Get The App

બ્રિટિશ હકૂમત સામે વધારે જલદ લડત કરીને રાષ્ટ્રવાદને ફેલાવો અને હિંદુઓને સંગઠીત કરો

પ્રજાબંધુ અને 1907ની તોફાની સુરત કોંગ્રેસ: ઘોર અંધકારમાં પથરાએલો શીળો પ્રકાશ !

Updated: Jan 18th, 2020

GS TEAM

Google News
Google News

સુરત કોંગ્રેસ વખતે સહુથી વધારે પેચીદો અને ગંભીર પ્રશ્ન હિંદુ-મુસ્લિમ એકતાનો હતો

૧૯૦૭માં કોંગ્રેસનું અધિવેશન સુરતમાં મળ્યું તે પહેલાં કોંગ્રેસ ઉગ્ર જહાલવાદી અને નરમ મવાળવાદી પાંખોમાં વહેંચાઇ ગઇ હતી. લોર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાળનાં ભાગલા પાડીને હિંદીઓને ઉશ્કેર્યા હતા. લોકમાન્ય તીલક, દાદાસાહેબ ખાપરડે અને ડો. મુંજે જેવા ઉગ્ર રાષ્ટ્રવાદીઓએ બૂલંદ અવાજે કહ્યું કે સ્વદેશી, સ્વરાજ્ય, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય કેળવણી જેવા કાર્યક્રમોનો સુરત કોંગ્રેસમાં ઠરાવ પસાર કરીને તેમજ બ્રિટીશ હકૂમત સામે વધારે જલદ લડત કરીને રાષ્ટ્રવાદનો ફેલાવો કરવો અને તેને માટે હિંદુઓને સંગઠીત કરવા પણ તીલકનાં 'હિંદુ રાષ્ટ્રવાદ'ને તોડવા તથા બંગભંગનાં આંદોલનને રોકવા બ્રિટીશ સરકારે ચાલાકી કરીને મુસલમાનોને ઉશ્કેર્યા. તેઓ તો પહેલેથી જ પોતાને 'અલગ કોમ' તરીકે ગણતા હતા.

આવા સંજોગોમાં જ કોમવાદને ઉત્તેજન મળવાથી મુસ્લિમ નેતાઓએ સુરતની કોંગ્રેસ પહેલાં ૧૯૦૬માં કટ્ટરપંથી 'મુસ્લીમ લીગ'ની સ્થાપના કરી. ખરેખર તો સુરત કોંગ્રેસ વખતે સહુથી વધારે પેચીદો અને ગંભીર પ્રશ્ન હિંદુ-મુસ્લીમ એકતાનો હતો. પણ તેની ઉપર ના તો તીલક અને જહાલવાદી નેતાઓનું ધ્યાન ના ગયું કે ના ગોખલે, ફિરોજશાહ મહેતા અને અંબાલાલ સાકરલાલ દેસાઇ જેવા લિબરલ - મોડરેટ પક્ષનાં નેતાઓનું ધ્યાન ગયું.

ઉલટાનું 'રાષ્ટ્રવાદ'ને કેન્દ્રમાં રાખીને બન્ને પક્ષોનાં નેતાઓ ઝગડયા, ગાળાગાળી કરી અને મારામારી કરી. રાસબીહારી ઘોષ કોંગ્રેસ પ્રમુખ તરીકે બંધારણીય રીતે ચૂંટાયા હતા. પણ તેઓ મંચ ઉપર જેવા બોલવા ઊભા થયા કે તિલક આવેશમાં આવીને મંચ ઉપર ચડી ગયા અને કહ્યું : ''મને આ મંચ ઉપરથી હઠાવી તો જુઓ. કોની માએ શેર સૂંઠ ખાધી છે કે મને હઠાવી શકે. આ રીતે મારામારી થતાં એક મરાઠાએ લાલ ચામડાનું બુટા જોરથી ફંગોળ્યું, પણ તે પ્રમુખને નહીં વાગતાં પાસે બેઠેલા ફિરોજશાહ મહેતાને વાગ્યું અને ગાલને ઘસાઇને મંચ પર નીચે પડયું.

