મ્યુઝિક : એમાં શબ્દોની સમજ ગૌણ છે, એ ખેલ તો છે લાગણીનો!
સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
ધનુષનું 'રાઉડી બેબી' ૨૦૧૯માં ભારતનું સૌથી વધુ જોવાયેલું સોંગ હતું. શબ્દો ન સમજાય છતાં લોકો સંગીતના તાલે ઝૂમે છે એ પાછળ ક્યુ પરિબળ જવાબદાર છે?
ગીતના મૂડથી આપણો મૂડ બદલાય છે
હાર્વર્ડ યુનિવર્સિટીના જ સંશોધનનું તારણ નીકળ્યું હતું કે માણસ જેવાં સોંગ સાંભળે છે એવો મૂડ બને છે. પ્રેમગીતો સાંભળ્યાની એક કલાક પછી લોકોએ તેમના પાર્ટનર પ્રત્યે વધુ લાગણીનો અનુભવ કર્યો હતો. તો કોઈ જ કારણ વગર સેડ સોંગ સાંભળ્યા પછી કોઈ જ કારણ વગર લોકો સેન્ટી થઈ ગયા હતા!દર્દનો અનુભવ રહી રહેલાં થોડાંક લોકોને નૃત્યગીતો સંભળાવ્યાની મિનિટો પછી તેમનો દુ:ખનો અનુભવ ઘટયો હતો અને એમાંથી અડધો અડધે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિપ્રેશનનો ભોગ બનેલાને લાગણીથી છલકાતાં લોકગીતોની ધૂન સંભળાવી તો તેમનામાં ઉત્સાહ વર્તાયો હતો. ભારતીય શાસ્ત્રીય રાગો પણ સાંભળનારા ઉપર આવી જ ગહેરી અસર કરે છે.
૭૨૫,૫૨૭,૮૬૬
ધનુષનું 'રાઉડી બેબી' સોંગ યુટયૂબમાં આટલી વખત જોવાઈ ચૂક્યું છે અને એના વ્યૂઝનો આંકડો સતત વધતો રહે છે. 'રાઉડી બેબી' ૨૦૧૯ના વર્ષનો ભારતનો મોસ્ટ વ્યૂડ વિડીયો છે. વર્ષ દરમિયાન દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલા વિડીયોમાં તેનો ક્રમ સાતમો છે. 'મોસ્ટ સ્ટ્રીમ્ડ ઈન્ડિયન સોંગ્સ ઓફ ઓલટાઈમ'ના લિસ્ટમાં પણ તેનો સમાવેશ થયો છે.
ભારતમાં કુલ ઈન્ટરનેટ યુઝર્સ ૬૩ કરોડ હોવાનો અંદાજ છે. તેનો અર્થ એ કે સરેરાશ બધા જ ઈન્ટરનેટ યુઝર્સે એક વખત આ સોંગ જોયું હોય તો ય બીજા ૧૦ કરોડ વ્યૂઝ વધારે મળ્યા છે. બીજો અર્થ એ પણ થાય કે વિદેશી યુઝર્સે પણ આ સોંગ જોયું હશે. દેશભરના યુઝર્સની પસંદ બનેલું આ સોંગ હિન્દી કે અંગ્રેજી ભાષામાં નથી, તમિલભાષામાં છે.
૨૦૧૮ના નવેમ્બરમાં રીલિઝ થયેલી ફિલ્મ સ્ચચિૈ-૨ના આ સોંગે ૨૦૧૯માં ધમાકો બોલાવ્યો. ધનુષ અને એસ. પીલ્લવી પર ગીત ફિલ્માવાયું છે. ધનુષે લખીને અવાજ પણ આપ્યો છે. મ્યુઝિક યુવાન શંકર રાજાએ આપ્યું છે. પ્રભુદેવાની કોરિયોગ્રાફી છે. ફિલ્મ તો બહુ ચાલી નહોતી, પણ એક જ સોંગે બધુ જ ભરપાઈ કરી દીધું.
વેલ, સોંગ તમિલભાષામાં છે તો ય દેશભરના યુઝર્સની પહેલી પસંદ કેમ બન્યું હશે? દુનિયાભરમાં કેવી રીતે જોવાયું હશે? એમાં ભાષાનો અવરોધ કેમ ન નડયો?
