Get The App

યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ઉદ્ધવજીને યોગની ચોવીસ સિદ્ધિઓ વિશે સમજૂતી આપી છે !

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Oct 19th, 2019

GS TEAM


Google News
Google News
યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ઉદ્ધવજીને યોગની ચોવીસ સિદ્ધિઓ વિશે સમજૂતી આપી છે ! 1 - image


કેટલાકને પૂર્વજન્મની સાધનાના ફળરૂપે બીજા જન્મમાં જન્મથી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગયેલી હોય છે. કેટલાકને પ્રબળ યોગસાધનાથી પ્રાપ્ત થાય છે

'જિતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જિતશ્વાસસ્ય યોગિન: ।

મયિ ધારયતશ્ચેત ઉપતિષ્ઠન્તિ સિદ્ધય: ।।

પ્રાણાયામ કરનાર, જિતેન્દ્રિય અને મારામાં મન સ્થિર રાખનાર યોગીને સિદ્ધિઓ સ્વયં પ્રાપ્ત થાય છે.'

- ભગવાન શ્રીકૃષ્ણ 

(શ્રીમદ્ ભાગવત, એકાદશ સ્કંધ, 

અધ્યાય- ૧૫, શ્લોક-૧)

શ્રી મદ્ ભાગવત મહાપુરાણના અગિયારમા સ્કંધના પંદરમાં અધ્યાયના ૩૬ શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને અષ્ટ મહાસિદ્ધિ, ગુણહેતુસિદ્ધિ, ક્ષુદ્ર (સામાન્ય) સિદ્ધિ અને પરમ સિદ્ધિ વિશે સમજૂતી આપી છે. એ સિદ્ધિઓ કેવી રીતે મેળવી શકાય એની પ્રક્રિયા પણ દર્શાવી છે. આ વિશે સંત શિરોમણિ યોગીરાજ એકનાથ મહારાજે ખૂબ સુંદર ટીકા પણ લખી છે.

મહાસિદ્ધિઓ આઠ છે - અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, પ્રાકાશ્ય, ઇશિતા અને વશિતા. 'અણિમા' સિદ્ધિથી શરીરને અણુ- પરમાણું જેટલું નાનું બનાવી શકાય છે. શ્રી હનુમાનજીએ સીતાજીની શોધમાં અણિમા મહાસિદ્ધિનો ઉપયોગ કરી પોતાનુંં શરીર અણુ જેટલું બનાવી લંકામાં પ્રવેશ કર્યો હતો.

બીજી 'મહિમા' પ્રકારની મહાસિદ્ધિથી શરીરને મોટું કે ભારે બનાવી શકાય છે. શ્રી હનુમાનજીએ સમુદ્ર ઓળંગતી વખતે પોતાનું શરીર પર્વત જેવું મોટું અને ભારે બનાવ્યું હતું. 'લઘિમા' પ્રકારની મહાસિદ્ધિથી શરીરને અત્યંત નાનું, સૂક્ષ્મ અને રૂ જેવું વજનમાં હળવું બનાવી શકાય છે.

અણિમા, મહિમા અને લઘિમા એ ત્રણ મહાસિદ્ધિઓ દેહસંબંધિત છે. પ્રાપ્તિ ઇન્દ્રિયોની મહાસિદ્ધિ છે એનાથી કોઈ પણ વસ્તુ મેળવી શકાય છે. 'પ્રાકામ્ય' પરલોકગત અદ્રશ્ય વિગતોનું પૂર્ણ જ્ઞાાન કરાવનારી મહાસિદ્ધિ છે. પ્રાકાશ્ય આ લોક અને પરલોકની વસ્તુઓ જોવાની  મહાસિદ્ધિ છે. 'ઇશિતા' માયા અને તેની અંશભૂત અન્ય શક્તિઓને પ્રેરિત કરનારી મહાસિદ્ધિ છે. 'વશિતા' કર્મોમાં અલિપ્ત રહેવાની અને વિષયભોગમાં આસક્ત ન થવાની શક્તિ આપનારી મહાસિદ્ધિ છે. તે બીજાને પોતાને વશ કરવાનું સામર્થ્ય પણ આપે છે.

ગુણ હેતુસિદ્ધિમાં સત્ત્વગુણની વૃદ્ધિ થવાથી જે દસ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે છે - 

૧. અનુર્મિમત્વ સિદ્ધિ: આ સિદ્ધિથી ભૂખ, તરસ, શોક, મોહ, ઘડપણ અને મૃત્યુ એ ષડ્ ઉર્મિઓની પીડાથી મુક્ત રહી શકાય છે. 

