Get The App

અવકાશમાં ચહેદકદમી કરનારા લીઓનોવે જાત અનુભવનાં ચિત્રો પણ બનાવ્યા હતાં

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

Updated: Oct 20th, 2019

GS TEAM

Google News
Google News
અવકાશમાં ચહેદકદમી કરનારા લીઓનોવે જાત અનુભવનાં ચિત્રો પણ બનાવ્યા હતાં 1 - image


પ્રથમ વખત સ્પેસવૉક કરનારા અવકાશયાત્રી એલેક્સી લીઓનોવનું ૮૫ વર્ષે નિધન થયું. લીઓનોવ દુનિયાના પ્રથમ એવા માનવી હતા, જેમણે અવકાશ જોયા પછી ચિત્રો દોર્યા હતાં

આદિકાળમાં માણસે જેવું જગત જોયું એવાં ચિત્રો બનાવ્યાં હતાં. ગુફાચિત્રોનો ઈતિહાસ તપાસનારા સંશોધકો કહે છે કે ૪૦,૦૦૦ વર્ષ પહેલાં માણસે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી. એ વખતે માણસે પ્રાણીઓના ચિત્રો બનાવ્યા હતા. ધીમે ધીમે ચિત્રોના વિષયોમાં વૈવિધ્ય ભળ્યું હતું. પછી તો પૃથ્વી પરથી જેવું આકાશ દેખાતું હતું, એના ય ચિત્રો સર્જાયા. ૧૨મી સદીના ચીનના ચિત્રોમાં આકાશદર્શન જોવા મળ્યું હતું.

માણસે જેમ જેમ આકાશને ઓળખ્યું, તેમ તેમ ચિત્રોમાં ય એ વિવરણ રજૂ થયું. પરંતુ છેક ૧૯૬૫ સુધી સૂરજ-ચાંદ-તારાના જેટલાં ચિત્રો સર્જાયા હતા, એ બધા જ પૃથ્વી પરથી થયેલી કલ્પના કે પૃથ્વી પરથી દેખાતા દૃશ્યોના આધારે રચાયા હતા. ત્યાં સુધી માણસ અવકાશમાં પહોંચ્યો ન હતો એટલે અવકાશનો વ્યૂ હજુ ચિત્રોમાં ઉમેરાયો ન હતો.

યુરી ગાગરિન અવકાશમાં જનારા સૌપ્રથમ માનવી બન્યા, પણ ગાગરિન ચિત્રકાર ન હતા. પૃથ્વીવાસીઓ પાસે અવકાશની અને અવકાશમાંથી પૃથ્વીની તસવીરો તો ઉપલબ્ધ થઈ ચૂકી હતી, પરંતુ સૌથી પ્રાચીન કળા પેઈટિંગ્સના ક્ષેત્રે હજુ નવો યુગ શરૂ થયો ન હતો. જેમ ટાઈપ થયેલું લખાણ ઉત્તમ હોય તો વાંચવું ગમે જ, પણ પ્રિયજનો માટે હાથે લખેલા પત્રોનું અનેરું મહત્વ હોય છે; એમાં લખનારની ઊર્મિ ભળે છે. એમ કેમેરાથી લીધેલી અવકાશની તસવીરોનું મૂલ્ય છે જ, પરંતુ ચિત્રોમાં માણસ અલગ ઉમળકો વ્યક્ત કરતો હોય છે. એવો અવકાશી ઉમળકો હજુ ચિત્રોમાં વ્યક્ત થયો ન હતો.

એ ઉમળકો પહેલી વખત વ્યક્ત કરનારા ચિત્રકારનું નામ છે - એલેક્સી લીઓનોવ. હા. એ જ એલેક્સી લીઓનોવ જે સૌપ્રથમ સ્પેકવૉક કરનારા માનવી તરીકે ઈતિહાસમાં અમર છે.

