'પપ્પા, તમારે ધૃતરાષ્ટ્ર થવું હોય તો ભલે થાઓ, પણ મારે દુર્યોધન નથી થવું
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
કંપનીના ચૅરમેનની ચૅમ્બરમાં 'સત્યમેવ જયતે'નું બોર્ડ જોઈ પ્રેરિત ખુશ થયો. ચૅરમેને તેને પપ્પાનું નામ પૂછ્યું : પ્રેરિત કહ્યું : 'હું શું છું' એ પૂછો. હું પપ્પાના નામે ઓળખાવા માગતો નથી !
પોતાના પપ્પા મોટા સરકારી ઓફિસર હતા. એટલે નિર્મિત એમ માનતો કે એમની લાગવગથી પોતાને પણ સહેલાઇથી નોકરી મળી જશે. પોતાના મોટાભાઈ પ્રેરિતને પણ તે કહેતો : 'કિતાબના કીડા' શું કામ થાઓ છો ? આજે લાયકાતનું કશું જ મહત્ત્વ નથી. લાયકાત લાગવગને ઘેર પાણી ભરવાની મજૂરી કરે છે.'
'નિર્મિત, તારા પ્રમાદી વિચારો મારા પર લાદવાની કોશિશ ન કરીશ. મારે 'બાપકર્મી' નહીં 'આપકર્મી' બનવું છે. હું પપ્પાજીનું નામ વટાવવા ઇચ્છતો નથી એટલે મારો પરિચય આપતી વખતે પણ હું મિ. માર્કંડેયનો પુત્ર છું, એમ કહેતો નથી. હું માત્ર 'પ્રેરિત' તરીકે જ મારો પરિચય આપું છું. નોકરીમાં 'લાગ' શોધનારા 'વગ' દારો વગર લાયકાતે પ્રવેશે ત્યારે વહીવટનો વિનાશ થતો હોય છે. નિર્મિત, તને મારી વાત નહીં ગમે, પણ એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે દેશનો વહીવટ દૂષિત થાય, એવું એક પણ કદમ ન ઉઠાવીએ.'
'પ્રેરિતભાઈ, જમાનો બદલાઈ ગયો છે ! દેશને 'પોષનારા' નહીં, દેશને 'શોષનારા' રાજકારણ અને વહીવટમાં ખેરખાં ગણાય છે ! કડવાં વેંણ સંભળાવનારી કાબેલિયત એ લોકપ્રિય નેતાની સફળતાનું પ્રમાણપત્ર બની ગઈ છે.''પ્રેરિતે ઉત્તર આપ્યો, 'નિર્મિત, હું ભૂખે મરવાનું પસંદ કરીશ, પણ પપ્પાની સિફારિશથી નોકરી મેળવવાનો પ્રયત્ન ક્યારેય નહી કરું.''ભલે હારો અને થાકો ત્યારે મારી પીઠ થાબડતાં કહેજો કે નિર્મિત તું સાચો છે. જેને જમાનાની ચાલ પારખતાં આવડતું નથી, એને જમાનો ઠેબે ચઢાવે છે.
સત્ય સ્વાર્થ સામે સતત હારતું રહ્યું છે. સાચાબોલો વેપારી ભૂખે મરે છે અને બનાવટી, કાળાબજારીઆ અને લોકોને ઉઠાં ભરાવનારા ભ્રષ્ટ વેપારીઓ ફાવી જાય છે. ચંદ્રસેખર આઝાદ, ભગતસિંહ કે દેશ માટે મરી ફિટનારા દેશભક્ત સ્વાતંત્ર્ય સેનાનીઓને મૂર્ખ ગણનાર લોકો પાસે તમે શી અપેક્ષા રાખી શકો ? આજે બાપને નામે 'બેટડા'ઓ તરી રહ્યા છે, ત્યારે તમારા જેવા આપકર્મીની કદર કોણ કરશે ?'પ્રેરિતને લાગ્યું કે નિર્મિત તકવાદી છે. એના ભણતરે એને 'સ્નાતક' બનાવ્યો પણ અંદરથી એ સાવ કોરો છે !
