''મેકોલેને મને શાપ આપવાનું મન થાય છે કે 'વ્હાઈટ કોલર' જોબનું પ્રલોભન આપી તેમને શ્રમથી અળગા કરી દીધા''
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
''કોણ અમીર અને કોણ ગરીબ? માણસે માણસ તરીકેના જન્મનું ઋણ એક યા બીજી રીતે ચૂકવવું પડતું જ હોય છે! હું તો નિમિત્ત માત્ર છું'' - ધીરુ શેઠ
'માસા, હું બેરોજગારીથી કંટાળી ગયો છું. ઘણી વાર ગુસ્સો આવે છે કે બી.એ.ની ડિગ્રીનું પ્રમાણપત્ર ફાડી નાખું. જે પ્રમાણપત્ર ભૂખ્યા રહેવાનું નિમિત્ત બને એનું મહત્વ શું? હું કહેવાઉં 'સ્નાતક', પણ રહ્યો, કોરો ને કોરો. ભણ્યા કરતાં મજૂરી કરવાનું શીખી ગયો હોત તો સુખી થાત. માસા, તમારે તો મોટા-મોટા શેઠીઆઓની ઓળખાણ છે, મને એક કારકૂનની જગા પણ અપાવી શકતા નથી! કાંઈક કરો આ દુનિયા જીવવા જેવી નહીં લાગે તો...'
''બસ, કર અવલંબન, ભણતરે તને બહાદુરી શીખવવાને બદલે કાયરતા શીખવી? સ્વાવલંબનને બદલે પરાવલંબન શીખવ્યું? તારી ફોઈબાએ અવલંબન નામ એટલા માટે પાડયું હશે કે ભવિષ્યમાં 'તું' આગળ 'સ્વ' ઉમેરી સ્વાવલંબી બનીશ. તું નિરાશ ન થા, હું કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશ.'' - માસા પ્રમોદરાયે કહ્યું...
'માસા, 'રસ્તો કાઢવા'માંને કાઢવામાં તો બે વર્ષ નીકળી ગયાં! તમારો દીકરો અનુમોદન જેવો બી.એસ.સી. થયો, તમે તેને કેમિકલ કંપનીમાં ગોઠવી દીધો! પણ આખરે તો હું પરાયો ને! આંગળીથી નખ વેગળા તે વેગળા!' - અવલંબન બોલતાં-બોલતાં રડી પડયો.
પ્રમોદરાયે તેને સાંત્વના આપતાં કહ્યું, 'ઘણીવાર નોકરી પ્રાપ્તિ માટે પણ પેંતરા કરવા પડે છે! હું કાંઈક ચોકઠું ગોઠવું છું, પણ એ શરતો કે તાત્કાલિક મળે તેવું કામ સ્વીકારી લેવું અને કામે રાખનારનું દિલ જીતી લેવું. હું આવતે અઠવાડિયે આવીશ, તને કામ માટે શહેરમાં લઈ જઈશ, બસ, હવે તો ખુશ ને!'
અવલંબનના ચહેરા પર ચમક આવી. માસા મુંબઈ લઈ જશે એ ખ્યાલ માત્રથી તે ખુશખુશાલ થઈ ગયો. દરિયો જોવા મળશે, ચોપાટીમાં મહાલવાનું મળશે અને સ્ટીમ લોંચમાં બેસી ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટાની મોજ માણવાની તક મળશે, અને વારંવાર વખણાતા 'વડા પાઉં' ચાખવાનો મોકો મળશે! વાહ! માતા મુમ્બાદેવી, મારી મુરાદ પૂરી કરજે - અવલંબન મનોમન કલ્પનામાં રાચતો હતો.
બરાબર સાતમા દિવસે માસા પ્રમોદરાય અવલંબનને મુંબઈ લઈ જવા હાજર થઈ ગયા. અવલંબને મુંબઈમાં પહેરવા માટે ઊછીના પૈસા લઈને સિવડાવેલું જીન્સનું પેન્ટ અને ટી-શર્ટની બે જોડ માસાને બતાવી.
પ્રમોદરાય અવલંબનને બતાવેલાં વસ્ત્રો તરફ ટગર-ટગર જોઈ રહ્યા. અવલંબનને કેમ સમજાવવું કે તેણે જે શેઠને ત્યાં નોકરીના શ્રીગણેશ કરવાના છે, ત્યાં તો એનો 'હોદ્દો' 'ઘરઘાટી'નો છે. છતાં અત્યારે રહસ્યને રહસ્ય રાખવામાં સાર છે એમ માની 'સરસ' એટલો ટૂંકો જવાબ આપ્યો.
