સ્માર્ટ વોઈસ આસિસ્ટન્ટ: ઘરમાં કોનું રાજ ચાલશે?
સમયાંતર - લલિત ખંભાયતા
વોઈસ આસિસ્ટન્ટ એટલે કે બોલીને સૂચના આપી શકાય એવા ગેજેટ્સ માર્કેટ ગજવી રહ્યાં છે. એક છે 'એમેઝોન એલેક્સા' અને બીજું 'ગૂગલ હોમ'.
ટીવીનું રિમોટ શોધાયું એટલે મોટી નિરાંત એ થઈ કે વારંવાર ચેનલ બદલવા કે અવાજ વધ-ઘટ કરવા માટે ઉભા થવાની ચિંતા ટળી. રિમોટ કન્ટ્રોલ નામનું એ સાધન લોકપ્રિય થયું અને દરેક ઈલેક્ટ્રોનિક સાધન સાથે અચૂક પણ રિમોટ પણ આવવા લાગ્યા. હવે તો મોબાઈલમાં જ રિમોટની એપ ફીટ કરી શકાય છે એટલે રિમોટ બગડે તો પણ કામ અટકતું નથી. ટૂંકમાં એ એવું ગેજેટ હતું જેણે ખરા અર્થમાં ઘરમાં શાંતિ સ્થાપી.
એ વાત જૂની થઈ, આજે રિમોટની આપણને કોઈ નવાઈ નથી. પણ હવે રિમોટની જેમ જ ઘરમાં રાજ કરી શકે એવા ગેજેટ્સ ફરી આવી પહોંચ્યા છે. આ ગેજેટ્સ એટલે 'વૉઈસ કમાન્ડ (અવાજ દ્વારા સૂચના)' આપી શકાય એવા સાધનો. બીજા શબ્દોમાં 'સ્માર્ટ સ્પીકર'. જે રીતે નોકરને શેઠ હુકમ કરે અને નોકર કામ કરે કંઈક એવી રીતે જ વૉઈસ કમાન્ડ સંચાલિત ગેજેટ્સ કામ આપે છે. માટે એ ગેજેટ્સને ટેકનોલોજિની ભાષામાં તો 'વર્ચ્યૂઅલ આસિસ્ટન્ટ' નામ મળ્યું છે.
ટેકોનોલોજિ જગતની માંધાતા બે કંપનીઓ ગૂગલ અને એમેઝોને પોતાની આવી પ્રોડક્ટ 'ગૂગલ હોમ' અને 'એમેઝોન એકો' નામે માર્કેટમાં મુકી દીધી છે. એમેઝોનનું આ સ્માર્ટ સ્પીકર જે ટેકનોલોજિથી ચાલે છે, તેને એમેઝોને 'એલેક્સા' નામ આપ્યું છે. એટલે લોકો તેને એલેક્સા તરીકે પણ ઓળખે છે. ઘરમાં સ્થાન જમાવવા આવી રહેલી આ બન્ને પ્રોડક્ટની વાત...
એમેઝોનનું એલેક્સા અને ગૂગલનું ગૂગલ હોમ બન્ને પ્રોડક્ટ-ડિવાઈસ તો અલગ છે, પરંતુ તેમાં સમાનતા ઘણી છે. બન્નેનો દેખાવ ચા-ખાંડ ભરવાનાં ડબલાં જેવો છે. બન્નેમાંથી કોઈ પણ એક ખરીદીને ટેબલ પર ડબલું એટલે કે સ્પીકર મુકો, મોબાઈલમાં તેની એપ ડાઉનલોડ કરો, સેટિંગ કરો અને પછી સ્પીકરને સૂચના આપો! કેવી સૂચના? 'કિશોરકુમારનું ફલાણુ ગીત વગાડો', 'સવારના સાડા છ વાગ્યાનું એલાર્મ ગોઠવો', 'આવતા મહિને કરવાના એક્સવાયઝેડ કામ છે, તેની યાદી બનાવો..' એટલે સ્પીકર એ બધી માહિતી સાંભળી એ પ્રમાણે કાર્યવાહી કરે. જેમ કે તમે સૂચના આપો કે ગીત સંભળાવો તો તુરંત એમાંથી ગીત વાગે કેમ કે સ્પીકરમાં એ સામગ્રી પહેલેથી ફીટ થયેલી છે. ડિવાઈસ ઈન્ટરનેટ કનેક્ટ છે એટલે ઈન્ટરનેટ આધારીત બધી કામગીરી થઈ શકે. જેમ કે બહાર હવામાન કેવું છે? અંદર બેટરી ન હોવાથી આ સ્પીકરને સતત પાવર-પ્લગ સાથે કનેક્ટ રાખવું પડશે.
