પેરાનોર્મલ એક્ટિવિટી: વિજ્ઞાાનની પકડ બહાર રહી જતું ''સાયન્સ'' છે?
ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
કેટલાક લોકો તેને પેરા નોર્મલ એક્ટીવીટી કહે છે. કેટલાંક લોકો તેને ભુત-પ્રેત, ચુડેલ, વળગાડનાં નામે ઓળખે છે. લગભગ દરેક ધર્મમાં શરીર ઉપરાંત શરીરને નિયંત્રિત કરનાર એક લાઈફ ફોર્સ જેને આપણે પ્રાણ કે આત્મા કહીએ છીએ તેની કલ્પના કરવામાં આવી છે. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે ''આત્મા અમર છે. શરીર નાશવંત છે.'' આધુનિક વિજ્ઞાાન પ્રમાણે વાત કરીએ તો, શરીર એ પદાર્થ 'મેટર' છે તો આત્મા એ ઉર્જા એટલે એનર્જી છે.
લગભગ બધા જ ધર્મમાં મનુષ્યનાં ભૌતિક શરીર ઉપરાંત એક સુક્ષ્મ શરીરની કલ્પના કરેલ છે જેને ઉર્જા કહી કહી શકાય. આ ઉર્જાને ઓરા કે આભા તરીકે જોવામાં આવે છે. ... ફોટોગ્રાફીથી આ સુક્ષ્મ શરીરની તસ્વીરો લેવામાં આવે છે. સવાલ એ થાય કે ખરેખર આત્મા ભુત-પ્રેત જેવી કોઈ ચીજ છે ખરી? વિજ્ઞાાન પેરાનોર્મલ વિશે શું વિચારે છે? જેને આપણે જીનીયસ સાયન્ટીસ્ટ ગણતા હતા એ લોકો પણ આત્માના અસ્તિત્વને સ્વીકારતાં હતાં. તેની પાછળ શું કારણ હતું? ભુત-પ્રેત અને ભુતિયા ઘરમાં બનતી ઘટના વિશે વિજ્ઞાાન શું કહે છે? એક ઉડતો દ્રષ્ટિપાત!
પેરાનોર્મલ: આત્માનાં અસ્તિત્વનો સવાલ?
''મારી પ્રયોગશાળામાં પહેલીવાર મેં કોઈની હાજરી અનુભવી હતી. મારી આજુબાજુ કોઈ રહસ્યમય અસ્તીત્વ હતું. એ રાત્રે મારી પ્રયોગશાળામાં હું એકલો હતો.'' આ શબ્દો છે દુનિયાને વિજળીનો પ્રકાશ પુરો પાડનાર ''નિકોલા ટેસ્લાનાં'' ૧૯૧૮માં પોતાની ડાયરીમાં એ ફરીવાર નોંધે છે કે ''દરેક રાત્રે હું જે અવાજ સાંભળતો હતો એ મને મનુષ્ય અવાજ જેવો લાગતો હતો.
અવાજ આઘો-પાછો થતો હતો. ભાષા અલગ હતી જેને હું સમજી શકતો નહતો. મને કલ્પના કરવી પણ રોચક લાગે છે કે હું જે અવાજ સાંભળી રહ્યો હતો એ આ ગ્રહનાં માનવીનો ન હતો.'' મતલબ અવાજ કોઈ પરગ્રહવાસીનો હતો? શું કોઈ આત્મા નિકોલા ટેસ્લા સાથે વાત કરવા માંગતી હતી?
આને વિજ્ઞાાન કહીશું કે સુપર નેચરલ? નિકોલા ટેસ્લાએ સાદો ક્રિસ્ટલ રેડિયો સરકીટ બનાવી હતી. જેને કોમ્પ્યુટર સાથે જોડતા અલગ અલગ પ્રકારનાં સાઉન્ડ સાંભળવા મળે છે. જેનો મુળ સ્ત્રોત 'ઈલેક્ટ્રો મેગ્નેટીક ફોર્સ'માં થતો બદલાવ છે. અવાજ પાછળ ઈલેક્ટ્રો મેગ્નેટીક ફોર્સ હોય એટલે કે કોઈ પ્રકારની ઉર્જા જવાબદાર હોય તો, આપણા પુર્વજો આત્મા-ભુત-પ્રેત વગેરેને એક પ્રકારની ઉર્જા એટલે કે શક્તિ તરીકે ઓળખે છે. જાણે છે! ભુત-પ્રેતની વાર્તાઓ સાંભળવી લગભગ દરેક માનવીને ગમે છે.
