Get The App

ઇન્ટરનેટ: રાષ્ટ્રીય સંરક્ષણમાંથી સર્જાયેલી સિસ્ટમ

સમયાંતર - લલિત ખંભાયતા

Updated: Oct 20th, 2019

GS TEAM

Google News
Google News
ઇન્ટરનેટ: રાષ્ટ્રીય સંરક્ષણમાંથી સર્જાયેલી સિસ્ટમ 1 - image


1969માં ઇન્ટરનેટની શરૂઆત 'આર્પાનેટ' નામે થઈ હતી. ત્યારે તેનો ઉદ્દેશ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સિસ્ટમ ઉભી કરવાનો હતો. આજે એ સિસ્ટમ પર આખુ જગત ચાલે છે!

૨૯ ઑક્ટોબર, ૧૯૬૯

યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ (યુસીએલએ).

ચાર્લી ક્લિન નામના કમ્પ્યુટરના વિદ્યાર્થીએ પ્રથમ મેસેજ 'સ્ટેનફોર્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆરઆઈ)'ને મોકલ્યો. 

મેસેજના નામે તો માત્ર અંગ્રેજીનો 'એલ' અક્ષર લખ્યો હતો. એટલે કે પોતાના કમ્પ્યુટર પર ટાઈપ કર્યો હતો. 

એ પછી હાજર રહેલી ટીમમાંથી કોઈએ લોસ એન્જલેસથી ૩૬૦ કિલોમીટર દૂર મેન્લો પાર્કમાં આવેલી એસઆરઆઈમાં ફોન કરીને પૂછ્યું : 'અમે અહીં 'એલ' ટાઈપ કર્યો છે. તમને દેખાય છે?'

સામેથી જવાબ મળ્યો : 'હા દેખાય છે.'

એસઆરઆઈમાંથી કોઈએ 'ઓ' ટાઈપ કરીને પૂછ્યું : 'ઓ દેખાય છે?'

'હા, દેખાય છે.'

એ પછી 'જી' ટાઈપ કર્યો. વધુ કંઈ આગળ ટાઈપ થાય એ પહેલા સિસ્ટમ ક્રેશ થઈ એટલે કે અટકી પડી. જો ક્રેશ ન થઈ હોય તો આજે વ્યાપકપણે વપરાતો શબ્દ 'એલઓજીઆઈએન' લખવાના હતા. એક સ્થળેથી બીજા સ્થળે કમ્પ્યુટરની મદદથી પહોંચી શકેલા એબીસીડીના એ ત્રણ અક્ષરોએ આજે આખા જગતમાં ફેલાયેલા નેટવર્ક ઈન્ટરનેટના પાયા નાંખી દીધા હતા. કેમ કે એકબીજાથી દૂર રહેલા કમ્પ્યુટરને એકબીજા સાથે જોડીને તેમની વચ્ચે સંદેશાની આપ-લે થઈ શકાય એવો પ્રયોગ પ્રથમવાર થયો હતો. પ્રયોગ સફળ રહ્યો હતો. 

૨૦૦૦ની સાલ પછી જન્મેલી પેઢીને કલ્પના ન થઈ શકે કે એવોય સમય હતો, જ્યારે ઈન્ટરનેટ ન હતું. એવી પણ પેઢી છે, જેમને એવીય કલ્પના કરવામાં મુશ્કેલી પડે છે કે આપણા વડવાંઓ ટીવી નામના સાધન વગર મોટાં થયા છે! યુગ અત્યારે પ્રચંડ કમ્યુનિકેશનનો છે. શબ્દો, ફોટા, વીડિયો.. બધું જ હવે તો ઈન્ટરનેટને કારણે મોબાઈલ દ્વારા, કમ્પ્યુટર દ્વારા, ટેબલેટ દ્વારા દુનિયાના કોઈ પણ ભાગમાં મોકલી શકાય છે. એટલે એક અક્ષર મોકલવામાં પણ મથામણ થઈ હતી એ ઈતિહાસ જરા નવાઈભર્યો લાગે.

