બસ કન્ડક્ટર માતાના સ્વપ્નને સાકાર કરી રહેલો નવયુવા ક્રિકેટર અથર્વ અંકોલેકર
Sports ફન્ડા- રામકૃષ્ણ પંડિત
ભારતની અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં સામેલ મુંબઈના યુવા ઓલરાઉન્ડરનો સંઘર્ષ તેની પ્રતિભાને દીપાવી રહ્યો છે
સફળતાનું ફળ હંમેશા તરબૂચના કદનું હોય તેવી પૂર્વધારણા દરેકના મનમાં હોય છે. આ જ પૂર્વધારણા જ વ્યક્તિને મોટાભાગે પોતાની મહેનતના ફળના આસ્વાદથી વંચિત રાખે છે. તરબૂચને જ શ્રેષ્ઠ ફળ માનનારા ચણીબોરની મીઠાશનો આનંદ માણી શકતા નથી. મહેનતના ફળની વિશેષતા તેના કદમાં નહી પણ તેના રસામૃતમાં રહેલી છે, જે જિંદગીને વધુ મહેનતની પ્રેરણા આપે છે. વિધાતાએ દોરેલી જિંદગીની વાંકી-ચુકી રેખાઓમાંથી બહાર આવીને સફળતાનો રાજમાર્ગ કંડારનારને જ દુનિયા ભારે અહોભાવથી જોઈ રહે છે.
દરેક સફળતાની પાછળ સંઘર્ષ હોય છે અને તે વ્યક્તિગત નહી પણ સામૂહિક હોય છે. ખેલાડીની સાથે સાથે તેના પરિવારજનો, ગુરુજનોથી માંડીને સહતાલીમાર્થીઓ - મિત્રોનો અનન્ય ફાળો હોય છે. આ બધાના સંઘર્ષનો સરવાળો જ આખરે વ્યક્તિગત સિદ્ધિમાં પરાવર્તીત થાય છે.
સાઉથ આફ્રિકાની ભૂમિ પર ચાલી રહેલા વિશ્વના યુવા ક્રિકેટરોના વિશ્વકપમાં ભારતે વટ કે સાથ સેમિ ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ટીમની સફળતામાં લેફર્ટ્ આર્મ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અથર્વ અંકોલેકરનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું. મુંબઈના આ ૧૮ વર્ષીય ખેલાડીને ભારતીય ક્રિકેટના આવતીકાલના ઉદયમાન સિતારા તરીકેની ઓળખ આપવામાં આવી છે.
ભારતીય યુવા ટીમમાં મહત્વનું સ્થાન ધરાવતો અથર્વ તેના દિવંગત પિતા અને બસ કન્ડક્ટર તરીકે નોકરી કરી રહેલી માતાના સ્વપ્નને સાકાર કરી રહ્યો છે. ઘાતક સ્પિન બોલિંગ અને મીડલ ઓર્ડરમાં પાવરહિટીંગના ગજબનાક કોમ્બિનેશન સમા અથર્વએ ભારતના જુનિયર ક્રિકેટમાં આગવી ઓળખ ઉભી કરી છે.
સવા કરોડની જનસંખ્યાના આંકડાને આંબી ગયેલા ભારત દેશમાં ક્રિકેટર તરીકે ટોચ પર પહોંચવું એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ કપરું છે. આમ છતાં મુંબઈના આ ઓલરાઉન્ડરે તેની જિંદગીમાં આવનારા તમામ પડકારોનો જિંદાદિલીથી સામનો કર્યો છે અને એટલે જ તે આટલી ઉંચાઈએ પહોંચી શક્યો છે. કોઈ અડચણ કે મુશ્કેલી તેને અટકાવવામાં સફળ રહી નથી.
ભારતીય ક્રિકેટની રાજધાની તરીકેની ઓળખ ધરાવતા મુંબઈ મહાનગરમાં રહેતા મધ્યમવર્ગીય અંકોલેકર પરિવારમાં ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ પુત્રરત્નનો જન્મ થયો હતો. વિનોદ અને વૈદેહીએ તેમના પરિવારમાં આવેલા નવા મહેમાનનું નામ અથર્વ રાખવાનું નક્કી કર્યું. નાનકડા અથર્વને ક્રિકેટના સંસ્કાર લોહીમાં મળ્યા હતા.