૧૯૩૪માં સંયુક્ત રશિયામાં એલેક્સી લીઓનોવનો જન્મ થયો હતો. જન્મના બે વર્ષ પછી ૧૯૩૬માં તેમના પિતાની તત્કાલિન રશિયન સત્તાધીશોએ ધરપકડ કરાવી. લીઓનોવે ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે એમ સરકાર સામે આંદોલન કરવાની સજારૂપે તેમના પિતાને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યા હતા.

'નાગરિકોના દુશ્મન' જાહેર કરીને એ વખતેના રશિયામાં લીઓનોવના પિતાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમના આખા પરિવારને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. એ પહેલાં એમના દાદાને તો એથી ય મોટી સજા થઈ હતી. ૧૯૦૫-૧૯૦૭ની રશિયન ક્રાંતિમાં ભાગ લેવા બદલ તેમના દાદાને દેશનિકાલ કરાયા હતા. પરંપરાગત રીતે સરકાર વિરૂદ્ધ ગતિવિધિ કરવા માટે તેમનો પરિવાર પંકાઈ ગયો હતો.

પરંતુ એલેક્સીના નસીબમાં રાષ્ટ્રના હીરો બનવાનું સદ્ભાગ્ય લખાયું હતું. એ પહેલાં ભારોભાર સંઘર્ષ પણ તકદીરમાં લખાયો હતો. તેમના પિતા ઘણાં વર્ષો જેલમાં રહ્યા, સ્થળાંતર કરીને નવા વિસ્તારમાં રહેવા આવ્યા એટલે કોઈની મદદ પણ મળે તેમ ન હતી. એવી સ્થિતિમાં ઘરના તમામ સભ્યોએ કંઈકનું કંઈક કામ કરવું પડતું. નાનકડા લીઓનોવે પણ શાળામાં શીખેલી આર્ટની કળામાંથી જે મળે એ કમાણી કરવા માંડી. કારખાનાઓ માટે દીવાલોમાં ચિત્રો બનાવવાનું કામ લીઓનોવે બાળપણમાં કર્યું હતું, ત્યારે તેમણે કલ્પના પણ નહોતી કરી હોય કે આ આર્ટની આવડત તેમને વિશ્વમાં અમર કરી દેશે.

સમય બધા જ જખ્મોની દવા હોય છે. લીઓનોવના પરિવારે ભારે સંઘર્ષમાં એકાદ દશકો પસાર કર્યો. ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડવા માંડી. તેમના પિતાને જેલમાંથી છોડી દેવામાં આવ્યાં એટલે પરિવારનું આર્થિક સંકટ ઓછું થયું. એ જ અરસામાં લીઓનોવે ગ્રેજ્યુએશન પૂરું કરીને ચિત્રકાર બનવા માટે રિગાની આર્ટ એકેડેમીમાં પ્રવેશ માટે પ્રયાસો કર્યા, પણ ફી ઘણી ઊંચી હતી એટલે વિધિવત્ તાલીમ લઈને ચિત્રકાર બનવાનું સપનું મનમાં જ ધરબી દીધું.

એક સપનું અધૂરું રહેવાથી જીવન પૂરું નથી થઈ ગયું એ વાત કિશોરાવસ્થામાં ઘણી ઠોકરો ખાધા પછી સમજી ગયેલા લીઓનોવે ૧૯૫૫માં પાયલટ બનવા માટે પ્રવેશ મેળવ્યો. ફ્લાઈંગ સ્કૂલમાં પ્રવેશ મેળવનારા એલેક્સી લીઓનોવના નસીબ આડેથી એ જ ઘડીએ જાણે પાંદડુ હટી ગયું. એ દિવસથી તેમણે સતત ઊંચાઈ સર કરવાનું શરૂ કર્યું અને યાત્રા છેક સ્પેસવૉક સુધી વિસ્તરી.

