Get The App

લગ્નના ભોજન સમારંભની બલિહારી, 32 વાનગીઓ, હથેળી જેવડી પ્લેટ!

ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

Updated: Dec 21st, 2019

GS TEAM

Google News
Google News
લગ્નના ભોજન સમારંભની બલિહારી, 32 વાનગીઓ, હથેળી જેવડી પ્લેટ! 1 - image


પ્લેટ પ્રમાણે વાનગીઓ બનાવવાની નવી શીખામણ કોણ આપશે ? કોઇએ આજદિન સુધી એમ નથી કહ્યું કે, કાં તો પ્લેટ મોટી રાખો કાં તો વાનગીઓ પ્લેટ પ્રમાણે બનાવો! 

ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની શીખામણનો લગ્ન સમારંભોએ ભારોભાર અવગણના કરી છે. અને એના કારણે જે ફજેતો થાય છે એ અસહ્ય હોવા છતાં બધા મૂંગા મોઢે સહન કરે છે. કોઇ કશું બોલતું નથી

મનોકામના એ પણ લાઇલાજ રોગ છે. મરતાં સુધી એ માણસને વળગી રહે છે. પોતે થાકી જાય તો પોતાની એ મનોકામના દીકરાઓ પૂરી કરે એવી અપેક્ષા રાખતો થઇ જાય છે

આપણા વડીલ બુઝુર્ગોએ ચાદર પ્રમાણે સોડ તાણવાની, અથવા ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની શીખામણ આપી છે. આમાં ચાદરનો અર્થ ચાદર પૂરતો સીમિત નથી રહેતો! દરેક બાબતમાં લાંબા પહોળાં થતાં પહેલાં પોતાની સ્થિતિનું માપ કાઢી લેવું જોઇએ. જેથી આગળ જતાં તકલીફ વેઠવાનો વારો ના આવે! કોઇ સાર્વજનિક કાર્ય માટે લોકફાળો લેવામાં આવે ત્યારે લોકફાળાની રકમ નિશ્ચિત નથી હોતી. દરેક પોતાની ઇચ્છા મુજબ રકમ આપે અથવા લખાવે. આમાં ઇચ્છાને વશ થતાં પહેલાં સ્થિતિને વશ થવું પડે.

ઇચ્છાતો ઘણી મોટી રકમ લખાવીને ગામમાં નામના મેળવવાની હોય પરંતુ સ્થિતિ ઇચ્છાપૂર્વક વર્તવાની ના પાડતી હોવાથી માણસ પોતાના ગજામુજબ ફાળો લખાવે! ગજા બહારનું ખર્ચ, ગજા બહારનું કામ અને ગજા બહારની વાતો કરનારાનો આજનો દિવસ ભલે એની કરોડ રજ્જુમાં એક મણકો ઉમેરી આપતો હોય પરંતુ આવનારી કાલ કરોડરજ્જુના ચારપાંચ મણકા હચમચાવી નાખતી હોય છે! ગજામુજબ વર્તવાની વાત માત્ર આર્થિક વ્યવસ્થા સુધી સીમિત નથી! આ વાત વ્યક્તિગત રીતે તમારી જાતને પણ સ્પર્શે છે. ને એનો છેડો તમારા પરિવારના સભ્યો સુધી પ્રસરે છે. કોઇપણ કામ કરતાં પહેલાં અથવા કામ મેળવતાં પહેલાં તમારી શક્તિ અને તમારી આવડત તપાસી લેવી જરૂરી છે.

તમને તરતાં ન આવડતું હોય તો બીજાની દેખાદેખી જોશમાં આવી જઇને ઊંડા પાણીમાં ભુસકો મારવાનું સાહસ ન કરવું જોઇએ. એવો ભુસકો મારનાર પોતે તો ડૂબે છે, સાથે બીજાને પણ ડૂબાડે છે! ભલે ને તમને કોઇ કામ ગમે તેટલું ગમતું હોય તો પણ એ કામ પાર પાડવાની તમારામાં ક્ષમતા નહોય તો એ કામને હાથ ન લગાડવો જોઇએ. તમારી ક્ષમતા બહારનું કામ કોઇ તમને સોંપે તો એ કામ કરવાની ગમે તેટલી ઇચ્છા હોય તો પણ ન કરવું જોઇએ કારણ કે એમાં તમારૂં તો ખરાબ દેખાય પણ એ સાથે તમને કામ સાંેપનારને પણ ભોઠપ અનુભવવી પડે! એવા કામો તમને સોંપવાને બદલે કોઇ બીજાને સોંપાય તો દુ:ખી ન થવું જોઇએ! કામ સોંપનારને સારા રીઝલ્ટની અપેક્ષા હોય જ છે.