પરંતુ ઈન્ટરનેટનો ઈતિહાસ એવો જ છે. અગ્નિ અને પૈડાંની શોધ માનવોત્ત્પતિના ઈતિહાસમાં ક્રાંતિકારી ગણાય છે. એ રીતે ધરતીના ઈતિહાસની પાંચ મહત્ત્વપૂર્ણ શોધનું લિસ્ટ બનાવાનું હોય તો એમાં ઈન્ટરનેટનો સમાવેશ થાય જ થાય. એ ઈન્ટરનેટે ૫૦ વર્ષમાં દુનિયા સાવ બદલી નાખી છે. ઈન ફેક્ટ આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં મોટા વર્ગ માટે ઈન્ટરનેટ એ જ દુનિયા છે અને ઈન્ટરનેટ નથી તો એમના જીવનમાં કંઈ નથી! એ ઈન્ટરનેટની દુનિયાની પાંચ દાયકા પહેલા કેવી રીતે શરૂઆત થઈ હતી?

એક સદી પહેલા એટલે કે ૧૯૧૯માં એવો વિચાર કરવો અઘરો હતો કે સંદેશાવ્યવહારની કોઈ સિસ્ટમ દ્વારા આખા જગતને જોડી શકાય. એ વખતે બેશક કમ્યુનિકેશન સિસ્ટમ હતી, પરંતુ મર્યાદિત. એક દેશથી બીજા દેશ પહોંચવામાં દિવસો, ક્યારેક મહિના લાગી જાય એવી. સંદેશાવ્યવહારની ત્વરીત સિસ્ટમની જરૂરિયાત બીજા વિશ્વયુદ્ધમાં અનેક દેશો ભંગાયા પછી ઉભી થઈ.

વિશ્વયુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે અદેખાઈનો આરંભ થયો અને બન્ને દેશોએ એકબીજાથી ચડિયાતાં કઈ રીતે સાબિત થવું તેની દોટ આરંભી. બન્ને દેશોને એકબીજાનો ડર પણ એટલો જ હતો. સ્પર્ધા તીવ્ર અને 'એવરિથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વૉર' પ્રકારની હતી. એટલે કંઈ પણ થઈ શકે. કંઈ પણ થઈ શકે તો પછી રશિયા અમેરિકાના સંરક્ષણ વિભાગ 'પેન્ટાગોન' પર મિસાઈલ (કે બીજી કોઈ રીતે) હુમલો કરે તો? ત્યાંથી જ અમેરિકાના તમામ મિસાઈલ્સ, અસ્ત્ર-શસ્ત્ર, પરમાણુ આયુધ વગેરેનું સંચાલન થતું હતું. 

ત્યાં સુધીમાં કમ્પ્યુટરની શોધ થઈ ચૂકી હતી. દૂર રહેલા કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા રહે, તેમની વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન થઈ શકે તો એક સ્થળે હુમલો થાય એ વખતે બીજા સ્થળની કમ્પ્યુટર સિસ્ટમ કામ લાગી શકે. સંરક્ષણ વિભાગની આ જરૂરિયાત હતી અને એ જરૂરિયાત પ્રમાણેની સિસ્ટમ ઉભી કરવાનું કામ કમ્પ્યુટર નિષ્ણાતોનું હતું.

ઇન્ટરનેટ: રાષ્ટ્રીય સંરક્ષણમાંથી સર્જાયેલી સિસ્ટમ 2 - image

અમેરિકાની શિક્ષણ સંસ્થા 'મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી (એમઆઈટી)'ની 'લિંકન લેબોરેટરી' અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટેની વિવિધ સિસ્ટમ, ટેકનોલોજી, ડિવાઈસ તૈયાર કરવાનું કામ કરતી હતી. રશિયાની પરમાણુ મિસાઈલ અમેરિકા તરફ આવતી હોય તો શું કરવું? તેની જાણકારી આપતી 'સેમી ઓટોમેટિક ગ્રાઉન્ડ એન્વાયર્નમેન્ટ સિસ્ટમ (સેજ)' સિસ્ટમ તૈયાર થઈ ચૂકી હતી. આખા અમેરિકામાં તેના ૨૩ સેન્ટર હતા, જે રશિયાની મિસાઈલ્સ પર નજર રાખતા હતા. બધા સેન્ટરો એકબીજા સાથે લાંબા અંતરની ટેલિફોન લાઈનથી જોડાયેલા હતા. એ સિસ્ટમ ધીમી હતી. તેને ઝડપી બનાવવી હોય તો કમ્પ્યુટરથી જોડતું નેટવર્ક બનાવવું પડે. 