૨. દૂરશ્રવણ સિદ્ધિ: આ સિદ્ધિથી અત્યંત દૂર રહેલી વ્યક્તિની વાતચીત સાંભળી શકાય છે. 

૩. દૂરદર્શન સિદ્ધિ: અત્યંત દૂર બનતી ઘટનાઓને પોતાની આંખો સામે બનતી હોય એ રીતે જોઈ શકાય છે. વ્યાસમુનિએ સંજયમાં દૂરશ્રવણ અને દૂરદર્શન એ બન્ને સિદ્ધિઓ વિકસિત કરી હતી તેથી તેણે કુરુક્ષેત્રમાં ચાલતા કૌરવ- પાંડવોના યુદ્ધનું ધૃતરાષ્ટ્રને ઘેર બેઠા વર્ણન કરી બતાવ્યું હતું. 

૪. મનોજવ સિદ્ધિ: મનના વેગથી ગમે તેટલા દૂરના ક્ષણે તત્કાળ પહોંચવાની સિદ્ધિ. નારદરજીની કૃપાથી ચિત્રલેખાને દૂરદર્શન સિદધિ અને મનોજ્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. 

૫. કામરૂપ સિદ્ધિ: પોતાની ઇચ્છા હોય એ પ્રમાણેનું કોઈ પણ રૂપ ધારણ કરી લેવાની શક્તિ. આ સિદ્ધિથી યોગી, દેવ અસુર, માનવી, પશુ, પક્ષી કોઈ પણ નાના મોટા પ્રાણીનું રૂપ ધારણ કરી શકે છે. 

૬. પરકાય પ્રવેશ સિદ્ધિ: આ સિદ્ધિથી યોગી પોતાના પ્રાણ કે ચેતનાને પોતાના શરીરમાંથી બહાર કાઢી બીજાના શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. આ રીતે મંડનમિશ્રની પત્ની ભારતીના કામશાસ્ત્ર વિષયક પ્રશ્નોના જવાબ આપવા માટે આદિ શંકરાચાર્યજીએ અમરુક રાજાના મૃત શરીરમાં પોતાનું સૂક્ષ્મ શરીર પ્રવિષ્ટ કરી એને સજીવ કરી એના થકી આ વિષયનું જ્ઞાાન અને અનુભવ પ્રાપ્ત કરી શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યોહતો. 

૭. સ્વચ્છંદ મરણ: કાળને વશ ન થતા પોતાની ઇચ્છા હોય ત્યારે મરણ પામવું. ભીષ્મ પિતામહે આ રીતે બાણશય્યા પર સૂતાં સૂતાં પણ પોતાનું મરણ અટકાવી રાખ્યું હતું અને સૂર્ય ઉત્તરાયણમાં આવ્યો ત્યારે પોતાનો દેહ છોડયો હતો.

૮. દેવક્રીડાનું દર્શન: આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સ્વર્ગના દેવોની ક્રીડાનું તાદ્રશ દર્શન કરી શકે છે. એવી ક્રીડા કરવા સ્વયં પણ સમર્થ બને છે. ૯. યથાસંકલ્પ સિદ્ધિ : આ સિદ્ધિ દ્વારા યોગી સંકલ્પિત વસ્તુને તરત પ્રાપ્ત કરી લે છે. અને સંકલ્પ કરેલા કાર્યોને સિદ્ધ કરી લે છે. ૧૦. અપ્રતિહતગતિ અને અપ્રતિહતાજ્ઞાા : આ સિદ્ધિ ઘરાવનારની ગતિ ક્યાંય રોકાતી નથી તે જ્યાં ઇચ્છે ત્યાં જઈ શકે છે. એ રીતે એની આજ્ઞાાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી.

ક્ષુદ્ર સિદ્ધિઓ પાંચ પ્રકારની છે. એમને સામાન્ય કે તુચ્છ સિદ્ધિઓ કહેવામાં આવી છે. ૧. ત્રિકાલજ્ઞાતા - ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્ય કાળનું જ્ઞાાન આ સિદ્ધિ મહર્ષિ વાલ્મીકિને મળેલી હતી તેથી તે ભગવાન રામના જન્મ પૂર્વે એમના જીવનમાં બનનારી ઘટનાઓને જાણી શક્યા હતા અને એ રામાયણમાં લખી કાઢી હતી.