એની એ અપેક્ષાને અવગણી ન શકાય! દરેકને પોતાના હિતની જાળવણી કરવાનો અધિકાર છે. કામ કરનારને ય પોતાનું હિત છે. તો કામ કરાવનારને પણ પોતાનું હિત જોવું પડતું હોય છે! કેટલાક માણસોને એમની ગાંડી ઘેલી અને જિદ્દી મનોકામના દુ:ખી કરતી હોય છે. મેનેજર થવાની મનોકામના ધરાવનાર સામે એક તરફ પિયુનની નોકરી અને બીજી તરફ મૃત્યુ મૂકી દો તો એ મૃત્યુનો સ્વીકાર કરશે પરંતુ પિયુનની નોકરી નહિ સ્વીકારે! આવા માણસોની જિન્દગી બરબાદ થાય તો એના પ્રત્યે દયા ખાવાની મૂર્ખતા ન કરવી જોઇએ! મનોકામના વગર સામે આવતું કોઇ પણ કામ સ્વીકારી લેનાર માણસ મનોકામનાને વળોટી જાય એવા દરજ્જે પહોંચી જતા જોયા છે! મનોકામના એ પણ લાઇલાજ રોગ છે.

મરતાં સુધી એ માણસને વળગી રહે છે. પોતે થાકી જાય તો પોતાની એ મનોકામના દીકરાઓ પૂરી કરે એવી અપેક્ષા રાખતો થઇ જાય છે. એ માણસ પોતાનું જીવન તો બરબાદ કરી બેઠો છે. દીકરાનું જીવન પણ બરબાદ કરે છે. પોતાના મગજનાં ઘૂસી ગયેલું મેનેજરપદું દીકરાના મનમાં ઘુસાડી દે છે? દીકરા પાસે મેનેજર થવાની ક્ષમતા નથી ને પિયુનની નોકરી કરવાની ઇચ્છા નથી. એ બીચારો ના મેનેજર કે ના પિયુન, બંને બાજુથી રખડી જતો હોય છે! એટલે જ આપણા પૂર્વજોએ ચાદર પ્રમાણે સોડ તાણવાની શીખામણ આપી છે. જે લોકો આ શીખામણને અવગણે છે એ લોકો દુ:ખી થાય છે અને પોતાના પરિવારને પણ દુ:ખી કરી નાખે છે!

ચાદર પ્રમાણે સોડ તાણવાની શીખામણ જેમ આર્થિક સ્થિતિ અથવા શારીરિક ક્ષમતા પૂરતી સીમિત નથી તેમ સામાજિક વહેવારોને પણ એ સ્પર્શે છે! આપણી ઇચ્છાઓ, આપણી મનોકામનાઓ, આપણી ભાવનાઓ વિગેરેને પણ ચાદર પ્રમાણે જ વિસ્તરવાનો અધિકાર છે! ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની શીખામણનો લગ્ન સમારંભોએ ભારોભાર અવગણના કરી છે. અને એના કારણે જે ફજેતો થાય છે એ અસહ્ય હોવા છતાં બધા મૂંગા મોઢે સહન કરે છે. કોઇ કશું બોલતું નથી. કોઇ કશી ફરિયાદ પણ કરતું નથી! આ કાંઇ મારા એકલાનો અનુભવ નથી! તમે પણ લગ્નના રિસેપ્શનમાં જાવ છો.

લગ્ન રિસેપ્શનના જમણવારમાં છાકો પાડી દેવા બત્રીસ જાતની વાનગીઓના તપેલા લાઇનબંધ ગોઠવી દેવામાં આવે છે. એ સામે તો કોઇને કશો વાંધો ન હોઇ શકે. પરંતુ બત્રીસ વાનગીઓ પીરસવી શેમાં? અહિં ચાદર ટૂંકી પડે છે. આપણને જે પ્લેટ મળે છે, એ ખૂબ જ નાની હોય છે. એમાં અડધી જગ્યા તો બે વાડકા જ આંતરી બેઠા હોય છે. બાકીની અડધી પ્લેટમાં બે કે ત્રણ વાનગીથી વધુ વાનગી મૂકવાની જગ્યા જ નથી હોતી! શરૂઆતમાં સલાડ આવે, ફરસાણ આવે ભજીયા સમોસા આવે, પછી રોટલી- પૂરી કે શાક માટે જગ્યાનાં ફાંફાં પડે છે. જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ ખરા અર્થમાં ભોજન કહેવાય એવી મનગમતી ઉત્તમ વાનગીઓ આવે છે.