આર્પાનેટની શરૂઆત
સરકાર નેટવર્ક તૈયાર કરવા જોઈએ એ વ્યવસ્થા પૂરી પાડવા માટે ખાસ ઉત્સુક ન હતી. બાકી રોબર્ટ (બોબ) ટેલર નામના નાસાના વિજ્ઞાાની તો બહુ પહેલાથી આવા કમ્યુનિકેશન નેટવર્કની જરૂરિયાત પર ભાર મુકી રહ્યાં હતા. 

આ બધી કામગીરી ૧૯૫૦-૬૦ના દાયકામાં આગળ વધી રહી હતી. એટલામાં ૧૯૫૫માં દુશ્મન દેશ રશિયાએ હાઈડ્રોજન બોમ્બ (એટલે વધારે શક્તિશાળી પરમાણુ બોમ્બ)નું પરિક્ષણ કર્યું. બે વર્ષ પછી પ્રથમ ઉપગ્રહ 'સ્પુતનિક' તરતો મુક્યો. એ વખતે અમેરિકાને નેટવર્કની ગંભીરતા સમજાઈ. 

અમેરિકાના સંરક્ષણ વિભાગે તત્કાળ ધોરણે  'ધ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (એઆરપીએ-આર્પા)'ની કામગીરી શરૂ કરાવી. નેટવર્કની રચના કરવાની હોવાથી 'આર્પા' સાથે 'નેટ' શબ્દ જોડાયો અને આર્પાનેટ નામને એ ગુપ્ત મંડળી કામે લાગી ગઈ. પોલ બેરન અને અન્ય ૧૩ સંશોધકોને ગુપ્ત રીતે કામે લગાડી દીધા.

એમાં બોબ ટેલરને પણ શામેલ કર્યા. બોબ ટેલરે ૧૯૬૮માં એવી આગાહી પણ કરી હતી કે થોડા વર્ષમાં એવો સમય આવશે કે 'આપણે એકબીજાની સામે રહીને (ફેસ ટુ ફેસ) કમ્યુનિકેશન કરવાં કરતાં કમ્પ્યુટરથી વધારે અસરકારક રીતે કમ્યુનિકેટ કરી શકીશું.' આવી સચોટ આગાહી કરનારા ધૂરંધરો એકઠા થઈને આર્પાનેટમાં કામે લાગી ગયા.

આર્પાનેટની સ્થાપક ટીમમાં જે.સી.આર.લિકલેડર નામના કમ્પ્યુટર વિજ્ઞાાની હતા. ત્યારે કમ્પ્યુટર પાસે કેલ્ક્યુલેટર જેવુ કામ લેવાતું હતું એ વખતે એટલે કે ૧૯૬૦ના દાયકામાં લિકલેડર માણસ અને કમ્પ્યુટરને જોડતા સિદ્ધાંત પર કામ કરી રહ્યાં હતા. એ સિદ્ધાંત પર જ સમય જતાં આર્પાનેટ રચાયું. ૧૯૬૮માં તેમણે રિસર્ચ પેપર રજૂ કર્યું હતું, 'ધ કમ્પ્યુટર એઝ અ કમ્યુનિકેશન ડિવાઈસ'. ટૂંકમાં કમ્પ્યુટરની બાબતમાં તેમની નજર દૂર સુધી પહોંચતી હતી. એટલે જ તેમને આર્પાનેટના ડિરેક્ટર બનાવાયા હતા. હવે તેમને 'ફાધર ઑફ ઈન્ટરનેટ' કહેવામાં આવે છે. 

નેટવર્કિંગ કઈ રીતે કરવું?
એ વખતે કોઈ નેટવર્ક દ્વારા કમ્યુનિકેશન કરવાના મુખ્યત્ત્વે ત્રણ રસ્તા હતા. એક રસ્તો હતો સર્કિટ સ્વીચિંગનો જે સિદ્ધાંત પર ટેલિફોન કામ કરતાં હતા. બીજો રસ્તો મેસેજ સ્વીચિંગનો હતો, જે રીતે ટેલિગ્રાફ કામ કરતાં હતા. ત્રીજો રસ્તો 'પેકેટ સ્વીચિંગ' નામનો હતો. આ સાવ નવો રસ્તો પેલ બેરને ડેવલપ કર્યો હતો. એક સ્થળેથી રવાના થતો મેસેજ સીધો જ સામે ન પહોંચે. રવાના થયા પછી એ અનેક પેકેટ્સ (ટૂકડા)માં વહેંચાઈ જાય. સામે પહોંચે, એકઠા થાય અને મેસેજ સ્વરૂપે રજૂ થાય. 