પૃથ્વી વૈવિધ્ય સભર છે. પહેરવેશથી લઈને ખોરાક અને ગીત-સંગીતથી લઈને સાહિત્યસર્જનમાં અપાર વૈવિધ્ય છે. એની પાછળ પ્રાકૃતિક વિવિધતા જવાબદાર છે. રણપ્રદેશમાં રહેતા લોકોની સંસ્કૃતિ, ગીત-સંગીત સાહિત્યમાં તેનો પડઘો પડે છે. તો પહાડીઓ વચ્ચે ઉછરેલી પ્રજાના ગીત-સંગીત, રહેણીકરણીમાં એની અસર વર્તાય છે. મેદાની પ્રદેશોની રીત-ભાત વળી એ બંનેથી અલગ. એમાં પાછા શહેરી અને ગ્રામ્ય એમ બે વિભાગો તો ખરા જ. જ્ઞાાતિગત વૈવિધ્ય ય ખરું. આ બધાની અસર લોકગીતો, સાહિત્યમાં પડતી રહે છે. લાંબાંગાળે આ અસર જે તે પ્રદેશની ઓળખ બની જાય છે.
સાહિત્ય અને ગીત-સંગીતમાં સ્પષ્ટ ફરક વર્તાતો હોય છે. કચ્છના લોકગીતો અને તેને ગાવાની રીત અલગ હોય, એમ સૌરાષ્ટ્રની વળી તેનાથી જુદી. હવે તો એક બીજાની સંસ્કૃતિ સમજવા માટે સભાન પ્રયાસો થાય છે. દેશો ડિપ્લોમસીના ભાગરૂપે કલ્ચરલ કેન્દ્રો શરૂ કરવા લાગ્યા છે.
પણ જ્યારે આ બધું નહોતું ત્યારે એક બીજાને સમજવા માટે બે બાબતો કોમન હતી - સંકેત અને સંગીત. પ્રાચીન સમયમાં યુદ્ધોથી લઈને સુલેહ સુધીની બાબતો સંકેતથી સમજાવાતી. ચિહ્ન દોરીને કે પછી ઈશારા કરીને એકબીજાની ભાષા ન જાણતા લોકો કોમ્યુનિકેશન કરી લેતા.
એવું જ બીજું માધ્યમ હતું સંગીત. પ્રેમ કે વિરહનું ગીત ક્યાંક કોઈએ શરૂ કર્યું હોય તો શબ્દો ન સમજાતા હોવા છતાં તેમાં રહેલો ભાવ ઓળખાઈ જતો હતો. આજેય ઓળખાય જાય છે.
માનવમન, સંસ્કૃતિના આવા ઊંડાણો માપવા જાત-ભાતના સંશોધનો થતાં રહે છે. એવું જ સંશોધન સંગીતના વૈવિધ્યને સમજવા માટે જગવિખ્યાત હાર્વર્ડ યુનિવસટીએ કર્યું હતું. કોઈ જુદા જ દેશનું સંગીત કોઈ જુદી જ પરિસ્થિતિમાં ઉછરેલા માણસને સંભળાવવામાં આવ્યું ત્યારે એમાંથી રસપ્રદ અવલોકનો સામે આવ્યાં હતાં.
હાર્વર્ડ યુનિવસટીએ ૬૦ દેશોને આવરીને એક મ્યુઝિકલ સંશોધન હાથ ધર્યું હતું. આ દેશોના ઈન્ટરનેટ યુઝર્સને કોઈ જ હિન્ટ આપ્યા વગર વિવિધ મૂડ્સના ૧૪ સેકેન્ડના ટૂકડાં સંભળાવવામાં આવ્યા ને તેમને પૂછવામાં આવ્યું કે આ સોંગ કઈ લાગણી વ્યક્ત કરે છે? સેમ્પલ સોંગમાં સ્પેનના કોઈ ખૂણાના ખેડૂતોનું લોકગીત પણ હોય, ભારતના રાજસ્થાનમાં સદીઓથી ગણગણાતું એકાદ ગીત ય હોય, અમેરિકાના છેવાડાના કોઈ ટાપુનું ગીત પણ હોય અને આફ્રિકાના આદિવાસીઓના પરંપરાગત ગીતો ય હોય. પ્રેમ-વિરહ-દર્દ-ઉત્સવ, સવાર-મધ્યાહન-સાંજ-રાતના મૂડ્સને ધ્યાનમાં રાખીને ગીતો પસંદ થયા હતા. આ ગીતોના ટૂકડા વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સને સંભળાવવામાં આવ્યાં.
