શકરાભાઈ પરિવારની દિવાળી સુધરી?
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
શકરાભાઈનો મુન્નો પપ્પાનો મિજાજ સમજીને પ્લમ્બરને શોધી લાવવા ગયો અને હીરો ઘોઘે જઈ આવે તેમ પ્લમ્બરને બદલે સુથારને લઈ આવ્યો. મુન્ના સામે બધા નફરતની નિગાહ કરી રહ્યા હતા. મંજરી એના પર ખૂબ ખફા હતી.
શકરાભાઈ પણ મોટા થયેલા દીકરાને શું કહે? નળમાંથી ધીમે ધીમે લહેરાતું પાણી આગળના રૂમમાં પ્રસરતું જતું હતું.
શકરાભાઈ કદી ન હોય એવા કચવાટમાં હતા. શાણીબહેનને સામી દિવાળીએ બબાલ પેસી ગઈ હતી.
એવામાં અચાનક મંજરી એકદમ દોડતી ઓટલા પર પહોંચી. બધા એને વિસ્મયથી જોતા હતા ત્યાં જ મંજરીએ બૂમ મારી : 'વિશાલભાઈ! વિશાલભાઈ!' વિશાલ એની ઑફિસે જઈ રહ્યો હતો તે જરા પરિચિત અવાજ સાંભળી થંભી ગયો. પાછળ જોયું : મંજરી એને બોલાવી રહી હતી.
એ તરત પાછો ફર્યો : શકરાભાઈના ઘર પાસે આવ્યો. 'ભાભી! મને બોલાવ્યો?' 'હા, વિશાલભાઈ એક તકલીફ ઊભી થઈ છે. તમે જરા સહાય કરી શકો તો...'
મંજરીને એટલી તો ખબર હતી કે વિશાલ સિવિલ એન્જિનીયર છે. એટલે એની ઑફિસના સ્ટાફમાં કડિયો, સુથાર કે પ્લમ્બર હોય. એણે ચોખો ચાંપી જોયો.
વિશાલે વિવેકથી પૂછ્યું: 'શી તકલીફ છે? હું બનતી મદદ કરીશ.'
મંજરીએ નળ આગલી રાતથી લીક થતો હોવાની અને રૂમમાં પાણી પાણી થયાની વાત જરા દુ:ખના ભાવ સાથે કહી.
વિશાલે સહજ રીતે કહ્યું : 'ભાભી! ચિંતા ના કરશો. હું ઓફિસ જઉં છું. મારા કારીગરો અડધા કલાકમાં આવી પહોંચશે. હું પ્લમ્બરને મોકલી આપીશ. ચિંતા ના કરશો.' એમ એણે ફરીથી કહ્યું.
મંજરીના મુખ પર કૃતજ્ઞાતાનો ભાવ ઊભરાઈ આવ્યો. પેથાભાઈના પરિવાર સાથે શકરાભાઈના કુટુંબનો સામાન્ય વહેવાર હતો. જરૂર પડયે મળે. મંજરી એ જાણતી હતી.
પટલાણીના સ્વભાવને ય એ ઓળખતી હતી. પણ એમના જ પરિવારમાં વિશાલ નિખાલસ અને નમ્ર લાગ્યો! મંજરીએ ઘરમાં જઈને સમાચાર આપ્યા કે અડધા કલાકમાં વિશાલભાઈ એમની ઓફિસમાંથી પ્લમ્બરને મોકલશે.
બધાંને બહુ નવાઈ લાગી. 'વિશાલભાઈ!'
પડોશી પણ ગમે ત્યારે કેવા કામ લાગી શકે છે? અડધા કલાક કરતાં ય વહેલો, પ્લમ્બર એનો સામાન લઈને નળનું ચેકિંગ કરવા આવી પહોંચ્યો. બધાએ ખુશીથી એને વધાવ્યો.
મંજરીએ એને બાથરૂમમાં લીક થતો નળ બતાવ્યો. પ્લમ્બરે નળનું એના હથિયારથી ચેકિંગ કર્યું. નળને ક્યાં રિપેર કરવાની જરૂર હતી તે સમજી લીધું. એણે હથિયારથી હળવે હાથે નળની ઠોકણ કરી અને એને બરાબર સુધારીને કશીક ટેપ લગાડી દીધી. નળની સાથે એ સંધાઈ ગઈ. એણે નળ ઉઘાડ વાસ કરી બતાવ્યો. બધું ઓ.કે. હતું. બધા જ એની તરફ આભારદ્રષ્ટિએ જોઈ રહ્યા. એવામાં શાણીબહેને એને મજૂરીના વીશ રૂપિયાની નોટ આપવા માંડી.
પ્લમ્બરે ધરાર ઈન્કાર કર્યો: 'ના, ના. મારા સાહેબ મને લઢી નાખે.' એ વિદાય થયો અને સહુના જીવમાં જીવ આવ્યો.
આ આખી ઘટના દરમ્યાન પરી હાજર હતી. એના મુખ પર અવાર નવાર ભાવ બદલાતા જતા હતા. દાદાને દુ:ખી જોઈ એનું મુખ વિલાઈ જતું. શાણીબહેનની હૈયાવરાળથી એને નાજુક હૈયામાં કંઈ કંઈ થઈ જતું હતું. એણે વિશાલભાઈને મમ્મી સાથે વાત કરતી જોઈ હતી. એને એમના વિશે સહેજસાજ ખબર હતી.
વિશાલે ઓફિસેથી પાછા ફરતાં મંજરીને રૂમમાં જોઈ. એણે ધીમેથી બૂમ મારી : 'ભાભી! બધું કામ પતી ગયું ને? હવે કશી તકલીફ નથી ને?'
'ના, ના. વિશાલભાઈ થેન્ક યુ, થેન્ક્યુ વેરી મચ હોં!'
પરીએ પણ સાદ પૂર્યો: 'વિશાલ અન્કલ થેન્ક્યુ.'
વિશાલ મલકી ઊઠયો. એ નજીક આવ્યો. મંજરીને પૂછે : 'આ પરી? કેવી મઝાની બેબી છે? જોતાં જ ગમી જાય એવી છે. '
પરી ખુશ થતી એમને જોઈ રહી.
મંજરીએ વિશાલને આમંત્રણ આપ્યું: 'તમે એકવાર જરૂર આવો. અમને બધાને બહુ ગમશે.'
પરીએ સાથ પૂર્યો: 'વિશાલ અન્કલ, ડુ કમ. જરૂર આવજો હોં.' 'હા, આવીશ. પણ તારે વિશાલ અન્કલ નહિ કહેવાનું. હું બહુ મોટો નથી. મને વિશાલભાઈ કહે હોં. અને હું તને માત્ર પરી કહીને બોલાવીશ. તું મારી નાની બહેન!' વિશાલે હાથ લંબાવ્યો. પરીએ પ્રેમથી તેની સાથે હાથ મિલાવ્યો.
(સંપૂર્ણ)