ગંગા,સાંઈ બાબા અને કાલિચરણ
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
કોઈ વ્યકિત કે કોઈ યુગલ બાળક કે બાળકીને દત્તક લે તેવું તમે સાંભળ્યું છે, પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય ગરિમા ધરાવતો માનવી દેશને દત્તક લે એવું તમે સાંભળ્યું નહીં હોય ! વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને હાલ ઇંગ્લેન્ડમાં વસવાટ કરનાર એલ્વિન ઇસાક કાલિચરણે ભારત દેશને પોતાના દત્તક દેશ તરીકે સ્વીકાર્યો છે અને એથી ગુયાના ટાપુમાં વસતા આ ભારતીય- ગુયાનિઝને ભારત દેશ એટલો બધો વહાલો છે કે એ તક મળે એટલે ભારતમાં દોડી આવે છે. એ રીતે તાજેતરમાં આ છટાદાર ડાબોડી બેટ્સમેન અને જમોડી ઓફ સ્પિનર પોતાની જન્મભૂમિ એવા ચેન્નાઈ આવ્યો હતો અને અહીં પોતાના ભારતપ્રેમને એણે પ્રગટ કર્યો હતો.
કાલિચરણનાં સ્મરણોને યાદ કરું ત્યારે અમદાવાદની મુલાકાતે આવેલા એણે કહ્યું હતું કે,'ક્રિકેટે મને સૌથી મોટી ભેટ આપી હોય તો એ મારી માતૃભૂમિ ભારતની ભેટ છે.' આજે પણ એ કહે છે કે જો હું ક્રિકેટર ન બન્યો હોત, તો ભારત આવી શક્યો ન હોત અને તેથી ક્રિકેટની રમતનો મારા પણ ઘણો મોટો ઉપકાર છે. એની વાત પણ સાચી છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી જોશીલું 'ઇન્ડિયનિઝમ' અર્થાત્ 'ભારતીયતા' ગુયાનામાં તમને જોવા મળે છે.
વેસ્ટ ઇન્ડિઝમાં ગુઆના કે ત્રિનિદાદમાં મેચ હોય, ત્યારે વેસ્ટઇન્ડિઝમાં વસતા ભારતના વતનીઓ પોતાની પૂર્વજોની ભૂમિ ભારતમાંથી આવેલા ક્રિકેટરોને એવા જોશ સાથે અને મોટા અવાજો પાડીને ટેકો આપતા હોય છે. આથી તો એકવાર વેસ્ટઇન્ડિઝમાં વસતા ભારતના આ મૂળવતનીઓ પર વેસ્ટઇન્ડિઝનો સુકાની કલાઈવ લોઇડ અકળાઈ ઊઠયો હતો. વળી મજાની વાત એ છે કે આ ભારતવાસીઓ ભારતીય ટીમ ઉપરાંત પાકિસ્તાનની ટીમને પણ દાદ આપતા હોય છે. તે હકીકત છે કે ગુઆનમાં વસતા ભારતીય મૂળના લોકો પોતાના પૂર્વજોના દેશ ભારત તરફ જોશીલો પ્રેમ ધરાવે છે.
આથી જ્યારે એલ્વિન કાલિચરણને ૧૯૭૪માં પહેલીવાર ભારત આવવાનું બન્યું ત્યારે એની માતાએ એને કહ્યું કે 'તું ભારત જા, તો ગમે તેમ કરીને પણ પાવન ગંગા નદીમાં ડૂબકી મારજે.' કાલિચરણે પણ એના પિતા પાસેથી અને ગુયાનામાં વસતા બીજા લોકો પાસેથી ગંગા નદીના મહિમા વિશે ઘણી વાતો સાંભળી હતી. આથી એ જ્યારે ગંગા નદી પાસે ગયો, ત્યારે એના મનમાં અનેક પવિત્ર ભાવો ઉભરાતા હતા.
