વુહાન કોરોના વાયરસ: ચીનમાં પેદા થયેલી નવી સમસ્યા
ચીન ફરી એકવાર દુનિયાને નવો 'વાયરસ' અને રોગચાળો ભેટમાં આપ્યો ૨૦૦૨માં 'સાર્સ' નામના વાયરસના કારણે વિશ્વ આખામાં દહેશતનો ઝટકો લાગ્યો હતો. આ વખતે સાર્સનાં પિતરાઈ ભાઈ જેવો નવો કોરોના વાયરસ મનુષ્ય પ્રજાતિ સામે યુધ્ધ છેડી રહ્યો છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ લોકોનાં મૃત્યુ થયા છે. ઉપરાંત ૧૦૦૦ લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. ભારતે વિદેશથી આવેલા ૧૧ નાગરીક ઉપર ચાંપતી નજર રાખી છે.
કોરોના વાયરસ મુખ્યત્વે ચીનમાં વુહાન પ્રાંતમાં જોવા મળ્યો છે પરંતુ વાયરસને લગતી બીમારીના લક્ષણ દ.કોરીયા, જાપાન, તાઈવાન, થાઈલેન્ડ, મકાઉ, હોંગકોંગ, સીંગાપોર, વિયેતનામ, ફ્રાન્સ અને અમેરિકામાં જોવા મળ્યાં છે. અમેરિકાની CDC પણ સાવચેત બની ગઈ છે. ચીન દ્વારાં તેનાં નાગરીકોનાં વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવો વાયરસ પહેલાં 'મિસ્ટરી' વાયરસ એટલે જે રહસ્યમય વાયરસ તરીકે મીડીયા એ નવાજ્યો હતો. હવે તેની ઓળખ છતી થઇ છે, પરંતુ નામકરણ થયું નથી. આખરે વાયરસ માનવ જગત માટે આફતરૂપ કેમ છે ? વાયરસનો ઉદ્ભવ ક્યાંથી થયો આ સવાલો ઉપરાંત વાયરલ 'ન્યુઝ'ની ઇનસાઇડ સ્ટોરી પર નજર નાખીએ.
વુહાન વાયરસ: નવી સમસ્યા
ખબરની શરૂઆત આઠ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ થઈ. ચીનની તબીબી સારવાર અને સંશોધન સાથે સંકળાયેલી સંસ્થા એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 'WHO' ને જાણ કરી કે ચીનનાં વાહુન સીટીમાં અજાણ્યો નવો વાયરસ ન્યુમોનીઆ જેવી ફેફસાને લગતી બીમારી ફેલાવી રહ્યો છે. ૨૦૦૨માં 'સાર્સ' વાયરસની ખબર ચીને WHO અને વિશ્વની ઘણી મોડી આપી હતી. જેના કારણે તાત્કાલીક પગલાં ભરી શકાયા ન હતા અને વિશ્વમાં ૮૦૦ જેટલાં લોકો 'સાર્સ' વાયરસનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતાં. ચીને આ વખતે વેળાસર જાણ કરી છે. પરંતુ મૃત્યુ આંક ખોટો આપી રહી હોવાનું નિષ્ણાતો માને છે.
મધ્યહુબેઇ પ્રાંતનાં વુહાન સીટીમાં નવા 'વાયરસ'નો તરખાટ સામે આવ્યો કે તુર્તજ ત્યાંની સ્થાનીક સરકારે, એક કરોડ દસ લાખની વસ્તી ધરાવતાં શહેરની સીમારેખામાં આવતો વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. અન્ય નિરોગી લોકોને ચેપ ન લાગે તે માટે વાહુન સીટીનાં લોકોને અન્ય વિસ્તારોમાં જવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. વાયરસનો ઉપદ્રવ વધતાં, ચીને સરકારે ેક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જમીન અને રેલમાર્ગે થતી મુસાફરી પણ રોકી દીધી છે. આખરે આ નવો વાયરસ આવ્યો ક્યાંથી ? તેનો સાચો જવાબ કોઇની પાસે નથી. નિષ્ણાંતો માત્ર અનુમાન કરી રહ્યાં છે.
ડિસેમ્બર મહીનાની શરૂઆતથી પ્રાણીમાં નિષ્ક્રીય રહેતાં કોરોનો વાયરસનું બદલાયેલું નવું ક્લેવર મનુષ્ય શરીરમાં દાખલ થયુ હતું. વાયરસનાં ઉદ્ભવ સંબંધી સંશોધન કરનાર સંસ્થાએ રિપોર્ટ રજુ ક્રયો છે કે નવો કોરોના વાયરસ સાપ દ્વારા આવ્યો છે. જે અનુમાન વાયરસનાં જીનેટીક કોડ ઉપરથી લેવામાં આવ્યું છે.
