Get The App

માનવતાનું સૂકવણું .

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Oct 19th, 2019

GS TEAM

Google News
Google News
માનવતાનું સૂકવણું                                               . 1 - image


ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા એક ગામડું (ગ્લોબલ વિલેજ) બની ગયું તેમ કહીએ છીએ, પરંતુ એ ગામડાંને આપણે શું આપ્યું ને ગામડાંએ કેટલું બધું ખોયું - તે વિચારવું જોઈએ

નકલી સંવેદનાનો યુગ લોભામણાં સ્વાંગમાં માનવી પર પોતાનો પંજો પ્રસારી રહ્યો છે. આજે ભૌતિકતા અને બાહ્ય પ્રાપ્તિની પાછળ માનવી આંધળી લગાવતો નથી, પરંતુ એનું સમગ્ર ચેતોવિશ્વ આ ભૌતિકતાની ઘેલછાથી દોડી રહ્યું છે. મનુષ્યના જીવનમાં ચીજવસ્તુઓનું મહત્ત્વ એટલી બધી હદે વધી ગયું કે ખુદ મનુષ્ય એ માત્ર 'ચીજ' કે 'વસ્તુ' બની ગયો છે. પહેલાં એ કોઈ મોંઘી વસ્તુના રૂપકડાં બોક્સને ફેંકી દીધો હતો, આજે એ જ નિષ્ઠુરતાથી એ એના ઘરમાંથી વૃદ્ધ માબાપને ફેંકી દે છે.

જાણે 'નકામા રેપર'ને ઉછાળીને બહાર ફંગોળતા ન હોય ! એટલે કે બજારવાદ એટલો બધો પ્રભાવી બન્યો છે કે, પહેલાં તો માનવીએ સઘળા બજારોને મોલમાં એક સાથે ઊભા કરી દીધા. ઘરની પડોશમાં સઘળી ચીજવસ્તુઓ મળવાનો 'અનુપમ' આનંદ અનુભવી રહ્યો. પણ ધીરે ધીરે એ પોતાના જીવનના સઘળાં સંબંધોને પણ બજારના ત્રાજવે તોળવા લાગ્યો. ઉપયોગી, આકર્ષક કે ગમતી ચીજને દોડીને આલિંગવા લાગ્યો અને બજારમાં ખરીદતી વખતે અણગમતી ચીજને જેમ જાકારો આપે, એમ એના જીવનમાંથી જે ઉપયોગી નથી તે અણગમતા બની રહ્યા ને જાકારો અપાયો.

આજનો બજારવાદ માત્ર માનવીને વસ્તુચાહક કે ઉપભોગી તો બનાવે છે, પણ એથી ય વિશેષ આ બજારવાદે એની આખી માનસિકતા પર એવો કબજો જમાવ્યો છે કે જેથી પોતાના જીવનમાં નકામું હોય, એને ફેંકી દેવાનું એમ માને છે. આને કારણે 'મૂલ્ય' જેવા મોટા શબ્દની વાત નથી કરતો પરંતુ રોજિંદા જીવનના સ્નેહભર્યા સંબધો પણ ધીરે ધીરે ગુંગળાવવા માંડયા છે. અનાથઆશ્રમોની સાથોસાથ વૃદ્ધાશ્રમો વધવા લાગ્યા છે.

માનવીના હૃદયના મીઠા સંબંધોમાં જેમ જેમ સંપત્તિનો વધુ ને વધુ પ્રવેશ થાય છે, તેમ તેમ ભીતરની ભાવનાઓ પર ધનની રેલમછેલ સવાર થઈ જાય છે. ભાવનાઓનું કોઈ મૂલ્ય રહ્યું નથી અથવા તો મૂલ્ય ધનસંપત્તિથી જ ભાવનાઓનો આંક કાઢવામાં આવે છે. જેમ જેમ ભીતરની ભાવનાઓને રુખસદ મળે છે, તેમ તેમ વ્યક્તિનું વિચારજગત વધુ ને વધુ બહિર્મુખ બનતું જાય છે. પ્રાપ્તિની દોટ ખરી, પણ તે ભૌતિકતાની પ્રાપ્તિની અને એ દોટ માનવીના જીવનમાંથી પ્રેમ, લાગણી, ભાવના જેવા સંવેદનાને દૂર ફંગોળીને એને માત્ર ભૌતિક પ્રાપ્તિમાં પુરુષાર્થનું પરમ ને ચરમ શિખર દેખાડે છે.

