વિશ્વધર્મનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા
પ્રત્યેક વ્યક્તિએ શ્રીમદ્ ભગવદ્ગીતાને પોતીકી દ્રષ્ટિથી જોઈ છે. આ મહાન ગ્રંથમાંથી કોઇને જીવન-કર્તવ્યની કેડી મળી છે, તો કોઇને કર્મસિદ્ધાંતની સમજ પ્રાપ્ત થઇ છે. કોઈ એમાં સર્વ જ્ઞાાનનો સાર જુએ છે, તો કોઈ એમાં યોગસિદ્ધાંતનું નિરૂપણ નિહાળે છે. કોઇકને એનું ભક્તિત્વ સ્પર્શી જાય છે, તો વળી કોઇકને એમાંથી શ્રીકૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ભારતના સંતો અને વિચારકો જ નહીં, બલ્કે વિશ્વના વિચારકો અને વિદ્વાનોએ પણ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ને જુદે જુદે રૂપે જોઈ છે.
કોઈ વિદેશીને એમાં સંસાર સાથેના સંબંધોની સમજ અનુભવાય છે, તો કોઇને એમાં બ્રહ્માનંદની પ્રાપ્તિની મસ્તીનો અનુભવ લાગે છે. સ્વામી પ્રભુપાદને 'મનુષ્યજાતિને સંસારના અજ્ઞાાનમાંથી મુક્ત કરાવવા માટેનો આ મહાગ્રંથ' લાગે છે. તેઓ કહે છે કે 'માત્ર અર્જુન જ નહીં, બલ્કે આપણે સહુ કોઈ ચિંતાગ્રસ્ત છીએ.
આપણું અસ્તિત્વ અસત્ના વાતાવરણમાં મૂકાયું છે, પરંતુ એ અસત્થી ડરી જવા આપણે સર્જાયા નથી.' આમ આ ગ્રંથ સ્વામી પ્રભુપાદને જગતના અજ્ઞાાનથી મુક્તિ અપાવતો લાગ્યો તો એની સામી બાજુએ ભારતીય વાડ્મયના બહુશાખી વૃક્ષ પર શ્રીમદ્ ભગવદ્ગીતાને એક સુંદર પુષ્પ તરીકે જર્મનીના વિદુષી શ્રીમતી ડૉ. એલ.જે.લ્યૂડર્સ જુએ છે અને આમાં આલેખાયેલું પ્રાચીનથી પ્રાચીન અને અર્વાચીનથી અર્વાચીન પ્રશ્નનું વિવેચન એમને હૃદયસ્પર્શી લાગે છે.
તેઓ કહે છે કે ગીતા એ પ્રશ્નનું વિવેચન કરે છે કે મોક્ષ માટે ઉપયોગી જ્ઞાાન કઇ રીતે પ્રાપ્ત થાય ? શું આપણે કર્મથી, ધ્યાનથી કે ભક્તિથી ઇશ્વરની સાથે એકતા સાધી શકીએ ? શું આપણે આત્માના શાંતિલાભને માટે આસક્તિ અને સ્વાર્થબુદ્ધિરહિત બનીને સંસારના પ્રલોભનોથી દૂર ભાગવું જોઇએ ? તેઓ કહે છે કે શ્રીમદ્ ભગવદ્ગીતાની ઉત્પત્તિ દર્શનશાસ્ત્ર અને ધર્મમાંથી થઇ છે અને આ બંને ધારાઓ સાથોસાથ પ્રવાહિત થઇ એકબીજામાં ભળી જાય છે. આ કૃતિમાં તેઓ ઇશ્વર સાથેનું એકત્વ અને સત્યાનુભવ દ્વારા બ્રહ્માનંદમાં સમાઈ જવાની તાલાવેલી જુએ છે. શ્રીમતી લ્યૂડર્સ તો એમ સ્વીકારે છે કે શ્રીમદ્ ભગવદ્ગીતાનો અને ભારતવાસીઓના આ ચિંતનનો જર્મની પર ઘણો મોટો પ્રભાવ પડયો છે.
