ભારતના વડાપ્રધાનને 'સ્વીટી' કહેનાર એક પારસી સેનાપતિ
પારસી ઑન સ્ટેમ્પ - હસિત મહેતા
ફૌજી લંબાઇ ચૌડાઇના લિહાજથી બહુ ઊંચી ન કહેવાય, તો ય હેન્ડસમ ગણાય તેવી હાઇટ, લાલ મોઢું, ગરુડની ચાંચ જેવું નાક, ફરફરતી મૂછો, કાળી અને ઊંડી ઉતરેલી આંખો, તંદુરસ્ત અવાજ, શાલીન ચાલ, નિર્ભિક વાણી અને ખાનદાની સાદગી એટલે સેમ માણેકશાં. ૧૯૧૪ની ત્રીજી એપ્રિલે અમૃતસરમાં જન્મેલાં આ પારસી જનરલને ભારતનો દેશપ્રેમી અને પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસ કદી ભૂલી શકવાનો નથી.
આજે ચોતરફ નાગરિક બીલ અને શરણાર્થીઓના પ્રશ્ને દેશ સળગી રહ્યો છે. આજે પાકિસ્તાન પોતાના પૂર્વ આર્મી ચીફ જનરલ પરવેશ મુશર્રફને ફાંસીએ લટકાવવા જઇ રહ્યું છે ત્યારે ભારતના આવા એક જનરલ, નામે ફિલ્ડમાર્શલ માણેકશાંની સિદ્ધિઓ તાજી થયા વગર રહી શકે જ નહીં.કારણ કે ઘુસણખોરો અને શરણાર્થીઓના પ્રશ્ને જ '૭૧નું પાકિસ્તાન યુદ્ધ થયું હતું. જે માણેકશાંએ આપણને જીતાડી બતાવ્યુ ંહતું.
આ પારસી યુવાને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઇંદીરા ગાંધીને રોકડું પરખાવી દીધું હતું કે પોતે રાજીનામુ આપવા તૈયાર છે પરંતુ પૂરતી તૈયારી વગર પાકિસ્તાન સામે યુદ્ધ છેડવા તૈયાર નથી, ત્યારે કડક અને અક્કડ ગણાતાં પી.એમ. ઇન્દીરા પણ તેમના નિર્ણય સામે ઝૂકી ગયા હતા.
ત્યારપછી થોડા મહિનાઓની તૈયારી બાદ જ્યારે જનરલ માણેકશાંએ પોતાના પી.એમ.ની ઇચ્છા મુજબ ૧૯૭૧નું પાકિસ્તાન યુદ્ધ છેડયું, અને પાકિસ્તાન આર્મી ચીફ યાહ્યાખાનને શરણાગતિ કરાવી તથા પૂર્વ પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર 'બાંગ્લાદેશ' તરીકે પ્રસ્થાપિત કરીને દુશ્મનને પાણી-પાણી કરી નાંખ્યું હતું.
ફિલ્ડમાર્શલ માણેકશાંના માતા-પિતા મૂળે તો વલસાડના. ત્યાંથી મુંબઇ ગયા અને મુંબઇથી લાહોર જતી ટ્રેનમાં બેઠા, પણ એ ટ્રેન અમૃતસરથી આગળ ગઇ નહીં, ત્યારે સેમના ડૉકટર પિતા હોરમસજી ફરામજી અને માતા હીરાબાઇએ અમૃતસરમાં જ સ્થાયી થવાનો નિર્ણય કર્યો. તેમણે દિકરાને નૈનિતાલ અને દહેરાદૂન ભણાવ્યો.
એ પછી માણેકશાં અંગ્રેજ સરકારના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયા અને પોતાની ૪૦ વર્ષની નોકરીમાં વિશ્વયુદ્ધથી માંડીને પાંચ-પાંચ યુદ્ધોનો સામનો કર્યો. વર્ષ ૧૯૬૯માં તેઓ ભૂમિ સેનાના વડા બન્યા, અને '૭૨માં પદ્મવિભૂષણથી તથા '૭૩માં ફિલ્ડમાર્શલ સન્માનથી નવાજાયા.
આ એવા આર્મી જનરલ હતા, જેમણે વડાપ્રધાનને 'મેડમ' કહેવાનો ઇન્કાર કરીને આખી જિંદગી 'પ્રાઇમમીનીસ્ટર' તરીકે જ સંબોધવાની હિંમત દાખવી હતી. તેઓ પોતાના હસમુખા અને આખાબોલા સ્વભાવથી જાણીતા હતા. એક વખત વડાપ્રધાન ઇંદીરા ગાંધીને વિદેશ પ્રવાસથી પરત આવતી વખતે અચાનક તેમની હેરસ્ટાઇલના વખાણ કરતાં-કરતાં 'સ્વીટી' સંબોધન પણ કરી શક્યા હતા.
