વ ઉતાવળે આંબા જ નહીં પણ કેળ, બોરડી કે જામફળી પણ પકવી લેવા બેચેન છે. ત્યારે જનતાએ 'મતદાતા' નહીં, પણ 'મત વિવેકી' બનવાની જરૂર છે. કુપાત્રને કે તક સાધુને મન 'મતદાન' એ એ 'દાન' નથી, પણ લોકશાહીના નાગરિક તરીકેનું મહાપાપ છે. તમને વશ કરે એવા નેતાને નહીં, તમારા કર્તવ્યયજ્ઞાને વશ થાય, એવો નેતા ચૂંટવો એ પણ ધર્મકાર્ય છે.

સત્તા જ્યારે લંકાની 'સુવર્ણનગરી' બને ત્યારે રાવણ બનતા જતા સત્તાભૂખ્યા નેતાઓની શાન ઠેકાણે લાવવા દુષ્ટતાને ભસ્મીભૂત કરનાર હનુમાનવૃત્તિ અને શક્તિ પ્રજાએ ધારણ કરવાની જરૂર છે. દેશને 'સ-ફળ' નહીં, પણ સચ્ચારિત્ર્યશીલ નેતૃત્વની જરૂર છે. લોકજીવન જ નેતૃત્વ ઘડતરની 'વર્કશોપ' બનવું જોઈએ.

હીલ એન્ડ નૉલ્ટન કંપનીના ચીફ એકિઝકયુટીવ રોબર્ટ ડિલેશ્નીડરે એક મહત્વની વાત કરી છે કે 'શક્તિના ત્રિકોણ'થી નેતાને આગળ વધવામાં મદદ મળી શકે છે: તે છે પોતાની વાત બીજા સુધી પહોંચાડવાની આવડત, તમારી ઓળખની પ્રસ્થાપિત અને પ્રભાવ. તમે પ્રભાવશાળી સંપ્રેષણ કરશો તો તમારી ઓળખ બનશે અને અંતે તે તમારા પ્રભાવમાં બદલાઇ જશે.

પોતાની સાથે ગઠબંધનથી જોડાનાર નવી વ્યક્તિના એજન્ડા બાબતે મુખ્ય નેતાએ કઇ બાબતો જાણવી જરૂરી છે ? મેકસવેલના સૂચનોનું સંક્ષિપ્ત રૂપ:

૧. પૃષ્ઠભૂમિ વિષયક પ્રશ્ન : સંગઠન કે કોઇ બીજા સંગઠનમાં જે તે વ્યક્તિનો ઇતિહાસ શો છે ?

૨. સ્વભાવ સાથે સંકળાએલો સવાલ : તે વ્યક્તિનો મૂળભૂત કે ગૌણ પ્રકારનો સ્વભાવ કેવો છે ?

૩. સુરક્ષા વિષયક પ્રશ્નચ : શું તેને લીધે કારણે તે વ્યક્તિનું કામ સંગઠનને પ્રભાવિત કરી રહ્યું છે.

૪. સંબંધ વિષયક પ્રશ્ન : તે વ્યક્તિ નવા સંગઠન સાથે કે બીજા સંગઠનો સાથે કેવી રીતે જોડાએલી છે ?

૫. ઉદ્દેશ વિષયક સવાલ : તે અસલી કારણ કયું છે, જેને કારણે તે વ્યક્તિનું અમુક સંગઠનમાં જોડાવાનો એજન્ડા છે ?

૬. શક્યતા વિષયક પ્રશ્ન : શું તે વ્યક્તિ અથવા મુદ્દા બાબતે નેતાનો સમય અને શક્તિ વાપરવાનું યોગ્ય છે ?

''મેં શોધી કાઢ્યું છે કે લોકોનો વિકાસ વધુ સફળતાથી સધાય છે જ્યારે :

- હું લોકોની વાત સારી રીતે સાંભળું અને એમની સાથે આંખો મેળવીને નેતૃત્વ કરું.

- લોકો સાથે એવો સંબંધ જોડું કે હું તેમની સાથે દિલથી વાત કરી શકું.

- હું એવી સરસ રીતે કામ કરું કે લોકોના હાથમાં સાધના રાખી શકું.

- એવી સરસ રીતે વિચારું કે તેમના દિમાગને પડકાર આપીને તેમને વ્યાપક બનાવી શકું.

Tags :