દુનિયાએ ન સાંભળ્યા હોય એવાં પરંપરાગત લોકગીતોનો એમાં સમાવેશ એટલે વધારે કરાયો હતો તેનાથી સામાન્ય રીતે લોકો જાણકાર ન હોય એટલે રીઝલ્ટ વધુ ઓથેન્ટિક મળે. સેમ્પલમાં અવાજ સાથેના ગીતો ય હતા, તો માત્ર ઈન્સ્ટ્રુમેન્ટ્ની ધૂન પણ હતી. ઘણાં ખરા સેમ્પલ સોંગ લોકવાદ્યોના હતા. અવાજ તો હોય નહીં અને એમાં વળી જાણીતું કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ પણ ન હોય. અજાણ્યું વાદ્ય હોય, અજાણી ધૂન ને અજાણ્યો યુઝર. આ ધૂનો પસંદ કરવા માટે પણ હાર્વર્ડે લાંબી પ્રક્રિયા કરી હતી. દુનિયાભરના ૨૬,૦૦૦ એક્સપર્ટ્સને આ ધૂનો સંભળાવાઈ હતી અને તેમના ઓપિનિયન પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
યુઝર સોંગ સાંભળવાનું શરૂ કરે પછીની ૧ મિનિટમાં તેણે જવાબ આપી દેવાનો હતો. છ સિમ્પલ સવાલો પૂછવામાં આવ્યા હતા. એમાં એવા સવાલો પૂછાયા હતા કે આ નૃત્ય સોંગ છે કે પ્રેમ વ્યક્ત કરતું ગીત છે? ધૂન સાંભળીને ક્યા સમયે સાંભળવું વધારે યોગ્ય લાગે છે, સવારે-બપોરે-સાંજે કે રાતે? ૧ મિનિટથી વધારે સમય લેનારા યુઝર્સનો જવાબ રીસર્ચમાં માન્ય રખાતો ન હતો. એ ધૂન માટે યુઝર પોતાની મેળે કંઈ પણ રીસર્ચ કરે એવો સ્કોપ જ અપાયો ન હતો.
એના જવાબો મેળવીને સંશોધકોને અપાર આશ્વર્ય થયું. સંશોધકો એ બાબત વિચારવા મજબૂર બની ગયા કે દેશ, સંસ્કૃતિ, ભાષા, માહોલ વચ્ચે ભિન્નતા છતાં એક કડી આખી માનવજાતિને જોડી રાખતી હતી અને એ કડીનું નામ હતું- ફીલિંગ-લાગણી-મનોભાવ.
એ લાગણી વ્યક્ત કરવા માટે જ્યાં ભાષાનું કામ પૂરું થઈ જાય ત્યાંથી ધ્વનિ એનું કામ શરૂ કરે છે. અવાજ કે ઈન્સ્ટ્રુમેન્ટમાંથી કેવી લાગણી વહી રહી છે એ તુરંત વિશ્વભરના લાગણીશીલ માણસોએ પકડી પાડયું!
સંશોધનમાં જોડાયેલા લોકોએ એટલે સુધી વિગતો આપી કે વિશ્વભરના ડાન્સ સોંગ એક સરખા છે - ફાસ્ટ. જગતભરના પ્રેમ-વિરહ-દર્દીલા સોંગ એક સરખા છે - મેલોડિયસ છતાં ધીમા. આફ્રિકાના આદિવાસીઓના નૃત્ય સોંગ પણ રિધમેટિક જ હોય છે ને અમેરિકાના ડિસ્કોથેકમાં ચાલતા સોંગ્સ પણ. ભારતના રણોમાં ગવાતા દર્દીલા સોંગ પણ ધીમા ને લાંબાં ઢાળે ગવાતા હોય છે તો યુરોપના વિરહી ગીત પણ એ જ તર્જથી ગવાય છે. ઉલ્લાસ-ઉમંગના ગીતો હંમેશા તાજગીસભર અનુભવ કરાવે છે.
