સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ
ફરજ ઉપર હોય ત્યારે કર્નલ કોઇ દિવસ આનંદમાં હોય ?
- રવીન્દ્ર નાણાવટી (રાજકોટ)
કોઇ દિવસ શા માટે ? ફરજ અદા કરવાની તક મળી, એનો તો હમેશાં આનંદ હોવો જોઇએ.
ચાંદો પૃથ્વી ઉપરથી સોહામણો મોહક લાગે એવો એક બે કિલોમિટરથી લાગે ?
- ભર્ગા માંકડ (અમદાવાદ)
દૂરના ડુંગર રળિયામણા.
પરણ્યા પછી પણ જીવન કોરા કાગજ જેવું લાગતું હોય તો ?
- ગુલાબ બી. હિન્ડોચા (રાણા વડવાળા)
મનને રઝળતું મૂકો તો એ જ દશા થાય !
ચલણી નોટો પર ગાંધીજી હસે છે પણ જનતા ધુ્રસકે ધુ્રસકે રડે છે. તો શું કરવું ? ફોટો બદલવો જોઇએ.
- ડૉ. રાજેન્દ્ર કે. હાથી (વડોદરા)
ના. પ્રજાએ ધુ્રસકા બંધ કરવા જોઇએ.
અગાઉ બે મહિલાઓ વાતવાતમાં 'હાયરામ' બોલી જીભડો બહાર કાઢતી ! અત્યારે એવી સ્ત્રીઓ કેમ જોવા નથી મળતી ?
- મીના નાણાવટી (રાજકોટ)
તમને એવી મહિલાઓની ખરેખર જરૂર હોય તો 'હાયરામ' નામનું એક ગૃપ બનાવો અને શરૂઆત તમારાથી જ થવા દો !
પ્રેમ એ પરીક્ષા છે, પ્રયોગ છે કે પ્રસાદ ?
- રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
પ્રસાદ ! જે નસીબદારને જ પ્રાપ્ત થતો હોય છે !
બંદૂકનો ધુમાડો નાકમાં ન જાય એટલે ડાકુઓ બુકાની બાંધતા હશે ?
- રસિક પઢિયાર (લાઠી સિટી)
બુકાની બાંધીને સ્કુટર પર દોડાદોડ કરતી યુવતીઓને આ પ્રશ્ન લાગુ પાડી શકાય ખરો ?
પાકિસ્તાન વારંવાર ધમકી આપી આપણને યુધ્ધનું આમંત્રણ આપે છે તો શું એને ૧૯૭૧નું યુધ્ધ યાદ નથી ?
- મુકુન્દરાય ડી. જસાણી (બાબરા સૌ)
આંતરિક મુદ્દાકીય પ્રશ્નો પરથી પ્રજાનું ધ્યાન બીજે વાળવા માટેના આવા ગતકડાં રાજકારણને કોઠે પડી ગયા છે !
પ્રજાના પૈસે એ.સી.માં બેસી તાગડધિન્ના કરનારાઓને મંદી એક અફવા કેમ લાગે છે ?
- ભાવસાર કનૈયાલાલ હરિભાઇ (વડનગર)
એ તો વડનગરવાળાને જ પૂછી જુઓને !
વિદ્યા વિનયથી શોભે પરંતુ વિનય શાનાથી શોભે ?
- ધવલ જે. સોની (ગોધરા)
આચરણથી !
હાશ અને કાશમાં શું ફરક ?
- હારૂન ખત્રી (જામ ખંભાળિયા)
હાથમાં લાલસાની પ્રાપ્તિ અને કાશમાં પ્રાપ્તિની શક્યતાની તલાશ !
૩૭૦-૩૫ છ કલમ અને રામમંદિરનો પ્રશ્ન પતી ગયો. હવે નેતાઓ પ્રજાના પ્રશ્નોનો નિવેડો લાવશે ખરા ?
- યશપાલસિંહ વાઘેલા (દરબારગઢ થરા)
પ્રજાએ પોતાના પ્રશ્નોનો નીવેડો લાવવા માટે મૌન તોડીને બહાર આવવું જોઇએ !
સવાલનો જવાબ આપવાને બદલે સામા સવાલ કેમ પૂછો છો ?
- મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
એ તો જેવા સવાલના લક્ષણ !
પૂનમનો પડવો, અમાસની બીજ અણપૂછ્યું મુહુર્ત ! એનો અર્થ શો ?
- પી.ડી. શેઠ પાલીતાણાવાળા (મુલુન્ડ)
એનો અર્થ એ કે એવા મુહૂર્તની રાહ જોયા વગર કામે લાગી જાવ !
આપણે બ્લૂ, પીંક, ગ્રીન, બ્રાઉન, ઓરેન્જ અને ચોકલેટી કલરની ચલણી નોટ જોઇ પણ બ્લેક (કાળી) નોટ જોવા નથી મળી, એ ક્યાં ગઇ ?
- એમ.એમ. મિશ્રા (મુંબઇ)
એ કાળી નોટને શોધવા તો આપણી સરકાર છેક સ્વીસ બેન્ક સુધી જઇ આવી.
