Get The App

રમઝાન ખાન .... રામ અને રહીમને જોડતો રાજમાર્ગ

એક અનોખો પરિવાર: નવોદયનો ઉઘાડ પ્રત્યેક ધર્મીઓમાં આવો જ હશે?

Updated: Feb 2nd, 2020

GS TEAM

Google News
Google News
રમઝાન ખાન .... રામ અને રહીમને જોડતો રાજમાર્ગ 1 - image


રમઝાન ખાનના પુત્ર ફિરોઝખાનની બનારસ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નિમણુક થતા વિવાદ સર્જાયો હતો 

CAA અને NRCના વિરોધમાં જે આંદોલન થાય છે તેમાં લઘુમતીઓને ભડકાવીને દેશનું  વાતાવરણ ડહોળવાનો દ્રોહ પણ કેટલાક  તત્વો કરી રહ્યા છે. અવિશ્વાસની વધતી તિરાડ વચ્ચે જ એક ફરિશ્તાને  પદ્મશ્રી જાહેર થયો ત્યારે તે રાજસ્થાનના જયપુર નજીકના બગરૂ ગામની  ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવી રહ્યો હતો. આ વ્યક્તિવિશેષનું નામ રમઝાન ખાન છે.

૬૧ વર્ષીય રમઝાન ખાને તેનું જીવન રામ અને કૃષ્ણના ભજનો ગાવામાં, ગાયોની સેવા કરવામાં જ સમપત કરી દીધું છે. ભજન ગાવા તે તેની ધંધાકીય કારકિર્દી નથી પણ તેમને અને તેમના પરિવારને રામ અને કૃષ્ણ પરત્વે અખૂટ શ્રદ્ધા છે. ભજન તે નિજાનંદમાં ગાય છે અને ઈશ્વરમાં એકાકાર થઇ ધ્યાન સમાધિમાં પહોંચી જાય છે. એટલું જ નહીં તે બાળકોને ભજન  અને સંગીતની તાલીમ  પણ આપે છે આથી જ તેના સ્નેહીઓના વર્તુળમાં મુન્ના માસ્તર તરીકે ઓળખાય છે.

રમઝાનભાઈનો નિત્ય ક્રમ ભજનો ગાઈને મંદિરે દર્શન કરવા જવું અને તે પછી તરત જ મસ્જીદમાં જઈને નમાઝ પઢવી. રમઝાનભાઈનો લગાવ  હિંદુ ધર્મના ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પુરતો જ સીમિત નથી પણ તેમને  સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીને તેના પર પ્રભુત્વ મેળવ્યું છે. હિંદુ ધર્મના ગ્રંથોનું પઠન પણ કરે છે. તેમના ઘેર ઇષ્ટ દેવોનું  મંદિર પણ છે.

કપાળ પર ચાંલ્લો કરીને રોજ પૂજા કરે છે. પોતે ઇસ્લામધર્મી છે પણ હિંદુ ધર્મ પણ તેમને હૃદયથી સ્પર્શે છે તેમ તેમની કિશોર વયથી જાહેરમાં કબુલાત કરી ચુક્યા હોઈ તેમના ધર્મના બિરાદરોએ તેમના પરિવારનો સખ્ત વિરોધ કરીને લગભગ સમાજમાંથી બહાર કર્યા હતા. આમ છતાં તેઓ મક્કમ રહ્યા હતા અને તેમના હિન્દુ ધર્મ પ્રત્યેના પ્રેમમાં અસાધારણ રીતે આગળ વધ્યા. તેમના ચારેય પુત્રોને મદ્રસાની જગાએ સંસ્કૃત વિષય સાથેની શાળાએ મુક્યા ત્યારે તો તેમની વિરુદ્ધનો રોષ બન્યો હતો.

તેમના પુત્રોના નામ તેમણે મુસ્લિમ ઓળખ ઉભી થાય તેવા રાખ્યા પણ બે પુત્રીના નામ અનુક્રમે લક્ષ્મી અને સરસ્વતી પાડયા. મજાની વાત એ છે કે તેમના પુરા પરિવારને હિંદુ અને ઇસ્લામ બંને ધર્મોમાં સમાન શ્રદ્ધા છે. રમઝાનભાઈએ ક્યારેય કુટુંબના સભ્યો  પર હિંદુ ધર્મના ગ્રંથો કે સંસ્કૃત ભાષાનો કે શ્રદ્ધા કેળવવાનો પ્રભાવ નથી જમાવ્યો. સહજ રીતે જ બધા આકર્ષાયા છે. તેઓને પણ તેમના ધર્મના કટ્ટરપંથીઓના રોષ કે ધમકીઓની અસર નથી થઇ.

