યાર, પહેલા જેવી મઝા નથી આવતી
હોરાઈઝન - ભવેન કચ્છી
વિસ્તરતું નગર અને સંકુચિત બનતી જતી સૃષ્ટિ ભલે કહેવાય વિશાળ ઘર પણ અંદર એકલતાના સૂર
લગ્ન વખતે સમાજમાં વટ પાડવા હજાર- પંદરસો જણાને આમંત્રીને રોફ મારતા કુટુંબોમાં અવસાન કે માંદગી વખતે ગણીને પચાસ જણા પણ નથી હોતા
મમ્મી- પપ્પા જાણે ઘરમાં મુલાકાતી હોય તેમ સંતાનો 'હાય મોમ, હાય ડેડ' કહીને ઉંદર તેના દરમાં ભરાઈ જાય તેમ તેના અલાયદા રૂમમાં ચાલ્યા જાય
''યાર, પાંચેક રૂમો અને આધુનિક ઇન્ટીરીયર ડિઝાઇનિંગ સાથેના બંગલામાં રહેવા આવ્યો છું. પણ અગાઉના અમારા જૂની બાંધણીના ઘરમાં રહેતા હતા તેવી મઝા આવતી નથી. કંઈક ખૂટતું હોય તેમ લાગે છે.''
કોઈ પણ સફળ અને પૈસેટકે સંપન્ન બની ગયેલી વ્યક્તિનું સ્વપ્ન હોઈ શકે તેવો બંગલો આ ભાઈએ બનાવ્યો હતો. બહારના ભાગમાં નાનો બગીચો, વિશાળ ડ્રોઇંગરૂમ, મહેમાનો માટેનો અલગ લીવિંગ રૂમ- બેડ, તેમના બે સંતાનના પ્રત્યેકના અલાયદા રૂમ, આ ભાઈના પોતાના ઓફિસ કામ માટેેેનો કોમ્પ્યુટર તથા કોમ્યુનિકેશનના લેટેસ્ટ ઉપકરણો સાથેનો રૂમ, કીચન, પત્નીની બહેનપણીઓ બેસી શકે તે માટે તેનો અલગ રૂમ, વિઝીટર્સ રૂમ પણ ખરો તેમાં વળી પોશ ફર્નિચર, દીવાલો પર ઓઇલ પેઇન્ટ અને કલાત્મક સુશોભન બંગલાને આલિશાન રૂપ આપતો હતો. વળી હવે તો ખાસ્સુ કમાતા આ ભાઈએ નોકરો, ડ્રાઇવર અને રસોઇયા પણ રાખ્યા હતા.
મોટાભાગના આવા શ્રીમંત બની ગયેલાઓનો આ સામાન્ય સૂર છે કે, 'યાર પહેલા જેવી મઝા આવતી નથી.' પશ્ચિમ અને આધુનિક ડિઝાઇનના મકાનોની નકલ કરતા આપણે શું ગુમાવીએ છીએ તેનો કેસ સ્ટડી કરવા જેવો છે. બાળકોનો અભ્યાસ, ઇતર પ્રવૃત્તિ, સ્પોર્ટ્સની રીતે સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે. પણ આપણી સંસ્કૃતિનું, કુટુંબ અને સમાજજીવનનું જે સૌથી મજબૂત પાસું છે તે આવી ડિઝાઇનના બંગલા કે ફ્લેટમાં ખતમ થઈ જાય છે.
સંતાનો માટે અલગ સ્ટડી રૂમ, કોમ્પ્યુટર, રમકડા, પુસ્તકો તે પ્રકારનું ઇન્ટિરિયર પરવડી શકતું હોય તો ખોટું નથી પણ સંતાનને પહેલેથી એવું જ ઠસાવવામાં આવે કે તારે અલાયદા રૂમમાં જ ભણતા રહેવું કે પ્રવૃત્તિ કરતા રહેવી તે હતાશાજનક બાબત છે. આવા સંતાનો સ્વ-કેન્દ્રી અને સ્વાર્થી બની જાય તે હદે તેમના આ અલાયદા રૂમમાં પડયા રહે છે. સગા સ્નેહી તો ઠીક તેમા મમ્મી- પપ્પા કે અન્ય ભાઈ-ભાંડુ સાથે પણ રોજેરોજનો તેનો સંપર્ક ઘટતો જાય છે. તેમના મોટા બંગલા કે ફ્લેટમાં જાણે કોઈ ભાડૂઆતને તમામ સગવડો સાથે રૂમ ફાળવ્યો હોય તેમ આ ઘરના સભ્યો રહેતા હોય છે.