એલેક્સાને શરૂ કરવા માટે અને શરૂ કર્યા પછી દરેક સૂચના પહેલા 'એલેક્સા' શબ્દ બોલવો પડશે. બાકી એલેક્સા તમારી વાત ગણકારશે નહીં. જેમ કે 'એલેક્સા, ટેલ મી વેધર આઉટસાઈડ'. એલેક્સા તેનો જવાબ આપશે, 'ઈટ્સ રેઈની ડે આઉટસાઈડ!, ટેમ્પરેચર ઈ ૩૦ ડીગ્રી... ' ગૂગલ હોમને આવી કામગીરી સોંપતા પહેલા 'ઓકે ગૂગલ' અથવા 'હેય ગૂગલ' બોલવું પડે છે.
સ્પીકર-ડિવાઈસમાં જે સામગ્રી નથી, એ સામગ્રી જ્યાં હોય ત્યાં તેને કનેક્ટ કરી શકાય તો વળી તેની સેવાઓ ઓર વિસ્તરે. જેમ કે ટીવી સાથે ડિવાઈસ કનેક્ટ થયા પછી કંઈક શો જોવાનો આદેશ આપીએ તો ટીવીમાં એ ચાલુ કરી દે. રસોડામાં કામ કરતી ગૃહિણીના હાથ લોટવાળા છે અને ફોન કરવો છે.. કંઈ વાંધો નહીં.
ડિવાઈસને કહો કે 'ફલાણાને ફોન લગાવી આપો..' તૂરંત કોલ કનેક્ટ કરી આપશે. ડિવાઈસમાં શેડયુઅલ ગોઠવી રાખ્યુ હોય અને પછી પૂછો કે 'એલેક્સા અથવા ગૂગલ આજે મારે શું કરવાનું છે', તો એલેક્સા-ગૂગલ જવાબ આપશે કે 'બે વાગે આશ્રમ રોડ જવાનું છે, સાત વાગ્યે ઈસ્કોનથી જેતપુરની બસ પકડવાની છે...' આ ડિવાઈસ જે કામ કરી શકે તેને સ્કીલ કહેવામાં આવે છે.
જેમ કે એલાર્મ સેટ કરી દેવું એ એલેક્સાની એક સ્કીલ છે. આવી ૯૦ હજાર સ્કીલ એલેક્સા જાણે છે. જેમાં આજ-કાલ વ્યાપક વપરાતી 'ઉબર', 'ઓલા', 'ઝોમાટો', 'ગોઆઈબીબો', વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક વપરશકારોએ તો પ્રયોગ માટે એલેક્સાને એમ પણ પૂછ્યુ કે 'આજે મારે ક્યો શર્ટ પહેરવો જોઈએ?' એલેક્સા એ સંજોગોમાં પોતાને આવડે એ જવાબ રજૂ કરે છે. એ રીતે ગૂગલને પણ લોકોએ જાતજાતના સવાલો પૂછ્યા હતા, પૂછતાં રહે છે.
