તારા જેવી એક તો, બતાવ આખા શહેરમાં ! હું તો ડૂબી ગયો છું તારા, નશીલા નેણમાં !!
હા, જી ! ગુલાબ મારા સમણાનું નામ છે ! ગુલાબ મારા કાળજામાં કલરવતી કવિતાનું નામ છે ! તમે જોઇ છે મારી ગુલાબને ?
કોઈ મને પૂછે કે તમને સૌથી વધુ કયું ફૂલ ગમે ? તો એક ક્ષણનો ય વિચાર કર્યા વગર તરત જ હું કહી દઉં : 'ગુલાબ'. ને કોઈ મને પૂછે કે તમને સૌથી વધું કયું નામ ગમે ? તો પળનો ય વિલંબ કર્યા વગર કહી દઉં : 'ગુલાબ !' બાગમાં ગુલાબને જોઉં છું ને ગુલાબ મને યાદ આવી જાય છે... ને મારો માંહ્યલો ગુલાબી રંગે રંગાઈ જાય છે...!
હાજી, મારું મનગમતું નામ 'ગુલાબ' છે ! હા, ગુલાબ મારા સમણાનું નામ છે ! ગુલાબ મારા કાળજામાં કલરવતી કવિતાનું નામ છે ! 'ગુલાબ' એવો ત્રણ અક્ષરિયો સાંભળતાં જ મારા કાળજાની કેસરક્યારીમાં ગુલાબ ઊગવા લાગી જાય છે...!
અને મને કહેવા દો... કે 'ગુલાબ' મારા મનને મઘમઘાવતું નામ છે ! 'ગુલાબ' મારા મનડાની મહેકનું નામ છે ! 'ગુલાબ' મારા સમણાની ગુલાબી કોયલનું નામ છે. 'ગુલાબ' મારા રદિયામાં સતત રમતું અને રણઝણતું નામ છે !
વિચારમાં પડી ગયા, ભિયા ? કોયડા જેવું અટપટું લાગે છે ?
લો ને, હું જ છાતી ચીરીને કહી દઉં : મારા જ ઘરની સામેના મેડીવાળા મકાનમાં એક નવો સવો પરિવાર રહેવા આવ્યો હતો. પરિવારના મોભી પ્રાણલાલની અમારા ગામની બેન્કમાં બદલી થઇ હતી. પરિવારમાં ત્રણ જણ હતાં. પ્રાણલાલ, તેમનાં પત્ની કલાવતી અને યૌવનના ઝુલે ઝુલતી દીકરી ! ત્યારે તેના નામની તો મને ખબર નહોતી... ઝરૂખામાં હીંચકે બેસીને તે ઝુલતી.. ને બહાર નીકળતાં જ મારી નજર તેના પર પડતી. ત્યારે તો હું માંડ બાવીસનો હતો કાયામાં જુવાનીનો જંગ શરૂ થઇ ગયો હતો.
યૌવનનો રંગ ડોલચાં ભરી ભરીને મારા દેહ પર ઠલવાતો હતો ! ગોરો દેહ અને ફૂલેલાં બાવડાં. માંજરી આંખો ને ત્રિકોણાકાર ચહેરો. આ મારી ઓળખ ! કેટલાક મને પ્રાણ કહેતા, તો કેટલાક મારી ઊંચાઈ જોઇને 'અમિતાભ' કહેતા ! પણ મને આ બધાની કશી જ પડી નહોતી. જેને જે નામ પાડવાં હોય તે પાડે, પણ હું તો છું : માધવ ! મને મુરલી વગાડતાં આવડે છે ! મને માખણ બહુ ભાવે છે ! મને મારા ગજવામાં મોરપીંછ રાખવું બહુ ગમે છે ! માધવ છું માધવ ! લીલાધર મુખીનો માધવ ! રંગીલો - રસીલો માધવ ! ભણવામાં નંબર વન માધવ ! બી.કોમ.માં ફર્સ્ટ ક્લાસ લાવેલો માધવ ! મને કોઈ કનૈયો કહે તો ય મને વાંધો નથી !
જેને જે કહેવું હોય તે કહે !
આ નામ કે પેલું નામ !
પણ હું તો છું, માધવ લીલાધર પટેલ ! બી.કોમ. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ! આ ગામનો સૌથી વધુ હેન્ડસમ યુવાન ! કોઇના પણ હૈયામાં ઊતરી જાય એવું નામ છે : 'માધવ !' કોઈનીય આંખોમાં વસી જાય એવો ગોરો ગોરો યુવાન છે : માધવ !
અને એક દિવસ બહાર નીકળતાં જ મારી નજર સામેની મેડીના ઝરૂખા પર પડી. ઝરૂખામાં હિંચકો હતો... ને હીંચકો ઝુલતો હતો... ને હીંચકા પર બેઠી હતી એક યૌવના !