ભણવાનું હોય નહીં તો પણ આવા સંતાનો એશ-આરામથી તેમના રૂમમાં પડયા રહે છે. મમ્મી- પપ્પા હોંશે હોંશે તેમનો બંગલો સગા- મિત્રોને બતાવતા વારંવાર 'પ્રાઇવસી' શબ્દ બોલીને બડાશ મારતાં હોય છે તે આ સંતાનોએ ઝીલી લીધો હોય છે. મમ્મી- પપ્પા જાણે ઘરમાં મુલાકાતી હોય તેમ તેઓ, તેમના રૂમમાંથી બહાર નીકળી 'હાય મોમ, હાય ડેડ' બોલી ફરી ઉંદર તેના દરમાં ચાલ્યો જાય તેમ તેના રૂમમાં ભરાઈ જાય છે. શ્રીમંતોની દેખાદેખી અને જાણે સ્ટેટસનું પ્રતીક બની ગયું હોય તેમ મમ્મી- પપ્પા પણ તેમના સંતાનોને તમામ સગવડો ધરાવતા તેઓના અલાયદા રૂમમાં રહે તે પસંદ કરે છે.
તેમના મિત્રવર્તુળમાં આ અંગે બડાશ મારે છે.
જૂના જમાનાના ઘરો પાંચ- દસ ઓરડાઓ ધરાવતા હતા. પણ તે વખતે વડીલો કુટુંબભાવના પર વિશેષ ભાર મૂકતા હતા. સંતાનદીઠ કે ઘરના સભ્યદીઠ ઓરડાઓની ફાળવણી થતી નહોતી. આપણે સાવ જૂના જમાનાને અનુસરવાની જરૂર નથી. સંતાનો ભણવા કે ઇતર પ્રવૃત્તિના સમયને બાદ કરતાં તે મુખ્ય ડ્રોઇંગરૂમ, મમ્મી- પપ્પાને બેડરૂમથી માંડી આખા ઘર 'ઇન ટોટલીટી' આખું ઘર તેનું છે તે રીતે રહે તે જરૂરી છે.
અગાઉ સંતાનો ઘરના વડીલ સભ્યની વચ્ચે જ રહેતા, ફરતા અને નજર સામે જ તેમની રમવાની અભ્યાસની પ્રવૃત્તિ કરતા હતા. 'પ્રાઇવસી' શબ્દ સ્ટેટસ નહોતી મનાતી. કાકા- મામા, બાપા, માસી, ફોઈના સંતાનો સૌથી પહેલું મિત્રવર્તુળ રહેતું હતું. વેકેશનમાં જમાવટ થતી હતી. કુટુંબભાવના પ્રબળ રહેતી હતી. આજે સગાસ્નેહી ઘેર આવે છે ત્યારે પેલા સંતાનો પેલા અલાયદા રૂમમાંથી બહાર આવતા જ નથી. મમ્મી- પપ્પા આવી સ્થિતિમાં ગર્વ લે છે.
નજીકના સગાની ઓળખાણ કરાવવાની હોય તેમ મમ્મી કે પપ્પા તેમના સંતાનને બૂમ પાડીને બોલાવે ત્યારે સંતાન તેના રૂમમાંથી મોં પર કંટાળા અને મમ્મી- પપ્પા પર રોષના ભાવ લઈને બે-ત્રણ મિનિટ માટે બહાર આવે છે. સ્ટડીને બાદ કરતા સંતાનના રૂમમાં તેની જગાએ ઘરના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે તે રીતે કહેવાનું વાતાવરણ કેળવવું જરૂરી છે. તેના સ્ટડી રૂમ કરતા તે ઘર, કુટુંબનો સભ્ય છે તેવી તેની માનસિકતા કેળવાય તેના પર ભાર મૂકવો જોઈએ. મમ્મી- પપ્પાએ સંતાનોને પણ સગા- સ્નેહીઓના ઘેર લઈ જવાં જોઈએ તો જ તેઓનો સંપર્ક અને જોડાણમાં વધારો થશે.
સંબંધ ક્યારેય એકતરફી ટકતો નથી. જો તમારે ઘેર કોઈ ચાર વખત આવતું હોય તો તમારે પણ બે વખત જવાની ફરજ છે. આજે અમેરિકા, બ્રિટન કે પશ્ચિમના દેશોના નાગરિકો સમૃદ્ધિ છતાં તનાવ અને એકલતાના ભાવ સાથે ગુંગળાય છે તેનું કારણ એ છે કે તેઓને પાર્ટી- મિત્રોનું ગુ્રપ છ પણ આપણા જેવી કુટુંબ, પાડોશ, સમાજની હુંફ નથી. વિદેશમાં સંતાનો અને મમ્મી- પપ્પાના પક્ષના સભ્યોની પહેચાન અને પરવા નથી. હવે આપણે પણ આપણા સંતાનો માટે પશ્ચિમી સંસ્કૃતિનું જ આવું વાતાવરણ સર્જી રહ્યા છીએ.
લગ્ન વખતે રોલો પાડવા હજાર- પંદરસો જણાને આમંત્રણ આપી જલસો કરતાં કુટુંબના આમંત્રિતોમાંથી ખરા આપ્તજનો કોઈ હોય નહીં એવું બને. તેમના ઘરના કોઈના અવસાન કે માંદગી વખતે આ હજાર- પંદરસોમાંથી કેટલા ઉપસ્થિત હતા તેનું હાજરીપત્રક રાખવાથી ખબર પડશે કે ખરેખર આપણે કેટલું સ્વ-કેન્દ્રી, સ્વાર્થી અને અટુલું જીવન જીવીએ છીએ.