જો કે વૈજ્ઞાાનિકો માને છે કે નવા વાયરસનું જીનેટીક મટીરીયલ્સ ચામાચીડીયામાં જોવા મળતાં કોરોના વાયરસ સાથે ૯૬% જેટલું 'મેચ' થાય છે. એટલે વાયરસનું ઇન્ફેકશન ચામાચીડીયા દ્વારાં ફેલાયું હોવું જોઇએ. ભુતકાળમાં ૨૦૦૨માં દેખાયેલ 'સાર્સ' અને ૨૦૧૨માં દેખાયેલ 'મેર્સ' વાયરસ પણ ચામાચીડીયામાંથી જ આવ્યો હતો. નવો વાયરસ 'સ્ટાર્સ' અને 'મેર્સ'નાં 'કોરોના' ફેમીલીનો જ નવો વાયરસ છે. મનુષ્ય સાથે વાયરસનો સંબંધ ક્યારે બંધાયો ? ચલો તેનો ઇતિહાસ તપાસીએ...
વાયરસ: ક્યારે પેદા થયા ?
વિશ્વને 'વાયરસ'ની ભેટ ક્યારે મળી ? કોઈ જ જાણતું નથી. કારણ કે અન્ય સજીવની માફક 'વાયરસ'ના પગલાં પારખી શકાય તેવાં 'ફોસીલ' જે અશ્મીઓ મળી આવતાં નથી. વાયરસ એ સુક્ષ્મ કોષી પરોપજીવી સજીવ છે. તે દરેક પ્રકારનાં સજીવ એટલે કે બેક્ટેરીયા, વનસ્પતિ અને પ્રાણીઓને ચેપગ્રસ્ત કરી શકે છે. ૧૮૯૨માં રશીયન વનસ્પતિશાસ્ત્રી ઇવાનોવસ્કીએ અભ્યાસ દરમ્યાન જોયું કે તમાકુનાં પાને કોઈક પ્રકારનાં જીવાણુ રોગગ્રસ્ત બનાવતા હતાં. તે સમયે 'વાયરસ' શું છે કોઇને જાણ ન'હતી.
ઇવાનોવસ્કી તમાકુનાં પાન ને ચેપ લગાવનાર ને બેક્ટેરીયા જાણતાં હતાં. બેક્ટેરીયાને ગાળવા માટે એ સમયે ચેમ્બરલેન્ડ-પાશ્ચતર નામનું પોર્સેલીનનું બનેલ ફિલ્ટર (ગરણી) વપરાતી હતી. ઇવાનોવસ્કીએ આ ક્રિસ્ટરમાં ટોબેકો પ્લાન્ટને થતાં બેક્ટેરીયા ગાળીને ત્યારબાદ નિકળેલ પ્રવાહી તમાકુનાં પાન ઉપર છાંટતાં ફરીવાર પાંદડા રોગીષ્ટ બનતાં હતાં. મતલબ એ થયો કે ફિલ્ટર જેને રોકવાનું કામ કરતું હતું. તે બેક્ટેરીયા કરતાં પણ સજીવ વધારે સુક્ષ્મ હતાં.આખરે ડચ વનસ્પતિશાસ્ત્રીએ માર્ટીનસ બેઇજરીકે ઇવાનોવસ્કીવાળો પ્રયોગ અનેકવાર રીપીટ કર્યો.
તેને લાગ્યું કે ફિલ્ટર કરેલ પ્રવાહીમાં ઇન્ફેકશન પેદા કરનાર એજન્ટ મોજુદ હતો. ત્રણ વર્ષનાં સંશોધન બાદ બેઇજરીકે જાહેર કર્યું કે ચેપી પ્રવાહી સજીવન સુક્ષ્મ કણ ધરાવતાં હતાં. આ કણ બેક્ટેરીયા કરતાં પણ નાના હતાં. વિશ્વને પહેલીવાર તેણે આવા સુક્ષ્મ સજીવ માટે 'વાયરસ' શબ્દ પ્રયોજ્યો. ૧૮૯૮માં તેનું સંશોધન પ્રકાશીત થયું. વિશ્વને પહેલીવાર 'વાયરસ' એટલે કે 'ઝેર સમાન જીવાણું' જેને આપણે વિષાણું કહીએ છીએ તેવો નવો શબ્દ મળ્યો.
