Get The App

પૃથ્વી ફરતે ચકરાવો લેતો અવકાશી ભંગાર વાડો

હોટલાઈન - ભાલચંદ્ર જાની

હવે ઈસરોને પણ ચિંતા પેઠી

Updated: Dec 22nd, 2019

GS TEAM

Google News
Google News
પૃથ્વી ફરતે ચકરાવો લેતો અવકાશી ભંગાર વાડો 1 - image


અવકાશી ભંગારવાડો હવે એટલી હદે જોખમી બન્યો છે કે અવકાશયાનો મોકલવા અને ઉપગ્રહ તરતાં મૂકવા આકાશમાં ટ્રાફિક પોલીસની જરૂર પડશે!

ગયા એપ્રિલ મહિનામાં ભારતે 'મિશન શક્તિ' નામે એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું ત્યારથી નાસાના સ્પેસ સેન્ટરમાં ચહલપહલ વધી ગઈ છે. નાસા સાથે સંકળાયેલી ઈન્ટર એજન્સી સ્પેસ ડેબરીસ કોઓર્ડીનેશન કમિટિના સભ્યો તો એકદમ ચિંતિત થઈ ગયા છે.  

ભારતના આ પ્રયોગ હેઠળ મિસાઈલ વડે જે ડમી સેટેલાઈટને તોડી પડાયો તેના ૬૦ ટુકડા ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનની નજીક પહોંચ્યાનો દાવો કરી અમેરિકાએ કાગારોળ મચાવી. એક  પછી  એક ઉપગ્રહ કે સ્પેસ શટલ આ રીતે અવકાશમાં જ ભાંગી પડશે તો તેના છુટા પડેલાં ભાગો મોટી મોકાણ સર્જશે. અમેરિકાની આ સંસ્થા તેના નામ પ્રમાણે અવકાશમાં અટવાતી 'ડેબરીસ' એટલે કે ભંગાર પર 'વૉચ' રાખે છે. તેમની મુસીબતો દિવસે દિવસે વધતી જાય છે.

આ એજન્સીના એક અમલદારે જણાવ્યું તેમ પૃથ્વીથી ૬૦૦ કિ.મી.થી  લઈને  ૧૦૦૦  કિ.મી.  સુધીના  પટમાં    ઊંચે આકાશમાં એક વિરાટ ઉકરડો સર્જાયો છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતો આ ભંગારવાડો (ડેબરીસ) હવે જોખમી બની ગયો છે. અને નજીકના ભવિષ્યમાં હાથ ધરાનારી અવકાશયાત્રા માટે પણ ખતરનાક પૂરવાર થાય એમ છે. પૃથ્વી પરથી  ઊંચે ઊડનારા રોકેટ, સ્પેસ શટલ કે બીજા કોઈ પણ પ્રકારના યાનને વહેતું મૂકતાં પહેલાં હવે ખૂબ સાવચેતી રાખવી પડે છે.

જેમ કે અમેરિકાનું સ્પેસ શટલ અંતરિક્ષના પ્રવાસે ઊપડે તે પહેલાં તેેની ભ્રમણકક્ષા એક રાક્ષસી કોમ્પ્યુટરને 'ખવડાવવામાં આવે છે. અંતરિક્ષમાં કયો પદાર્થ ક્યાં ઘૂમી રહ્યો હશે તેની લગભગ સંપૂર્ણ બાતમી ધરાવતું કોમ્પ્યુટર  લાખો ગણતરીઓ માંડીને એટલું ચોક્કસ  કરે છે કે સ્પેસ શટલ સાથે કોઈ  પદાર્થ ભૂલેચૂકે પણ ટકરાય નહીં. ટકરાવાની વાત તો જવા દો, તેનો માર્ગ પણ ચાતરશે નહીં.