મહારાષ્ટ્રમાં સત્તા માટે મોટું નાટક થયું. ફડણવીસને ખબર હતી કે પોતાની બહુમતી નથી તો રાત્રે ઉજાગરા શા માટે કર્યા ?
- છોટુભાઇ પરમાર (સખાદરા જિ. ખેડા)
વેન્ટીલેટર પર વિશ્વાસ કરી ઉજાગરા કરવાની આપણે ત્યાં પ્રથા છે.
આપણા સાધુસંતોના વેશમાં બોલીવૂડના કલાકારો બીભત્સ ડાંસ કરે છે, તો શું આપણા સાધુસંતો આવા હોય છે ?
- જગદીશચંદ્ર ભોગીલાલ મહેતા (ઘાટકોપર મુંબઇ)
આપણા સમાજમાં ધૂતારા પણ સાધુવેશમાં ફરે છે. એમના લીધે બધા બદનામ થાય છે !
સુખની ચાવી કઈ ?
- નટવરલાલ ટી. મણીયાર (મુંબઈ)
ક્યા સુખની વાત કરો છો ? સુખની અનેક વ્યાખ્યા છે ? કાર ખરીદનારને સુખની જેટલી અનુભૂતિ થાય છે એટલી જ સાઇકલ ખરીદનારને પણ થાય છે.
૧૯૮૦થી ૧૯૯૦ સુધીના દાયકામાં સાથે રમતા, સાથે મોજમસ્તી કરતા બાળપણના મિત્રો આજે એકવીસમી સદીમાં કેમ આંખો ફેરવી લે છે ?
- મનીષભાઈ એન. આચાર્ય (રાજકોટ)
કારણ કે આ એકવીસમી સદી છે. ભૂલી જાવ વીસમી સદીને ! એ પણ ભૂલી જાવ કે ત્યારે તમે બધા મિત્રો કુંવારા પણ હતા !
દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય ! જે ઘરમાં દીકરી હોય એ ઘર ખાધેપીધે સુખી હોય. કેમ ખરું ને ?
- બચુભાઈ સોની (ધોરાજી)
અમારે મન તો ખરું જ છે. પણ લોકોને કેમના સમજાવવા ? દીકરી પોતે જ મોટી થઈને પોતાના પેટે દીકરી જન્મે એવું નથી ઈચ્છતી ?
જે દેશના મંત્રીઓ પર ક્રીમિનલનાં કલંક લાગ્યા હોય એ દેશની પ્રજાનું ભવિષ્ય કેવું હોઈ શકે ?
- હર્ષદ ત્રિવેદી (ભાવનગર)
વર્તમાન સ્થિતિમાં પણ જીવી જવાની જે પ્રજામાં હિંમત છે એ પ્રજા ભવિષ્યમાં પણ આમ જ હિંમતભેર જીવી જશે. પ્રજા હવે ટેવાઈ ગઈ છે ?
જાહેરમાં સરકારની વિકાસની વાતો વાસ્તવિકમાં નિષ્ફળ તમને નથી લાગતી ?
- પુરંજય જોશીપુરા (અમદાવાદ)
સરકારના વિકાસ કાર્યોએ તો દેશભરમાં ધૂમ મચાવી દીધી છે ? કોલાહલ નથી સંભળાતો ?
પેટ્રોલ ડીઝલ કરતા ડુંગળીના ભાવ ઉંચા હોવાથી પ્રજા પરેશાન છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોયા કરે, એનો ઉપાય શું ?
- કુમુદ કે. સંપટ (મુંબઈ)
આ નિરૂપાય સ્થિતિ છે. કોઈ ઉપાય નહીં ?
સ્માર્ટ ફોનના કારણે યુવાધન આળસુ બની ગયું કે નહીં ?
- ડી.કે. માડવીયા (પોરબંદર)
આળસુ ક્યાં થયા છે ? બીચારા રચ્યાપચ્યા તો રહે છે ?
૨૦૦૪ પછી સરકારે પેન્શન પ્રથા બંધ કરી હોવા છતાં સાંસદોને તો આજીવન પેન્શન મળતું હોવાનું જાણવામાં આવ્યું છે. શું પીએમને જ ઘર ચલાવવાનું હોય છે ?
પી.એમ.ને એકલું ઘર જ નહિ ? રાજ ચલાવવાનું હોય છે. આખા દેશને ચલાવવો પડે છે.
મહારાષ્ટ્રની રાજ્ય સરકારની રચનામાં દોસ્ત દોસ્ત ના રહ્યા - પ્યાર પ્યાર ના રહ્યા વાળી ઉક્તિ કેટલા અંશે સાર્થક ગણાય ?
- અબ્દુલ રઝાક ખલીફા (ગઢશીશા કચ્છ)
રાજકારણમાં વફાદારી જેવું ન હોય. ત્યાં દોસ્તી પણ કાયમ નથી ટકતી અને દુશ્મની પણ કાયમ નથી ટકતી !
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું :
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.