જનરલ માણેકશાં જ્યારે '૭૧નું પાકિસ્તાન યુદ્ધ જીત્યાં ત્યારે કોઇ પત્રકારે તેમને પ્રશ્ન કર્યો કે તમે પાકિસ્તાનની સેનાના જનરલ હોત તો શું કરત? માણેકશાંએ એ ખુલ્લા મિડીયામાં જવાબ વાળી દીધો કે ''તો પાકિસ્તાન જીતી ગયું હોત.'' વિશ્વયુદ્ધ દરમ્યાન માણેકશાંના પેટમાં ૯ ગોળીઓ ઘૂસી ગઇ હતી. ત્યારે તેઓ ગોરખ રેજીમેન્ટમાં હતા.
એક ગોરખા સિપાઇ તેમને ઊંચકીને મીલીટ્રી હોસ્પિટલમાં લઇ ગયા. તેમને મિલિટ્રી ક્રોસ મેડલ પણ આપી દેવામાં આવ્યો, અને હવે ગણત્રીની મિનિટોમાં જનરલના રામ રમી જશે તેવો માહોલ હતો, ત્યારે પણ આ સેનાપતિ અડગ રહ્યાં, ડૉક્ટરને ઓપરેશન કરવાનું જણાવ્યા પછી જ બેભાન થયા.સાજા થઇને પાછા આવ્યા ત્યારે કોઇકે પૂછ્યું કે 'જનરલ શું થયું હતું?' જનરલ બોલ્યાં : 'કુછ નહીં ભાઇ, ગધે ને લાત માર દી થી.'
૧૯૩૭માં તેઓ એક જાહેર કાર્યક્રમ માટે લાહોર ગયા, જ્યાં તેમનો પરિચય પારસી યુવતી સીલ્લો બોડે સાથે થયો હતો, જે બે વર્ષની દોસ્તી પછી લગ્નમાં પરિણમ્યો. ૧૯૭૩માં સેના પ્રમુખના પદેથી નિવૃત થઇને જનરલે શેષ જીવન તામિલનાડુના વેલિંગ્ટન શહેરમાં પૂર્ણ કર્યું, જ્યાં ૯૪ વર્ષની ઉંમરે ફેફસા નબળા પડતાં, ૨૦૦૮ની ૨૭મી જૂને રાત્રે બાર વાગે તેમણે જીવન છોડયું.
ભારતીય ટપાલ ખાતાએ પણ એમના મૃત્યુના વર્ષ ૨૦૦૮માં જ, તેમનું સ્મરણ-સન્માન કરતી પાંચ રૂપિયાની એક સુંદર-મલ્ટીકલર ટપાલટીકીટ બહાર પાડી છે. જેમાં વધતી ઉંમરના માણેકશાં સંપૂર્ણ સેનાપતિના ડ્રેસમાં ખુરશી ઉપર બેઠેલા પોઝમાં છપાયા છે. ૧૬મી ડિસેમ્બરે બહાર પડેલી આ સ્મરણાત્મક ટીકીટની ડિઝાઇન અને પ્રિન્ટીંગ નાસિક સિક્યોરીટી પ્રેસમાં થયું છે, અને તે સમયે ટપાલ વિભાગે જનરલની પાંચ મિલિયન ટીકીટો બહાર પાડી હતી.
પાકિસ્તાન યુદ્ધ પછી જ્યારે ભારતીય સેના બાંગ્લાદેશના જીતાએલા વિસ્તારોમાં ઘૂસી રહી હતી ત્યારે સેનાપતિ માણેકશાંએ પોતાના સૈનિકોને એક મહત્વની સૂચના આપી હતી. તેમણે દરેક સૈનિકને ચેતવ્યા હતા કે આપણે યુદ્ધ જીતેલા છાકટા સૈનિક બનીને ત્યાં જવાનું નથી, લૂંટફાટ કે બળાત્કારો કરવાના નથી, 'વ્હેન યુ સી અ બેગમ, કીપ યોર હેન્ડ ઇન યોર પોકેટ્સ, એન્ડ થીંક ઓફ સેમ'. ગરબડ કરશો તો કોર્ટમાર્શલ કરતાં વાર નહી ંલગાડું. પરિણામે ભારતીય આર્મી પૂર્વ પાકિસ્તાની, યાને બાંગ્લાદેશી લોકોના દિલ જીતીને પાછી આવી હતી. મર્દાના મિજાજ અને મસ્તાના અંદાજવાળા માણેકશાંને તેમના આવા અનેક માનવીય નિર્ણયો માટે એક નહીં, બબ્બે હાથની સેલ્યુટ કરવી જ પડે. સલામ સેમ સલામ.