ભારત અને એશિયાનો પ્રથમ લોખંડ ઉદ્યોગ શરૂ કરનાર પારસી ગુજરાતી જમશેદજી ટાટા
બે-બે વિશ્વયુદ્ધોમાં પૂરતું લોખંડ પૂરું પાડવા ઉપરાંત ટાટા સ્ટીલ કંપનીનું જગમશહૂર કાર્ય તો બંગાળની હુગલી નદી ઉપરનો લોખંડનો પુલ છે
પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યંુ હતું. યુરોપ, આફ્રિકા અને મધ્યપૂર્વ સુધી એ ફેલાઇ ગયું હતું. અંગ્રેજો જર્મની અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફસાઇ ગયા હતા. તેમની નજર ઇજીપ્ત, મેસોપોટામિયા અને પૂર્વી અમેરિકા તરફ હતી, કારણ કે હજુ આ દેશોમાં રેલ્વે પહોંચી નહોતી. અંગ્રેજોએ અહીં રેલ્વે નાંખવાનું અને પોતાના સૈનિકોને મોટા પ્રમાણમાં યુદ્ધના શસ્ત્રો સપ્લાય કરવાનું બીડું ઝડપ્યું. પરંતુ મૂંઝવણ એ ઉભી થઇ કે આટલા મોટા પ્રમાણમાં લોખંડ લાવવું ક્યાંથી ? એ સમય ૧૯૧૪ આસપાસનો.
અચાનક એમની નજર ગુલામ છતાં લોખંડના ઉત્પાદનમાં તદ્દન આઝાદ એવા ભારત તરફ ગઇ. ત્યારે ચીન અને જાપાન જેવા દેશો જોડે પણ લોખંડ ઉત્પાદન માટેની મશીનરી ન હતી. ભારત આખા એશિયામાં એકમાત્ર એવો દેશ હતો જ્યાં લોખંડનું ઉત્પાદન થતું હતું. આજના ઝારખંડ અને એ વખતના બિહારના ગાઢ જંગલોમાં આવેલા નાનકડા ગામ સાકચીમાં ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની ચાલતી હતી.તેણે અંગ્રેજોને પૂરતા પ્રમાણમાં લોખંડ આપ્યું અને તેથી પ્રથમ વિશ્વયુદ્ધમાં ગોરી સરકારનો હાથ ઉપર રહ્યો.
આ ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની ભારતની પ્રથમ સ્ટીલ ફેક્ટરી હતી. જેનું સ્વપ્ન ભારતીય ઉદ્યોગના પિતા ગણાયેલા જમશેદજી નસરવાનજી ટાટાએ છેક ૧૯૦૧માં જોયું હતું. તેમનો જન્મ નવસારીમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ મેળવીને તેઓ ૧૪ વર્ષની ઉંમરે પિતાજી સાથે મુંબઇના વેપારમાં જોડાઇ ગયા. એલ્ફિન્સ્ટન્ટમાં બી.એ. પાસ કરીને તેમણે પિતાનો વેપાર સંભાળ્યો, અને તેમાંથી ૨૧ હજાર કમાઇને પ્રથમ કાપડની મીલ શરૂ કરી. પોતાના જીવનમાં જમશેદજી ટાટાએ ચાર સ્વપ્નો જોયા હતા.
(૧) સ્વતંત્ર સ્ટીલનું કારખાનું કરવું (૨) વિશ્વકક્ષાના વૈજ્ઞાાનિકોને તૈયાર કરી શકે તેવી સંસ્થા બનાવવી (૩) હાઇડ્રો-ઇલેક્ટ્રીક પ્લાન્ટ નાંખવો (૪) ફાઇવ સ્ટાર હોટલ બનાવવી. એમની ટાટા સ્ટીલ એન્ડ આયર્ન કંપની શરૂ થાય એ પહેલાં જ ૧૯૦૪માં તેઓ અવસાન પામ્યા. પરંતુ એમણે જોયેલા સપનાઓના પાયા એટલા મજબૂત હતા કે ૧૯૦૭માં તેમના પુત્ર દોરાબજીએ જમશેદપુરમાં વિશ્વકક્ષાનું લોખંડનું કારખાનું શરૂ કરી દીધું હતું.