તેથી હવે અંબાલાલ શંકરલાલ દેસાઇ અને એમનાં પુત્ર વૈકુંઠલાલ દેસાઇ (એચ.એલ. કોલેજ ઓફ કોમર્સનાં પ્રિન્સીપાલ સદ્ગત સુરેન્દ્ર દેસાઇનાં પિતા) ઉશ્કેરાઇ ગયા. તીલક ઉપર એમણે ખુરશી ફંગોળી. તેમાં વૈકુંઠભાઇ ના ફાવતાં તીલક સામે લાઠીઓ લઇને મેવાળ પક્ષનાં જુવાનીઆઓએ ધસી ગયા. સદ્ભાગ્યે ગુજરાતનાં યુગ પ્રવર્તક કવિ બ.ક. ઠાકોર તીલક પાસે બેઠા હતા તેઓ પોતે ગોખલેનાં મોડરેટ પક્ષમાં માનતા હોવા છતાં તીલક પ્રત્યે અનહદ માન ધરાવતા હતા.

તેમણે તીલકને કહ્યું : ''મહારાજ, તમે ગભરાઇ ગયા છો, અને તમારો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો છે, ચાલો હું તમને તમારા મિત્ર અને સહકાર્યકર ડો. મનંતરાય રામજીને ઘેર લઇ જઉં. બળવંતરાય કૃપાણરાય ઠાકોર તીલકને રામજીને ઘેર લઇ ગયા અને પૂછ્યું : ''શું લેશો ? પાણી કે લેખન ?'' તીલક : ''લેમોનેડ.'' તીલકે લીંબુ અને ખાંડનું  શરબત પીને હૃદય અને મનનાં  ઉદ્વેગો  દૂર કર્યા હતા.

આ વાત આબેહૂબ રીતે પ્રજાબંધુએ તેનાં તા. ૫ જાન્યુઆરી ૧૯૦૮ના અંકમાં અને ત્યાર પછીના અંકોમાં કરી હતી.

સાચું પત્રકારત્વ જનતાની આંખો ખોલે છે. પ્રજાબંધુ ''ખાસ'' અને ''આમ'' એમ બન્ને વર્ગો માટે હતું. એ દુનિયાભરનાં સમાચાર ગુજરાતી અને અંગ્રેજીમાં આપતું હતું. એણે સુરતની ગાળાગાળી અને મારામારીથી ઉભરાએલી કોંગ્રેસનો અહેવાલ આપતાં એક નાનો અને શીળો પ્રકાશ પણ રેલાવ્યો હતો.

આ પ્રકાશ ક્યાંથી આવ્યો ? અને તે કોણે રેલાવ્યો ? તે ઈતિહાસનાં સૌથી મોટા બોધપાઠરૂપ છે. તેમ છતાં આજે પણ આપણે એ પ્રકાશને જોઇ શક્યા નથી ! ઈતિહાસમાંથી આપણે કશું જ શીખ્યા નહીં, અને ઉલટાનું ઈતિહાસને રાજકીય સત્તા માટેનાં પ્રોપેગેન્ડાનું સાધન બનાવ્યો. આ બધું તો આપણી આંખો સમક્ષ બની રહ્યું છે, પણ તેનો કોઇ ઈલાજ જ નથી !! આ સંદર્ભમાં લેખ પ્રસ્તુત છે.

દક્ષિણ આફ્રિકાથી એક નવો જ અવાજ સુરત કોંગ્રેસમાં સંભળાયો અને તેનો પડઘો પ્રજાબંધુએ પાડયો

કટ્ટરપંથી હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્રવાદનાં માહોલમાં જ્યારે ભાષા તથા સાંસ્કૃતિક પરંપરાને ધોરણે જ્યારે ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયનો એકબીજાને ગાળો ભાંડીને સામસામી ચંપલો ઉછાળી રહ્યા હતા તે સમયે દૂર દૂરનાં મૂલક દક્ષિણ આફ્રિકાથી એક નવો જ અવાજ સુરત કોંગ્રેસમાં સંભળાયો, અને તેનો પડઘો પ્રજાબંધુએ પાડયો.