નિર્મિત પપ્પા માર્કંડેયને ખુશ રાખવા તનતોડ મહેનત કરતો. એમના બૂટને પોલિશ જાતે જ કરી આપતો. ઓફિસેથી તેઓ પાછા ફરે ત્યારે તેમના બુટ અને મોજા જાતે જ કાઢી આપતો. પપ્પા માટે ગરમાગરમ ચાનો કપ પણ નોકરને બદલે નિર્મિત પોતે જ લઇને એમની કૃપાદ્રષ્ટિ ઝિલવા તત્પર રહેતો. એટલે મમ્મી કાર્તિકા પણ કહેતાં : 'પ્રેરિત નિર્મિતને જોઇને થોડું શીખ આમ અતડો રહીશ તો તારો ભાવ કોઈ નહીં પૂછે. ભગવાનને પણ ભક્તિ વહાલી હોય છે. તારા પપ્પાને રિઝવીશ તો તું પણ મોટો ઓફિસર બની શકીશ. આદર્શવાદનું પૂંછડું પકડીને બેસી રહીશ તો નહીં રહું ઘરનો કે નહીં રહું ઘાટનો ! કળિયુગમાં સરકારી ઓફિસર તો 'કલ્પવૃક્ષ' છે. એનો છાંયડો લે તે તરી જાય ! પદ માત્ર વટ માટે નહીં પણ ખટપટ માટે છે, એ આજનું જીવનસૂત્ર બની ગયું છે. માબાપને પણ અક્કડ સંતાન કરતાં કહ્યાગરું સંતાન ગમે છે, આ વાત તું કેમ સમજતો નથી ?'
વર્ષો વહેતાં રહ્યાં. નિર્મિત ગ્રેજ્યૂએટ થયો અને પ્રેરિત એમ.એ. થયો. માર્કંડેયની નિવૃત્તિને આડે હવે માત્ર ત્રણ વર્ષ હતાં. એટલે તેઓ નિવૃત્તિ પહેલાં બન્ને દીકરાઓને 'ઠેકાણે' પાડવા ઇચ્છતા હતા. એમનો પી.એસ. બટુકેશ્વર, પહોંચેલી માયા હતો. બૉસ માર્કંડેયના નામનો દુરુપયોગ કરી તે ધાર્યાં કામ પાર પાડતો હતો. એ પણ પોતાના દીકરાને 'ઠેકાણે' પાડવા ઉત્સુક હતો.એક સરકારી નોકરી માટે નિર્મિત અને પ્રેરિતે અરજી કરી હતી. બટુકેશ્વરના પુત્ર નિશીથે પણ અરજી કરી હતી.
બટુકેશ્વરે ધમપછાડા કરી સરકારી નોકરી માટેની પ્રવેશ પરીક્ષાનું પેપર ગમેતે રીતે મેળવી લીધું અને 'રોકડી' કરવા માંડી. ફોડેલા પેપરની એક નકલ બૉસની પત્ની કાર્તિકાને આપી. કાર્તિકા ખુશખુશાલ થઇ ગયાં અને પહેલાં નિર્મિતને એ પેપરની નકલ આપી અને ખચકાતાં - ખચકાતાં એક નકલ પ્રેરિતને પણ આપી.
નિર્મિતે મમ્મીની કોટે વળગીને તેમનો આભાર માન્યો, પણ પ્રેરિતે ફૂટેલા એ પેપર પર નજર સુધ્ધાં ન કરી. નિર્મિતે પોતાના એક ભૂતપૂર્વ ટયૂટરને બોલાવી ફૂટેલા પ્રશ્નપત્રના જવાબો તૈયાર કરી લીધા. બટુકેશ્વરના પુત્ર નિશીથને પણ પરીક્ષાની પૂર્વ તૈયારીમાં સાથે રાખ્યો. પરંતુ પ્રેરિતે એ ગેરરીતિમાં સામેલ થવાનો ધરાર ઇન્કાર કર્યો.
પ્રેરિતને કારકિર્દીની સફળતા માટે આવો ભ્રષ્ટાચાર ગમતો નહોતો. એણે ખાનગી રીતે સંબંધિત અધિકારીને ફૂટેલા પ્રશ્નપત્રની નકલ ફરિયાદ રૂપે મોકલી આપી.
ટયૂટરે તૈયાર કરાવેલા જવાબોથી સજ્જ બનેલો નિર્મિત સવારે મોડો ઉઠયો. ઉતાવળે છાપા પર નજર કરી. મોટા અક્ષરે 'પેપર ફૂટી જવાને કારણે સરકારી ભર્તીની પરીક્ષા મોકુફ રહ્યાના સમાચાર હતા ! નિર્મિત અને નિશીથનાં સ્વપ્નો પર પાણી ફરી વળ્યું.'
બટુકેશ્વરે બૉસ માર્કંડેયની કાન ભંભેરણી કરી પેપર ફૂટયાની અરજી કરવામાં તેમના મોટા દીકરા પ્રેરિતનો જ હાથ છે, એ વાત તેમના દિમાગમાં ઠસાવવાની કોશિશ કરી.