ટાટાએ શરૂ કરેલા લોખંડના કારખાનાઓએ ભારતમાં સ્ટીલ ઉદ્યોગના પાયા નાંખ્યા છે. આજે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી વધુ સ્ટીલ ઉત્પાદન કરે છે. સ્પોન્જ આયર્ન (લોખંડનું એક કોમ્પેક્ટ સ્વરૂપ - ધન લોખંડ) ક્ષેત્રે ભારત વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક પણ છે. ૮૨.૬૮ મીલીયન ટન લોખંડ બનાવતા ભારતનું ગૌરવ ટપાલખાતાએ ઇ.સ.૧૯૫૮માં બહાર પાડેલી પંદર પૈસાની ટીકીટ ઉપર રજૂ કર્યું છે.
રેડીસ ઓરેંજ કલરની આ ટીકીટ ભારતના લોખંડ ઉત્પાદનની પસાચમી વર્ષગાંઠ નિમિત્તે બહાર પડી હતી. જેની જમણી બાજુના લંબગોળમાં જમશેદજી ટાટાનો અસલ પારસી દાઢીવાળો ક્લોઝઅપ ચિત્રાયો છે. ત્યારબાદ ૨૦૦૮માં ભારતના લોખંડ ઉત્પાદનની શતાબ્દી આવી ત્યારે ફરીથી પાંચ રૂપિયાની મલ્ટી કલર ટીકીટ બહાર પડી. તેમાં પણ જમશેદજી ટાટાની મૂર્તિનો ફોટો મૂકાયો છે.
જમશેદજી ટાટાએ ભારતીય લોખંડ ઉદ્યોગની જરૂરિયાતનો અહેસાસ વિશ્વના મોટા મોટા દેશોને કરાવ્યો હતો. ૧૯૧૪ થી ૧૯૧૯ વચ્ચેના ચાર વર્ષના ગાળામાં ટાટાની લોખંડ ફેકટરીએ બ્રિટનને ૩ લાખ ટન સ્ટીલ અને અઢી હજાર કિલોમિટરની લંબાઇવાળા રેલ્વેના પાટાઓ પૂરા પાડયા હતા.
આથી પ્રભાવિત થઇને ભારતના વાઇસરૉય લોર્ડ ચેમ્સફોર્ડ ખુદ બિહારની આ ટાટા સ્ટીલને જોવા આવ્યા હતા. ત્યાં તેઓ બોલ્યા હતા કે જો ટાટા કંપનીએ અમને પૂરતું લોખંડ પૂરું પાડયું ન હોત તો અમે વિશ્વયુદ્ધમાં બરબાદ થઇ ગયા હોત. ચેમ્સફોર્ડ એ જ વખતે બિહારના એ નાનકડા ગામડા સાકચીને જમશેદપુર નામ આપ્યું, અને તેની નજીકના કાલીમાટી રેલ્વે સ્ટેશને ટાટાનગર નામ આપ્યું. જે આજે પણ એટલું જ પ્રચલિત છે.
બે-બે વિશ્વયુદ્ધોમાં પૂરતું લોખંડ પૂરું પાડવા ઉપરાંત ટાટા સ્ટીલ કંપનીનું જગમશહૂર કાર્ય તો બંગાળની હુગલી નદી ઉપરનો લોખંડનો પુલ છે. ૧૯૩૯માં ૨૩ હજાર ટન લોખંડથી આ પુલ ટાટા કંપનીએ જ બનાવવામાં આવ્યો છે. પ્રખર રાષ્ટ્રવાદી જમશેદજીએ ભારતને જે ઉદ્યોગો બતાવ્યા હતા, તેથી તેઓ ભારતીય ઉદ્યોગના પિતા પણ ગણાયા છે.
એક પારસી ગુજરાતી છોકરાએ પોતાના પિતાજીનો પરંપરાગત વ્યવસાય સ્વીકારવાને બદલે દુનિયાભરમાં ફરી-ફરીને જે આધુનિક ઉદ્યોગોની ભેટ ભારતને ધરી છે, તે આજે પણ એટલું જ અડીખમ મૂલ્ય ધરાવે છે. આજથી ઓલમોસ્ટ સવાસો જેટલા વર્ષો પહેલાં એક કરોડનું મૂડી રોકાણ કરીને જમશેદજીએ ટાટા સ્ટીલનની જે શરૂઆત કરાવી હતી, તે આજે પણ અડીખમ-અવિરત્ છે.