૨. અદ્વન્દ્વતા : શીત- ઉષ્ણ, રાગ-દ્વેષ, લાભ- હાનિ એવા દ્વન્દ્વોથી તે પર રહી શકે છે. ૩. પરચિત્તાદ્યભિજ્ઞાતા : આ સિદ્ધિથી યોગી બીજાના મનની સ્થિતિ જાણી લે છે. ૪. પ્રતિષ્ટમ્ભ : આ સિદ્ધિથી યોગી જળ, વાયુ, શસ્ત્ર, વિષ અને સૂર્યના તાપની અસરથી મુક્ત રહી શકે છે. અપરાજય : આ સિદ્ધ પ્રાપ્ત કરનારને કોઈ હરાવી શકતું નથી એ બધાને માટે અજેય રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને અગિયારમા સ્કંધના પંદરમા અધ્યાયના દસમા શ્લોકથી છત્રીસમા શ્લોક સુધી આઠ મહાસિદ્ધિ, દસ ગુણહેતુસિદ્ધિ, પાંચ ક્ષુદ્ર સિદ્ધિ, અને એક પરમ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની પ્રક્રિયા દર્શાવી છે. એ પછી ભગવાન કહે છે કે આ અનેક પ્રકારના સાધનો વગર પણ બધી સિદ્ધિઓની પ્રાપ્તિ કેવળ મારા સ્વરૂપ ધ્યાન કરવાથી, કેવળ મારી ધારણા કરવાથી પણ થઈ જાય છે.

'જિતેન્દ્રિયસ્ય ધન્તસ્ય જિતશ્વાસાત્મનો મુને: । મદ્ધારણાં ધારયત: કા સા સિદ્ધિ સુદુર્લ્ભયા ।। પાંચ જ્ઞાાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયોને જેણે શમ- દમથી જીતી છે, પ્રબળ વૈરાગ્ય દ્વારા જેણે પ્રાણ અને અપનાનને પોતાના વશમાં કર્યા છે, વિવેકબળથી જેણે પોતાના ચિત્તને સાવધાન કર્યું છે, સતત ચિંતન કરી જેણે મન પર કાબૂ મેળવ્યો છે અને જે નિરંતર મારું ધ્યાન કરતો રહે છે એને માટે કઈ સિદ્ધિ દુર્લભ છે ?'

કેટલાકને પૂર્વજન્મની સાધનાના ફળરૂપે બીજા જન્મમાં જન્મથી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગયેલી હોય છે. કેટલાકને પ્રબળ યોગસાધનાથી પ્રાપ્ત થાય છે તો કેટલાકને વ્રત- ઉપાસના- અનુષ્ઠાન, જપ, તંત્ર, મંત્ર અને દિવ્ય ઔષધિઓથી પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને અંતે કહે છે કે, 'આ પ્રમાણે મારી ઉપાસના કરનારા મુનિને મેંં પૂર્વે જણાવી તે સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઉત્તમ યોગીઓ મને જ પ્રાપ્ત કરવાના હેતુવાળા હોવાથી આ સિદ્ધિઓને કાલક્ષેપરૂપ અને વિઘ્નરૂપ માને છે. સર્વ સિદ્દિઓનો સ્વામી હું છું એટલું જ નહીં પણ યોગ, જ્ઞાાન અને ધર્મને જાણનાર બ્રહ્મવાદીઓનો સ્વામી પણ હું છું.

પરમ આનંદ રૂપ મને પ્રાપ્ત કરવો એ પરમ સિદ્ધિ છે.' 'નિર્ગુણે બ્રહ્મણિ મયિ ધારયન વિશદં મન: । પરમાનંદમાપ્નોતિ યત્ર કામો।વસીયતે ।। સત્ત્વ ગુણ રૂપ ચિત્ત, રજોગુણ રૂપ, ઇન્દ્રિયો અને તમોગુણ રૂપ વિષયોને છોડીને અલિપ્ત, અનાસક્ત અને અત્યંત વિશુદ્ધ એવા મનથી મારા નિર્ગુણ બ્રહ્મસ્વરૂપનું ધ્યાન કરે છે. તે મારા પરમ આનંદને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી પરમ આનંદની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી લાખો ઉપાયો કરવા છતાં કામની નિવૃત્તિ થતી નથી. મને પ્રાપ્ત કરવો એ જ મહાસિદ્ધિ છે. મારા સ્વરૂપમાં રહેલા પરમ આનંદનો સાક્ષાત્કાર કરવો એ જ પરમ સિદ્ધિ છે.'

Tags :