માર્કંડેય ઉશ્કેરાયા. સાંજે ઘેર જતાં વેંત એમણે પ્રેરિતનો ઉધડો લીધો. પ્રેરિતે ચોખ્ખુંચટ સંભળાવી દીધું : 'નોકરીની આશાએ પૂર્વ તૈયારીની મહેનત કરતા સામાન્ય યુવકોને અન્યાય થાય અને બેઇમાનો ફાવી જાય, એ મને મંજૂર નહોતું. આપ પણ એવી બેઇમાનદારીના ભાગીદાર બનો, એ મારે માટે અસહ્ય હતું.'
'અરે મૂર્ખ, કયો બાપ પોતાના દીકરાઓનું ભલું નથી ઇચ્છતો ? હાથમાં આવેલો મોકો જતો કરે એના ભાગે ખજાનો નહીં પણ આંસુ જ આવે. હું નિવૃત્ત થઇશ પછી તમારો કોઈ ભાવ પણ નહીં પૂછે. આટલી સીધી વાત તું કેમ સમજતો નથી ? તું તારું ભવિષ્ય બગાડી રહ્યો છે અને સાથે સાથે તારા નાનાભાઈ નિર્મિતનું પણ.' - માર્કંડેય કહ્યું.
'પપ્પા, આપે ધૃતરાષ્ટ્ર થવું હોય તો ભલે થાઓ, પણ મારે દુર્યોધન નથી થવું. દેશમાં ધૃતરાષ્ટ્રોની સંખ્યા વધે ત્યારે આંતરિક અને બાહ્ય મહાભારતો સર્જાતાં હોય છે. સત્તાધીશો સંતાનોને સંસ્કારનો વારસો આપવાને બદલે સત્તાનો વારસો આપવા લાજ-શરમને નેવે મૂકે છે.' - પ્રેરિતે કહ્યું.
'તું નમકહરામ છે. બાપના ઘરનું ખાય છે ને બાપની જ નિંદા કરે છે ! ઇમાનદારીનો ઝંડો લઇ ફરવાના અભરખા હોય તો મારું ઘર છોડીને નીકળી જા. હું કબૂલ કરું છું કે હું ધૃતરાષ્ટ્ર છું, પણ હું યુધિષ્ઠિરને ખોળે બેસાડવા કદાપિ તૈયાર નહીં થાઉં... તારા કરતાં મને નિર્મિત વધુ વહાલો છે. કારણ કે એ 'પ્રેક્ટીકલ' છે.' - માર્કંડેયે પ્રેરિતની ઝાટકણી કાઢી.
પ્રેરિત ચૂપ રહ્યો. મમ્મી કાર્તિકાએ રાત્રે ભોજન કરવાનો આગ્રહ કર્યો છતાં તેણે જમવાનું ટાળ્યું...
અને વહેલી સવારે પ્રેરિતે કોઇને કશું જ કહ્યા વગર ઘર છોડી દીધું... એની પાસે સ્કોલરશીપ તરીકે મળેલી થોડીક બચત હતી. અન્ય ક્યાંય જવાને બદલે એણે એક ધર્મશાળામાં આશરો લીધો.
સવારે પ્રેરિતની ઘરમાં ગેરહાજરી જોઈ મમ્મી કાર્તિકાએ રડવાનું શરૂ કરી દીધું, પણ માર્કંડેયે કહ્યું : 'મેં પ્રેરિતને વનવાસ નથી આપ્યો, એણે ઘરનાં સુખોને લાત મારી છે. એના જેવા અનેક આદર્શવાદીઓ ભૂખે મર્યા છે. લોકોને કામના બદમાશો પણ વહાલા લાગે છે, નકામા આદર્શવાદીઓ નહીં. ખબરદાર ! મારી રજા સિવાય પ્રેરિતને ઘરમાં પ્રવેશવા દીધો છે તો ! હવે નિર્મિત જ આપણું સર્વસ્વ છે.'
ખુશામતખોર નિર્મિતે પપ્પાના ચરણોમાં મસ્તક ઢાળી કહ્યું : 'પપ્પા, મારો વિશ્વાસ રાખજો, હું તમારો પડતો બોલ ઝિલીશ. તમારી નિવૃત્તિ બાદ હું જ તમારી ટેકણ લાકડી બનીશ. ગમે તેમ કરીને મને સારી નોકરી અપાવી દો. આપની લાગવગ જ મારી જીવાદોરી છે. આપની નારાજગી વહોરી વિદ્રોહી બનનાર પ્રેરિતભાઈ કદીયે સુખી નહીં થાય ! 'હું તો એક જ વાત યાદ રાખું છું : ભૂલો બધું ભલે પણ, મા-બાપને ભૂલશો નહીં.' મા-બાપના દોષ ન જોવાય, માત્ર ગુણ જ જોવાય !' અને માર્કંડેય ખુશખુશાલ થઇ ગયા.