ગુજરાત મેઈલે માસા-ભાણેજને મુંબઈના સેન્ટ્રલ રેલવે સ્ટેશને ઉતાર્યા. માસાએ સ્ટેશન બહાર નીકળી ટેક્સીમાં બેસતાં કહ્યું : ''કાલબાદેવી'' અવલંબને ભાવવિભોર થઈ પૂછ્યું : ''માસા, મુંબઈમાં મમ્માદેવી ઉપરાંત 'કાલબાદેવી'નું પણ મંદિર છે?''
'ચૂપ રહે. કાલબાદેવી મુંબઈના એક રહેણાંક વિસ્તારનું નામ છે. દસ માળીઆ એક મકાનમાં હું અને તારી માસી અંતરા અને પુત્ર અનુમોદન એક રૂમ અને રસોડાની ખોલીમાં રહીએ છીએ. તારે પણ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારી સાથે રહેવાનું છે.'
'પણ નોકરીનો ઈન્ટરવ્યૂ ક્યારે છે? હું થોડા પૂછવાપાત્ર સવાલોના જવાબો તો તૈયાર કરી રાખું ને?' - અવલંબને અતિ ઉત્સાહમાં પૂછ્યું.
પ્રમોદરાયને લાગ્યું કે હવે ભાણાનો ભ્રમ ભાંગ્યા સિવાય છૂટકો નથી. એટલે એમણે વાત શરૂ કરી : ''મારા એક મિત્રનો દીકરો પ્રોફેસર હતો. અમેરિકામાં નોકરી શોધતાં-શોધતાં તેને પેટ્રોલ પંપ પર બૉયની નોકરી મળી. અમારા બીજા એક બૉસના છોકરાને શરૂઆતમાં નાઈટ વૉચમેનગીરી કરવી પડી. એટલે આરંભમાં જે તક મળે તે વધાવી લેવામાં સાર છે.''
'એટલે કેવી તક? કાંઈ મગનું નામ મરી તો પાડો.' - અવલંબને જિજ્ઞાાસાપૂર્વક પૂછ્યું.
'જો બેટા, ધ્યાનથી સાંભળ. હું તને ધીરુભાઈ શેઠને ત્યાં લઈ જાઉં છું. આયાત-નિકાસનો તેમનો બહુ મોટો ધંધો મુંબઈમાં ધમધમે છે. એમની નજરમાં વસી જાય તેનો બેડો પાર! એમને ત્યાં એક ઘરઘાટીની જગ્યા ખાલી છે. તું ગ્રેજ્યુએટ છું, એ ભૂલીને એક જરૂરીઆતમંદ લાચાર ઉમેદવાર છું, એ રીતે વર્તવાનું છે - જો પછી તારા માસા કેવો રંગ લાવે છે.
તને કાલબાદેવીથી અમેરિકાના ન્યૂયોર્કમાં પહોંચાડવાનું કામ મારું. શરત એક જ : ડિગ્રીનું અહં મનમાંથી કાઢી નાખવાનું. શેઠાણી થોડાં કડક છે, પણ શેઠ ખૂબ જ દયાળુ અને પ્રેમાળ છે. પહેલાં તારે શેઠાણીનું દિલ જીતવાનું પછી, શેઠ તો આપોઆપ જીતાઈ જશે!'' - માસાએ ફોડ પાડયો.
'માસા આવું જ હતું તો મને પહેલેથી કહેવું હતું ને! બી.એ.ની ડિગ્રી મેં 'નોકર' બનવા માટે મેળવી છે?' - અવલંબન બોલતાં-બોલતાં ગળગળો થઈ ગયો.
'અવલંબન, છેલ્લે પગથિયે પહોંચવાનો આરંભ પહેલે પગથિયેથી જ કરવો પડે છે. મારા એક મિત્રનો દીકરો લંડનમાં મોટર ગેરેજમાં કામ કરે છે. એમ.એ. થએલો હોવા છતાં. અને તેનો નાનો ભાઈ શાકભાજીની દુકાન ચલાવે છે મને મેકોલેને શાપ આપવાનું મન થાય છે કે 'વ્હાઇટ કૉલર' જોબ આપવાના પ્રલોભનમાં ભારતના યુવાનોને તેણે શ્રમથી અળગા કરી દીધા! આજનો યુવાન બંધીઆર મનોવૃત્તિના કારણે પોતાનો જ ગુલામ બની ગયો છે. પડકાર ઝિલવાની તૈયારી વગરની પદવીનું મૂલ્ય શું? અવલંબન, નાની તકની કૂખેથી જ મોટી તક જનમવાની તૈયારી કરતી હોય છે.'' - માસાએ તેને સમજાવવાની કોશિશ કરી.
