Get The App

કેવળ માતાનો જ નહિ બાળક પ્રત્યેનો પિતા પ્રેમ

Updated: Feb 1st, 2020

GS TEAM

Google News
Google News
કેવળ માતાનો જ નહિ બાળક પ્રત્યેનો પિતા પ્રેમ 1 - image


માતા પાસે આંસુનો મહાસાગર હોય છે. સંગ્રામો સામે મનથી મા ઝૂઝે છે, લડે છે, પિતા પાસે સંયમનો પર્વત છે. એ સાચે જ સ્થિર છે.

પહાડની કઠોરતા ભેદીને કલકલ કલકલ નાદ કરતાં ઝીણાં ઝરણાં વહી નીકળે છે ત્યારે આપણે કેવળ ઝરણાંના સૌંદર્યનો જ મહિમા કરીએ છીએ, પણ પહાડ બાબતે મૌન રહીએ છીએ. પહાડની કાયા ઉનાળે, શિયાળે, ચોમાસે કેવા કેવા સિતમો સહે છે ? ઉનાળે તપે છે, શિયાળે ઠરે છે અને ચોમાસે એને જળની થાપટો વાગે છે. એ બધાની વચ્ચે પણ પહાડ એક જ પ્રકારની લયાત્મકતાથી સ્થિર ઊભો છે, એની કાયામાં પણ નોખો લય ગુંજે છે...પવન એના દેહ ઉપર એવી જ લયાત્મકતાથી નમણી કવિતા કોતરે છે, અલબત્ત પવને લખેલી કવિતાને વરસતો વરસાદ ભૂંસી નાખે છે.

તડકો એ કવિતાને સૂકવી નાખે છે, અને ઠંડી એ કવિતાને ઠારી દે છે, પણ પવન પરિશ્રમ છોડતો નથી, વળી વળીને તે કવિતા લખે છે. પહાડની કાયા ઉપર કવિતા લિપિબદ્ધ થાય છે, જ્યાં સુધી પવન છે અને પહાડ છે. ત્યાં સુધી કવિતા છે. પહાડ એ પ્રાકૃતિક સૃષ્ટિનો જનક છે. ઝરણું એનું સંતાન છે. પવન એમાં પ્રાણ પૂરે છે. એને કોમળ કરવા પ્રયત્ન કરે છે. પવનને પ્રતાપે પહાડનો પિંડ સર્જકત્વ ધારણ કરે છે...પ્રકૃતિનાં પરિવર્તનો એ પહાડને ચલિત કરવા અગાધ પ્રયત્નો કરે છે. પણ પહાડ એ પહાડ !! જીવતા પહાડ જાણે પથ્થરનાં ઝાડ !!

પર્વત સંયમી જનક છે. સંયમી પિતા છે. સૂરજ-પ્રખરતાથી પર્વતને ઓગાળવા મથે...તડકાનો અભિષેક કરે, ઠંડી એના ઉમંગોને ઠારી દે. ચોમાસામાં સૂરજ શરમાય, પાણીના ધોધ વડે પર્વતને ડૂબાડવા પ્રયત્નો કરે....શીતળતાનો લેપ કરે. પણ પર્વત તો પર્વત ! અસલ જ રહે છે. એ કોઈથી ચલિત થતો નથી...પિતાનું સંયમી અચલપણું જાણીતું છે. આપણે ત્યાં આકાશને પિતા અને ધરતીને 'મા' કહી છે. એમાં પણ ધરતી સંતાનોને પ્રસવે છે. મોટાં કરે છે. આકાશ મેઘ સ્વરૂપે સ્નેહ વરસાવે છે...ધરતી જેટલો જ મહિમા આકાશનો પણ ક્યાં નથી ? છતાં માનવજગતમાં પિતૃનો મહિમા અન્ય જેટલો નથી.

કાલિદાસે શકુંતલા-વિદાય પ્રસંગે કણ્વઋષિને આંસુ સારતા બતાવ્યા છે. એનો અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો છે.

જાશે આજ શકુન્તલા ! હૃદયને લાગ્યો અજંપો જ શો,

રોક્યાં અશ્રુથી સાદ ગદ્ગદ થતો, ચિંતાથી ઝાંખું સૂઝે.

(સાર: વિદાય થઈ રહેલી શકુન્તલાને જોઈ પાલક પિતા કણ્ય જેવા ઋષિ બેચેન થઈ ગયા. આંસુનો વેગ રોકવાથી કંઠ રૂંધાયો છે. બધી ઇન્દ્રિયો ચિંતાને લીધે ધૂંધળું જુએ છે.)

મા એટલે કલકલ વહેતું ભાવનું ઝરણું. પિતા એટલે પર્વતની જેમ સ્થિર ઉભેલો પ્રભાવ. 'ભવ્ય મૂર્તિ' પિતાજીનો ઉદગાર કાઢતા કવિ બ.ક. ઠાકોરે એમની સૉનેટ રચનામાં 'પિતા'ના પ્રભાવને પ્રભુ સાથે જોડી બતાવીને 'ભવ્ય' કહ્યો છે. પિતાની કવિતા માતાની તુલનામાં ઓછી થઈ છે. ઘરનો મહિમા જેટલો થયો છે એટલો મહિમા ઘરના મોભનો ક્યાં થયો છે ? મોભનું મહત્ત્વ કાંઈ ઓછું થોડું અંકાય ? માતાને ઘરનું આંગણું, ઓરડો ને ઓસરી કહો તો ભલે. પિતા ઘરનું અસ્તિત્ત્વ છે.