હાર્વર્ડના સંશોધકોએ તેમની શાખ પ્રમાણે જ આ સંશોધન પછી એને લગતાં ફેક્ટ્સ જોડયા અને તેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો. જેમાં એવો નિચોડ કાઢવામાં આવ્યો હતો કે સંગીત એ માનવજાતને પ્રકૃતિએ આપેલી બહુમૂલ્ય ભેટ છે. જુદી-જુદી ઘટનાઓ પછી અનુભવાતી ફીલિંગ્સ અને અસાધારણ પરિસ્થિતિમાં થતું વિશિષ્ટ બિહેવિયર દુનિયાભરના લોકોને એક તાંતણે બાંધે છે.
આ પરિણામો સંશોધકો માટે એટલે ય આશ્વર્યજનક હતા કે એવી સ્ટ્રોંગ માન્યતા છે કે સંસ્કૃતિ-દેશકાળ-સ્થળના આધારે ગીતો સર્જાય છે અને એ ગીતો જે તે સ્થળ-પ્રદેશના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આ સંશોધને એ વ્યાખ્યા નવેસરથી બનાવવી પડે એવાં પરિણામો આપ્યાં હતાં.
સિંહે શિકાર કર્યો હશે અને કોઈ હરણે મરણચીસ પાડી હશે એમાંથી દર્દ જન્મ્યુ હશે અને એ દર્દમાંથી જન્મ્યા હશે દર્દીલા ગીતો. વિશ્વભરની સંસ્કૃતિમાં શિકાર-પરાક્રમ-મરણચીસનો આ ઘટનાક્રમ વણાયેલો છે એટલે તમામ સંગીતમાં એની અસર વર્તાઈ હશે! એ જ રીતે મોરે આનંદનું નૃત્ય કર્યુ હશે એમાંથી નૃત્ય-ઉત્સવના ગીતો બન્યા હશે. સારસ બેલડીએ પ્રેમ કર્યો હશે એમાંથી પ્રેમના ગીતો બન્યા હશે. સંશોધકોએ તારવ્યું હતું કે કલ્ચરલ ડિફરન્સ છતાં સંગીતનું બેઝિક્સ સ્ટ્રક્ચર બધે જ એકસરખું છે.
દેશકાળ પ્રમાણે ગીતોના શબ્દો, કથાઓ બદલાઈ હશે, પણ સંગીતના કારણે દિલમાં જે અસર વર્તાય છે એ હજુ ય એક સરખી છે. આ ખૂબીઓ જ સંગીતને ભાષાના સીમાડાથી પર કરી દે છે.
કદાચ એટલે જ ધનુષનું તમિલ સોંગ દેશભરમાં એક વર્ષ કરતા વધુ સમયથી ધૂમ મચાવે છે, કદાચ આ જ બેઝિક્સે સ્પેનિશ સોંગ ડિસ્પેસિતોને ૨૦૧૭માં અબજો વ્યૂઝ અપાવ્યા હશે. કદાચ એટલે જ ગંગનમ સ્ટાઈલે ૨૦૧૨માં ગામ ગજવ્યું હશે, કદાચ એ જ કારણ હશે કે ૨૦૧૨માં જ આવેલું ધનુષનું કોલાવેરી ડી ભારતીયો રાતોરાત ગણગણવા લાગ્યા હશે. કદાચ એ જ કારણે ૨૦૧૮માં પ્રિયા પ્રકાશના નખરાળા નૈન રજૂ કરતું ગીત માનિક્ય મલારયા પુર્વી દેશભરમાં વાયરલ થયું હશે. વાત જ્યારે સંગીતની હોય છે ત્યારે ભાષાના સીમાડાં પળવારમાં ઓગળી જાય છે.
કલ્ચરલ ડિફરન્સ, પહેરવેશ-ખોરાકમાં અપાર તફાવત છતાં માણસની મૂળ લાગણી સદીઓ પછી ય બદલાતી નથી, એનો પરિચય સંગીતના માધ્યમથી બરાબર મેળવી શકાય છે. કોઈપણ સોંગ સાંભળવાથી ભલે એના શબ્દો સમજમાં ન આવે તો ય તેનો મૂડ પારખવાની સમજ માણસમાં જન્મજાત છે.