એમણે ઑફિસે ગયા બાદ પોતાના ટેબલ પર 'પેન્ડિંગ' રાખેલી ફાઈલો પૈકી કઇ ફાઈલનો માલિક વર્ચસ્વવાળો છે. તે શોધી બટુકેશ્વર દ્વારા તેના શેઠને મળવા આવવાનો સંદેશો પાઠવ્યો.
કંપનીના મેનેજિંગ ડિરેકટર રૂબરૂ મળવા આવ્યા. તેમની કંપનીની મંજૂરીમાં આડે આવતા વાંધાઓ દૂર કરવાની માર્કંડેયે તૈયારી દર્શાવી. કંપનીના મેનેજિંગ ડિરેકટર ખુશ થઇ ગયા. એમણે કહ્યું : 'આપની કૃપાનો ભાર હું તાત્કાલિક ઉતારવા માગું છું. પણ કામ ચીંધો.'
માર્કંડેય કશો જવાબ આપે એ પહેલાં તેમની ચૅમ્બરમાં પ્રવેશતા તેમના સેક્રેટરી બટુકેશ્વરે કહ્યું : 'બોસ કશું નહીં કહે, પણ એમના વતી એમનું હિત જોવાની મારી ફરજ છે : બૉસના પુત્ર નિર્મિતભાઈને તમારી ઓફિસમાં મોટા પગારથી ડેપ્યુટી મેનેજર બનાવો અને મારા પુત્ર નિશીથને આસિસ્ટંટ મેનેજર બનાવો. આપની ફાઈલ ક્લીઅર થવાથી આપને કરોડો રૂપીઆનો ફાયદો થવાનો છે. એની સરખામણીમાં મારી આટલી નજીવી માગણીની કાંઈ જ કીંમત નથી.'
માર્કંડેયે આડુ જોયું અને કંપનીના મેનેજિંગ ડિરેકટરે કહ્યું : 'બન્ને માગણીઓ મને કબૂલ. મને સેવાની તક આપી એ બદલ માર્કંડેય સાહેબનો તથા આપનો આભારી છું... કાલે આપ બન્નેના દીકરાઓને નોકરી પર હાજર થવા મોકલી આપજો' કહી માર્કંડેયનો આભાર માની મેનેજિંગ ડિરેકટરે વિદાય લીધી. નિર્મિતને એ વાતની ખબર પડતાં જ તે બટુકેશ્વર અંકલને ઘેર દોડી ગયો અને તેમને સોનાની વીંટી અને ચેઇન ભેટ આપી આભાર માન્યો.
બીજે દિવસે નિર્મિત અને નિશીથ નોકરીએ 'ગોઠવાઈ' ગયા. માર્કંડેયે પણ બટુકેશ્વર જેવા વફાદાર સેક્ટેરીની પીઠ થાબડી.
પ્રેરિતે ઠેકઠેકાણે અરજીઓ કરી નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા. દરેક ઠેકાણે એક જ પ્રશ્ન પૂછાતો : 'તમે કોના પુત્ર છો ? તમારા પિતાનું નામ શું ?' પરંતુ આપકર્મી પોતાના પપ્પા માર્કંડેયના નામનો ઉલ્લેખ કરવા નહોતો માગતો. દરેક ઠેકાણેથી એક જ જવાબ મળતો : 'કોઈ મોટા માણસ'ની લાગવગ લાવો અથવા રૂપીયાની બેગ તૈયાર રાખો.
મિત્રો પાસેથી પૈસા ઉછીના લઇ પ્રેરિતે કામ ચલાવ્યું. પ્રેરિતનો મિત્ર નીરદ તેની સત્યનિષ્ઠાથી ખૂબ જ પ્રભાવિત હતો. તેણે પોતાની બેન તમન્ના સાથે લગ્ન કરવાની પ્રેરિતને વિનંતી કરી. પ્રેરિત સાથે તમન્નાનો ઇન્ટરવ્યૂ ગોઠવ્યો. તમન્નાની લીલી ઝંડી મળતાં સાદી વિધિથી બન્નેનાં લગ્ન કરાવવામાં આવ્યાં...
નીરદની ઇચ્છા પોતાનાં બેન બનેવી પોતાની સાથે જ રહે એવી હતી. પણ પ્રેરિતે 'ઘરજમાઈ' બનવાનો ઇન્કાર કર્યો. અને નીરદ પાસેથી લોન લઇ પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કર્યું.