આજે નકલી સંવેદનાની બોલબાલા છે. કાર્ડ એ લાગણીની અભિવ્યક્તિનું માધ્યમ બન્યું છે, પણ મજા એ છે કે, કાર્ડનું લખાણ બજારમાંથી તૈયાર મળ્યું હોય છે. બીજાની ઉછીની લીધેલી ભાવનાઓથી આપણે આપણી લાગણી પ્રગટ કરવાનો વિકૃત પ્રયાસ કરીએ છીએ. બજારમાં દરેક પ્રકારના કાર્ડ ઉપલબ્ધ છે. દરેક સ્થિતિ, પરિસ્થિતિ કે મન:સ્થિતિને દર્શાવતા 'રેડીમેઇડ' લખાણો મળે છે. એ કાર્ડની સાથોસાથ આપણી ભાવનાઓ પણ બજારમાં વેચાવા લાગી છે.

આવે સમયે સૌથી મોટી કટોકટી એ સંવેદનાની કટોકટી છે. માનવીના આંતરસત્ત્વની સામેના દૂરિતોનો સામનો કરવાની આ ક્ષણ છે. સહૃદયતાનું મૂળ સંવેદનામાં પડયું છે અને માત્ર સૌંદર્ય પ્રત્યેની સભાનતામાંથી જ સંવેદના આવતી નથી એ માનવ હૃદયનો ગુણ છે.

એ ગુણ કેળવવાની તક આજની પેઢીને મળી નથી તે માટે આપણે શિક્ષણ પ્રથાને કે વહીવટી તંત્રને ગુનેગારના કઠેડામાં ઉભા રાખવાના ગમે તેટલા પ્રયાસો કરીએ, તો પણ આપણે આપણી પોતાની જવાબદારીઓમાંથી છટકી શકીએ તેમ નથી. સંવેદના એ માનવતામાંથી જન્મતી હોય છે. આજે ટેક્નોલોજી અને તેમાં ય વિડિયો અને યુ-ટયુબ દ્વારા બાળકોને હિંસાના પાઠ શીખવવામાં આવે છે, ત્યારે માનવીય સંવેદના ક્યાંથી પેદા થાય ?

આજે તો માનવીય સંવેદનાઓનું શોષણ ચાલી રહ્યું છે. ટેલિવિઝન પરની ધારાવાહિકોમાં મંત્ર-તંત્ર, જ્યોતિષ, ભૂત-પ્રેત, ડાકણ અને કૌટુંબિક કલહો તથા ઘોર હિંસા અને હત્યા ધરાવતી ફિલ્મો માનવીય સંવેદનાઓનું શોષણ કરે છે. જ્યારે સંવેદના એ માનવતામાંથી જન્મે છે અને આજે માણસાઈનું ચુકવણું થઈ રહ્યું છે.

શાહમૃગ આફ્રિકાના રણમાં જ નથી, આપણી વચ્ચે પણ છે. ટેક્નોલોજીના આ સમયગાળામાં જીવનમાં બધી જ બાબતોનો રોકડિયો પાક ઉતારવામાં આવે છે. રાજકારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક સ્પર્ધાત્મક રેટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ખોઈ બેઠા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કૂંપળનો ઉત્સવ ઉજવતા નથી. આનંદના ઉપહારરૂપે અન્યને બુકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે ક્યારેય માણતા નથી.

મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદમંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ હિમાચ્છાદિત શિખરોની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધ- બધિર અવસ્થાએ માનવીની ભીતરને જરઠ બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓનું વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ, સઘળાં ક્ષેત્રોને 'એન્ટરટેઇમેન્ટ'માં પલટવાની ધૃષ્ટતા- આ બધાંને કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે.

ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા એક ગામડું (ગ્લોબલ વિલેજ) બની ગયું તેમ કહીએ છીએ, પરંતુ એ ગામડાંને આપણે શું આપ્યું ને ગામડાંએ કેટલું બધું ખોયું - તે વિચારવું જોઈએ. દરેક દેશ અને એના લોકોએ બીજાના જીવનની નજાકત જાણવા માટે પ્રયત્ન કરતા નથી પરંતુ બીજાનું જીવન બજારમાં મૂકીને એમાંથી કેટલો નફો રળી શકાય એની ગણતરી કરે છે. વિશ્વને સાંકડુ બનતાં ભાષાઓ નજીક આવી રહી છે. પરંતુ એ પણ ભૂલવું જોઈએ નહીં કે હવે જ્યારે રોબોટ તમને ભાષા શીખવશે, ત્યારે આપણું આ અભિમાન કેટલું ટકશે ?

આજે આપણે એક એવી સાંસ્કૃતિક કટોકટીની ક્ષણ પર આવીને ઊભા છીએ કે જ્યારે પ્રજા તરીકે અને વ્યક્તિ તરીકેનું આપણું અસ્તિત્વ જોખમમાં છે. આપણી ચારે બાજુ તમામ ક્ષેત્રોમાં નાની મોટી હળવી ગંભીર એવી સતત મૂંઝવનારી સમસ્યાઓનો અનુભવ થાય છે. આ માનવીય અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણે આપણાં મૂલ્યો વિશે ગંભીર રીતે ચિંતન કરવું પડશે.

આપણી ભાવનાઓની આપણે મજાક ઉડાવી. પારિવારિક લાગણીઓને પ્રપંચમય ઠેરવી. પરસ્પરની વફાદારી અને દોસ્તીના સંબંધોને નફા- નુકસાનની આંખે જોતાં થતાં આને પરિણામે એક સ્વાર્થમય, લેનદેન પર આધારિત સંવેદનશૂન્યતા આપી વળી છે, તેનું શું ?

આવે સમયે સંવેદનસભર મનુષ્યોની છબી ઉપસાવવાની મથામણ કલાના સર્જકે કરવાની છે. કલાના ક્ષેત્રમાં તો વાદો આવશે અને જશે, પણ અવશેષોમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું એમ સજવાનું અને ત્યારે એ માનવ આત્માઓનો અવાજ સાહિત્ય, ચિત્ર, નૃત્ય અને સર્વકલાઓમાં સંભળાય તે જરૂરી છે. કારણ કે આ કલાઓ જ આપણને શીખવે છે કે આપણે માનવ સંવેદનાની સાથે આપણા કર્તવ્યો કેવી રીતે બજાવી શકીએ.

વર્તમાન સમયમાં હું અધ્યાપક, ફક્ત ડોક્ટર કે પછી વિજ્ઞાાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઉભી છે તેની એણે ઘણી ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયક કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર્ય અને માનવ અધિકારો પર છાશવારે થતા આઘાતો અને એની પોતાની ક્રિયા- પ્રતિક્રિયા કેવી છે ? - આ બધાંનો વિચાર કરીને આચરણની પહેલ કરવી જોઈએ.

ક્ષણનો સાક્ષાત્કાર
સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એનાં સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થઈ જાય કે પછી કપડાં ટૂંકા કે ચમકદાર ન હોય તો, એ બેચેની અનુભવે છે. શરીરના સુખ અને પીડા સાથે એનું આખું સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી.

