Get The App

તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો ?

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ

Updated: Jan 18th, 2020

GS TEAM

Google News
Google News
તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો ? 1 - image


મોબાઈલ ખોલો, ફટ દઈને ઓર્ડર કરો અને ગણતરીની મિનિટોમાં ખાવાનું હાજર. સમય પણ બચે. સામાન લાવવો, શાકભાજી સુધારવું, પકાવવું વગેરેમાં કેટલો બધો સમય જાય

પાપી પીટયો આયો,

ખાવાનું કંઈ ના લાયો,

મારા રોયાને રઝળવાની ટેવ છે !

- જૂની ગુજરાતી રંગભૂમિનું કોમિક ગીત

પણ આ તો ખાવાનું લઈને આવે છે. જીભભાવન ફૂડ જે આપણે ઓનલાઇન ઓર્ડર કરતા હોઈએ છીએ. ડોરડેશ, ટેઈકઅવે, જસ્ટઈટ, ડીલીવરૂ, ગ્રબહબ, ઝોમેટો, સ્વિગી, ફૂડપાંડા અને આવા ઘણાં છે કે જેઓ આપણને ઘર બેઠાં આળસુ, મેદસ્વી અને ખર્ચાળ બનાવવા તત્પર છે. આપણી બેંકનું બેલેન્સ ઘટે, આપણી કમરનો ઘેરાવો વધે અને આપણને ખબર પણ ન પડે. સાઇલન્ટ ક્લિર છે આ બધા. મોટી મોટી ફૂડ ડીલીવરી કંપનીઓનાં મર્જર ટેઈકઓવરનાં સમાચાર આવતા રહે છે.

યુરોપમાં ટેઈકઅવે-એ જસ્ટઈટને ટેઈકઓવર કર્યાનાં સમાચાર છે તો મેરા ભારત મહાનમાં ઉબરઈટ કબજે કરવા સ્વિગી અને ઝોમેટો વચ્ચે સ્પર્ધા ચાલે છે. ટૂંકમાં આ ધંધામાં બરકત છે. આનો સીધો અર્થ એ કે આપણાં સ્વાસ્થ્ય ઉપર જોરદાર જોખમ ઝળુંબી રહ્યું છે. ઘરે રાંધવું હવે નામશેષ થતું જાય છે. એવું ય થશે કે આપણા આર્કિટેક્ટ ઘરનો નકશો બનાવે ત્યારે ભવિષ્યમાં ઘરમાંથી રસોડું જ કાઢી નાંખે. જરૂર શું છે ? ફલેટ ટૂ કે થ્રી બીએચકે હતો, તે હવે ઘટીને ટૂ કે થ્રી બીએચ જ રહી જાય. કે ઉર્ફે કિચનની બાદબાકી. હેં ને ? આ તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે. જેની જરૂર ન હોય એ ગાયબ થઈ જાય.

ઘરે રેડીમેડ ખાવાનું મંગાવવાનાં થોડાક ફાયદા જો કે જરૂર છે. પહેલો ફાયદો એ કે એમ કરવું સગવડભર્યું છે. મોબાઈલ ખોલો, ફટ દઈને ઓર્ડર કરો અને ગણતરીની મિનિટોમાં ખાવાનું હાજર. સમય પણ બચે. સામાન લાવવો, શાકભાજી સુધારવું, પકાવવું વગેરેમાં કેટલો બધો સમય જાય. રાંધ્યા પછી સાફસફાઈ પણ તો કરવી પડે. અને હા, આજકાલ ચોઈસ પણ કેટકેટલી મળે ? હેં ને ? કો'ક દિ પંજાબી, તો કો'ક દિ થાઈ, કો'ક દિ કોન્ટીનેન્ટલ તો કો'ક દિ સાઉથ ઈન્ડિયન. જે ખાવું હોય એ, જે રેસ્ટોરાંનું ખાવું હોય એ. વળી ફરી ફરી મળતી મફત કૂપનની ય ઘણી ઘણી ભરમાર. પણ સાહેબ, એની સામે ગેરફાયદા અનેક છે.

દા.ત. ફ્રી કૂપનની જ વાત કરીએ તો કહેવાય ફ્રી પણ એ તમને ફ્રી ડીલીવરીનાં વ્યસની બનાવી દે. તમે એની નાગચૂડમાંથી છટકી ન શકો. સરવાળે આ સઘળું આર્થિક દ્રષ્ટિએ મોઘું પડે. અમુક ક્વોન્ટિટીમાં લો તો જ ડીલીવરી મફત એટલે જરૂરતથી વધારે મંગાવીએ અને વધેલું વાસી તરીકે ખાઈએ. એવું પણ ધ્યાન ઉપર આવ્યું છે કે જે ઓનલાઈન મંગાવાય છે એ પૈકી મોટા ભાગનું ફૂડ પિત્ઝા, ફ્રેંચ ફ્રાય, બર્ગર અને ચાઈનીઝ હોય છે. ફેટ, સ્યુગર, કાર્બોહાઈડ્રેટ. ફુલ ઓફ કેલરીઝ. આપણે ફૂલ બની જઈએ.

આ ફૂડ એવું તો રૂપકડું પેક થઈને આવે કે વાત ન પૂછો. પણ એની બનાવટ વિષે આપણને ક્યાં ખબર છે ? આ રેસ્ટોરાંવાળા બનાવટ કરી જાય તો ય આપણને ક્યાં સમજાય ? રેસ્ટોરાંની ચોખ્ખાઈ કેવી છે ? રાંધનારાનાં હાથ કેવા છે ? કોને ખબર ? એવું પણ તો કહે છે કે જે વાનગી બને છે એમાં રસોઈ રાંધનારાનાં વિચારો પણ ઈન્ગ્રેડીયન્ટ તરીકે નંખાતા હોય છે.

રસોઈનો રાંધનારો ઠીક ન હોય તો એ એનાં વિચારોથી આપણું અન્ન પ્રદૂષિત કરી નાંખે. રેસ્ટોરાંવાળાને તમે કઈ રીતે સમજાવી શકો કે ભાઈ અમને બસ એગ્ઝેટલી આવા ટેઈસ્ટનું ખાવાનું જોઈએ છે ? રેસ્ટોરાંથી ઘર વચ્ચે મુસાફરીમાં ખાવાનાનું શું થાય છે ? - એ પર પણ શંકા થાય. સૌથી ખરાબ બાબત એ છે કે આપણે રસોઈની કલા પછી શીખતા જ નથી. આ કલા એવી છે કે જો તમે એ શીખો તો તમને આજીવન કામ આવે કારણ કે મરણ પર્યંત ખાવું તો પડે જ.

અમેરિકન હોલિસ્ટિક હેલ્થ પ્રેક્ટીસનર એન વિગ્મોર કહે છે કે તમે જે ફૂડ ખાઓ છો એ કદાચ સૌથી સુરક્ષિત અને સૌથી વધુ અસરકારક દવાનું કુદરતી સ્વરૂપ હોઈ શકે અથવા તો એ ઝેરનું સૌથી ધીમું સ્વરૂપ પણ હોઈ શકે. માટે ઘરે રહીને જાતે ખાવાનું બનાવવું વધારે હિતાવહ છે. તમને ખબર તો પડે કે શું ખાધું ? કેટલું ખાધું ? બહુ ફેન્સી રાંધવું આવડવું જરૂરી નથી. સાત્વિક રાંધવું જરૂરી છે. ઈતિ.

Tags :