માત્ર યૌવના ? ના ! માત્ર યૌવના કહેવાથી એના રૂપને ન્યાય નહીં આપી શકાય ! માત્ર યૌવના કહેવાથી એનાં ગોરાં ગોરાં અંગોને ન્યાય નહીં આપી શકાય ! અંગ્રેજી મડમને ય હબસણ કહેવડાવે એવો ગોરો ગોરો વર્ણ છે ! નમણું નાક છે... માથામાં વચ્ચો વચ્ચ પાડેલી પાંથી એને ઔર ગરિમા બક્ષે છે ! અને એનું સૌથી વધુ રૂપાળુ અને આકર્ષક અંગ કયું છે એ કહું ? એની મદ છલકતી આંખો !
એનાં નશીલાં નેણ !
મોટું અને ગોરું લલાટ, એ પણ સહેજ ગુલાબી ઝાંયવાળું ! વાહ ! નેણ ધન્ય બની ગયાં ! વાહ ! આજનો દિવસ ધન્ય બની ગયો ! વાહ રે, વાહ, જોઇને જિંદગી ધન્ય બની ગઈ ! હીંચકો ધન્ય બની ગયો ! ઝરૂખો ધન્ય બની ગયો ! સગવડ માટેની ચીજ રૂપાળી નથી હોતી, એના પર બેઠેલી સ્વર્ગના ગુલાબ જેવી વ્યક્તિ એને રૂપાળી બનાવી દે છે ! ને આ તો -
સ્વર્ગની પરીય ઘાસની સળી જેવી લાગે, એવી રૂપાળી છે ! અપ્સરા પણ ઉપવાસ આંદોલન પર ઊતરી જાય એવી રૂપાળી છે ! રાણી રૂપમતીના રૂપને ય ચુપ કરી દે એવી રૂપાળી છે ! હશે એય વીસેક વરસની ! હા, એને પ્રથમવાર જોયા પછી મારી દશા તો જોયા જેવી થઇ ગઈ ! હું ખેંચાઈ ગયો !
હું જાણતો હતો કે ભાડેથી રહેવા આવેલો પરિવાર છે... પણ એક બેન્કના કર્મચારીની દીકરી આવડી મોટી 'વર્લ્ડ બેન્ક' ની કરન્સીને ય ઝાંખી પાડી દે એવી હશે એની મને નહોતી ખબર !
હું એને ઝંખતો હતો. મારું યૌવન એને ઝંખતું હતું ! ક્યારેક તો એ મારા સપનામાં પણ આવતી. 'તું ?' 'હા, હું તમારી પડોશણ !' 'મારે મળવું છે તને ?'
'કુદરતને મંજુર હશે તો જરૂર મિલન થશે.' અને ફળિયાની બહાર શાકભાજી લેવા જતી એમને મળી ગઈ. એ હસી. હું ય હસી પડયો. 'તમે ?' 'હું ગુલાબ !' 'તમે મને બહુ ગમો છો' 'જાણું છું !' 'હેં ? ગુલાબ, તમે આ વાત જાણો છો ?'
'હા, હું સ્ત્રી છું... સ્ત્રી પાસે બે આંખો સિવાયની ત્રીજી પણ આંખ હોય છે. બસ, ત્રીજી આંખ એટલે મારા મનની આંખ ! તમે ઝરૂખા પર તાકી રહો છો, એનો અર્થ એ તો નથી જ કે હીંચકો તમને ગમે છે !
ના, હીંચકા પર ઝુલનારી તમને ગમે છે. વાત સાચી ?'
'તદ્દન સાચી.'
'હું તમારા સપનામાં આવું છું, વાત સાચી ?'
'સો ટકા સાચી.'
'ને તમે મારા વિષે ગીત પણ લખ્યું છે,વાત સાચી ?'
'સાવ સાચી.'
'તો એ ગીતની બે ચાર કડીઓ તો મને સંભળાવો.'
'સાંભળ'
ને મેં ગીત પંક્તિઓ ગાવા માંડી : 'તારા જેવી એક તો બતાવ આખા શહેરમાં ! હું તો ડૂબી ગયો છું તારા નશીલા નેણમાં !'
'વાહ, તમે ઉત્તમ ગીત પણ લખો છો ?'
'તારી પ્રેરણાં લખાવે છે, ને હું લખું છું !'
પછી તો અમે મળતાં હરતાં - ફરતાં, ને ચરતાં ! મને તેણે કહ્યું : 'તમે નહિ જાણતા હોવ, પણ હું વિધવા છું.'
'હેં ?'
'હા. એક વર્ષ અમારો સાથ રહ્યો... ને પછી કેન્સરે એનો જીવ લઈ લીધો !'