અવલંબનને લાગ્યું કે પોતાને ઘેર પણ નાના-મોટાં અનેક કામો પોતે કરતો જ હોય છે! પછી પરાયે ઘેર કામ કરવામાં નાનમ શી? એણે કહ્યું : ''માસા, મને બે બરમૂડા લઈ આપો અને સેકંડ હેંડ જર્સી. હું ધીરુભાઈ શેઠને બંગલે ઘરઘાટી બનવા તૈયાર છું.''
''શાબાશ! મને તારી પાસે આવા જ જવાબની આશા હતી. કાલે સવારે આપણે શેઠને મળવા જઈશું.'' - માસાએ કહ્યું.
અંતરા માસી સહેજ જૂનવાણી હતાં. એટલે અવલંબન ઘરઘાટી તરીકે કામ કરવા જઈ રહ્યો છે, તેવી પ્રમોદરાયે તેમને જાણ નહોતી કરી. એટલે જ્યારે માસા સાથે અવલંબન નોકરીએ જવા તૈયાર થયો ત્યારે માસીએ દહીં ખવડાવી મોં મીઠું કરાવ્યું!
બન્ને જણ ધીરુભાઈ શેઠને બંગલે પહોંચ્યા ત્યારે ઈન્દિરા શેઠાણીએ કહ્યું : ''પ્રમોદભાઈ, ઘરઘાટી તો રૂપાળો શોધી લાવ્યા છો પણ એ હરામહાડકાંનો તો નહીં હોય ને! અલ્યા, તારું નામ શું?''
અવલંબન જવાબ આપે તે પહેલાં જ માસા કૂદી પડયા. ''એનું નામ છે 'મનુ'. અમે એને એ નામથી બોલાવીએ છીએ. બાકી કામમાં છે એક્કો?''
'હવે એક્કો-દૂરીની વાત જવા દો. તો મનુ! કાન ખોલીને સાંભળી લે. સવારે સાડા પાંચ વાગ્યે ઉઠવાનું, શેઠને છ વાગ્યે બેડ-ટી આપવાની. પછી છાપાં એમની આગળ મૂકવાના. ત્યાર બાદ નાસ્તાની તૈયારી! માંજેલાં વાસણ ગોઠવી દેવાનાં, મશીનમાં ધોવાએલાં કપડાં સૂકવી દેવાનાં, શાક લઈ આવવાનું અને સમારવાનું. જમવા માટે ટેબલ તૈયાર કરવાનું, નાનાં-નાનાં કપડાંને ઈસ્ત્રી કરવાની, જમતી વખતે પીરસવાનું - શેઠાણીનું લિસ્ટ હજી અડધુંય પત્યું નહોતું!
ઈન્દિરા શેઠાણીની નોકર-ફરજ યાદી જોઈ અવલંબન ઉર્ફે મનુ હેબતાઈ જવાની તૈયારીમાં હતો. એની મુખાકૃતિ જોઈ ધીરુ શેઠ મનોવૃત્તિ પામી ગયા! એમણે કહ્યું : ''ભાઈ મનુ, અહીં ઝાઝુ કામ છે જ નહીં, નાનાં-મોટાં કામ પતાવ્યાં એટલે તું નવરો ને નવરો. કામ કેમ ગોઠવવું એ તું શીખી જઈશ, પછી તને મુશ્કેલી નહીં પડે! હું બેઠો છું ને!''
''હું બેઠો છું ને'' -ની હૂંફ મનુને સ્પર્શી ગઈ. એને લાગ્યું : શેઠ દયાળુ છે. ધીરજનાં ફળ મીઠાં એની અનુભૂતિ ધીરુ શેઠ જ કરાવશે.
મનુ કામમાં જોડાઈ ગયો. એને થયું કે ધીરુ શેઠ જ તેના તારણહાર બનશે. કશુંક પામવા કશુંક ખોવું પડે છે! પણ ધીરુ શેઠના ઘરમાં ખોએલું એળે નહીં જાય!
ઈન્દિરા શેઠાણી દસેક વાગ્યે નિંદ્રાધીન થઈ જતાં, જ્યારે શેઠને બાર વાગ્યા પહેલાં સૂવાની આદત નહોતી.
