દાન-મહાદાન .
થોડામાં ઘણું - દિલીપ શાહ
દાન વસ્ત્રોનું હોય કે અન્નજળનું સામેવાળાનો ભાર ઘટાડી આપણને આ ઉમેરી આ-ભાર આપે છે. ગુપ્તદાન સાઉન્ડપ્રૂફ છે. રક્તદાન અને દેહદાનનો મહિમા સમજીએ તો બીજાં ત્રણ-ચાર કરમાયેલા, નંખાયેલા, અધમૂઆ જીવ બોલી ઉઠશે
દાન, ચેરીટી, ડોનેશન એટલે સંપત્તિનો મોક્ષ. ધનને પ્રમોશન મળે તો સંપત્તિ અને સંપત્તિને શિખર મળે તો દાનની ધજા ફરફરે. કુદરતમાં દાનના હોલસેલ શાહુકારો વરસોથી ચક્રવર્તી રાજ કરે છે. દેશપરદેશની ખેપ કરતાં વાદળા મૂડમાં હોય તો ધોધમાર, મૂશળધાર જળસમુદાયને રીલીઝ કરી દે છે. છંછેડાયા હોય તો વેઈટીંગ મોડમાં રાખી છેવટે કંજૂસના દાન જેવા ટીપાં... ફોરાં... ઝાપટાને હવાફેર માટે મોકલી આપે છે. નભમંડળના ઠેકેદારો સૂરજદાદા, ચંદામામા, તારાબંધુ, નક્ષત્રોનું ગઠબંધન અડીખમ છે.
તાપ હોય કે ચાંદની ગગનની આ ચેરીટી ઝીલવામાં બાપદાદાથી આજની નવી પેઢી સુધી 'સ્માઈલી' પડઘા પાડી રહી છે. ધરતીમાતાના પ્રતિનિધિઓમાં પહાડ, પર્વત, ટેકરીઓ, ગિરિમાળાઓ સંત્રીની ફરજ બજાવી પરોક્ષ ડોનેશનની પહોંચ ફાડી દીધી છે. નદીઓએ 'જળ એ જીવન છે'ના નારાને વધાવી દાનની ગંગોત્રી વહેતી રાખી છે... (હા, પ્રદૂષિતના ધુમ્મસ સરજનારા માનવીને પછી પૂર... ની વોર્નિંગ આપી દે છે ! સાગરના ડોનેશન સાગરકાંઠાનાં રેતીના એ ઘર, મંદિર, શંખ, છીપલાં, મોતી, મીઠું... મેનું મોટુ થતું જાય છે. સુગંધ, ફોરમ, પમરાટ, પરિમલ, ખુશ્બુ... યે ફૂલોકી રાની, બહારોંકી મલિકા તેરા મુસ્કુરાના ગજબ હો ગયા.
બનાવટી ફૂલોનો પર્દાફાશ કરી પ્રહલાદ પરિખે દસ્તાવેજ જાહેર કરી દીધો. ''દિનાન્તે આજે સકલ નિજ આપી ઝરી (ખરી) જવું... ફૂલ તારી ફોરમ મુબારક... અરે ! ધૂની માંડલિયાજી નોંધપોથીનું પહેલું પાનું... કે હવા તારી સખાવતને સલામ... સહી વગરનો આ બેરર ચેક બીલગેટ ફાઉન્ડેશન કરતાં ય મોટો. ભરત વ્યાસજીનાં રડાર પર ઝિલાયેલા આ દાનવીર ભીમાશા તો જૂઓ...'' નદિર્યાં ન પીએ કભી અપના જલ, વૃક્ષ ના ખાયે કભી અપને ફલ, અપને મનકા, તનકા દૂજોકો જો દે દાન રે વો સચ્ચા ઈન્સાન, અરે ! ઈસ ધરતી કા ભગવાન હૈ... માનવ ને મહામાનવ બનાવવાની જડીબુટ્ટી કુદરત પાસેથી જ મેળવવાની છે. વિનોબાજી કહેતા “The purpose of life is to give not to take.” ઘરસંસાર મૂવીનો સંદેશ... 'ભલા કરને વાલે ભલાઈ કીએ જા, બૂરાઈ કે બદલે દુઆઁએ દીએ જા.'
આમ દાન વસ્ત્રોનું હોય કે અન્નજળનું સામેવાળાનો ભાર ઘટાડી આપણને આ ઉમેરી આ-ભાર આપે છે. ગુપ્તદાન સાઉન્ડપ્રૂફ છે. રક્તદાન અને દેહદાનનો મહિમા સમજીએ તો બીજાં ત્રણ-ચાર કરમાયેલા, નંખાયેલા, અધમૂઆ જીવ બોલી ઉઠશે. 'આજ ફીર જીનેકી તમન્ના હૈ... વોરન બફેટ, અઝીઝ પ્રેમજી, કર્ણ, ભીમાશા, રતિદેવ... આવી યાદી કેમ ટૂંકી ? ધાર્મિક સ્થળોનાં અમુક ટ્રસ્ટીઓએ 'દાન-પેટીને' ને અભડાવી દીધી છે... રોબીન હૂડો ઘટી રહ્યા છે ને જ્યાં જૂઓ ત્યાં ફોજ લઈને અલીબાબા ફિલ્ડીંગમાં ગોઠવાઈ ગયા છે. તહેવારોમાં 'દાન' ને એક્સીલેટર લાગે છે.' શૈક્ષણિક સંસ્થામાં દાન ઉધઈનું કામ કરે છે. નથી લાગતું દિવસ-રાતનાં ચોઘડિયામાં એક 'દાન'નું પણ અનામત રાખવું જોઈએ ?
મરી મસાલા
વિનોબાજીનું 'ભૂમિ-દાન' ફીક્સીગંના ગ્રહણથી રમતગમતનાં 'મે-દાન' બની ગયા છે... છતાંય જિંદગીની વૈતરણી પાર કરવા ય દાન ''ગૌ-દાન'' કર્યું ?