કેટલા ડિવાઈસ આવા સ્પીકરને સપોર્ટ કરશે? અત્યાર સુધીમાં ડિવાઈસનો આંકડો ૬૦ હજાર પાર થઈ ગયો છે. વિવિધ પ્રકારના ફોન, ટીવી, ટેબલેટ, રોબોટ, મોટરકાર, ઈઅરફોન, લેપ-ડેસ્કટોપ.. એવા ૬૦ હજારથી વધુ પ્રકારના સાધનો એલેક્સા સાથે ગઠબંધન ધરાવે છે. ધારો કે તમે સ્માર્ટફોન સાથે એલેક્સાનું જોડાણ કરી રાખ્યું છે. તમારે કોઈને મેસેજ મોકલવો છે. સામે પણ એલેક્સા છે. એટલે પછી તમારે મેસેજ ટાઈપ કરવાનો રહેતો નથી.
તમે બોલો એ મેસેજ સામે પહોંચી જશે અને ત્યાં જે કોઈ હશે તેને મેસેજ વાંચી સંભળાવશે. એક જમાનામાં ઘરમાં ટપાલ આવે ત્યારે જે વ્યક્તિ ભણેલી હોય એ ટપાલ વાંચે, આખુ ઘર સાંભળએ. એવી સ્થિતિ એમેઝોનના એલેક્સા (એકો) નામના ડિવાઈસે ઉભી કરી દીધી છે. ઘરમાં જેટલા સ્માર્ટ ડિવાઈસ હશે (ટીવી, ફોન, ફ્રીજ, સ્પીકર.. વગેરે)એ એલેક્સા સાથે જોડી શકાશે. પછી એ ડિવાઈસ માટેનો આદેશ એલેક્સાને આપી શકાશે. એમેઝોનની પ્રોડક્ટ હોવાથી એમેઝોનમાંથી ખરીદી કરવાની હોય તો એ કામ તો એલેક્સા માટે સાવ સહેલું છે.
આપણી જિજ્ઞાાસા સંતોષવાનું કામ ગૂગલ કરે છે. એટલે પછી ગૂગલની પ્રોડક્ટમાં પણ દરેક સવાલના જવાબ વધુ ચોકસાઈપૂર્વક આપવાની આવડત હોય એ સમજી શકાય એવી વાત છે. ગૂગલ હોમમાં પણ એવુ જ છે. હવામાન વિશે પૂછો તો એમેઝોન કરતાં ગૂગલ પાસે વધુ વિકલ્પો પાસેથી વધુ સારો જવાબ મળે! ગૂગલ મેપ સાથે કનેક્ટ હોવાથી ટ્રાફિકની જાણકારી, ગૂગલ સર્ચ, ગૂગલની અન્ય સુવિધાઓ સાથે ગૂગલ હોમનું કનેક્શન મજબૂત છે.
૨૦૧૭માં જ ગૂગલના સીઈઓ સુંદર પિછાઈએ કહ્યું હતુ કે હવે અમારું ફોકસ 'મોબાઈલ ફર્સ્ટમાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ફર્સ્ટ' ની દિશામાં છે. એટલે કે અત્યારે લોકોની બધી કામગીરી મોબાઈલ આધારીત થવા લાગી છે. તેનાથી આગળ વધીને એઆઈનો વ્યાપ વધારવો છે. એઆઈ એટલે સાદી ભાષામાં માણસની માફક કામ કરી શકે એવી મશીની સુવિધા. ગૂગલ હોમ અને એલેક્સા તેના ઉદાહરણો છે.
એમેઝોનની માફક ઘરની લાઈટો ચાલુ-બંધ કરવાની સૂચના, અન્ય ડિવાઈસ સાથે ગૂ્રપ બનાવાની સુવિધા, અન્ય ઓરડામાં રહેલી પ્રોડક્ટ ચાલુ-બંધ કરવાની સૂચના.. ગૂગલમાં આવે જ છે. ઘરમાં પહેલેથી જ બીજી કોઈ સારી કંપનીના સ્પીકર હોય અને તેની સાથે વર્ચ્યૂઅલ આસિસ્ટન્ટ કનેક્ટ થાય એવી ઈચ્છા હોય તો એમેઝોનની પ્રોડક્ટ ઉપયોગી નથી.