ઘર ચલાવવા માટે તમન્નાએ નોકરી કરવાનું શરૂ કર્યું. નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા માટે એક પ્રિતષ્ઠિત કંપનીના ચૅરમેનની ચેમ્બરમાં પ્રવેશી. એણે પોતાનો પ્રભાવ દર્શાવવા સસરા માર્કંડેયનું નામ જણાવ્યું. એક સરકારી ઓફિસર તરીકે તેમના વર્ચસ્વનાં મુક્તકંઠે વખાણ કર્યાં. અને પોતે તેમની મદદથી કંપનીને જરૂરી બધા જ ફાયદા કરાવી આપ્યાની બાંયધરી આપવાની કોશિશ કરી.
પણ તમન્નાની વાતો સાંભળ્યા બાદ કંપનીના ચૅરમેને તમન્નાને કહ્યું : 'આપ જઇ શકો છો. આપે દર્શાવેલી સેવાઓની જરૂર હશે, ત્યારે આપને બોલાવીશું.'
અને તમન્ના નિરાશવદને ઘેર પહોંચી. પોતે સસરા માર્કંડેયની પુત્રવધૂ તરીકેનો પરિચય નોકરીના ઇન્ટરવ્યૂ દરમ્યાન આપ્યો હતો, એ વાત પ્રેરિતથી છૂપાવી.
એક મહિના પછી નીરદના આગ્રહથી તમન્ના થોડા દિવસ માટે પિયર રહેવા ગઈ. એ દરમ્યાન જે કંપનીમાં તમન્નાએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો, તે કંપનીના ચેરમેને તેનો પારિવારિક જીવન વિશે માહિતી મેળવી. ચૅરમેનના સેક્રેટરીએ તમન્નાના પતિ પ્રેરિતના આદર્શ જીવનનો વિસ્તારથી પરિચય આપ્યો. ચૅરમેન ખૂબ જ પ્રભાવિત થયા. એમણે પ્રેરિતને ફોન કરી નોકરીના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો.
કંપનીના ચૅરમેનની ચૅમ્બરમાં 'સત્યમેવ જયતે'નું બોર્ડ જોઈ પ્રેરિત ખુશ થયો. ચેરમેને તેને તેના પપ્પાનું નામ પૂછ્યું : એણે કહ્યું : 'આપ મને 'હું શું છું' એ પૂછો. હું પપ્પાના નામે ઓળખાવા માગતો નથી.'
ચૅરમેને પ્રેરિતની કસોટી કરવા પૂછ્યું : 'મેં તો સાંભળ્યું છે કે તમારા પપ્પા વગદાર સરકારી ઓફિસર છે. ધારે તો તમે અમને અનેક રીતે મદદરૂપ થઇ શકો.'
'સર, આપે 'સત્યમેવ જયતે'નો આદર્શ સ્વીકાર્યો છે. સત્યને કોઇની લાગવગની જરૂર નથી હોતી. આપ મને મારા પિતા માર્કંડેયના પુત્ર તરીકે નહીં પણ સત્ય ખાતર ઝઝૂમતા યુવક તરીકે નોકરીએ રાખશો તો મારી નોકરીએ રહેવાની તૈયારી છે.'
ચૅરમેને મૌન ધારણ કર્યું અને પોતાના પર્સનલ સેક્રેટરીને ઇન્ટરનલ ફોનથી પોતે સોંપેલા
કામના કાગળો સાથે મળવા આવવાની સૂચના આપી.
સેક્રેટરીએ ચૅરમેનના હાથમાં એક કવર મૂક્યું. ચૅરમેને એ કવર પ્રેરિતને આપ્યું. પ્રેરિતને લાગ્યું કે ચૅરમેન લાંચ આપી રહ્યા છે. એણે કહ્યું : 'માફ કરજો, મારે મફતનું કશું જોઇતું નથી.'
ચૅરમેને કહ્યું : 'આ કવરમાં મફતનું કશું નથી. તમે આદર્શો ખાતર વેઠેલાં સંકટોનો પુરસ્કાર છે. સત્ય જીત્યું છે. કંપની તમને પોતાના એડિશનલ મેનેજરના સ્થાને બેસાડી રહી છે તેનો આ નિમણૂક પત્ર છે.'
પ્રેરિત ગદ્ગદ્ થઇ ગયો. એણે ચેરમેનને વંદન કરી આભાર માન્યો.
ચૅમ્બરમાં પડઘાઈ રહ્યા પેલા બોર્ડના શબ્દો : 'સત્યમેવ જયતે'