પિતા ઘરની ઓળખ છે. આપણે ત્યાં લોકમાતાઓ છે, લોકપિતા વિશે ક્યાંય સાંભળ્યું છે ખરું ? અંબેમા, ખોડિયારમા, બહુચરમા, કાળકામા વગેરે માતાઓ છે. પિતાઓ નથી. માતા વિશે કહેવતો અને કથાઓ પણ છે. 'મા એ મા બીજા બધા વનવગડાના વા.' 'ઘોડે ચઢેલો બાપ મરજો પણ છાણા વીણતી મા ના મરજો.' આ કહેણીઓમાંથી માતાનો દરજ્જો આપણે ત્યાં ઘણી મોટી ઊંચાઈ પામ્યો છે. એની તુલનામાં પિતાનો મહિમા ઓછો થયો છે. એ ચોક્કસ.

માતા પાસે આંસુનો મહાસાગર હોય છે. સંગ્રામો સામે મનથી મા ઝૂઝે છે, લડે છે, પિતા પાસે સંયમનો પર્વત છે. એ સાચે જ સ્થિર છે. મા રડે છે ત્યારે ધીરજ આપવાનું કામ પિતાનું. પિતાનો ખોળો છોડી નદી દોડે છે. એ દોડ એનું જીવન છે. એ દોડમાં જીવન પૂર્ણ કરી નાખે ત્યારે પિતા વ્યથિત તો થાય જ ને ? કોઈએ કહ્યું છે કે નદી એ પહાડની આંતરડી છે.

પર્વત પણ નદીની વેદનાથી અવશ્ય વ્યથિત થતો હોય છે, પરંતુ એ વ્યથા ક્યાં કોઈને કળાવા દે છે ? બધાની સામે જે મોકળાશથી માતા આંસુનાં વહેણ વહાવે છે એટલી જ સહજતા પિતામાં ક્યાં હોય છે ? માતા રડી શકે છે - પિતા રડી શકતા નથી. એમને ભાગે રૂદન કરનારાંને શાંત કરવાનું કાર્ય આવે છે. પોતાની માતાના મૃત્યુનું રૂદન પણ પિતાને સહજ નથી. એમ કહેવાથી પિતા સંવેદનવિહીન બની જતા નથી. પિતા રડે તો પરિવારનો આધાર તૂટી પડે છે.

મોભ તૂટે તો ઘર ઘર જ ના રહે. પાછળનાં બાળકો - ભાઈ - ભાંડુ જે એમને આધારે છે એ બધાંનું શું થાય ? જીજાબાઈએ શિવાજીને જન્મ આપ્યો. ઘડતર કર્યું એ આપણે બરાબર યાદ રાખીએ છીએ. જહાજી રાજે જે શિવાજીના પિતા થાય તેમને આપણે ભૂલી જઈએ કેટલો મોટો અન્યાય કરીએ પણ અંધારી રાત્રિએ જેલમાંથી બહાર નીકળતા વરસતા વરસાદમાં લક્ષ્ય વગર આગળ વધતા વસુદેવની મન:સ્થિતિનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? રામની મા કૌશલ્યા ભલે, પણ પુત્ર વિયોગથી જે મૃત્યુ પામ્યા એ દશરથને પણ ઓળખીએ.

કવિ ન્હાનાલાલે 'પિતૃતર્પણ' કાવ્યમાં કહ્યું :

''છાયા તો વડલા જેવી, ભાવ તો નદનાસમ

દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.''

અહીં પિતાનો મહિમા ગવાયો છે. પિતાનાં પગલાં જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પરિવાર પ્રેમનું ઝરણું વહેતું હોય, પિતાજીનાં ફાટેલાં વસ્ત્રોમાં પરિવારપ્રેમની અખંડિતતા દેખાય છે, દીકરીને ફ્રોક લઈ આપે, 

પણ પોતાનું પહેરણ પછી ખરીદે...પિતાની આંખોમાં જ અપાર પ્રેમ હોય છે...દેખાવા ન દે....પ્રેમ કે વ્યથા કશુંય કળાય નહિ, જેટલી ત્વરાથી માને પામી શકાય એટલી ત્વરાથી પિતાને પામી ન શકાય...પિતાનાં ઘસાઈ ગયેલાં ખાસડાં પાસેથી પિતાના પરિવાર પ્રેમની આત્મકથા સાચી સાંભળવા મળે. એ ખાસડાં વિસ્તારથી રજેરજ વાત કરશે...ક્યારેક તો સંતાનની સમસ્યા સંદર્ભે પિતા પારાવાર મુશ્કેલીઓમાં મુકાય છે. એ મુશ્કેલી વખતે એમના ભીતરને પામવા જેવું હોય છે.

સંતાન પ્રત્યેનો પ્રેમ એમાંથી પામી શકાય. પશુ, પંખી પ્રાણી જગતમાં પણ આપણે તો માતાનો માતૃપ્રેમનો એટલો બધો મહિમા ગાયો છે કે આપણને પિતાનું પિતૃપ્રેમનું સ્થિર વહેતું વહેણ ક્યારેય સંગીતનો પર્યાય બની સંભળાયું નથી. અથવા કવિઓની કવિતાનો વિષય બની શક્યું નથી. સમગ્ર સૃષ્ટિમાં ઇમારતને અને શિખરને જે ઊંચાઈ પ્રાપ્ત થાય છે એ ઊંચાઈ પાયાને આભારી હોવા છતાં પાયાનો ભાગ્યે જ મહિમા થતો હોય છે. શું એ જ એની નિયતિ છે ?

Tags :