ફ્લાઈંગના પાઠ ભણવાની સાથે સાથે તેમણે પેશનને વળગી રહીને પેઈન્ટિંગ શીખવાનું પાર્ટટાઈમ શરૂ રાખ્યું. ફ્લાઈંગની તાલીમ પૂરી થઈ એટલે ૧૯૫૯માં રશિયાના એરફોર્સમાં જોડાઈ ગયા. એરફોર્સે તેમને જર્મનીમાં તૈનાત લશ્કર પાસે મોકલી દીધા. એકાદ વર્ષ માંડ વીત્યું હશે ત્યાં રશિયાના સ્પેસ પ્રોગ્રામમાં જોડાવા માટે કેમ્પ યોજાયો. એરફોર્સમાંથી ૨૦ પાયલટની પસંદગી કરવાની હતી. એ ૨૦ની ટીમમાં પસંદ થયા પછી તો લીઓનોવની કારકિર્દી સદંતર નવી દિશામાં દોડવા લાગી.

અમેરિકા-રશિયા વચ્ચે સ્પેસવૉર શરૂ થઈ ચૂકી હતી. રશિયાએ યૂરી ગાગરિનને સ્પેસમાં મોકલીને શરૂઆતી જંગ જીતી લીધો હતો. બીજું મિશન હતું - માણસ પાસે સ્પેસવૉક કરાવવાનું. આકરી, લાંબી અને કંટાળાજનક તાલીમ તેમ જ વિવિધ પરીક્ષણો પછી સ્પેસવૉક માટે લીઓનોવ રશિયન સ્પેસ એજન્સીના નિષ્ણાતોને એકદમ યોગ્ય ઉમેદવાર જણાયા, પણ જે વોસ્ખોડ-૧ મિશન સ્પેસવૉક માટે નક્કી થયું હતું તે કેન્સલ કરવું પડયું.

નવી શક્યતા વચ્ચે વોસ્ખોડ-૨ મિશન ગોઠવાયું. મિશન સફળ થયું તે સાથે જ પૃથ્વીના પ્રથમ માનવી તરીકે અવકાશમાં વૉક કરનારા એલેક્સી લીઓનોવનું નામ ઈતિહાસમાં થઈ ગયું. તેમણે ૧૯૬૫ની ૧૮મી માર્ચે ૧૨ મિનિટ અને નવ સેકન્ડ સુધી સ્પેસવૉક કરીને સ્પેસસાયન્સમાં નવા પ્રકરણનો આરંભ કર્યો. રશિયાએ સર્વોચ્ચ સન્માન આપીને બબ્બે વખત તેમનું સન્માન કર્યું.

તે પછી રશિયાએ લો-અર્થ ઓર્બિટરથી પણ માણસને ઉપર મોકલવાનું મિશન હાથ ધર્યું હતું. એ માટે લીઓનોવની પસંદગી થઈ હતી, પરંતુ નાસાના એપોલો-૮ને એમાં સફળતા મળી ગઈ એટલે રશિયાએ પ્રોજેક્ટ પડતો મૂક્યો. સ્પેસરેસમાં પછી તો અમેરિકા આગળ નીકળી ગયું અને નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પગલું પાડનારા પ્રથમ ઈનસાન બની ગયા.

પણ એ પહેલાં રશિયાએ ગુપ્ત રીતે મિશન મૂન શરૂ કર્યું હતું. એ મિશનના ભાગરૂપે લીઓનોવને ચંદ્ર ઉપર ઉતારવાનું રશિયાનું આયોજન હતું. ઈતિહાસમાં જો અને તોને સ્થાન હોતું નથી, છતાંય જો એમ થયું હોત તો - પ્રથમ સ્પેસવૉક, લો-અર્થ ઓર્બિટર બહાર જનારા પ્રથમ માનવી અને ચંદ્ર ઉપર પગ મૂકનારા પ્રથમ ઈનસાન - એમ ઘણી કેટેગરીમાં એક જ નામ હોત- એલેક્સી લીઓનોવ!