૧૯૭૪ના પ્રવાસમાં દિલ્હીમાં ખેલાયેલી ટેસ્ટ સમયે કાલિચરણ હરિદ્વાર ગયો હતો. અહીં એણે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. એના કહેવા મુજબ એને એ સમયે ખ્યાલ આવ્યો કે શા માટે ગુયાનામાં ભારતના વતનીઓ આ પાવન નદીનો આટલો બધો મહિમા કરે છે. એને લાગ્યું કે ગંગા એ માત્ર નદી નથી, પણ પાવનકારી પ્રવાહ છે અને આથી જ એણે એ સમયે કેટલીક બાટલીઓમાં ગંગાજળ લીધું અને ગુયાના જઈને એની માતાને આપ્યું હતું.
આજે તો કાલિચરણની સ્થિતિ એ છે કે એ વસે છે ઇંગ્લેન્ડના નોર્થોલ્ટમાં અને આજુબાજુના વિસ્તારના યુવાનોને ક્રિકેટનું કોચિંગ આપે છે. ગુઆનામાં વસતી એની માતાને મળવા એ નિયમિત જતો હતો એના મિત્રો અને સગાસ્નેહીઓ આ ટાપુમાં વસતા હોવાથી વખતોવખત એની મુલાકાત લે છે.
ભારતના પ્રવાસ દરમિયાન કાલિચરણને સતત અનુભવ થતો રહ્યો કે ભારતના લોકો ક્રિકેટની પાછળ ભારે પાગલ છે, આથી આખો દિવસ મેચ ખેલ્યા પછી એ થોડોક આરામ કરતો હોય, ત્યારે યુવક-યુવતીઓ એને ઘેરી વળતા હતા અને એ ખૂબ પરેશાન થઈ જતો હતો. વળી દરેક વ્યકિત એની સાથે ફોટો પડાવવા ચાહતી હતી.
આ બધાથી એ ખૂબ અકળાતો હતો, છતાં એ એમ માનતો કે હું મારી પૂર્વજોની ધરતીના લોકો વચ્ચે આવ્યો છું. આથી એ થાક ભૂલીને એ લોકો જેમ કહે તેમ અને તેટલી તસવીર પડાવતો હતો. એમાં પણ એને સૌથી વધુ સંકોચ જ્યારે યુવતીઓથી ઘેરાઈ જતો હતો ત્યારે થતો હતો અને એને એવો ભય લાગતો હતો કે કોઈ એને આશિક મિજાજનો સમજે નહીં.
એ પહેલીવાર ભારતના પ્રવાસે આવ્યો ત્યારે એની ઇચ્છા તાજમહાલ જોવાની હતી, પરંતુ એ સફળ થઈ શકી નહીં. પરંતુ ત્યારબાદ ૧૯૭૯માં ભારત આવ્યો ત્યારે એણે નક્કી કર્યું હતું કે તાજમહાલ જોયા વગર પાછો નહીં ફરું અને એ સમયે મારા પરમ મિત્ર કોમેન્ટ્રેટર સુરેશ સરૈયાને એણે કહ્યું હતું કે ' જો આ વખતે તાજમહાલ ગયા વિના ગુયાના પાછો ફરીશ તો મારી પત્ની મને છૂટાછેડા આપી દેશે.'
કાલિચરણના ભારત પ્રવાસનો એક અનોખો અનુભવ એ રહ્યો કે કોલકાતા ને દિલ્હીમાં પણ એને એવા ઘણા લોકો મળ્યા કે જેઓ એવો દાવો કરતા હતા કે કાલિચરણના પરિવાર સાથે એમને ત્રણ પેઢી જૂનો સંબંધ છે. ચેન્નાઈમાં એના પૂર્વજો રહેતા હોવાથી કાલિચરણને એ સમયે આશ્ચર્ય થતું અને એ બોલી ઊઠતો કે 'મેં ટેસ્ટ મેચમાં અત્યાર સુધી જેટલા રન કર્યા છે, તેના કરતાં મારા વધુ સંબંધીઓ ભારતમાં છે.' અને આમ કહ્યા પછી એ હળવેથી કહેતો કે આખરે તો હું ભારતીય મૂળનો વેસ્ટઇન્ડિયન જ છું ને !