તેની પાછળ કયું સાયકોલોજીકલ કારણ છે તેને સમજવાની જરૂર છે. કેટલીક અનોખી ભુત-પ્રેતની ઘટના વિશે વિજ્ઞાાન શું કહે છે? વૈજ્ઞાાનિકોનું શું મંતવ્ય છે? જે લોકો અવાજમાં ભુત કે આત્માને શોધે છે. તેના માટે વિજ્ઞાાન કહે છે કે આને માટે ઈન્ફ્રાસાઉન્ડ જવાબદાર છે. મનુષ્ય સામાન્ય રીતે ૨૦ હર્ટઝ કરતાં નિચેનાં અવાજ સાંભળી શકતો નથી. પરંતુ કેટલાંક લોકો આવા અવાજ સાંભળી શકે છે.
વિજ્ઞાાન કહે છે કે જેને આપણે ભુત માનીએ છીએ તે દ્વારા ખાસ પ્રકારની 'ઈલેક્ટ્રો મેગ્નેટીક એનર્જી' છે. આપણી આજુબાજુ કોઈ ભુતપ્રેત નહી પરંતુ પાવર લાઈન અથવા હેવી ઈલેક્ટ્રોનીક ડિવાઈસ વડે પેદા કરેલ ઈલેક્ટ્રો મેગ્નેટીક ફીલ્ડ હોય છે. વૈજ્ઞાાનિકો કહે છે કે મહત્વનાં મગજનાં 'ટેમ્પોરલ લોબ'ને ઈજા થાય ત્યારે આવા અનુભવ થઈ શકે છે. વાસ્તવિકતા સમજવા માટે 'ટેમ્પોરેલ લોબ' જરૂરી છે. તેને ઈજા થતા અવાસ્તવિક અનુભવ મનુષ્યને થાય છે.
એડિસન અને ટેસ્લા: વિચિત્ર પ્રયોગો
ભુત-પ્રેતની વાતને વિજ્ઞાાન ઈલેક્ટ્રો મેગ્નેટીક ફિલ્ડ સાથે જોડે છે. આજનાં આધુનિક વિજળી યુગની શરૂઆત માટે થોમસ આલ્વા એડીસન અને નિકોલ ટેસ્લા જવાબદાર છે. થોમસ આલ્વા એડીસને થાળી વાજું, મુવી કેમેરા, લાઈટ બલ્બ વગેરે શોધ્યા હતાં. મહત્ત્વની વાત એ છે કે આધુનિક કહી શકાય તેવી પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત તેમણે કરી હતી. કેટલાંક લોકોને નવાઈ લાગશે કે મૃત્યુ પામેલ વ્યક્તિ એટલે કે આત્મા સાથે વાત કરવા માટે તેમણે ખાસ ટેલીફોનની શોધ કરી હતી.
૧૯૨૦માં તેમને આધ્યાત્મિકતાનો નશો ચડયો હતો ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે, ''તેઓ પ્રેતયોનીના આત્મા સાથે વાર્તાલાપ થઈ શકે તેવું ઉપકરણ વિકસાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ મશીન પર સંશોધન કરનાર એક વ્યક્તિ તાજેતરમાં મૃત્યુ પામી છે. શક્ય છે કે પ્રથમ કોલ આ મશીન ઉપર આ વ્યક્તિનો પણ આવે.
શરૂઆતનાં કેટલાંક ઈન્ટરવ્યુને બાદ કરતાં ત્યાર બાદ એડિસને જાહેરમાં 'ઘોસ્ટ ટેલીફોન'ની ક્યારેય વાત કરી પણ નહીં. તેમની પ્રયોગશાળામાં આવું કોઈ ઉપકરણ પણ જોવા મળ્યું નહીં. એડિસનનાં અધ્યાત્મને લગતા ડાયરીમાં લખેલા લખાણો પણ ૫૦ વર્ષ સુધી છુપાવી રાખવામાં આવ્યા હતાં.
આખરે શું બન્યું હતું? એડીસન લોકો સમક્ષ પોતાની નિષ્ફળતા સ્વીકારવા માંગતા ન'હતાં? પોતાના પ્રતિસ્પર્ધી આવા ઉપકરણથી આર્થિક લાભ ન મેળવે તે માટે આ શોધ છુપાવી રાખવા માંગતા હતાં? અથવા આત્મા સાથે થયેલ વાર્તાલાપમાં તેમને એવું સત્ય માલુમ પડયું કે તેઓ સામાન્ય માનવીથી છુપાવી રાખવા માંગતા હતાં? આ સવાલોનો જવાબ માત્ર થોમસ આલ્વા એડિસનનો આત્મા જ આપી શકે. શું કોઈ આત્મા ખાસ માધ્યમ વડે મનુષ્ય સાથે સીધી વાત કરી શકે ખરો ?