પોલેન્ડમાં જન્મેલા પોલ બેરન ઈલેક્ટ્રિકલ એન્જિનિયર થયા પછી ૧૯૫૯માં અમેરિકાની થિન્ક ટેન્ક ગણાતી સંસ્થા 'રેન્ડ (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) કોર્પોરેશન'માં જોડાયા હતા. અહીં તેમને કામ સોંપવામાં આવ્યુ કે અમેરિકા પર પરમાણુ હુમલો થાય એ સંજોગોમાં પણ ટકી શકે એવી કમ્યુનિકેશન સિસ્ટમ વિચારો. એ વખતની બધી કમ્યુનિકેશન સિસ્ટમ પરમાણુ હુમલા વખતે નાકામ સાબિત થાય એવી હતી.

બીજી તરફ એ વખતે જ અમેરિકાથી દૂર બ્રિટનની 'નેશનલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી' માં વિજ્ઞાાની ડોનાલ્ડ ડેવિસ પણ આવી જ સિસ્ટમ પર કામ કરતાં હતા. ઈન ફેક્ટ પેકેટ શબ્દ તેમનો જ હતો. બેરને તો પોતાના મેસેજના ટૂકડા માટે 'મેસેજિસ બ્લોક' શબ્દ વાપર્યો હતો. બીજી તરફ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર લિયોનાર્ડ ક્લિનોર્ક અને બીજા અમેરિકન વિજ્ઞાાની લૉરેન્સ રોબર્ટ્સે કમ્પ્યુટરોનું નેટવર્કિંગ કેમ કરવું તેનો રસ્તો વિચારી રાખ્યો હતો. 

કદાવર કમ્પ્યુટર
સપ્ટેમ્બર ૧૯૬૯માં સૌથી પહેલી વખત બે યુનિવર્સિટી (કેલિફોર્નિયા-સ્ટેનફોર્ડ) વચ્ચે જોડાણ કરીને મેસેજની આપ-લે કરી જોઈ. એમાં સફળતા મળી એટલે ઑક્ટોબર ૧૯૬૯માં ચાર યુનિવર્સિટીના ચાર કમ્પ્યુટરો એકબીજા સાથે કનેક્ટ કરાયા.

સામે સ્ક્રીન હોય, હાથ નીચે સોફ્ટ ચાંપો ધરાવતુું કી-બોર્ડ, જમણી તરફ માઉસ, પાછળના ભાગે થોડા ભરાવેલા વાયર્સ.. એને આપણે કમ્પ્યુટર કહીએ છીએ. પરંતુ ૧૯૬૯ના વર્ષે (અને એ પછીના ઘણા વર્ષો સુધી) કમ્પ્યુટર એવા ન હતા. એ આખા ઓરડામાં માંડ સમાઈ શકે એવડાં મોટાં મશીન હતાં, અનેક ચાંપો, ગોળ ફેરવવાના બટન, કમ્પ્યુટરની મુખ્ય ઓળખ છે એવી સ્ક્રીન તો ક્યાંય નહીં અને કદ મોટી પેટીઓ જેવું. આજના કમ્પ્યુટર ડિજિટલ છે, એ વખતના એનેલોગ હતા. એટલે વારંવાર વાલ્વ બદલવા સહિતની કામગીરીની તેમાં જરૂર પડતી હતી. એનેલોગ કમ્પ્યુટરનો સિદ્ધાંત એમઆઈટીના પ્રોફેસર વાનીવાર બુશે ૧૯૩૧માં શોધી કાઢ્યો હતો. 

શરૂઆત આગળ ઉલ્લેખ કર્યો એ બે યુનિવર્સિટી ઉપરાંત 'યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા સાન્તા બાર્બરા (યુસીએસબી' અને 'યુનિવર્સિટી ઑફ ઊટાહ' નેટવર્કમાં શામેલ હતી. ડિસેમ્બર મહિના સુધી એ ચાર સંસ્થાઓ વચ્ચે જ નેટવર્કિંગ થયું. 

ત્યારે જોડાણ જાહેર ન હતું, માટે મોટી સંખ્યમાં સંસ્થાઓ તેની સાથે જોડાય એ શક્ય ન હતું. ૧૯૭૦માં ધીમે ધીમે વધુ યુનિવર્સિટીઓ, અમેરિકા બહારની સંસ્થાઓનું જોડાણ શરૂ કરવામાં આવ્યું. ૧૯૭૭ સુધીમાં માત્ર અમેરિકાના ૧૦૦ કમ્પ્યુટરો આ આર્પાનેટનો ભાગ બની શક્યા હતા. 