તેના પિતા વિનોદ બૃહન્મુંબઈ વિદ્યુત પુરવઠા અને પરિવહન કે જે ટૂંકમાં બેસ્ટ તરીકે ઓળખાય છે, તેના ઈલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં. તેઓ એક જમાનામાં અચ્છા ક્રિકેટર રહી ચૂક્યા હતા. જોકે તેમની પ્રતિભા આથક મર્યાદા અને પરિસ્થિતિમાં એવી તો અટવાઈ કે સફળતાના આસમાન સુધી પણ ન પહોંચી શકી. આમ છતાં તેઓ મુંબઈમાં રમાતી સ્થાનિક લીગ - કાંગા લીગમાં રમતાં.
વિનોદે અથર્વના જન્મની સાથે મનોમન તેને ક્રિકેટર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતુ. અથર્વ સાત વર્ષનો થયો, ત્યારે વિનોદે તેને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચંદ્રકાન્ત પંડિતની ક્રિકેટ એકેડમીમાં મૂકવાનું નક્કી કર્યું. જોકે, મધ્યમવર્ગીય પરિવાર માટે ક્રિકેટ એકેડમીની ફી ભરવી આસાન નહતી.
જોકે વૈદેહી માનતી હતી કે, તેના સ્વર્ણાભૂષણ કરતાં પતિનું સ્વપ્ન અને પુત્રની ઈચ્છા વધુ મહત્વની છે અને આ કારણે અથર્વના કોચિંગમાં કોઈ અંતરાય ન આવ્યો. જોકે માત્ર ફી ભરવાની સાથે બધો ખર્ચ પુરો થઈ જતો નહતો. ક્રિકેટના સાધનસરંજામ તેમજ ટ્રેનિંગ માટે આવવા-જવાના ખર્ચમાં જ અંકોલકર પરિવારની મોટાભાગની આવક વહી જતી. આમ છતાં વિનોદ અને વૈદેહી મક્કમ હતા.
અથર્વની ટ્રેનિંગમાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે વિનોદ મોટાભાગે રાત્રિના સમયે નોકરી કરતા. તેની ટ્રેનિંગ અને ફિટનેસમાં પણ વિનોદ વિશેષ ધ્યાન આપતાં. વિનોદ ઈચ્છતા હતા કે, અથર્વને પારલ તિલક વિદ્યા એસોસિએશન સ્કૂલમાં સ્થાન મળી ગયું. તેની પ્રતિભાને ઓળખનારી એમઆઈજી ક્રિકેટ કલબે પણ તેના દરવાજા ખોલી નાંખ્યા. અથર્વની પ્રતિભાને તરાશનારા ઝવેરીઓ હવે તેમનું કામ સંભાળવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા. ત્યારે જ વિનોદ બીમાર પડયા. મેલેરિયા અને ડેગ્યૂના કારણે વિનોદનું અવસાન થયું.
વિનોદના અચાનક અવસાનથી અંકોલેકર પરિવાર પર જાણે આભ તુટી પડયું. આ સમયે અથર્વના કોચિસ અને મિત્રો-પરિવારજનો તેની મદદ માટે આગળ આવ્યા. જોકે, સંવેદનાનો આ ઉભરો તેના માટે સમસ્યાનો કાયમી ઉકેલ નહતો. વૈદેહીએ ખાનગી ટયૂશન કરીને ગુજરાન ચલાવવા માંડી. અથર્વ શરૂઆતમાં મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકેની મહેનત કરતો.
તેની વિશિષ્ટ પ્રતિભાને જોઈને એમઆઇજી ખાતેના એક કોચે તેને સ્પિન બોલિંગ પર હાથ અજમાવવાની સલાહ આપી. કુદરતી રીતે જ તેણે લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ શરૂ કરી. અથર્વ સૌરાષ્ટ્રના ધુરંધર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાથી ખાસ્સો પ્રભાવિત થયો હતો અને તેની નકલ ઉતારવાની કોશીશ કરતો.
વિનોદના અવસાનના ચાર વર્ષ બાદ બેસ્ટમાં તેની પત્ની વૈદેહીને કન્ડક્ટર તરીકેની કાયમી નોકરી મળી. હવે ઘરમાં નિયમિત પગાર આવવા માંડયો અને આથક સમસ્યાનો ધીરે ધીરે અંત આવવા લાગ્યો. આ દરમિયાન મુંબઈના ક્રિકેટમાં અથર્વનું નામ પણ આશાસ્પદ ખેલાડીઓમાં સામેલ થઈ ગયું. જોકે તેની સાથે લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરનો પુત્ર અર્જુન પણ હતો, જેના કારણે મીડિયાનો કેમેરો અર્જુન પર છવાયેલો રહેતો, જેના કારણે અથર્વ તરફ કોઈનું વિશેષ ધ્યાન ન ગયું. આમ છતાં, તેણે સાતત્યભર્યો દેખાવ જારી રાખ્યો.