આ વાતનો સ્વીકાર તો જર્મન ભાષામાં થયેલા 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના અનેક અનુવાદોથી સિદ્ધ થાય છે. વિલિયમ વૉન હંબોલ્ટ જેવા જર્મન વિદ્વાન તો કહે છે કે જર્મનીમાં કોઈપણ વિદેશી પુસ્તક કરતાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'નું વધુ પઠન-પાઠન થાય છે. તેઓ સ્વયં એમ માનતા હતા કે જગતના તમામ ગ્રંથોમાં કોઈપણ ગ્રંથમાંથી 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' જેવા સૂક્ષ્મ અને ઉન્નત વિચારો પ્રાપ્ત થતાં નથી. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના જેટલી આધ્યાત્મિકતાના સાચા આદર્શની નજીક કોઈ પ્રાચીન ગ્રંથ પહોંચી શક્યો નથી. આમાં કાવ્યકલા અને અધ્યાત્મશાસ્ત્રનું સ્વાભાવિક મિશ્રણ છે અને એ જ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ની વિલક્ષણતા છે.
આ સમર્થ વિદ્વાન નોંધે છે કે 'મેં શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચી ત્યારથી હું વિધાતાનો હંમેશ માટે ઋણી બની ગયો.' એ જ રીતે એફ.ટી.બૂ્રક્સ અને ભગવદ્ ગીતાની પ્રસ્તાવના લખનાર ગડર્બે પોતાની વાત કરી. બૂ્રક્સ તો કહે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભાવિ વિશ્વધર્મનો એક સર્વોત્કૃષ્ટ ધર્મગ્રંથ છે અને ભારત વર્ષના પ્રકાશમય ભૂતકાળની આ મહાન સંપત્તિ એ મનુષ્યજાતિના વધુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે, જ્યારે શ્રી ગડર્બ તો કહે છે કે વિશ્વની એવી કોઈ પણ સમસ્યા નથી, કે જેનો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઉકેલ ન હોય.
ગીતામાં ઋષિ-વાણી સાંભળવા મળે છે એમ તેઓ કહે છે. આવો જ અનુભવ રિચાર્ડ ગાર્બેનો છે. એમણે નોંધ્યું કે ભારતીય ધાર્મિક સાહિત્યનો કોઈ પણ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની સાથે સમાનસ્થાન પ્રાપ્ત કરવાને યોગ્ય નથી. ગીતા એ જ્ઞાાન અને ભાવનાથી પરિપૂર્ણ એવી ઋષિની વાણી છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાને કેવી જુદી જુદી રીતે સહુએ જોઈ છે ! શ્રીમતી જોજેફાઈન રેન્સમને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્ત્રીઓ અને પુરુષો બંનેના કર્તવ્યનું આલેખન દ્રષ્ટિગોચર થાય છે, કારણ કે સ્ત્રીઓ અને પુરુષો એ બંને યોગી બની શકે છે. તેઓ નોંધે છે કે સ્ત્રી અને પુરૂષ બંને તરફથી કરવાના નિયમનું પાલન થવાથી સમતા અને ન્યાયની રક્ષા થાય છે.
સ્ત્રીઓ અને પુરુષોમાં જે મહત્ત્વપૂર્ણ શક્તિઓ હોય છે, એનો સંયુક્ત રીતે ઉપયોગ થવાથી સમાજ વ્યવસ્થા વધુ સુંદર અને દિવ્ય બની શકે છે. આમ અહીં એમણે સામાજિક દ્રષ્ટિએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વિચાર કર્યો છે તો બીજી બાજુ કોઈ રાજપુરુષ એને જુદી રીતે પણ જુએ અને એમાંથી ભિન્ન સાર તારવે.
તુર્કસ્તાનના વડાપ્રધાન બ્લુલેટ એસલિટે આ મહાન ગ્રંથના વાચનની સાથે પોતાનો સ્વાનુભવ આલેખતાં લખ્યું કે 'રાજકારણમાં મુશ્કેલીઓનાં વાદળ ઘેરાય, ત્યારે શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠોનું પઠન કરું છું. આ પુસ્તકનું પઠન હું આત્મજ્ઞાાન માટે કરું છું.' જ્યારે કોઇને આ પુસ્તકમાંથી ઇસુખ્રિસ્તના જેવું જીવનદર્શન જોવા મળે છે.