તકેદારીને આટલેથી પૂર્ણવિરામ નથી મૂકાતું. સ્પેસ શટલ ખરેખર ભ્રમણકક્ષામાં દાખલ થાય ત્યારે પેલુ કોમ્પ્યુટર આગામી છ કે બાર કલાક સુધી તેનો માર્ગ બિલકુલ મોકળો હોવાની ખાતરી કરતું રહે છે. જો આડી ઊતરતી બિલાડી જેવો કોઈ પદાર્થ નજરે પડે તો સ્પેસ શટલના યાત્રીઓને તરત ફંટાઈ જવાની સૂચના અપાય છે અને કઈ રીતે ફંટાવું તે નક્કી કરવા માટે કોમ્પ્યુટર વળી પાછા લાખો ગણતરીઓ માંડે છે!

આ બધી પળોજણનું કારણ એ કે પૃથ્વી નજીકનું અંતરિક્ષ હવે ભંગારવાડો બની ગયું છે. નકામા ઊપગ્રહો અને તેમના કવચો, બળી ચૂકેલા રોકેટના તબક્કાઓ, બટકેલી એન્ટિના તથા સોલાર પેનલો, અવકાશયાત્રીઓ દ્વારા ત્યજી દેવાયેલાં કચરાનાં પેકેટો વગેરે જાતજાતની ચીજો કશા પ્રયોજન વિના પૃથ્વીના ચકરાવા મારી રહી છે.

અરે, અવકાશયાત્રીઓના મળમૂત્ર ધરાવતી થેલીઓ અને વધેલાં આહારની ફૂડબેગ્સ પણ આ કચરામાં સામેલ છે! નોંધપાત્ર કદ ધરાવતી ચીજોની જ વાત કરીએ તો તેમની સંખ્યા આશરે  ૨૧,૦૦૦ જેટલી હશે. એ સિવાય નાનાં 'ધૂળ-ઢેફાં' લાખોના હિસાબે હોય તો આશ્ચર્ય નહીં. આ વણ જોઈતો ટ્રાફિક મુખ્યત્વે ૩૦૦ થી ૫૦૦ માઈલ ઊંચેની ભ્રમણકક્ષામાં કેન્દ્રિત થયો છે, ટ્રાફિકનો બીજો પટો ૨૨,૩૦૦ માઈલ ઊંચેની 'સ્થિર ભ્રમણકક્ષામાં છે, આ બેઉને મુંબઈના ભુલેશ્વર સાથે કે અમદાવાદના  ભદ્ર વિસ્તાર સાથે સરખાવી શકાય.

 થોડાં વર્ષ પૂર્વે ચીને દોઢ ડહાપણનું કામ કર્યું  પછી અવકાશી ઉકરડાની સમસ્યા વધુ ગંભીર બની છે. ચીને પોતે ઉપગ્રહ વિરોધી મિસાઈલ વિકસાવી છે. આ ક્ષેપકાસ્ત્રનું પરિક્ષણ કરવા ચીને પોતાના જ એક નકામા ઉપગ્રહ પર નિશાન તાક્યું હતું. પૃથ્વીથી ૮૩૦ કિ.મી.ની ઊંચાઈએ ફરતા આ ઉપગ્રહનું વજન એક ટન  હતું.

ચીને જમીન પરથી દાગેલા મિસાઈલે પ્રતિ કલાકે ૨૯૦૦૦ કિ.મી.ની ઝડપે આકાશમાં ધસી જઈ આ ઉપગ્રહના ભૂક્કા બોલાવી દીધા હતા. પરિણામે આ સેટેલાઈટના હજારો નાના-મોટા ટુકડા આકાશમાં ચોતરફ ફંગોળાયા હતા. ધીરે ધીરે આ ડેબરીસે પૃથ્વી તરફ એક આખો પટ્ટો રચી દીધો હતો.

આખું વિશ્વ ચીનના આ મિસાઈલ પ્રયોગથી ચોંકી ઊઠયું હતું. કારણ કે આ ઍન્ટી સેટેલાઈટ મિસાઈલ પ્રયોગથી ચીને આકાશી ઉકરડાની વૈશ્વિક સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે.