જો કે વિષાણુ તો પીરામીડ કાળથી મનુષ્ય સામે જંગ છેડી ચુક્યાં હતાં. વૈજ્ઞાાનિકોએ પ્રથમવાર પુરાવો મેળવ્યો કે મચ્છર દ્વારાં મનુષ્યને થતો 'યલો-ફિવર' પાછળ પણ 'વાયરસ' જવાબદાર હતો. ૧૯૩૯માં પ્રથમવાર ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે 'વાયરસ'ની પ્રથમ તસ્વીર ઝડપવામાં આવી અને મનુષ્યએ પહેલીવાર નરી આખે 'વાયરસ'નાં દર્શન થયાં. એટલું જ નહી 'વાયરસ'નાં કારણે વિજ્ઞાાન જગતને એક અનોખું વિજ્ઞાાન ક્ષેત્ર મળ્યું જેને 'વાયરોલોજી' કહે છે.
મનુષ્યનો મોટો દુશ્મન
વાયરોલોજીનાં ઇતિહાસમાં ટોબેકો મોઝેક વાયરસ માઈલસ્ટોન શોધ ગણાય છે. એજ રીતે ઇવાનોવસ્કી અને બેઇજરીંકનું સંસોધન પણ ઇતિહાસનું પ્રથમ પ્રકરણ લખે છે. વાયરસનાં સીંગલ કણને વિજ્ઞાાન 'વાઇટીઓન્સ' કહે છે. જે કદમાં ૨૦-૨૫૦ નેનોમીટર જેટલાં હોય છે. સરખામણી કરવી હોય તો બેક્ટેરીયા અને સુક્ષ્મ ગણાય પરંતુ વાયરસ કરતાં કદમાં સો ગણાં વિશાળ હોય છે.
શીતળા, હડકવા, પોલીઓ, કમળો, અછબડા, ગાલપચોળુ, એઇડ્સ વગરેે રોગોમાં એક સામાન્ય વાત થઈ છે ? આબધા જ રોગો 'વાયરસ'નાં કારણે થાય છે. છેલ્લા દાયકાઓમાં ઇબોલા, મીકા, સાર્સ, મેર્સ, એચઆઈવી જેવા ખતરનાક વાયરસનો મનુષ્ય જાતીને પરીચય થઇ ચૂક્યો છે. હ્યુમન પેપીલોમા વાયરસ (HPV) નાં કારણે કેન્સર જેવી બીમારી પણ થાય છે.
કોઈ સજીવનાં શરીરનાં કોષોમાં ન પ્રવેશે ત્યાં સુધી 'વાયરસ' નીર્જીવ હોય છે. કોષમાં પ્રવેશ્યા બાદ તે સુક્ષ્મ સજીવની જૈવિક પ્રક્રીયા શરૂ કરી 'સજીવ' સ્વરૂપ ધારણ કરે છે. વાયરસ કોષમાં મુખ્યત્વે RNA અથવા DNA હોય છે. જેને રક્ષણાત્મક પ્રોટીનનું કવચ હોય છે.
સજીવો-પ્રાણીઓને ચેપ લગાડતાં વિષાણું વાયરસ તરીકે ઓળખાય છે. બેક્ટેરીયાને ચેપ લગાડનાર 'વાયરસ' બેક્ટેરીયા ફેજ તરીકે ઓળખાય છે. વાયરસની સંખ્યામાં વધારો યજમાન શરીર મળે નહીં ત્યાં સુધી થતો નથી. એટલે તેને પરોપજીવી ગણવામાં આવે છે. વાયરસ એક ેવો સુક્ષ્મ જૈવિક કણ છે. જે માત્ર એક પ્રકારની પ્રજાતી માટે જીવલેણ બને છે. જ્યારે બીજી પ્રજાતીમાં તે નિષ્ક્રીય બની રહે છે. એટલે બીલાડી ને રોગ લગાડનાર વાયરસ કુતરાંને રોગ લગાડતા નથી. બીલાડીનો વાયરસ કુતરા માટે નિર્દોષ સાબીત થાય છે. તો પછી પ્રાણીનો શરીરનો 'વાયરસ' મનુષ્ય માટે કેમ ખતરનાક બને છે ?