શેઠાણી ઊંઘી જાય એ પછી મનુ બંગલાના પાછળના કીચન ગાર્ડનમાં જતો અને વીસ-પચીસ મિનિટ તેનો મોબાઈલ ચાલતો રહેતો. ક્યારેક તો એ કહેતો: 'અનુજ્ઞાા, આપણે સહપાઠી ખરાં, પણ તારા ભાગ્યે તને યારી આપી અને તું તારી સહેલીના પપ્પાની લાગવગથી નોકરી પર ગોઠવાઈ ગઈ! મેં તને મારા માટે નોકરી શોધવાનું કહ્યું ત્યારે તેં માથામાં વાગ્યે તેવો જવાબ આપ્યો : 'તું નિમ્ન મધ્યમવર્ગનો છે અને હું ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારની દીકરી છું. એટલે મારા વાદ કરવાનું તું છોડી દે. અનુજ્ઞાા, શા માટે, શા માટે મારું આવું ઘોર અપમાન?'' બોલતાં-બોલતાં એ રડી પડતો.
ધીરુ શેઠ ડાયાબિટીસના દર્દી હતા. પગે દુ:ખાવો થતાં પોતાના હાથે જ પગ દબાવતા. ઈન્દિરા શેઠાણી ઘસઘસાટ ઊંઘતાં હોય અને ધીરુ શેઠ પાસાં ફેરવતા હોય!
ધીરુ શેઠના ચહેરામાં જ એવું કશું હતું, જે જોનારને તેમના 'ભક્ત' બનાવી દે! મનુ ખૂબ જ નિષ્ઠાથી કામ કરે છે અને શેઠાણીની આકરી વઢ છતાં સહનશીલતા દાખવે છે, એ એનું જમા પાસું છે, એ વાત તેમને સમજાઈ ગઈ હતી. અત્યાર સુધી આવેલા નોકરો નોકર કરતાં શેઠની જેમ વર્તવાની કોશિશ કરતા હતા. મનુ એ સહુથી સાવ જુદી પ્રકૃતિ ધરાવતો હતો.
એક વાર રાત્રિના સમયે ધીરુ શેઠને પોતાનો પગ જાતે દબાવતા જોઈને મનુ તેમની પાસે દોડી ગયો. કોમળ હાથે એણે એવી સરસ રીતે પગ દાબ્યા કરે, થોડી જ વારમાં શેઠ નિંદ્રામાં સરી પડયા.
ધીરે-ધીરે શેઠને મનુની સેવા લેવાની ટેવ પડી ગઈ. અને મનુ પ્રત્યે એમના હૃદયમાં લાગણીનો પ્રવાહ વહેતો થયો.
રાબેતા મુજબ મનુ કીચન ગાર્ડનમાં જતો અને વીસ-પચ્ચીસ મિનિટ અનુજ્ઞાા સાથે વાતો કરતો. ધીરુ શેઠને જિજ્ઞાાસા થઈ કે મનુ પોતાનું મન હળવું કરવા માટે કોની સાથે વાતો કરે છે! એમણે દૂર ઉભા રહી મનુની વાત સાંભળવાની કોશિશ કરી : મનુ ફોન પર કહી રહ્યો હતો : ''અનુજ્ઞાા, તું મને મળવા આવવાની ઈચ્છા વારંવાર વ્યક્ત કરે છે, પણ મારી નોકરી ચોવીસ કલાકની છે.
મારું કશું જ ઠેકાણું હોતું નથી કે હું ક્યારે ક્યાં હોઈશ. એટલે પંદર દિવસ પછી મારા માસાને ઘેર આવી મને ફોન કરજે. હું માસાને ઘેર કાલબાદેવી આવી પહોંચીશ. શેઠ દયાળુ છે. મને રજા આપશે જ.'' - અને મનુ ફોન બંધ કરી રૂમમાં પ્રવેશ્યો. શેઠને જાગતા જોઈ તેણે કહ્યું : ''ચાલો, ચાલો શેઠ, આપના પગ દાબવાનો મારો સમય થઈ ગયો.'' - ધીરુ શેઠ ચાલવા લાગ્યા એટલે મનુ તેમની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. શેઠ પલંગ પર સુતા એટલે મનુએ સરસ રીતે પગચંપી કરવાનું શરૂ કરી દીધું.
શેઠે મનુને તેના ગામ અને માતા-પિતા વિશે પૂછ્યું. મનુએ સાવચેતીપૂર્વક જવાબો આપ્યા. શેઠને એ વાતની ખાત્રી થઈ ગઈ કે મનુ કોઈ લાચારીપૂર્વક ઘરઘાટીનું કામ કરી રહ્યો છે.