ઇન્ટરનેટ: રાષ્ટ્રીય સંરક્ષણમાંથી સર્જાયેલી સિસ્ટમ 3 - image

પરંતુ ૨૦ વર્ષ પછી ૧૯૮૯માં સંખ્યા વધીને ૧ લાખ થઈ, ૧૯૯૦ના દાયકામાં દસ લાખ થઈ અને ૨૦૧૨ની સાલમાં જગતના ૧ અબજ ઈન્ટરનેટથી કનેક્ટ હતા. કેમ કે ૧૯૯૦ પહેલા સુધી આર્પાનેટ પર સરકારનો કાબુ હતો. ૧૯૯૦માં આર્પાનેટનું વિસર્જન કર્યું અને ઈન્ટરનેટ તરીકે તેને જાહેર ઉપયોગ માટે ખૂલ્લું મુકી દેવાયું. સરકારે પોતાની જરૂર પુરતું નેટવર્ક પોતાની પાસે રાખ્યું અને તેને 'ધ ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (ડીએઆરપીએ-ડાર્પા)' નામ આપી દેવાયું. ડાર્પાનેટ આજે પણ પેન્ટાગોન માટે કામ કરે જ છે.

આર્પાનેટમાંથી ઈન્ટરનેટ
આર્પાનેટની સફળતાપૂર્વક શરૂઆત અને વપરાશ પછી એવો આઈડિયા પણ રજૂ થયો કે આ સિસ્ટમનો ઉપયોગ તો સર્વત્ર થવો જોઈએ. એટલે તેનું નામ ઈન્ટરનલ નેટવર્ક કરી નખાયું જે ટૂંકમાં ઈન્ટરનેટ તરીકે ઓળખાયું. બીજી તરફ વિવિધ કંપનીઓએ ઈન્ટરનેટ જેના દ્વારા વાપરી શકાય એવા કમ્પ્યુટરો બનાવાની શરૂઆત કરી અને ધીમે ધીમે વ્યક્તિગત વપરાશના પર્સનલ કમ્પ્યુટરો પણ આવ્યા. આર્પાનેટ સ્થાપિત થયાના ત્રણ વર્ષ પછી ૧૯૭૨માં રે ટેમિલ્સને ઈ-મેઈલની શોધ થઈ. કેમ કે ટેમિલ્સને પોતાના સાથીદારને ફોન કર્યો પણ જવાબ મળ્યો નહીં. એટલે તેમને વિચાર આવ્યો કે કમ્પ્યુટર-ઈન્ટરનેટના સહારે વ્યક્તિગત સંદેશાની આપ-લે થઈ શકવી જોઈએ.

ઇન્ટરનેટની શરૂઆત થઈ તેના ૩ દાયકા પછી એ જગતવ્યાપી બની શક્યું જ્યારે ૧૯૮૯માં ટીમ બર્ન્સ લી અને તેની ટીમે 'વર્લ્ડ વાઈડ વેબ'ની શરૂઆત કરી. એ પછી તો સર્ચ એન્જિનો આવ્યા, વિવિધ વેબસાઈટો શરૂ થઈ અને ધીમે ધીમે પૃથ્વી પર વેબ વર્લ્ડ નામે અદૃશ્ય પણ અદ્ભૂત જગત રચાવાની શરૂઆત થઈ. ૧૯૯૫માં ઈન્ટરનેટના વપરાશકારો માત્ર ૧.૬ કરોડ હતા, જે દુનિયાની કુલ વસતીના ૦.૪ ટકા કરતા વધારે ન હતા. આજે દુનિયાની ૬૦ ટકા વસતી નેટ વાપરે છે. 

ઈન્ટરનેટ માત્ર કમ્પ્યુટર સાથે જ કનેક્ટ હોય એ યુુગ ક્યારનો પૂરો થઈ ચૂક્યો છે. હવે તો 'ઈન્ટરનેટ ઑફ થિંગ્સ'નો યુગ આવ્યો છે. એટલે કે દરેક સાધન-ઉપકરણ-ચીજ-વસ્તુ (થિંગ્સ) ઈન્ટરનેટ સાથે જોડાતી થઈ છે. સાથે સાથે ઈન્ટરનેટ ક્રાંતિ એવા તબક્કામાં પહોંચી છે કે હવે આગળ શું થશે તેની કલ્પના સંશોધકો પણ કરી શકતા નથી.

Tags :