'અરેરે !'
'આ છે મારી સ્થિતિ !'
'તેથી શો વાંધો ?'
હા, હું એવા બધામાં માનતો નથી. એ 'વિધવા' છે એથી મારી ચાહતમાં શો ફેર પડે છે ? એ જે હોય, પ્રેમ એ પ્રેમ છે ! પ્રેમમાં આવી કોઈ વાત ગોબો પાડી શક્તી નથી ! અમે ફરવા-મળવા અને હરવાનું ચાલુ રાખ્યું... એકવાર અમારા ગામની વાગલી નદીના કિનારે અમે બેઠાં હતાં. એનો હાથ મારા હાથમાં હતો... અમે તરસી આંખે એકમેકને જોઇ રહ્યાં હતાં. ત્યાં જ પ્રાણલાલનું બાઈક નજીકના પુલ ઉપર થઇને નીકળ્યું. એમની નજર અમારા પર પડી... અમે ય જોયું. ગુલાબ બોલી ઊઠી :
'મારા પપ્પા...'
'શું ?'
'જોઈ ગયા !'
'તું મક્કમ છે ને ? જગતની આંખો તો જોયા કરે, પણ આપણા બેના મનની મક્કમતા બરકરાર હોય તો કોઈ કશું જ ન કરી શકે !'
બસ, માત્ર બે જ સપ્તાહ !
પ્રાણલાલે ઝડપી તૈયારીઓ કરી નાખી... ને એને એક યુવાન સાથે વળાવી દીધી : બાપનો પ્રભાવ એ માનો લાગણીભર્યો પ્યાર - એ બેની વચ્ચે એક મહોબતથી ભરી ભરી રૂપાળી જિંદગી દબાઈ ગઈ - દબાઈ ગઈ ! માત્ર એક જ જિંદગી નહિ, મારી પણ જિંદગી ! બબ્બે જિંદગીઓ મા-બાપની જીદને કારણે વધસ્તંભ પર ચઢી ગઈ !
મને નથી ખબર કે એ ક્યાં છે ? મેં ખૂબ પ્રયાસો કર્યાં, ન મળી ગુલાબ ! શહેર શહેર ઘૂમ્યો, ન મળી ગુલાબ ! એવું પણ જાણવા મળ્યું કે ગુલાબ એના વર સાથે વિદેશ જતી રહી છે ! એ જ્યાં ગઈ હોય, ખબર નથી, પણ સુખી હોય તો મારા મનને ચેન મળે, ઉરને આનંદ મળે, અંતરને અનહદ ખુશી મળે ! મેં ય લગ્ન નથી કર્યાં... મારા રદિયા પર તો ગુલાબી દિલવાળી ગુલાબે પ્રેમનું સ્થાપન કર્યું ! દિલનો દીવો જલી રહ્યો છે... એને શા માટે હોલવવો મારે ? શા માટે નવા અસ્તિત્ત્વનું સ્થાપન કરવું ?
એકલો જ છું.
ને મને મારી એકલતા ગમે છે.
એકલતા મને મીઠી લાગે છે !
કારણ -
કારણ કે હું એકલો હોતો જ નથી ! મારી ગુલાબની યાદો મારી સાથે જ હોય છે ક્યારેક યાદ રૂપે, તો ક્યારેક સમણામાં ! ને હું હાંફળો-ફાંફળો થઇ બોલી ઊઠું છું : 'ગુલાબ, તું સુખી તો છે ને ? તું ક્યાં છે ?' ત્યારે ખડખડાટ હસતી ગુલાબ મને દેખાય છે : 'હું ક્યાંય ગઇ નથી... હું તો મારા માધવના મનડાના મહેલમાં છું ! એ મારો માધવ છે, ને હું એની મીરાં છું ! સહેજે ય દૂર નથી ગઈ, માધવ ! તારામાં છું, તારી પાસે છું, તારી-માત્ર તારી જ છું !'
એટલે તો કહું છું કે મારું સૌથી ગમતું ફૂલ : ગુલાબ છે ! મને સૌથી વધુ ગમતું નામ : ગુલાબ છે ! મારી ભીતરમાં ઊગી ચૂક્યું છે એક વન : ગુલાબનું વન ! અને ગુલાબવનમાં ગુલાબનો ગજરો ગુંથી રહી છે ગુલાબ ! હા, મિસ્ટર, સાંભળી લો, કાન ખોલીને સાંભળી લો, છાતી સાબૂત રાખીને સાંભળી લો : આ રહ્યું ત્યારે એને નજર સમક્ષ રાખીને બનાવેલું મારું ગીત : 'તારા જેવી એક તો બતાવ આખા શહેરમાં, હું તો ડૂબી ગયો છું. તારાં નશીલાં નેણમાં !!'