બીજે દિવસે શેઠે ઑફિસ જઈ મનુના માસા પ્રમોદરાયને મળવા બોલાવ્યા અને સોગંદ નાખી મનુ વિશે સત્ય હકીકત જણાવવાની વિનંતી કરી.
માસા પ્રમોદરાય સાથેની વાતચીતમાંથી શેઠને એ વાત જાણીને આશ્ચર્ય થયું કે મનુ ગ્રેજ્યૂએટ છે અને તેનું ખરું નામ અવલંબન છે. નોકરીની લાલચે એણે નામ બદલ્યું છે.
શેઠે પ્રમોદરાયને કહ્યું : ''લો, આ પાંચ હજાર રૂપીઆ. અવલંબનને ગામ જઈ તેનાં મમ્મી-પપ્પા તથા અનુજ્ઞાાને તેડી લાવો. એ સહુને લઈ આવ્યા પછી તમારે ઘેર ઉતારો આપજો અને બીજે દિવસે સવારે મારી ઑફિસે એ સહુને લઈ આવજો.''
પ્રમોદ માસા રાજીના રેડ થઈ ગયા. શેઠ શું કરવા માગે છે તેનો તેમને અંદાજ નહોતો.
બીજે દિવસે ધીરુ શેઠે પોતે ખરીદેલા પેન્ટ-શર્ટ મનુના હાથમાં મૂકતાં કહ્યું : ''ચાલ, તૈયાર થઈ જા, આજે મારે તને મારી ઑફિસ જોવા લઈ જવો છે.''
મનુના આશ્ચર્યનો પાર નહોતો. મનોમન તે શેઠનો આભાર માની રહ્યો હતો.
ઑફિસ પહોંચ્યા પછી શેઠે કહ્યું : ''મનુ ઉર્ફે અવલંબન, તમારો 'અજ્ઞાાતવાસ' પૂરો થયો. આજથી તમે આ કંપનીમાં મારા પી.એ. કંપનીના ક્વાર્ટસમાં જ તમારી રહેવાની સરસ ગોઠવણ થઈ ગઈ છે.''
કોંગ્રેચ્યુલેસન મિ. અવલંબન.'' ''શેઠ સાહેબ, કયા શબ્દોમાં આપનો આભાર માનું? આપે એક ગરીબનો ઉદ્ધાર કર્યો છે?'' - શેઠના પગે પડતાં અવલંબને કહ્યું.
મનુએ પૂછ્યું : ''શેઠ, મારાં માતા-પિતાને મારી સાથે રહેવાની રજા આપશો? તેમણે જિંદગીમાં બહુ વેઠયું છે. મિ. અવલંબન, અધીરા ના થાઓ. વગર માગે તમને બધું જ મળશે.'' ધીરુ શેઠે કહ્યું.
અને એટલામાં પ્રમોદરાય અવલંબનનાં માતા-પિતા અને અનુજ્ઞાા સાથે શેઠની ચેમ્બરમાં પ્રવેશ્યા. માતા-પિતા અને અનુજ્ઞાાને જોઈને અવલંબન રાજીનો રેડ થઈ ગયો. મમ્મી-પપ્પાને એણે વંદન કર્યાં : એટલામાં શેઠના સેક્રેટરીએ કહ્યું : ''અવલંબનની ઑફિસ તૈયાર થઈ ગઈ છે અને એમનાં માતા-પિતાને નવા ક્વાર્ટર પર પહોંચાડવા ગાડી તૈયાર છે!''
અવલંબનનાં માતા-પિતા ધીરુ શેઠનો આભાર માનતાં ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડયાં. શેઠે કહ્યું : ''તમારા દીકરાની મારા પી.એ. તરીકે કામ કરવાની ઑફિસ જોઈ તમારા નવા નિવાસ સ્થાને જાઓ. અને બેટા, અનુજ્ઞાા, અવલંબન જેવો ખાનદાન અને ઝિંદાદિલ યુવક ગુમાવવા જેવો નથી!'' અને અવલંબન, મારા બંગલા માટે નવો ઘરઘાટી શોધી કાઢજે, પણ ગ્રેજ્યુએટ હરગિજ નહીં.''
અને શેઠની રજા લઈ સહુ વિદાય થયાં. એ દિવસ નવરાત્રિની આઠમનો હતો. શેઠે મા અંબાના ફોટાને વંદન કરતાં કહ્યું : ''મા, સત્કાર્ય કરતાં ડગું નહીં એવા આશીર્વાદ આપતી રહેજે.''