દેહના તાલે એનું મન સતત નાચતું રહે છે. દેહને સહેજ કષ્ટ પડે કે તત્ક્ષણ મન વ્યગ્ર બની જાય છે. દેહ- મનની આ દોસ્તી એવી ગાઢ બની જાય છે કે એ બંને એમનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસે છે અને પછી બંને એકબીજાના સહારે જીવવા લાગે છે. દેહની માફક મનની અલાયદી માવજત કરવી જોઈએ.

વળી શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, વ્યસ્તતા અને માનસિક તણાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તો પણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિ દર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલા ગમતાં પ્રકૃતિ દ્રશ્યો વચ્ચેથી એ મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દ્રશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર- ઢાંચામાંથી મુક્ત કરશે.

મનઝરૂખો
મહાત્મા ગાંધીજીને જેમના નિબંધમાંથી 'સવિનય કાનૂનભંગ'ની સંજ્ઞાા મળી હતી તેવા પ્રકૃતિની ગોદમાં જીવન ગાળનારા હેન્રી ડેવિડ થોરોને વિશ્વાસ હતો કે, આ જગતમાં તત્ત્વત: તો ઉદાત્ત કોટિનાં તત્ત્વો વ્યાપ્ત છે.

આ હેન્રી થોરોએ વાલ્ડન સરોવર પાસેના જંગલમાં કુટિર બાંધીને રહેવાનું શરૂ કર્યું. એ કુટિર પણ એણે જાતે બાંધી હતી. સાદાઇભર્યું જીવન ગાળવું, પ્રકૃતિ નિરીક્ષણમાં સમય પસાર કરવો અને કુદરતી વચ્ચે રહીને કલ્યાણભાવના અનુભવવી, પોતાના અંત:કરણને અનુસરવું, કરકસરભરી રીતે જીવવું- એ બધાં હેન્રી ડેવિડ થોરોના વિચારો હતા અને એ વિચારોને એણે પોતાના જીવનમાં અમલમાં મૂક્યા હતા.

હેન્રી ડેવિડ થોરો જીવનનુ ઊંચુ મૂલ્ય આંકતા અને એવા મૂલ્યોથી જ એમણે જીવન વ્યતીત કર્યું. એમણે એમના મોટા ભાગનું જીવન અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના કોન્કર્ડમાં પસાર કર્યું.

ગુલામીની પ્રથા વિરુદ્ધ ઝઝૂમનાર જ્હોન બ્રાઉનને ફાંસી આપવામાં આવતાં હેન્રી થોરોને ભારે આઘાત લાગ્યો. એમનું સ્વાસ્થ્ય કથળ્યું.

એ પછી ક્ષયનો રોગ એમને ઘેરી વળ્યો અને તેઓ જીવનનો અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે એમના દાદીમાએ કહ્યું, 'બેટા, મને એમ લાગે છે કે, આપણે હવે કોઈ પાદરીને બોલાવીએ.'

હેન્રી થોરોએ પૂછ્યું, 'એમને બોલાવવાની જરૂર શી છે ?'

વૃદ્ધ દાદીમાએ કહ્યું, 'બેટા, તું મોટો લેખક છે એ વાત સાચી, તે ઘણું ચિંતન કર્યું છે એ પણ ખરું, પરંતુ માણસ મૃત્યુ વેળા પાદરીને બોલાવીને એમની સમક્ષ પોતાના પાપોની કબૂલાત કરે છે. એ તું ક્યાં નથી જાણતો ?' હેન્રી થોરોએ કહ્યું, 'જો પાદરીને બોલાવીને પાપની કબૂલાત જ કરવાની હોય, તો એમને બોલાવવાની કશી જરૂર નથી. મે જિંદગીમાં પાપ જ કર્યું નથી. પછી કબૂલાત કરવાની શી વાત ?' આટલું બોલીને મહાત્મા થોરોએ આ જગતની વિદાય લીધી.

Tags :