પણ ત્યાં પહોંચતાં સુધીમાં વણ જોઇતી પરચુરણ આઇટમોથી આપણી પ્લેટ ભરાઇ ગઇ હોય તો પેલી ભોજન માટેની મનગમતી વાનગી મૂકવી ક્યાં ? ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની શીખામણ લગ્નના જમણવારને જૂની લાગતી હોય તો ''પ્લેટ પ્રમાણે વાનગીઓ બનાવવાની નવી શીખામણ કોણ આપશે ? કોઇએ આજદિન સુધી એમ નથી કહ્યું કે, કાં તો પ્લેટ મોટી રાખો કાં તો વાનગીઓ પ્લેટ પ્રમાણે બનાવો !

અમારી તો સલાહ છે કે, પ્લેટ પ્રમાણે વાનગીઓ ન બને ત્યાં સુધી પ્લેટમાં કોઇ પણ વાનગી લેતાં પહેલાં આ છેડેથી પેલા છેડે સુધી વાનગીઓનાં તપેલાં જોઇ આવો ને એમાંથી મનગમતી બે ચાર વાનગીઓ પસંદ કરીને પ્લેટમાં લેવાનું રાખો તો સરખી રીતે જમવાની સગવડ મળી રહે! કેટલાક લોકો જમણવારની વાનગીઓ ઉપરાંત પાણીપૂરી અને આઇસ્ક્રીમ જેવી છોગાની વાનગીઓ પણ રાખે છે. એનો પણ ખ્યાલ રાખવો પડે! આઇસ્ક્રીમ અને પાણીપૂરીની વ્યવસ્થા ન રાખો તો પણ જમણવારમાં કશી ઉણપ જણાશે નહિ! એ બે આઇટમ છોગાની આઇટમ છે! એ શોખનો વિષય છે.

અને પોતાના શોખનો વિષય છે. પણ એ ગમે તેવો શોખનો વિષય હોય તો પણ ધારો કે જમણવારમાં ભોજનની વાનગીઓ ન મૂકી હોય ને માત્ર પાણીપૂરી અને આઇસ્ક્રીમ મૂકવામાં આવે તો એને તમે જમણવાર કહેશો ખરા ?ક્યાંક ચાદરો ટૂંકી પડે છે ને ક્યાંક વાનગીઓ ખૂટી પડે છે ! રાજકારણમાં આ નીતિનાં દર્શન થાય છે. ચૂંટણી પ્રચારમાં આપેલા વાયદા વચન મુજબ પ્રજા લાઇનમાં ઊભી છે. એમના હાથમાં પ્લેટો છે તે મોટી છે પણ એમાં પીરસવા માટે કોઇ વાનગી નથી ! માત્ર પાણીપૂરી અને આઇસ્ક્રીમ છે. એનાથી જમણવારની ગરજ સરે ખરી ? છતાં બહુ મોટી મનગમતી અને મૂલ્યવાન આઇટમ પિરસાતી હોવાનાં હાકોટા પાડવા માંડયા છે.

આ હાકોટાનો અર્થ એ જ કે તમે પાણીપૂરી અને આઇસ્ક્રીમની ચર્ચામાં અટવાઇ જાવ અને મૂળભૂત ભોજનની વાનગીઓને ભૂલી જાવ! તમે ૩૭૦ની કલમની ચર્ચા કરતા રહો અને દેશમાં વ્યાપેલી મંદીના મુદ્દાને ભૂલી જાવ ! તમે નાગરિકતાના નવા કાયદા હાહાકાર મચાવો કે આંદોલન કરો અને બળાત્કાર તેમજ બળાત્કારની સાથે થતી હત્યાની ઘટનાઓને ભૂલી જાવ! તમે રામમંદિર વિશે તડાકા મારો અને દેશમાં કથળી ગયેલી આર્થિક સ્થિતિને ભૂલી જાવ! સરકાર જે કાંઇ કરી રહી છે તે ધારો કે જરૂરી છે તો પણ એ બધા કામો જમણવાર પછીના પાણીપૂરી અને આઇસ્ક્રીમ જેવા કામો છે. ખરો મુદ્દો તો ભોજન છે.