કેમ કે થર્ડ પાર્ટી ડિવાઈસ સાથે કનેક્ટ થવામાં ગૂગલ આગળ છે. અત્યારે ગૂગલ પ્રોડક્ટ લગભગ ૩૦,૦૦૦ ડિવાઈસ સાથે કનેક્ટ થવાની સુવિધા ધરાવે છે. ગૂગલે તેના આસિસ્ટન્ટમાં કલર વૈવિધ્ય આપ્યું છે, એટલે ગ્રાહકો વિવિધ ૬ કલરમાંથી પસંદ કરી શકે છેે, એમેઝોનમાં ૨ જ કલર ઉપલબ્ધ છે.
એમેઝોને પોતનું એલેક્સા બધા અવાજ સાંભળી સૂચનાનું પાલન કરી શકે એટલા માટે વૉઈસ ટેકનોલોજિ વિકસાવી એમાં જ ૧૦ કરોડ ડૉલરનો ખર્ચ કરી નાખ્યો છે. તેના પરથી અંદાજ આવી શકે કે કંપનીઓ આ મુદ્દે કેટલી ગંભીર છે. વળી આવું ડિવાઈસ માર્કેટમાં ઉતારનારી પ્રથમ કંપની પણ એમેઝોન જ છે.
એમેઝોનની મર્યાદા એ છે કે અત્યારે અંગ્રેજી, મરાઠી, પંજાબી, સ્પેનિશ એવી નવેક ભાષાઓ જ એલેક્સા સમજે છે. ધીમે ધીમે ભાષા વધતી જશે. કેમ કે અત્યારે જ એલેક્સાના ૧૦ કરોડથી વધારે નંગ વેચાઈ ચૂક્યા છે. ભારતમાં વેચાણ આંકડો ૨૦૧૮માં સાડા સાત લાખ નંગ કરતા વધારે હતો. પણ એમેઝોનની એ પ્રોડક્ટની સ્પર્ધા ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલ સાથે છે.
ગૂગલ હોમ અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષા સમજે છે, અલબત્ત બધા ડિવાઈસ નથી સમજતાં. પરંતુ વિશ્વના અન્ય ભાગોની ભાષા ઉમેરવાનું કામ ચાલુ છે. પહેલા એવી ભાષા જ ઉમેરાય છે, જેના ખરીદદારો વધારે છે. તો પણ અત્યારે માર્ચ ૨૦૧૯ સુધીના આંકડા પ્રમાણે અમેરિકી માર્કેટમાં ગૂગલ હોમ કરતાં એમેઝોન એલેક્સાનું વેચાણ વધારે થયું છે.
એમેઝોને પ્રોડક્ટ જૂન ૨૦૧૫માં તો ગૂગલે નવેમ્બર ૨૦૧૬માં લૉન્ચ કરી હતી. ત્યારથી માર્કેટ સર કરવા બન્ને કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. માટે સતત બન્ને કંપનીઓ પોતાની પ્રોડક્ટ અપડેટ કરી રહી છે. કાલે જે સુવિધા ન હોય એ આજે ઉમેરાઈ જાય એવી પૂરી શક્યતા છે. બાકી બન્ને પ્રોડક્ટ મૂળભૂત રીતે એક સરખા સિદ્ધાંત પર તૈયાર થઈ છે, ઘરમાં પ્રવેશીને શક્ય એટલી મદદ કરવી.
જેમના ઘરમાં પહેલેથી સ્માર્ટ ડિવાઈસ હોય એમના માટે એમેઝોન વધારે ઉપયોગી છે, જ્યારે સ્માર્ટ હોમની શરૂઆત કરનારા માટે ગૂગલ વધારે સરળ પડે એમ છે. મહિલા બોલે, બાળકો બોલે, પુરુષ બોલે, નજીકથી બોલે, દૂરથી બોલે, ઘોંઘાટ વચ્ચે બોલે.. એ બધા પ્રકારના અવાજ આ ડિવાઈસ કેપ્ચર કરી શકે એની તૈયારી બન્ને કંપનીઓએ કરી છે.