ભારતે  મિશન  શક્તિનો   પ્રયોગ  કર્યો  પરંતુ એ વાતની  તકેદારી  લીધી હતી  કે મિસાઈલ ટકરાવાથી  જે ડમી  સેટેલાઈટનો  ભુક્કો   બોલી  જાય તે પરિક્ષણ  ભારતે  નીચલી  ભ્રમણકક્ષામાં  કર્યું  હતું. જેથી  કાટમાળના  ટુકડા ૪૫ દિવસની અંદર  નામશેષ  થઈ જાય. 

ભંગારની ભીડ ફક્ત ઉપગ્રહો ચડાવવાની નિર્દોષ પ્રવૃત્તિને કારણે સર્જાઈ એવું પણ નથી. 'લોકોનું જે થવાનું હોય તે થાય, આપણા બાપનું શું જાય?' ની વૃત્તિ સાથે રશિયા અને અમેરિકા  ક્યારેક બેજવાબદાર રીતે વર્ત્યા છે. દા.ત. ડેલ્ટા પ્રકારના ૧૦ અમેરિકન રોકેટો તેમના સ્ફોટક બળતણને લીધે અંતરિક્ષમાં ફાટયા હતાં. અને ભંગારરૂપે ચકનાચૂર થઈ  ગયાં હતાં. આ રોકેટોને સલામત બનાવવાની દરકાર અમેરિકાએ વર્ષો સુધી ન દાખવી એ જ પ્રમાણે રશિયાએ ચીનની માફક 'હંટર-કિલર' સેટે-લાઈટના અસંખ્ય  પ્રયોગો કર્યા, જેના પરિણામે કેટલાક ઉપગ્રહોની કાયા વેરણછેરણ થઈ ગઈ.

માનવા જેવું નહીં લાગે, પણ ૧,૦૦૦ રતલી ઉપગ્રહના ફુરચા ઊડે ત્યારે તે નાની-મોટી દસેક લાખ કરચોમાં વહેંચાઈ જઈ શકે! આ પૈકી વટાણાના કદની કરચ પણ સ્પેસ શટલને (અથવા તાજા છોડાયેલા ઈસરોના ઉપગ્રહને)શું  જફા પહોંચાડી  શકે. એક પ્રયોગમાં આવી જ છ ગ્રામની કરચને ૧૬,૨૦૦ માઈલનાવેગે એલ્યુમિનિયમની ઈંટ પર ઝીંકાઈ ત્યારે ઈંટના ભૂક્કા બોલી ગયા! આ જાતની ચોટ સ્પેશ શટલને વાગે ત્યારે તેના શા હાલ થાય? અને ધરતી પરનું પેલું કોમ્પ્યુટર અદ્યતન હોવા છતાં કેટકેટલા ભંગારોનું પગેરું   રાખે?

અંતરિક્ષનો ફલક બહુ વિશાળ છે, એટલે હમણાં સુધી વિજ્ઞાાનીઓ ટક્કર અંગે નિશ્ચિત હતા.  પરંતુ બારિક ભંગારોની સંખ્યા હવે વધતી જાય છે, એટલે ટક્કરનું જોખમ પણ વધ્યું છે અને દરેક ટક્કર વળી નવો ભંગાર સર્જે છે.  જુલાઈ ૨૪,૧૯૮૧ના દિવસે રશિયાનો કોસ્મોસ - ૧૨૭૫ ઉપગ્રહ ૬૦૦ માઈલ ઊંચી ભ્રમણકક્ષામાં ઘૂમી રહ્યો  હતો ત્યારે ધાતુનો એક ટુકડો ઓચિંતો ક્યાંકથી ઘસતો આવ્યો અને ઉપગ્રહના કુરચા ઊડાડી દીધા. ઘડીક પહેલાંનો  અકબંધ ઉપગ્રહ ૧૪૦ કટકામાં વહેંચાઈ ગયો, એ ઉપરાંત હજારોની સંખ્યામાં નાની કરચો બની હોય તે જુદી!