ખેર, પ્રથમ સ્પેસવૉક ઉપરાંત તેમના નામે જે મહત્વનું કાર્ય બોલે છે, તે છે : સ્પેસ-પેઈન્ટિંગ. સ્પેસવૉક કરનારા દુનિયાના પ્રથમ માણસે નરી આંખે જે આકાશને જોયું, અવકાશમાંથી પૃથ્વી-ચંદ્રની જે સ્થિતિ નોંધી તેના પરથી ઘણાં ચિત્રો બનાવ્યાં હતાં. ૧૯૭૫માં અમેરિકા-રશિયાએ પ્રથમ સંયુક્ત સ્પેસ મિશન લોંચ કર્યુ એના કમાન્ડર એલેક્સી લીઓનોવ હતા.

એ વખતે લીઓનોવ બીજી વખત અવકાશમાં ગયા હતા અને સાથે કાગળ પેન્સિલ લઈ ગયા હતા. પછીના વર્ષોમાં તેમણે આ આર્ટવર્કનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. પુસ્તકની પ્રસ્તાવના નીલ આર્મસ્ટ્રોંગે લખી આપી હતી. દુનિયાભરમાં તેમના ચિત્રોનું એક્ઝિબિશન પણ યોજાયું હતું.

તેમણે આર્ટનું પેશન જાળવીને પાર્ટટાઈમ તાલીમ લીધી હતી એ તેમને બરાબર કામ લાગી. હવે તો નાસા અલગ અલગ પ્રકારની આવડત ધરાવતા અવકાશયાત્રીઓને વિભિન્ન શક્યતાઓ તલાશવા માટે સ્પેસસ્ટેશનમાં મોકલે છે, પણ એ વખતે મુખ્ય કામ સ્પેસમાં જવાનું હતું અને તે માટે જરૂરી તાલીમ અપાતી હતી. એમાં લીઓનોવ એવા પ્રથમ અવકાશયાત્રી હતા જેમને ચિત્રકળાની સારી એવી સૂઝ હતી. એ સૂઝે આટલા અવકાશયાત્રીઓમાં તેમનું અનોખું સ્થાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

વેલ, આદિમાનવે પોતાની આસપાસ જે જોયું તેના ચિત્રો બનાવ્યા હતાં. માણસે અવકાશમાંથી ચંદ્ર-પૃથ્વીને જોઈને તેના ય ચિત્રો બનાવ્યા ત્યારે માનવ ઉત્ક્રાંતિનું એક સર્કલ પૂરું થયું હતું. લીઓનોવ પછી અવકાશમાં જઈને ત્યાં જ ચિત્રો દોરવાના પ્રયોગો થયા છે. નીકોલ સ્કોટ નામના અવકાશયાત્રીએ સ્પેસમાં એ પ્રયોગો કર્યા હતા. જોયું-જાણ્યું હોય એના આધારે ચિત્રો સર્જવાનું સર્કલ શરૂ કરનારા માનવીને આપણે ઓળખતા નથી, પણ પૂરું કરનારા માણસનું નામ એલેક્સી લીઓનોવ છે, તે નક્કી છે.

અવકાશમાં પ્રથમ...

યૂરી ગાગરિન: ૧૯૬૧ની ૧૨મી એપ્રિલે યૂરી ગાગરિન વોસ્તોક-૧માં સવાર થઈને અવકાશમાં પહોંચ્યા હતા. ૨૦મી સદીની એ ઐતિહાસિક ઘડી હતી. માણસે પ્રથમ વખત પૃથ્વીથી આકાશ સુધીની સફર ખેડી હતી. રશિયાના નાનકડાં ગામડાંમાં જન્મેલા ગાગરિન તે પછી તો આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગયા હતા. માણસની સર્વોચ્ચ ક્ષમતાનો પર્યાય બની ગયેલા યૂરી ગાગરિનને રશિયાના સર્વોચ્ચ સન્માન સહિત દુનિયાના અનેકાનેક પુરસ્કારો મળ્યા હતા. વિમાન દુર્ઘટનામાં ૧૯૬૮માં તેમનું નિધન થયું હતું.