પોતાના કાંડાને મજબૂત બનાવવા કાલિચરણ ઘણું વેઇટલિફિંટગ કરતો હતો. એના હાથનો એ બે રીતે ઉપયોગ કરતો. એક તો શક્તિ વધારવા માટે અને બીજો સાંઈબાબા માટે. એને સાંઈબાબામાં અખૂટ શ્રદ્ધા. મદ્રાસમાં એમને મળવા ગયો, ત્યારે સાંઈ બાબાએ હવામાંથી તાવીજ કાઢીને એના હાથમાં આપ્યું હતું અને કાલિચરણ હંમેશાં તેને પોતાના ગળામાં પહરી રાખતો હતો.
કાલિચરણના ક્રિકેટજીવનમાં એક કટોકટી આવી હતી. રંગભેદને કારણે બહિષ્કૃત થયેલા દક્ષિણ આફ્રિકામાં કાલિચરણ બે વખત બિનસત્તાવાર બળવાખોર ટીમને લઈને ગયો હતો. એ સમયે રંગભેદના વળતાં પાણી હતાં, પણ આને કારણે માત્ર ક્રિકેટની દુનિયામાં જ નહીં બલ્કે વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. બંને વખત બળવાખોર ટીમના સુકાની તરીકે દક્ષિણ આફ્રિકા ગયેલા કાલિચરણનું એવું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર મેદાન પર અશ્વેત લોકો શ્વેત લોકોને હંફાવતા કે હરાવતા જોવા મળ્યા અને તેને પરિણામે અશ્વેત (બ્લેક) લોકોને ક્રિકેટ ખેલવા માટેનું પ્રોત્સાહન મળ્યું.
સમય જતાં આ વિવાદ શમી ગયો. પણ કાલિચરણે દક્ષિણ આફ્રિકાનો આ કે મેં મારા નિર્ણય વિશે રાતોના ઉજાગરા કરીને ખૂબ વિચાર કર્યો અને પછી એક દિવસ તત્કાળ સાંઈબાબાને ટેલિગ્રામ કર્યો. એમનો જવાબ ન મળ્યો, પરંતુ એક રાત્રે એ ઊંઘમાંથી અચાનક ઊઠયો, ત્યારે એને અંત:પ્રેરણા થઈ કે મારે જવું જોઈએ.
ઝડપી અને સ્પિન બંને પ્રકારની ગોલંદાજી સામે રમવા સદાય સુસજ્જ એવો કાલિચરણ એક સંપૂર્ણ બેટ્સમેન ગણાતો હતો. પીચ ગમે તેવી હોય પણ તે કાલિચરણની બેટિંગ પર પ્રભાવ પાડી શક્તી નહીં. કદમાં નીચા એવા આ ખેલાડીનાં સ્ટ્રોકનું ભાથું એટલું જ સમૃદ્ધ અને એની ફિલ્ડિંગ પણ એટલી જ ચોક્કસ હતી. મૃદુભાષી કાલિચરણ સિગરેટ કે શરાબને અડકતો નથી.
આજે ૭૧ વર્ષનો થયેલો કાલિચરણ UiTv Connectનો ગ્લોબલ ઇન્ટરનેટ નેટવર્કનો બ્રાન્ડ એમ્બેસેડર છે, પણ ૬૬ ટેસ્ટ, ૩૧ વન-ડે અને ૫૦૭ પ્રથમ કક્ષાની મેચો ખેલી ચૂકેલા આ સમર્થ બેટ્સમેનને ખરો આનંદ તો એના પૂર્વજોના વતન ભારતમાં મળે છે.
મનઝરૂખો
અમેરિકાની વ્યવસાયી બોકિસંગમાં ૧૯૧૯થી ૧૯૨૬ સુધી વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની અસાધારણ શક્તિને કારણે બોક્સિંગના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બોક્સર તરીકે જાણીતો બન્યો. લોકો એની બોક્સિંગ જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થતા હતા અને એને કારણે પ્રેક્ષકોની સંખ્યાના નવા વિક્રમો સધાતા હતા. પહેલી વાર એની બોક્સિંગની મેચમાં મિલિયન ડોલરની આવક થઈ હતી.