હિંદુ ધર્મીઓ હંમેશા  ઉદારતા અને સમદ્રષ્ટિ, સમભાવમાં તેઓ અન્ય ધર્મીઓ કરતા ચઢીયાતા છે તેવો દાવો કરતા હોય છે પણ રમઝાનભાઈ અને તેમના પરિવારને હિંદુ ધર્મીઓ દ્વારા જ જાણે ધોખો અને લાગણી ઘવાયા હોવાની ઘટનાનો સામનો કરવો પડયો છે. ગત નવેમ્બરમાં  દેશની સન્માનિય બનારસ યુનીવર્સિટીના સંસ્કૃત વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર તરીકે રમઝાન ખાનના પુત્ર ફિરોઝ ખાનની નિમણુંક થવા સાથે જ યુનીવર્સિટીના હિંદુ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો કે એક મુસ્લિમ વ્યક્તિ કઈ રીતે સંસ્કૃતના પ્રાધ્યાપક હોઈ શકે.   

ફિરોઝ ખાન સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકેથી જ હટાવી દેવામાં આવે તેવી માંગ સાથે યુનીવર્સીટીમાં દેખાવો થયા અને અભ્યાસ ઠપ્પ થઇ ગયો.દેશભરના મીડિયામાં પણ સમાચાર ગાજ્યા. દેશના ઘણા હિન્દુઓએ પણ એવો પ્રતિભાવ આપ્યો હતો કે ફિરોઝ ખાનની ઇન્ટરવ્યુ બાદ પસંદગી થઇ છે જે ગુણવત્તા આધારિત છે ત્યારે તે સંસ્કૃતના પ્રાદ્યાપક બને તેમાં શેમાં ખોટું શું છે.

આ તો એક આવકાર્ય પ્રારંભ છે.   જો કે આંદોલન પર ઉતરેલા વિદ્યાર્થીઓ જલદ વલણ અખત્યાર કરવા માંડયા હોઈ તંત્રને ઝૂકવું પડેલું. ફિરોઝ ખાનને સંસ્કૃતના પ્રોફેસર તરીકે હટાવી કલા અને સાહિત્ય વિભાગમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

હિંદુ ધર્મના ભગવાનો માટેના મહત્તમ ફિલ્મી ભક્તિ ગીતો અને ભજનો કે જે અમર થઇ ગયા છે તેમાં  મુહમ્મદ રફીનો કંઠ છે. નૌશાદનું સંગીત નિર્દેશન અને ગીતકાર શકીલ, હસરત તેમજ સાહિર છે. ઉસ્તાદ  બિસ્મિલ્લા ખા બનારસના કાશી  વિશ્વનાથ મંદિરના સંકુલમાં કિશોર વયથી લેજેન્ડ બન્યા ત્યાં સુધી પ્રાતઃકાળે શરણાઈના સુર રેલાવી મહાદેવના શિવલીંગમાં જાણે ચેતના જગાવતા હતા.

રસખાનની ભક્તિ સંગીત પરંપરાને તેના વારસો આગળ ધપાવે છે. શાસ્ત્રીય ગાયન અને વાધ્યો-તબલાના દિગ્ગજો ભગવાનનાં મંદિરો, મઠો અને મહોત્સવમાં ભાગ લઈને જ કે સંતો, શંકરાચાર્યો અને આધ્યાત્મિક ગુરુઓની નિશ્રામાં સ્તુતિ- પ્રસ્તુતિ  કરીને  જ તેમની કલાની ચરમસીમાએ પહોંચ્યા છે.

રમઝાન ખાનને ભાજપ સરકારે પદ્મશ્રી એનાયત કર્યો તે આવકાર્ય ઘટના કહી શકાય તેના કરતા પણ વિશેષ જો ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર સંસ્કૃતના પ્રોફેસર ફિરોઝ ખાનને વિદ્યાર્થીઓના દેખાવોની ધરાર પરવા કર્યા  વિના તેમની નિયુક્તિ જારી જ રહેશે તમારે અભ્યાસ કરવો હોય તો કરો બાકી યુનિવર્સિટી છોડી દો તેવો મક્કમ નિર્ણય લઇ શકી હોત તો અનેરું ઉદાહરણ પૂરું પડત.