તમારો જવાબ 'હા' હોય તો, પેરા નોર્મલ અને મેટા ફીજીક્સ ક્ષેત્રે જાણીતી મહિલા ટીના લુઈસ સ્પેલડીંગની કિતાબ ''ગ્રેટ માઈન્ડસ સ્પીક ટુ યુ'' વાંચવા જેવી ખરી. જેમાં લેખિકાના દાવા પ્રમાણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન, મેરલીન મનરો, જે.એફ. કેનેડી, માઈકલ જેક્સન, એલીઝાબેથ ટેલર, લેડી ડાયેના વગેરેનાં આત્માએ જે વાર્તાલાપ મૃત્યુ બાદ કર્યો છે તેનું વર્ણન છે.
ઈલેક્ટ્રો મેગ્નેટીક એનર્જી: ચમત્કાર કરે છે?
વૈજ્ઞાાનિકોએ એક પ્રયોગમાં ૧૦૦ જેટલાં લોકોને એક ચેમ્બરમાં બેસાડયા. ૫૦ મીનીટ સુધી ઈન્ફ્રા સાઉન્ડ અને જટીલ ઈલેક્ટ્રો મેગ્નેટીક ફિલ્ડ ચેમ્બરમાં પેદા કરવામાં આવ્યું. કેટલીક વાર બંને તરંગો સાથે છોડવામાં આવ્યાં. પ્રયોગનાં અંતે ૮૦ ટકા લોકોએ કબુલ કર્યું કે તેમને અજીબો-ગરીબ લાગણી થતી હતી.
તેમને ચક્કર આવતા હોય અને આજુબાજુની ચીજો ગોળ ફરતી હોય તેવી લાગતી હતી. ૨૩ ટકા લોકોએ કહ્યું કે તેઓ આત્મા હોય એમ શરીરથી અલગ થઈ ગયા હોય તેવી અનુભુતી થતી હતી. ૨૩ ટકા લોકોને કોઈ અલૌકીક વસ્તુ હાજર હોવાની અનુભુતિ થતી હતી. આઠ ટકા લોકોનાં મનમાં ડર પેદા થયો હતો. આ પ્રયોગ અને તેની વિગતો ૨૦૦૯નાં 'જર્નલ કોર્ટેક્ષ'માં નોંધાયેલો છે.
વૈજ્ઞાાનિકો કહે છે કે ભુત-પ્રેતનું અસ્તિત્વ આપણી આસપાસ નહીં પરંતુ આપણા દિમાગ એટલે કે મગજમાં હોય છે. જે અલૌકીક કે 'પેરા નોર્મલ' અનુભવ કરાવે છે. તંત્ર-વિજ્ઞાાન અને યોગ કહે છે કે અલૌકીક અનુભુતી માટે આજ્ઞાા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર સાથે જોડાયેલ ઉર્જા કામ કરે છે. સહસ્ત્રાર ચક્રની ઉર્જા સીધી બ્રહ્માંડની ઉર્જા સાથે કનેક્ટ થાય છે. આજ્ઞાા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર પણ મનુષ્યનાં માથામાં આવેલ છે. વિજ્ઞાાન કહે છે કે મનુષ્ય જેટલો વધારે ડરપોક હશે એટલો વધારે ભુત-પ્રેતમાં માનતો હોય છે.
શું આપણા ડરનો લાભ કેટલાંક ભુત-પ્રેતનો ડર બતાવીને ઉઠાવે છે? વિજ્ઞાાન માને છે કે મનુષ્યની આંખ, પુરતો પ્રકાસ ન હોય ત્યારે સ્પષ્ટ જોઈ શકતી નથી. એટલે અનિયમીત અંધારી આકૃતિનું અર્થઘટન મનુષ્યનું મગજ કોઈ જાણીતા આકાર સાથે સરખાવીને કરે છે. જેનાં કારણે મનુશ્યને ભુત-પ્રેતનો આકાર જોવા મળે છે અથવા આભાષ થાય છે.