ગૂગલે તેની આદત પ્રમાણે બધું તૈયાર કરવાને બદલે સ્માર્ટ હોમ ડિવાઈસ બનાવતી કંપની 'નેસ્ટ લેબ્સ'ને જ ૨૦૧૫માં સવા ત્રણ અબજ ડૉલરમાં ખરીદી લીધી હતી. એ પછી કંપનીની ટેકનોલોજિનો ઉપયોગ ગૂગલ હોમ માટે કરવાનો શરૂ કરી દીધો. રસપ્રદ રીતે નેસ્ટ લેબની સ્થાપના ટોની ફેડલ અને મેટ રોજરે કરી હતી, જે બન્ને એપલના કર્મચારીઓ હતા. હવે તો એપલનું પણ 'હોમપોડ' નામે આવું જ સ્માર્ટ સ્પીકર આવે છે, પરંતુ તેનું માર્કેટ બહું નાનું છે. મહારથીઓ તો આ બન્ને કંપનીઓ જ બની છે.
બન્ને કંપનીઓની પ્રોડક્ટમાં એકથી વધુ મોડેલ ઉપલબ્ધ છે. જેમ કે 'એકો હોમ' છે, એ ટચ સ્ક્રીનની સુવિધા ધરાવે છે. તો 'ગૂગલ મિનિ' છે એ જરા નાના કદનો વિકલ્પ છે. અત્યાર સુધી કલ્પનામાં રહેલા સ્માર્ટ હોમ હવે હકીકતમાં ફેરવાઈ રહ્યાં છે. આ બન્ને કંપનીઓએ તેની શરૂઆત કરી દીધી છે.
સ્માર્ટ ડિવાઈસ શું શું કરી શકે?
આમ તો શું ન કરી શકે એ સવાલ પૂછવો જોઈએ કેમ કે ઘણું કરી શકે છે. પણ અહીં કેટલાક વારંવાર લેવાતા કામની યાદી આપી છે.
મ્યુઝિક
હવામાન
સમાચાર
ફોન કરવો, મેસેજ કરવો
ઓડિયોબૂક વાંચી સંભળાવી
એલાર્મ ગોઠવવુ
ટુડુ લિસ્ટ તૈયાર કરવું
રિઅલ ટાઈમ ઈન્ફોર્મેશન આપવી
રેડિયો સંભળાવો
ઘરના અન્ય ડિવાઈસ કન્ટ્રોલ કરવા
કોઈ પ્રોડક્ટની માહિતી પૂછવી
ટ્રાફિકની તપાસ કરવી
સ્માર્ટ સ્પીકર કઈ રીતે કામ કરે છે?
અહીં ઉદાહરણ એલેક્સાનું આપ્યું છે, ગૂગલની સર્વિસ પણ કંઈક આ જ રીતે કામ કરે છે.મોબાઈલમાં એપ દ્વારા આ બધા આદેશ આપી શકાશે.
૧. તમે કોઈ સૂચના આપો, જેમ કે એલેક્સા લાઈટ ચાલુ કરો.
૨. તમારી સ્પીચ રેકોર્ડ કરીને એમેઝોનના સર્વરમાં પહોંચશે.
૩. સર્વર સ્પીચના દરેક શબ્દો છૂટા પાડીને તેનો અર્થ સમજશે. મહત્ત્વનો શબ્દ પકડી લેશે. તમે ખરેખર 'લાઈટ' બોલ્યા છો, 'વ્હાઈટ' નથી બોલ્યાં.. એ અહીં નક્કી થશે.
૪. નક્કી થયા પછી આદેશ વાયા ક્લાઉડ થઈને જે-તે ડિવાઈસ (લાઈટ) સુધી પહોંચશે.
૫. લાઈટ ચાલુ થશે.
૬. સમગ્ર કામગીરી સેકન્ડોમાં થઈ જશે.