તેવી જ રીતે  રમઝાન ખાન અને તેમના પરિવારે સર્વધર્મ સમભાવનું જે સાહસ જીવન વ્યતીત કર્યું છે તેને હિંદુ ધર્મી વિદ્યાર્થીઓના સમુદાયે વધાવી ફિરોઝ ખાનને સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે વંદન કરીને ગુરુનો દરજ્જો આપ્યો હોત તો એખલાસની આભા ચોમેર ફરી વળી હોત.

ભાષા સાહિત્યમાં ઉર્દુ, પશયન બિન મુસ્લિમો દ્વારા અભ્યાસ કરાવાય જ છે આપણે પણ ગદ્ય, પદ્ય સાહિત્ય અને ફિલ્મી-ગેર  ફિલ્મીમાં આ બધા પરના પ્રભુત્વને સાક્ષરતા તરીકે વધાવીએ છીએ. આ હદે ઉદાર હોવા છતા કોઈ અન્ય ધર્મી સંસ્કૃત પર પકડ મેળવે તેને મુક્ત દુનિયા તરીકે અને ભાષા-ધર્મના પ્રચાર અને પ્રસારની જેમ જોવા કરતા સંકુચિતતા બતાવી બહુમતિ વર્ગે તક ગુમાવી.

કોઈ ગોરા વિદેશી પ્રોફેસર કે વિદ્ધવાન સંસ્કૃત ભાષા, હિંદુ ધર્મ, ભગવાનો, ગીતા અને ઉપનિષદો પર માસ્ટર કે પી એચ ડી કરે તો આપણે ધન્યતા અનુભવીએ છીએ. કઈ રીતે સંસ્કૃતમાં શ્લોકો અને ગીતાના અધ્યાયો બોલે છે તેની વિડીઓ વાયરલ બનતી હોય છે. ફિરોઝ ખાન સંસ્કૃતનો અભ્યાસ કરાવે અને હિંદુ વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા હોય તે તો નવોદયનો તેજસ્વી ઉઘાડ ગણવો જોઈએ. એક એવી હેરીટેજ ટુર હોવી જોઈએ જેમાં તમામ ધર્મના નાગરિકો જોડાય જેમાં  તમામ ધર્મના સ્મારકો અને શ્રદ્ધાનો સમન્વય હોય.

ફિલ્મમાં હીરોનું પાત્ર કોઈપણ ધર્મનું હોય પણ તે વિકટની વેળાએ તેને જેની શ્રદ્ધા હોય તેને કાકલુદી કરતી પ્રાર્થના કે બંદગી કરતો હોય છે. આ વખતે થિયેયેટરમાં બેસેલ દર્શક પણ ગળગળો થઇ તે કોઈપણ ધર્મનો હોય તો પણ હીરોની પ્રાર્થનામાં જોડાઈ જાય છે. દર્શક ઈચ્છે છે કે તેનો હીરો મુસીબતમાંથી ઉગરે. તેનો ઇષ્ટદેવ તેની અરજ  સાંભળે. આ જ પુરવાર કરે છે કે મૂળથી માનવ માત્રમાં કરુણા અને અનુકંપા ભરેલી છે જે ધર્મથી પર છે. 

હિન્દુઓએ એમ સમજવું જોઈએ કે અન્ય ધર્મીઓનું કહેવું સદંતર ચોકડી મારી દેવા જેવું ખોટું નથી અને અન્ય ધર્મીઓએ કટ્ટર વિચારસરણી ત્યજી તે રીતે કબૂલવું રહ્યું કે બહુમતિ જે આશા સેવે છે અને આશંકા ધરાવે છે તે પણ મનોમંથન તો માંગી જ લે છે. બંનેની વાતમાં સંપૂર્ણ ઝૂઠ તો નથી જ. પૂર્વગ્રહ વિનાની મુક્ત મને આત્મખોજ અને કબુલાતનું મંચ સજાવવાની દિશા તરફ આગળ વધવું પડશે.

પદ્મશ્રી રમઝાન ખાન અને તેનો પરિવાર ભારત રત્ન સમાન છે. 'ઇન્ટર રીલીજીઅન્સ ફેઈથ' જ સમયની માંગ છે.

બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું.

'ત્રિકોણ', 'ગુરુકોણ',  'લઘુકોણ', 'ષટકોણ' ....પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છે તેને ક્યારેય ભણાવવામાં નથી આવ્યું. તે છે....'દ્રષ્ટિકોણ'.

Tags :