આ તદ્દન નવી જાતનો અવાજ રજૂ કરનાર મિ. મોહનદાસ કરમચંદ ગાંધી હતા. પ્રજાબંધુએ દક્ષિણ આફ્રિકાની ગાંધીજીની લડતમાં પહેલેથી જ રસ લીધો હતો. ગાંધીજીએ તિલકને નહીં પણ ગોપાલકૃષ્ણ ગોખલેને એમનાં 'રાજકીય ગુરુ' તરીકે સ્થાપિત કર્યા હતા તે પણ પ્રજાબંધુ વાંચકોને જણાવી ચૂક્યું હતું. ૧૯૦૬માં 'ટ્રાન્સવાલ એશિયાટીક રજીસ્ટ્રેશન બિલ' સામે જ્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો ત્યારે અને ત્યાર પછી ગોરી સરકારે ગાંધીજીને જેલમાં પૂર્યા ત્યારે પ્રજાબંધુએ ગાંધીજીને ત્રણ વખત 'હિંદનાં સાચા સપુત' અને 'સાચા દેશભક્ત' તરીકે વર્ણવ્યા હતા.

ત્યાર બાદ પ્રજાબંધુએ એનાં ૧ ઓકટોબર ૧૯૧૧ના અંકમાં દક્ષિણ આફ્રિકાની ગાંધીજીની સેવાઓને બિરદાવતાં લખ્યું હતું : 'એ વાત તો જાણીતી છે કે મિ. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં વર્ષોથી હિંદી પ્રશ્નને વિશ્વની માનવતાનો પ્રશ્ન બનાવ્યો છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતા સૌ ગુજરાતીઓ, તામીલીયનો, હિંદુઓ, મુસલમાનો, પારસીઓ, ખ્રિસ્તીઓ અને શીખોને ભેગા કરીને અહિંસક આંદોલન ગજવી રહ્યા છે. હિંદમાં ભરાતા કોંગ્રેસ અધિવેશનોમાં તેઓ કેટલીક વખત પોતે આવે છે અથવા તો એમનાં આફ્રિકામાં વસવાટ કરતા હિંદી પ્રતિનિધિઓને મોકલીને દક્ષિણ આફ્રિકાની સમસ્યાઓથી કોંગ્રેસને વાકેફ કરે છે.'

૧૯૦૭માં સુરત ખાતે મળેલી કોંગ્રેસમાં ગાંધીજી વ્યક્તિગત રીતે હાજરી આપી શક્યા નહોતા. તેમ છતાં એમણે પોતાનાં પરમ સ્નેહી અને રાજકિય ગુરુ ગોપાળકૃષ્ણ ગોખલેને તા. ૨૨ નવેમ્બર ૧૯૦૭નાં રોજ પત્ર લખ્યો હતો. આ પત્ર માત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ જ મહત્વનો નથી. આજનાં કટ્ટર મુસ્લિમપંથી અને હિન્દુત્વ પંથી રાષ્ટ્રવાદની સામે લાલબત્તી ધરતો આ પત્ર આપણાં સહુ માટે ચેતવણી અને પદાર્થપાઠ સમાન છે.

ગાંધીએ ૧૯૦૭નાં સુરત અધિવેશનમાં દક્ષિણ આફ્રિકામાંથી પાંચ પ્રતિનિધિઓને મોકલ્યા હતા અને હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરી હતી. પણ 'રાષ્ટ્રપ્રેમ' અને 'રાષ્ટ્રભક્તિ'નાં આવેશોથી ઉછળતા એક પણ એકસ્ટ્રીમીસ્ટ કે મોડરેટ નેતાએ તે સાંભળી નહોતી. માત્ર 'હિંદુ-મુસ્લિમ એકતા'નો ચોપડામાં ઠરાર પસાર થઇ ગયો હતો. પછી બધુ ભુલાઈ ગયું. ગાંધી તો સિવિલ, સોસાયટી સ્થાપનાની વાત કરી રહ્યા હતા. પણ મિ. ગાંધીની વાત કોઇએ પણ ના સાંભળી. એમનો અવાજ શાબ્દીક તેમજ હાથોહાથની મારામારીનાં કોલાહલમાં ડૂબી ગયો હતો.

Tags :