કુટુંબના સભ્યદીઠ અલાયદા રૂમ અને તેમાં વળી અલાયદા ટી.વી. ફોન લાઇન રહી-સહી તકને પણ મિટાવી દે છે. પપ્પા ન્યૂઝ કે શેરબજારના રોકાણની માહિતી આપતી ચેનલ જુએ, મમ્મી નેટફ્લિક્સ અને એમેઝોન પર ચેનલો તેના રૂમમાં જઈને જુએ અને તેમના બાળ વયના સંતાનો તેમના રૂમમાં કાર્ટૂન, ડબલ્યુડબલ્યુએફ જુએ. ટીન એજર સંતાનો તેમના રૂમમાં પોપ, વીથી માંડી અશ્લિલ પણ જોતા હોય છે. અલાયદો રૂમ જ બ્લ્યુ ફિલ્મ, ડ્રગ, અશ્લીલ વેબસાઇટોના કલ્ચરને જન્મ આપે છે.
તેવી જ રીતે મોબાઇલ કલ્ચરે પણ કુટુંબથી વ્યક્તિને અલગ કરી દેવાનું કામ કર્યું છે. પતિ ઘરમાં પત્નીના ઉમળકાભર્યા આવકારનો ઇંતેજાર કરતો રહે છે અને પત્ની તેની બહેનપણીઓ, કીટ્ટી પાર્ટીની સભ્યો જોડે કલાકો સુધી વાતો કરતી રહે છે. પતિ મહાશય, ઓફિસ, તેના રોકાણ અને જે સંસ્થા સાથે જોડાયા હોય તેના રાજકારણની વાતો ફોન પર કથા કહેતા હોય તે હદે કરે છે.
પત્ની બગાસાં ખાતા તેના રૂમમાં જઈને સૂઈ જતી હોય છે. ઘરમાં નોકર-ચાકર, રસોઈયાઓની સાહ્યબીએ પણ કુટુંબના સભ્યો વચ્ચે આત્મીયતામાં ઘટાડો કર્યો છે. તેઓની ભૂમિકા ખરેખર શ્રમ ઓછો કરવાની હતી. પણ તે ફેશન અને દેખાદેખીનો તે હિસ્સો બની ગયું છે. નોકર, રસોઈયાને કારણે કુટુંબીજનોને, પત્ની, પુત્રવધૂ કે પુત્રી દ્વારા લેવાતી કાળજી, હૂંફનો સ્પર્શ અને તેના કારણે ઉભી થતી આત્મીયતા પરિવારજનો ગુમાવતા જાય છે.
કોઈ માટે કંઈ કરવું તે સામેવાળી વ્યક્તિમાં પણ પ્રેમ અને ફરજની લાગણી જન્માવે છે. બીજા માટે કરવાનો તેનામાં પણ ભાવ જન્માવે છે. તેવી જ રીતે પતિ ડ્રાઇવર સાથેની પોશ કાર પત્નીને આપે છે. પત્નીને જે શોપિંગ કરવું હોય તેની છૂટ સાથે ક્રેડિટ કાર્ડ પકડાવી દે છે. પણ, પત્નીને શોપિંગ નહી કરાવો તો ચાલશે, ડ્રાઇવરની જગ્યાએ તેની સાથે બહાર નીકળો તેની તેને તલપ હોય છે. બહેનપણી જોડે વીસ ફિલ્મો જુએ તેના કરતા પતિ જોડે એક ફિલ્મ જુએ અને તે પણ પતિ સામેથી તેને તે માટે કહે તેની ધન્યતાનો ઇંતેજાર હોય છે.
માણસ માત્ર પ્રેમ, સમાજ અને હૂંફનો ભૂખ્યો છે. તે તેની સતત તલાશ કરતો ભટકે છે પણ દુન્યવી આડંબર, આંધળા અનુકરણ, સત્તા- શ્રીમંતાઈના અહંકારમાં તે ફસાઈ જાય છે.
એવું નથી કે વ્યક્તિને પોતાની અલાયદી સગવડો, રૂમ કે નોકરો ન હોવા જોઈએ. પણ તે આપણા કુટુંબિક જીવન સુખ-ચેન, તેમજ પ્રેમ લાગણીના છેદ ઉડાડી દે તે હદે હાવી થઈ જવા જોઈએ નહીં.
પૂર્વગ્રહ રાખ્યા વિના વિચારો કે તમામ સુખસગવડની હાજરી હોવા છતાં તેમને અશાંતિ, અજંપો કે કંઈક ખટકતું હોય તેવી લાગણી જન્માવે છે ? જો જવાબ 'હા'માં હોય તો તેનું આત્મનિરીક્ષણ કરી વિશ્લેષણ કરો.
બોલ્ડ....
* આપણી શેરી, ફળિયા, ખડકી કે જૂની શૈલીની નગર રચના અને કદાચ મધ્યમવર્ગીય વસ્તીના ફ્લેટમાં જ મસ્ત, હુંફાળા જીવનના દ્વાર છે.