સીસીટીવી કેમેરામાં કેટલીક મનુષ્ય આકૃતિઓ કેદ થયેલી અને હલન ચલન કરતી કેદ થયેલ છે. જે ઈન્ટરનેટ અને યુ ટયુબ ઉપર છે. આ પ્રકારની વિડીયોનું પૃથ્થકરણ વૈજ્ઞાાનિકોએ કરવું જોઈએ અને સત્ય બહાર લાવવું જોઈએ. અહિં ભૂત-પ્રેત કે આત્મા હોવાની માન્યતાને સ્વીકાર કે અસ્વીકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. માત્ર હકિકત સામે રાખવામાં આવી છે. જોઈએ જાણીતા વૈજ્ઞાાનિકો 'પેરા નોર્મલ' વિશે શું વિચારતાં હતાં.
આઈઝેક ન્યુટન અને પીઅરી ક્યુરી: અકલ્ટ દુનિયા
આજનાં વિજ્ઞાાન જગતમાં સર આઈઝેક ન્યુટનને મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી માનવામાં આવે છે. તેમણે સાદી ધાતુ ને સોનામાં બદલવાનાં રસાયણ શાસ્ત્રનાં પ્રયોગો કર્યા હતાં. તેઓ બાઈબલમાં દર્શાવેલ ન્યુમરોલોજી, ખગોળ વિજ્ઞાાન અને રસાયણ વિજ્ઞાાનનો અભ્યાસ કરતા હતાં. તેઓ માનતા હતાં કે ફિલોસોફર સ્ટોન, પારસ પત્થર છે જેના સ્પર્શથી સામાન્ય ધાતુને સુવર્ણ/સોનામાં બદલી શકાય.
સર ન્યુટને ગણિત અને ભૌતિક શાસ્ત્ર ઉપર અકલ્ટ/ગૂઢ વિદ્યા, ગૂઢ વિજ્ઞાાન અને આત્માની દુનિયા/સ્પીરીટ વર્લ્ડ ઉપર પણ અનેક લખાણ લખ્યા છે. જેને વિજ્ઞાાન અને વૈજ્ઞાાનિકો પણ ગણકારતા નથી. ગણતરીમાં લેતા નથી. ત્યારે સામાન્ય માનવીને જરૂર સવાલ થાય કે ''શું આઈઝેક ન્યુટન જેમાં માનતા હતા એ બાઈબલની ન્યુમરોલોજી, ખગોળ વિદ્યા કે રસાયણ શાસ્ત્રને નવી નજરે ચકાસવાની જરૂર છે ખરી? આઈઝેક ન્યુટન ખુબ જ ઈન્ટેલીજન્ટ માનવી હતાં. તેમનાં વિચારો સમજવા માટે આપણે કાચા પડીએ છીએ! આપણી પાસે તેમને સમજવાની ક્ષમતા નથી એટલે તેમનાં લખાણોની અવગણના કરવામાં આવે છે?
થિઅરી ક્યુરીને નોબેલ પ્રાઈઝ મળ્યું છે. ક્યુરી ફેમીલીની સૌથી વધારે નોબેલ પ્રાઈઝ મળ્યા છે. તેમણે ક્રિસ્ટલોગ્રાફી, મેગ્નેટીઝમ, પિઝો ઈલેક્ટ્રીસીટી ઉપરાંત રેડિયો એક્ટીવીટી ઉપર સંશોધન કર્યાં છે. તેઓ માનતા હતાં કે ઈટાલીઅન વ્યક્તિ યુસોપીઆ પેલાડિનો, મૃત વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાની ક્ષમતા રાખતા હતાં.
મેરી ક્યુરી અને પિઅરી ક્યુરી નિયમિત રીતે તેમને મળવા જતાં હતાં. પેલાડોના પોતાની શક્તિથી ટેબલને અડયા વિના ખસેડી શકતા હતાં. દુરની વસ્તુને હલાવી શકતા હતાં. આ ક્ષમતાનું તેઓ વૈજ્ઞાાનિક પરીક્ષણ કરી ચુક્યા બાદ તેઓએ નોંધ્યું હતું કે ''આ ક્ષેત્ર એક નવો ભૌતિક વિસ્તાર બતાવે છે કે આપણી બુધ્ધિમાં બંધ બેસતું નથી. આ ક્ષેત્રનું સંશોધન નવી માહિતી આપી શકે છે.'' આશા રાખીએ આવનારાં સમયમાં 'પેરા નોર્મલ અને પેરા સાયકોલોજી'ને નવી દિશામાં સંશોધન મળશે!