Get The App

દિવાળી, ફટાકડાં અને વાયુ પ્રદુષણની વાત...

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ

Updated: Oct 19th, 2019

GS TEAM

Google News
Google News
દિવાળી, ફટાકડાં અને વાયુ પ્રદુષણની વાત... 1 - image


આપણે ક્લિક્ટિવિસ્ટો છીએ. સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢીએ છીએ કે તહેવારોમાં સરકાર આપણને રોકે છે, એ ધર્મ વિરુદ્ધ છે. દિવાળી હોય તો ફટાકડાં ફોડવાનો અમારો ધર્મસિદ્ધ અધિકાર છે. 

देख तो दिल के जा से उठता है

ये धुवां सा कहां से उठता है

- मीर

ગણપતિ ઉત્સવ આવે એટલે પાણીનું પ્રદૂષણ અને દિવાળી આવે એટલે વાયુનું પ્રદૂષણ યાદ આવે. તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી થાય એ જરૂરી છે. પણ થોડું ધ્યાન રાખીએ તો સારું. જે સરકારની જવાબદારી છે એમાં આપણે એવું માનીએ કે આપણે કાંઇ કરવાનું નથી. સરકાર તો સર્વ સત્તાધીશ છે. કાયદો છે. અમલ કેમ નથી? 

દિલ્હી હવાનાં પ્રદૂષણનું પાટનગર છે. ભારતનાં કુલ ૧૦૨ શહેરો છે જેમાં હવાનું પ્રદૂષણ સ્તર અતિ ખરાબ છે. ગુજરાતનાં બે શહેરો આ લિસ્ટમાં શામેલ છે. એક સુરત અને બીજું અમદાવાદ. કેંદ્ર સરકાર 'નેશનલ ક્લીન એર પ્રોગ્રામ' ચલાવે છે પણ આપણે એ બાબતે અજાણ છીએ. હવાની ગુણવત્તા માપવાનું એકમ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) છે. એ ૫૦ સુધી હોય તો એ હવા સારી, ૧૦૦ સુધી સંતોષપ્રદ અને ૨૦૦ સુધી હોય તો એ હવા મધ્યમ ગણાય છે.

પ્રદૂષણની માત્રા ૨૦૦થી વધે તો એ એ હવાની ગુણવત્તા નબળી ગણાય. દિલ્હીમાં ગયા અઠવાડિયે સતત ચોથા દિવસે આંકડો ૨૭૦ને પાર કરી ગયો. પાડોશી રાજ્ય હરિયાણામાં ખેડૂતો, પાક પછીની પરાળ બાળે અને પવન સાથે એનું પ્રદૂષણ દિલ્હી સુધી પહોંચે છે. દિલ્હીની દશા બેઠી છે. પણ ગુજરાતનાં અન્ય શહેર પણ કાંઇ ખાસ પાછળ નથી. આવું ને આવું ચાલ્યું તો હિમાલયની હવાનાં પેક્ડ ટિન બજારમાં મળશે. ઢાકણું ખોલીને સટાસટ સુંઘી લેવાનું.. હેં ને? 

આપણે ક્લિક્ટિવિસ્ટો છીએ. સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢીએ છીએ કે તહેવારોમાં સરકાર આપણને રોકે છે, એ ધર્મ વિરુદ્ધ છે. દિવાળી હોય તો ફટાકડાં ફોડવાનો અમારો ધર્મસિદ્ધ અધિકાર છે. યસ, એગ્રીડ. પણ થોડું ઓછું કરીએ તો શો વાંધો છે ? પણ ધનિકોને તો દારૂખાનાનું વ્યસન થઇ ગયું છે. પોતાની સંપત્તિની નૂમાઇશ કરવી. અથવા કોઇની સાથે હરીફાઇ.

હું વધારે ફોડું કે તું વધારે ફટાકડાં ફોડે ? અરે ભાઇ , તમે શું માથું ફોડવા આમ કરો છો? દિલ્હીનાં મુખ્યપ્રધાને ઓણ સાલ તહેવારની ઉજવણીમાં મેગા લેઝર શાનું આયોજન કરે છે, જેથી લોકો ફટાકડાં ઓછા ફોડે. રાજકોટ  શહેરમાં મહાનગરપાલિકા તો વર્ષોથી સામૂહિક ઉજવણીનાં ભાગ રૂપે દર ધનતેરસનાં દિવસે આકાશી આતશબાજી કરે છે. લોકો સાથે મળે અને સૌ કોઇ ઉત્સવનો આનંદ કરે. પણ આ માણસ સાલી અઘરી માયા છે. એને મઝા તો જ આવે જો ઘરે ફટાકડાં ફોડે. શું મઝા તો જ આવે જો આપણે જાતે ફટાકડાં ફોડીએ ?

સરકાર દંડો ન મારે ત્યાં સુધી આપણે કોઇ કામ ગંભીરતાથી લેતા નથી. અકબરે કીધું કે સૌ પ્રજાએ રાતનાં આ હોજમાં એક લોટો દૂધ રેડી જવું. બિરબલે કહ્યું કે બધા પાણી જ નાંખી જશે. થયું એવું જ. બધા એવું જ વિચારે કે આટલા દૂધમાં એક લોટો પાણી હશે તો શું ફેર પડે છે? પછી હોજ માત્ર પાણીથી ભરાઇ ગયો. લો બોલો ! પણ આજે આપણે નક્કી એ કરવાનું છે કે બધા જે કરે તે પણ હું તો મારી ફરજ ચોક્કસ નિભાવીશ.

તો હું નક્કી કરુ કે હું ફટાકડાં નહીં અથવા ઓછા ફોડીશ અથવા કુંટુંબીજનો અને મિત્રો સાથે મળીને એક વેળા એક સાથે ફોડીશ. કચરો બાળવો એ વાયુ પ્રદૂષણ વધારે છે. હું કચરો બાળતો નથી અને બાળવા દેતો નથી એવું વ્રત લઇ શકાય. આજકાલ સોશિયલ મીડિયા ઉપર સાલ મુબારકનો રિવાજ છે એટલે અંગત વાહનમાં જવાનું ઓછું થાય છે. પણ સમૂહમિલનમાં જઇએ તો શેર-અ-ટેક્સી કે પછી પબ્લિક ટ્રાંસપોર્ટનો ઉપયોગ થાય તો સારું.

ના, અમે ધર્મ વિરુદ્ધ વાતો નથી કરતા. અમે નાગરિકધર્મની તરફેણની વાતો કરીએ છીએ. પૃથ્વીનાં ઉત્તર અને દક્ષિણ એમ બન્ને ધ્રુવ ઉપર પગ મુકનાર પ્રથમ સાહસિક રોબર્ટ સ્વાન કહે છે કે આપણી પૃથ્વીને સૌથી વધારે નુકસાન કોઇ કરે છે તો કરે છે એ માન્યતા... કે કોઇ આવશે અને આપણી પૃથ્વીને બચાવશે.... અરે ભાઇ ! કોઇ આવવાનું નથી. કોઇ બચાવવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર. બપોરે સૂવાની ટેવ હોય તો જાગ્યા ત્યાંથી સાંજ. યહી હૈ વો સાંજ ઔર સવેરા.. મીર તકી મીર દિલમાંથી ઊઠતા ધૂમાડાની વાત કરે છે પણ ધૂમાડો દિલનાં ધબકારા અટકાવી દેય તે પહેલાં..હેપ્પી દિવાળી...

Tags :