રેવરન્ડ એડ્રવિન ગ્રીબ્જ આમાંથી સંસારનો સારરૂપ ઉપદેશ તારવતા લખે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાાન, કર્મ અને ભક્તિ ત્રણેયના સંપૂર્ણ રીતે વિરોધરહિત ઉપયોગની વાત કરવામાં આવી છે અને એમાં આલેખાયેલી મુક્તિનો અર્થ કરતાં તેઓ કહે છે કે 'આ મુક્તિ એટલે પોતાની અંદર રહેલી દરેક ઉત્તમ શક્તિનો ઉપયોગ કરવો. વિશેષ લોકોની સાથ સંબંધમાં આવવું, સહાનુભૂતિની ભૂમિકાનો વિસ્તાર કરવો, સમાજની સેવા કરવી,
કુટુંબીજનો સાથે આત્મીયતાના સંબંધની સ્થાપના કરવી, સ્વદેશ માટે પ્રેમભાવ રાખવો અને સારા વિશ્વને માટે પોતાના કર્તવ્યકર્મો કર્યે જવાં. ગીતાના જીવનનું દર્શન ઇશુ ખ્રિસ્તમાં થાય છે.'
જ્યારે શ્રીમદ્ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ભગવદ્ ગીતાને ગીતોપનિષદ કહીને વૈદિક સાહિત્યના અતિ મહત્ત્વના ઉપનિષદોમાં આને એક ઉપનિષદ્ ગણે છે અને એના મૂળ ભાવને દર્શાવતા દ્રષ્ટાંત આપે છે કે આપણે દવા લેવાની હોય, તે 'લેબલ' પર લખેલી હોય તેથી અથવા ડૉક્ટરની સૂચના મુજબ લેવી જોઇએ. આપણા તુક્કા, તરંગ કે મિત્રના સૂચન પ્રમાણે નહીં, એ જ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાને એના ગાયક શ્રીકૃષ્ણના આદેશ મુજબ જ સ્વીકારવાની.
એફ.એચ.મૉલેમ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે લખે છે, 'મેં બાઈબલનો યથાર્થ અભ્યાસ કર્યો અને એમાં જે લખવામાં આવ્યું છે તે માત્ર ગીતાના સારરૂપે છે, જે જ્ઞાાન અને ગીતામાંથી મળે છે તે બાઈબલમાંથી મળતું નથી.' વળી મૉલેમ લખે છે કે, 'મને એ જ આશ્ચર્ય થાય છે કે ભારતીય નવવુવાનો શા માટે અહીં સુધી વિજ્ઞાાન શીખવા માટે આવે છે.
નિઃસંદેહ એનું કારણ તેમનો પાશ્ચાત્ય દેશો પ્રત્યેનો મોહ જ છે પરંતુ પાશ્ચાત્ય વૈજ્ઞાાનિકો જે પ્રશ્નોનો ઉકેલ શોધી શક્યા નથી, તેવા ગૂઢ પ્રશ્નોનો ઉકેલ ગીતામાં શુદ્ધ અને સરળ રીતે અપાયો છે. એના કેટલાય સૂત્રો અમૂલ્ય ઉપદેશથી ભરપૂર જણાય છે અને તેથી જ એફ.એચ.મૉલેમ ગીતા ઉપર મુગ્ધ બન્યા અને કહ્યું કે, 'સૂર્ય કરતાં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રેષ્ઠ છે, કેમકે સૂર્ય જીવતદાતા છે, તેમ સંહારકર્તા પણ છે, જ્યારે ગીતા તો પરમાનંદ આપનારી અને અનંત જીવન બક્ષનારી મહાન દેવી છે. મારે માટે તો એ સાક્ષાત્ યોગેશ્વરી માતા છે. એ ગીતા દુનિયાની અઢળક સંપત્તિ વડે પણ ખરીદી શકાય નહિં, એવો ભારતવર્ષનો અમૂલ્ય-અલૌકિક ખજાનો છે.''