વિજ્ઞાાનીઓને  રહી રહીને ચિંતા પેઠી છે કે સ્પેસ શટલની સફરો દિનપ્રતિદિન વધતી જાય છે. ત્યારે અવકાશી ભંગાર તેના માટે ક્યાંક જીવલેણ હોનારત ન સર્જી બેસે! જો કે ચિંતામુક્ત થવા માટે તેમની પાસે કશો ઈલાજ પણ નથી.

એટલે જ ભારતને પણ આ અવકાશી ઉકરડાની ચિંતા સતાવી રહી છે. તાજેતરમાં જ એવું નક્કી થયું છે  કે અવકાશમાંના ભંગારરૂપ પદાર્થો અને અન્ય જોખમો સામે ભારતીય ઉપગ્રહોને સુરક્ષા પૂરી પાડવા ઇસરોના 'પ્રોજેકટ નેત્ર' માટે ૩૪ કરોડ રૂપિયાનું અનુદાન કેન્દ્ર સરકાર આપશે.

અત્રે એ જણાવી દઈએ કે ભારતીય ઉપગ્રહો તેમજ અન્ય અવકાશી પદાર્થોને રક્ષણ પૂરૂં પાડવા માટે ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નેત્ર (નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેકટસ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ) નામની વેળાસર ચેતવણી આપતી સાવચેતીસૂચક પધ્ધતિ ગયા સપ્ટેમ્બરમાં જ લોન્ચ કરી હતી.

ભારતના જીઓસ્ટેશનરી કક્ષામાં ૧૫ કોમ્યુનિકેશન - સેટેલાઇટ સક્રિય છે. જ્યારે લો અર્થ ઓરબિટ (૨૦૦૦ કિલોમીટર ત્રિજ્યા)માં ૧૩ રીમોટ સેન્સિંગ સેટેલાઇટ, જ્યારે મિડિયમ અર્થ ઓરબિટમાં આઠ નેવિગેશન સેટેલાઇટ સક્રિય છે. આ ઉપરાંત, નાના અનેક સેટેલાઇટ અવકાશમાં ઉપસ્થિત છે.

સતીશ ધવન સ્પેસ સેન્ટરના પૂર્વ નિયામક એમ વાય એસ પ્રસાદે કહ્યું કે ભારત જવાબદાર 'સ્પેસ પાવર' છે, માટે અવકાશસ્થિત પદાર્થોની સુરક્ષા માટે એનું નિરીક્ષણ કરવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. દેશના નેત્ર પ્રોજેકટ દ્વારા આ ક્ષમતા હાંસલ થશે. અવકાશમાંના ભંગાર અને અન્ય જોખમો સામે રક્ષણ પૂરૂં પાડતી આવી પધ્ધતિઓ અમેરિકા અને રશિયા પાસે છે, જે નેત્ર પ્રોજેકટરૂપે ભારતને પણ હસ્તગત થશે.

એક અહેવાલ અનુસાર, લગભગ ૨૧,૦૦૦ માનવસર્જિત પદાર્થો અવકાશમાં જોવા મળ્યા છે. આ પૈકીના સાત ટકા પદાર્થો સક્રિય છે. થોડાક સમયગાળા પછી આ પદાર્થો નિષ્ક્રિય થઇ જાય છે અને અવકાશમાં ફરતા - ફરતા એક-બીજા સાથે ટકરાઈને ભસ્મીભૂત થઈ જાય છે.