મુંબઈના અત્યંત સ્પર્ધાત્મક ક્રિકેટના તાપમાં તપીને તૈયાર થયેલી અથર્વની પ્રતિભાએ જુનિયર લેવલના ક્રિકેટમાં પોતાનું આગવું પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હતું. ૧૯ વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેની ટુર્નામેન્ટ વિનૂ માંકડ ટ્રોફીમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા મુંબઈના આ ખેલાડીએ જુનિયર પસંદગીકારોને પ્રભાવિત કર્યા અને તેની પસંદગી શ્રીલંકામાં રમાયેલા અંડર-૧૯ એશિયા કપ માટેની ભારતીય ટીમમાં કરવામાં આવી. યુવા ખેલાડીઓના વિશ્વ કપની પૂર્વતૈયારી સમાન આ ટુર્નામેન્ટમાં અથર્વની અસરકારક બોલિંગે કમાલ કર્યો.
અંડર-૧૯ એશિયા કપની ફાઈનલમાં અથર્વએ અસરકારક બોલિંગ કરતાં બાંગ્લાદેશ સામે ભારતની હારની બાજીને જીતમાં પલ્ટીને કમાલ કર્યો હતો. આ સાથે તેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. આખરે તેને ભારતની વિશ્વ કપ માટેની અંડર-૧૯ ક્રિકેટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભાગ લેવા પહોંચેલી ભારતીય ટીમમાં સામેલ અથર્વને પ્રથમ મુકાબલા અગાઉ જ હાથમાં ઈજા થઈ ગઈ. તેને સાજા થવા માટે એક સપ્તાહનો સમય પણ આપવામાં આવ્યો.
વૈદેહીની વર્ષોના સંઘર્ષ બાદ છેક સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ રમવા પહોંચ્યા બાદ અથર્વને થયેલી ઈજા આખા પરિવાર માટે આંચકાજનક સાબિત થઈ શકે તેમ હતી. દરેક રમતમાં ભાગ્યની ભૂમિકા વિશેષ હોય છે અને ઘણી વખત ભાગ્ય જ ખેલાડીના હાથમાંથી સુવર્ણ તક છીનવી લે છે અને તે ગૂમાવેલી તકનો વસવસો તેને આખી જિંદગી રહેતો હોય છે. અથર્વ જાણતો હતો કે, આ વર્લ્ડ કપમાં તેના માટે જ નહી પણ તેની માતા માટે પણ મહત્વનો હતો.
તેના દિવંગત પિતાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું હતુ. જોકે આ ઈજાના કારણે અંકોલેકર પરિવારની વર્ષોની મહેનત પર પાણી ફરી વળે તેમ હતું. આ નાજુક સ્થિતિમાં અથર્વએ તેની ઈજા તેની માતાથી છુપાવી. તેણે પરિવારની મદદથી માતાને ન્યૂઝ ચેનલોથી પણ દૂર રાખવામાં સફળતા મેળવી. આખરે તેણે ફિટનેસ મેળવી છેક ત્યારે તેની માતાને તેની ઈજાની જાણ કરી.
આખરે અથર્વને ન્યૂઝીલેન્ડ સામેની અંડર-૧૯ વર્લ્ડ કપની મેચમાં સ્થાન મળ્યું અને તેણે ત્રણ વિકેટ ઝડપી બતાવી. આ પછી ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલમાં તેણે મીડલ ઓર્ડરમાં ઉતરીને આક્રમક ૫૫ રન અણનમ રહીને ફટકારતાં ટીમની જીતમાં પાયાનું યોગદાન આપ્યું હતું. અથર્વની મહેનત અને પરિવારનો સંઘર્ષ હવે દાવ પર છે, ત્યારે ભારતીય ચાહકોને ફરી અંડર-૧૯ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતનો ઈંતજાર છે, જે રહસ્ય પરથી હવે થોડા સમયમાં પરદો ઉંચકાવાનો છે.