વાયરસ યજમાનનાં શરીરનાંકોષોમાં પ્રવેશે છે. ત્યારબાદ પોતાની સંખ્યા વધારે છે. આ પ્રક્રીયા દરમ્યાન તે યજમાન કોષોનું જીનેટીક મટીરીયલ પોતાનાં જીનેટીક મટીરીઅલ્સ સાથે જોડી દે છે. હવે મનુષ્ય શરીરમાં પ્રવેશ કરવા માટે તેનો માર્ગ આસાન બની જાય છે. વાયરસને તે શરીર બહારનાં, દુશ્મન ગણતું નથી. તેની સામે રક્ષા પ્રણાલી ઢીલી મુકે છે. જેથી વાયરસ પોતાનો ખતરનાક સ્વભાવ બતાવવા માંડે.
સમસ્યાની ભીતરમાં ઉતરતું 'વિજ્ઞાાન'
ચીનમાં દેખાયેલો નવો 'કોરોના વાયરસ'નું નામ શું છે ? '૨૦૧૯ હર્ભફ.' વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેને નવું નામ ન આપે ત્યાં સુધી તે 'વુહાનન કોરોના વાયરસ' તરીકે ઓળખાતો રહેશે. અન્ય જૈવિક અસ્તિત્વ કરતાં વાયરસ ખુબ જ મોટું વૈવિધ્ય ધરાવે છે. પોલીઓ જેવા વાયરસનો જેનોસ આરએનએનો બનેલો હોય છે.
જ્યારે હર્પીસ માટે જવાબદાર વાયરસનો જેનોસ ડિએનએનો બનેલો હોય છે. શરદી માટેના વાયરસનો જેનોમમાં સીંગલ' તારનો બનેલો હોય છે. વાયરસનાં શરીરમાં 'રાઇબોઝોમ' હોતું નથી. 'રાઇબોઝોમ'માં વિશિષ્ટ જૈવિક પ્રણાલી હોય છે. જે પ્રોટીન બનાવી શકે છે. એટલે યજમાન કોષ ન મળે ત્યાં સુધી તે નવું પ્રોટીન બનાવી શકતુ નથી. ચીનના વાયરસમાં રાજાના મુગટ ઉપર જેમ ઉભા આકાં જેવી રચના હોય છે. તેવી રચના આ વાયરસની સપાટી પર હોય છે. તેથી તેને મુકુટ / કોરોના વાયરસ કહે છે.
૧૫ જાન્યુઆરીના રોજ પ્રો. યોંગ ઝેન ઝાંગે વુહાન કોરોના વાયરસનો જેનોમ સિકવન્સ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યો છે. જે સાર્સ અને મેર્સનાં વાયરસ સાથે ૮૮ ટકા મેળ બેસાડે છે. વુહાન વાયરસનો જેનોમ ૨૯૯૦૩ બેસ પર જેટલો લાંબો છે. શાર્સનો જેનોમ ૨૯,૭૨૭ બેઝ પેર જેટલો લાંબો છે. એટલે વૈજ્ઞાાનિકો તેને 'સાર્સ' જેવો વાયરસ માને છે.
જીનેટીશીઅનનાં સંશોધન પ્રમાણે વુહાન વાયરસનો જેનોમ ચામાચીડીયાનાં કોરોના વાયરસ સાથે ૯૬% મેળ ખાય છે. વુહાન વાયરસની સપાટી પર એન્જીઓટેનસીન કનવર્ટીંગ એન્ઝાઇમ- ૨ (ACE2) આવેલું છે. જે મુગટ પરનાં અણીયાળા સળીયા જેવું છે. જે પહેલાં મનુષ્ય કોષ સાથે જોડાય છે ત્યારબાદ વાયરસ કોસમાં જોડાય છે. જો ACE2 ને બ્લોક કરી શકાય તેવી દવા બનાવી શકાય તો, નવા વાયરસની સારવાર માટેની દવા ઉપલબ્ધ થઇ શકે.
વૈજ્ઞાાનિકો વધારે ચિંતીત એટલા માટે છે કે શ્વાસનળી અને ફેફસાને ટાર્ગેટ કરે તેવાં વાયરસની ચોથી પેઢી તૈયાર થઇ ગઈ છે. પહેલા સાર્સનો વાયરસ પછી, મેર્સનો વાયરસ ત્યારબાદ સ્વાઇન ફલુનો વાયરસ અને હવે વુહાનનો વાયરસ. શું જૈવિક શસ્ત્રો બનાવવા માટે ચાઇનીઝ વૈજ્ઞાાનીકો પ્રયોગ નથી કરી રહ્યાં ને ? સવાલ જરા અજુગતો છે. પરંતુ વૈજ્ઞાાનિકોનો નાનો સમુદાય આવું પણ વિચારી શકે છે. બાકી વાયરસનાં સકંજામાંથી પૃથ્વી પરનો કોઇ સજીવ બચી શકે તેમ નથી.