અંતરિક્ષમાં વધ્યે જતો ભંગાર હવે રશિયાની નહીં તો અમેરિકાની નજરે એટલો ચિંતાજનક બન્યો છે કે તેને ઉશેટવા માટે ખાસ યોેજના ઘડયા વગર નાસાનો છૂટકો નથી રહ્યો. નાસાને બીક છે કે સાફસૂફી વેળાસર હાથ ધરવામાં નહીં આવે તો જરૂર કોઈ મોટી હોનારત સર્જાશે અને જાનમાલની ભયંકર ખુવારી થઈ જશે.

કારણ દેખીતું છે. મરી પરવારેલા ઉપગ્રહો સહિત અત્યારે ૮,૫૦૦  એવાં ભંગારો પૃથ્વીની ચોતરફ ઘૂમી રહ્યા છે કે જેમનો વ્યાસ ત્રણ ફીટ કરતાં ઓછો નથી. સરેરાશ ભંગાર કલાકના ૨૨,૦૦૦ માઈલની પૂરપાટ ઝડપે ઘસતો હોય ત્યારે તે આપોઆપ ગાઈડેડ મિસાઈલ જેવો વિનાશક બની રહે છે. ટક્કર થાય એટલી જ વાર! ટક્કર થવાની શક્યતા થોડાં વર્ષ પહેલાં લાખોેમાં એક જેટલી હતી.

પરંતુ ટૂંક સમય બાદ તે સંભાવના ૨૦૦માં એક જેટલી થઈ જશે. આનો મતલબ એ કે નવાં છોડાયેલાં અંતરિક્ષયાનો વારંવાર જૂના ભંગારો સાથે ટકરાઈને નામશેષ થતાં રહેશે. સરેરાશ  બે અબજ ડોલર જેની પાછળ  ખર્ચાઈ ચૂક્યા છે. એવા સ્પેસ શટલના જ અવકાશી ટક્કર વડે ભૂક્કા બોલી જાય તે નાસાને પરવડે તેમ નથી. તો બાંધી મૂઠી રાખીને અવનવા પ્રયોગો કરતા ઈસરોને પણ આવી ટક્કર જરાય પાલવે નહીં.

આ કારણસર અવકાશયાન મોકલનાર દરેક દેશ  પોતાનો માર્ગ જાતે જ  સાફ કરી લેવા માગે છે. અંતરિક્ષનો  કચરો  વાળવા માટે એક સ્વયં સંચાલિત સાવરણી ક્યારે બની રહે તેનો ઈન્તેજાર થઈ રહ્યો છે. આ સાવરણી વાસ્તવમાં યાંત્રિક હાથ-વાળો ઉપગ્રહ છે. સ્પેસ શટલ તેને પોતાના ફાલકામાં ગોઠવી અંતરિક્ષ સુધી લઈ જશે, ત્યાં એ ઉપગ્રહ બહાર નીકળી આપમેળે ભંગારની શોધ ચલાવશે.

નિષ્ક્રિય થઈ ચૂકેલા સેટેલાઈટથી માંડીને મીની રોકેટના નકામા ખોખા સુધીનો ગમે તે ભંગાર નજરે ચડે કે તરત સાવરણી જેવો ઉપગ્રહ તેનો પીછો કરશે અને યાંત્રિક હાથ વડે પકડીને સ્પેસ શટલ તરફ ખેંચી લાવશે. આ ભંગારને ત્યાર પછી ખુદ સ્પેસ શટલનો યાંત્રિક હાથ કબજે કરશે અને ફાલકામાં મૂકી દેશે.  

યુરોપિયન સ્પેસ એજન્સીએ જોકે નવો તુક્કો લડાવ્યો છે. તેમની યોજના એક એવા ઉપગ્રહને તરતો મૂકવાની છે જે 'સુપરમેન'ની માફક તેના બે પડખે રહેલી જાળ બિછાવે અને તેમાં અવકાશમાં તરતા ભંગારને ખેંચી લે. ચીને વળી જુદો કિમિયો વિચારી રાખ્યો છે અને એ છે લેસર બીમનો, થીન લેસર બીમ ફેંકી શકે તેવા ઉપગ્રહને અવકાશમાં મોકલી ભંગાર ટુકડાને નાના ટુકડામાં છિન્ન ભિન્ન કરી નાંખવાનું વિચારે છે. જેથી તે અવકાશયાન માટે જોખમી ન રહે.