એક પછી એક વિજ્ય ધરાવતા 'જેક' ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બોક્સરે પરાજય આપ્યો. બોક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો, પરંતુ બોક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પોઈટથી ડેમ્પસેને હરાવ્યો. એક લાખ વીસ હજાર અને પાંચસો સત્તાવન પ્રેક્ષકોની હાજરીમાં આ ઘટના બની.
ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં, ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રોડવે પર 'જેક' ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી.
એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઇનામો આપવા લાગ્યો અને એ રીતે એણે એક નવી જિંદગીનો પ્રારંભ કર્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું,'મારા ચેમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લાં દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.'
સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.
ક્ષણનો સાક્ષાત્કાર
ઋગ્વેદની ગાથા હોય, શ્રી મહાવીરસ્વામીની આગમવાણી હોય કે પછી સ્વામી વિવેકાનંદનો બુલંદ પડકાર હોય, એ બધાએ એક જ વાત કરી : 'જાગો અને ઊઠો' ઊંઘમાંથી જાગૃત થવાની આ વાત નથી. નિદ્રાત્યાગ માટે બાળકને માતાપિતાએ પાડેલી બૂમ નથી. ઊંઘનો પ્રમાદ છોડો, એવો એનો અર્થ નથી. જાગો એટલે તમારી આંતરશક્તિને જગાડો.
તમારા ભીતરમાં પડેલી તાકાતને પ્રગટ કરો. તમારામાં જે સુષુપ્ત છે. એને જીવંત કરો. તમને પ્રાપ્ત થયેલી આંતરશક્તિનું સ્મરણ કરો અને પછી તમે જેને અશક્ય માનીને આળપંપાળ કરતા હતા, એને શક્યમાં પરિવર્તીત કરવા માટે જાગો. આ કામ મારા ગજા બહારનું છે. આને સિદ્ધ કરવું એ મારે માટે કદાપિ શક્ય નથી. મારામાં એ ક્યાં ક્ષમતા છે કે હું આ મેળવી શકું ? આ તો ક્યારેય બનવાનું નથી ! આવી બધી મનમાં પડેલી આળસને ખંખેરીને હવે તમે જાગો.
'જાગો' એ શબ્દ પ્રગટતાં જ તમારા ભીતરમાં ખળભળાટ જગાવશે. તમારા દિલ પર કોઈ ચોટ પહોંચાડશે અને તમને અહેસાસ થશે કે જીવનમાં જે સ્વપ્નો સેવ્યાં હતાં અને પછી માનીને બેઠા હતા કે એ સ્વપ્નો તો બધાં ખાખ થઈ ગયા છે, એ સ્વપ્નમાં સળવળાટનો અનુભવ કરો. નિરાશાથી માંડી વાળેલાં કાર્યોમાં પુન:લાગી પડો. નિશ્ચિત લાગતી નિયતિમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો.
આને માટે બહારની મદદની જરૂર નથી. કોઈ ના પર મદાર રાખીને નિરાશ્રિત થવાની જરૂર નથી. આ સઘળું તમારી ભીતરમાં જ છે. એ ભીતર જાગશે એટલે નવાં બારણાં ખુલશે. કોઈ નવું સ્વપ્ન, કોઈ નવો વિચાર, કોઈ નવો ગ્રંથ, કોઈ નવું સાહસ કરવાની તમન્ના જાગશે અને તમને કહેશે કે હવે નિરાંતે સૂવાનું કે પલાંઠી મારીને બેસવાનું નથી. ઊઠો અને કાર્યરત બનો, તો શક્યના નવાં નવાં દ્વારો ખૂલશે. નવી દુનિયાનું દર્શન થશે અને જીવનમાં ધબકતી ચેતનાનું ઉમેરણ થશે.