વેલેન્ટાઈન ટેરેશકોવા: ૧૬મી જુલાઈ, ૧૯૬૩માં રશિયન મિશન વોસ્તોક-૬ના ભાગરૂપે વેલેન્ટાઈને ત્રણ દિવસમાં ૪૮ વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. વેલેન્ટાઈનને યુવાવયે સ્કાઈડાઈવિંગનો શોખ હતો અને એ શોખ જ રશિયાના અવકાશ મિશનમાં પસંદગી માટે કારણભૂત બન્યો હતો. જોખમ ઉઠાવવાના સ્વભાવને ધ્યાનમાં રાખીને ૧૯૬૧માં વોસ્તોક પ્રોગ્રામમાં તેમને પસંદ કરાયા હતા અને તેમણે ઈતિહાસ સર્જ્યો હતો.

નીલ આર્મસ્ટ્રોંગ: ચંદ્રની ધરતી ઉપર પહેલો મૂકનાર માનવી તરીકે નીલ આર્મસ્ટ્રોંગ માનવ ઈતિહાસમાં અમર બની ગયા છે. અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ટેસ્ટ પાયલટમાંથી અંતરિક્ષ સુધીની યાત્રા કરી હતી. નાસાના સ્પેસપ્રોગ્રામનો હિસ્સો બન્યા તે પહેલાં આર્મસ્ટ્રોંગ અમેરિકાના નૌકાદળમાં કાર્યરત હતા. એપોલો-મિશનના ભાગરૂપે ચંદ્ર ઉપર જઈને ૧૯૬૯માં આર્મસ્ટ્રોંગે માનવીય ક્ષમતાની નવી વ્યાખ્યા કંડારી હતી.

સ્વેત્લાના સાવિત્સ્કાયા: સ્પેકવૉક કરનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી સ્વેત્લાના રશિયન મિશન સોયુઝ ટી-૭ના ભાગરૂપે ૧૯૮૨માં અવકાશમાં પહોંચ્યા હતાં. ૧૯૮૪માં ફરીથી તેમને અવકાશમાં જવાની તક મળી હતી. તે સાથે તેમના નામે બીજો ય એક વિક્રમ નોંધાયો હતો : બે વખત અવકાશમાં જનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી. મહિલા પાયલટ તરીકે પણ સ્વેત્લાનાના નામે ઘણાં વર્લ્ડ રેકોર્ડ્સ દર્જ થયાં છે.

રાકેશ શર્મા: રશિયાની મદદથી ભારતના અવકાશયાત્રી રાકેશ શર્મા અવકાશમાં પહોંચ્યા હતા. ઈન્ડિયન એરફોર્સના પાયલટ તરીકે કારકિર્દી શરૂ કરનારા રાકેશ શર્માની પસંદગી ઈન્ટરકોસ્મોસ પ્રોગ્રામ હેઠળ અંતરિક્ષયાત્રી તરીકે થઈ હતી. અવકાશમાં પહોંચેલા રાકેશ શર્મા આ સિદ્ધિ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા હતા.

કલ્પના ચાવલા: સ્પેસમાં જનારા પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી તરીકેનું સન્માન કલ્પના ચાવલાને મળે છે. ભારતમાં ૧૯૬૨માં જન્મેલા કલ્પના ચાવલા પંજાબની યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવીને ૧૯૮૨માં અમેરિકા જઈ વસ્યા હતા. ૧૯૮૯માં તેમણે અમેરિકન સ્પેસ એજન્સી નાસા માટે કામ શરૂ કર્યું હતું. ૧૯૯૭માં તેમને અવકાશમાં જવાની તક મળી હતી.

Tags :