અમેરિકાએ એક નવી યુક્તિ વિચારી છે. પૃથ્વી ફરતે ઘુમતાં અવકાશી ભંગારવાડાને ગેસની પિચકારી મારી તેની ગતિને ધીરી પાડવાની. એકવાર આ ટુકડાની ગતિ ધીમી પડે તો એ આપ મેળે પૃથ્વીના વાતાવરણમાં ધસી આવે અને એમ કરતા બળી જાય.

જાપાન ઈલેક્ટ્રીક ટેથર વાપરીને ભંગાર વાડો સાફ કરવા વિચારે છે. જેમાં એક કેબલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફરતો રહી વિદ્યુત કરંટ પેદા કરશે જે 'સ્પેશ જંક'ને પાછો પૃથ્વી તરફ ધકેલશે અને એ રીતે વાતાવરણમાં પ્રવેશતા હવા સાથેના ઘર્ષણથી બળી જશે.

વિજ્ઞાાનીઓએ આવા કાટમાળનો નાશ કરવાની બીજી એક યોજના પણ વિચારી રાખી છે. જેના અંતર્ગત પાંચ અબજ ડોલરના ખર્ચે સાત માળ ઊંચા મકાન જેવડું અવકાશમથક બાંધવામાં આવશે. આ સ્પેસ સ્ટેશન ૧૦ સે.મી.થી મોટા કદના ''રખડું'' ભંગાર પર ચાંપતી નજર રાખશે.

આ સ્પેસ સ્ટેશન દ્વારા મોકલાયેલી ચોક્કસ માહિતીના આધારે જે  તે ભંગારને બાળી નાંખવા પૃથ્વી પરથી લેસર કિરણોનો મારો ચલાવવામાં આવશે. નાસાના સહયોગથી આ મિશન પાર પાડવા બ્રિટિશ વિજ્ઞાાનીઓ પણ તૈયાર થયા છે. લગભગ ૨૦૨૨ની સાલ સુધીમાં લેસર બીમ વડે અવકાશી ઉકરડાને બાળી નાંખવાની ટેક્નોલોજી અસ્તિત્વમાં આવશે ત્યાં સુધી તો દરેક નવો અવકાશ કાર્યક્રમ હાથ  ધરતાં પહેલાં સૌપ્રથમ તો માર્ગમાં 'રોડા' બનનારા આ કાટમાળ વિશે  જ વિચારવું પડે.

આ નવી પળોજણ કાયમી થઈ પડે તો પણ આશ્ચર્ય નહીં, કેમ કે અંતરિક્ષમાં ભંગારરૂપી કચરો વીણાતો જાય તેમ બીજી તરફ નવાં રોકેટો, અવકાશયાનો, જાસૂસી ઉપગ્રહો વગેરે ધરતી પરથી છૂટતાં જ  રહેવાનાં  છે. માણસ જાતની કમનસીબી પણ કેવી છે? સોય પાછળ દોરો જાય તેમ પ્રગતિ પાછળ  પ્રદૂષણનો નંબર લાગેલો  જ હોય છે. પૃથ્વી પર હજી તો   સ્વચ્છતા  અભિયાન  ચલાવ્યા  પછી પણ  પર્યાવરણની  સાફસૂફી  થઈ  નથી શકી ત્યાં હવે અંતરિક્ષનું 'પોલ્યુશન' નાબૂદ કરવાનો પ્રશ્ન જાગ્યો છે.  માનવીએ   છેક  અવકાશ  લગી  પ્રગતિની છલાંગ મારી તેનું એ પરિણામ છે.

Tags :