એ ક્યાં છે ? પણ એવા બધા પ્રશ્નો પ્રત્યેથી તમારૂં ધ્યાન બીજે વાળવાના આ પ્રયાસો છે. તમે મોંઘવારી અંગે, બેકારી અંગે, ગરીબી અંગે આંદોલનો કરવાને બદલે નાગરિકતાનાં ઉપરછલ્લા કામોના પ્રશ્નોમાં અટવાઇ રહો. ડૂંગળી બસો રૂપિયે કિલો થઇ ગઇ હોવા છતાં કોઇ ચળવળતું નથી. આજે ભાજપ સત્તા પર હોવાના બદલે વિપક્ષમાં હોત તો દેશની એક પણ બસ સલામત રહી ન હોત. દર ત્રીજે દિવસે ભારત બંધનું એલાન અપાયું હોત અને એલાનનું પાલન કરાવવા ભાજપના કાર્યકરો ડંડો લઇને નીકળી પડયા હોત અને સરકારના નાકમાં દમ લાવી દીધો હોત. પણ ભાજપ આજે સત્તા પર છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે.

કોંગ્રેસને આ પ્રકારનો વિરોધ કરતાં આવડતું નથી ! ભાજપને રાજ કરતાં આવડતું નથી ને કોંગ્રેસને વિરોધ કરતાં આવડતું નથી, એ વાત હવે સાબિત થઇ ગઇ છે. આજે દેશ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. બેન્કોની સ્થિતિ ખરાબ છે. ગરીબી, બેકારી, બેરોજગારી, જેવા પ્રશ્નો ત્યાં ને ત્યાં પડયા છે એને કોઇ હાથ લગાડતું નથી. બળાત્કાર, હત્યા - આત્મહત્યા જેવી ઘટનાઓ ઘટવાને બદલે પ્રતિદિન વધતી જાય છે. સરકાર પ્રજાનું ધ્યાન બીજે ફંટાઇ દેવા માટેની યોજનાઓ શોધતી રહે છે ! સરકારને પ્રજામાં હોબાળો મચાવી મૂકે એવા મુદ્દા મળી પણ જાય છે. સરકાર સમજી વિચારીને પ્રજામાં વિવાદ જાગે એવો મુદ્દો મુકે છે.

વિવાદ જાગે છે. કેટલાય દિવસો સુધી લોકો એ વિવાદમાં અટવાયેલા રહે. પછી એ વિવાદ સડકો પર ઉતરી આવે છે ત્યારે આંદોલનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ અને ગોળીબાર થાય છે. એટલે પછી પોલીસના અત્યાચારના મુદ્દે નવી ચર્ચા શરૂ થાય છે. એક જ મુદ્દામાંથી ચર્ચા ઊઠે છે પછી એ ચર્ચામાંથી નવા મુદ્દા સર્જાય છે ને એમાં પેલો મૂળભૂત મુદ્દો તો ક્યાંય પાછળ હડસેલાઇ  જાય છે !

સરકાર ક્યાં સુધી જનતાનું માઇન્ડ ડાયવર્ટ કરતી રહેશે ? ભોજન સમારંભમાં હાથમાં પ્લેટ વાડકાં લઇને લાઇનમાં ઊભેલા લોકોને ભોજનથી વંચિત રાખી માત્ર આઇસ્ક્રીમ અને પાણીપૂરી ખવડાવીને ક્યાં સુધી પાછી વાળતી રહેશે ? માઇન્ડ ડાયવર્ટ કરવાથી પરિસ્થિતિ ડાયવર્ટ થતી નથી ! પરિસ્થિતિ વધુને વધુ વસમી બનતી જાય છે. આઇસ્ક્રીમ અને પાણીપૂરી ખવડાવી દીધા પછી મૂળભૂત ભોજનની જરૂરિયાત તો ત્યાંની ત્યાં રહે છે. એ જરૂરિયાત ક્યારે પૂરી થશે ? કેવી રીતે પૂરી થશે ?

સાવ મૃગજળમાં નાવ ચાલે છે,

ત્યાં ય દરિયાના ભાવ ચાલે છે,

એ તરફનો પ્રહાર હાંફે છે,

આ તરફથી બચાવ ચાલે છે !

Tags :